છ મહિના પહેલાં જ ગોવિંદાએ છૂટાછેડાની અરજી આપી દીધી હતી
- હાલ સમાધાન થઈ ગયાનો વકીલનો દાવો
- જોકે, કેટલાક અહેવાલ અનુસાર સુનિતા હજુ પણ છૂટાછેડા માટે અડગ છે
મુંબઇ : ગોવિંદા અને તેની પત્ની સુનિતા લગ્ન જીવનના ૩૭ વર્ષ બાદ છૂટાછેડા લઈ રહ્યાં હોવાની ચર્ચાએ ભારે ચકચાર જગાવી છે. જોકે, હવે ગોવિંદાના વકીલે એવો દાવો કર્યો છે કે વાસ્તવમાં છૂટાછેડાની નોબત છ મહિના પહેલાં આવી ગઈ હતી. યુગલે આ માટે અરજી પણ આપી દીધી હતી. પરંતુ બાદમાં તેમના વચ્ચે સમાધાન થઈ ગયું હતું.
વકીલ લલિત બિંદલના દાવા અનુસાર છ મહિના પહેલાં છૂટાછેડાની પ્રક્રિયા શરુ થઈ હતી એ સાચું છે પરંતુ હવે યુગલ વચ્ચે કોઈ ખટરાગ નથી. તેઓ એકબીજાની સાથે ખુશ છે અને તાજેતરમાં સાથે નેપાળ પણ ગયાં હતાં.
તેમણે ગોવિંદા અને સુનિતા અલગ અલગ રહેતાં હોવાની વાત પણ નકારી કાઢી છે. તેમના તેમના જણાવ્યા અનુસાર ગોવિંદા સાંસદ બન્યા પછી ઔપચારિક કામો માટે એક નવો બંગલો ખરીદ્યો હતો, જે તેમના ફેલ્ટની સામે જ આવેલો છે. ગોવિંદા ઘણીવાર એ બંગલામાં કામકાજ માટે રોકાય છે અને ત્યાં જ સૂઈ જાય છે. પરંતુ, તેનો મતલબ એ નથી કે બંને અલગ અલગ રહે છે.
જોકે, ફિલ્મી વર્તુળોમાં ગપસપ અનુસાર ગોવિંદા સમાધાન માટે તૈયાર થઈ ગયો છે પરંતુ સુનિતા હજુ પણ છૂટાછેડા માટે મક્કમ છે. યુગલે હજુ સુધી આ અફવાઓ વિશે કોઈ ફોડ પાડયો નથી. સુનિતાના પાછલાં કેટલાંક નિવેદનો પણ બંને વચ્ચે ખટરાગ હોવાની સાક્ષી પૂરે છે.