આખરે ડોન થ્રી પરથી ધૂળ ખંખેરાઈ, આ વર્ષમાં જ શૂટિંગ શરૂ થશે
- રણવીર અને કિયારાના ચાહકોને હાશકારો
- ફિલ્મ અટકી પડી હોવાની ચર્ચાઓ વચ્ચે ફરહાન અખ્તરની શૂટિંગ શરૂ કરવાની જાહેરાત
મુંબઇ : રણવીર અને કિયારા અડવાણીની 'ડોન થ્રી' અટકી પડી હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલે છે.
જોકે, હવે ફરહાન અખ્તરે ચાહકોને ખુશ ખબર આપ્યા છે કે આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષમાં જ શરુ કરી દેવામાં આવશે.
થોડા સમય પહેલાં એવા અહેવાલો હતા કે ફરહાન અખ્તરે હાલ પોતાની એક્ટિંગ કેરિયર પર ફોક્સ કર્યું હોવાથી આ ફિલ્મ હાલ પૂરતી પડતી મૂકી દેવામાં આવી છે. રણવીર અને કિયારા બંને માટે કારકિર્દીની આ મહત્વની ફિલ્મ ગણાય છે.
મૂળ ડોન ફિલ્મમાં અમિતાભ બચ્ચને મુખ્ય ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ 'ડોન વન' અને 'ડોન ટૂ'માં શાહરુખે મુખ્ય ભૂમિકા ભજવી હતી. નવા ડોન તરીકે રણવીરની પસંદગી અંગે મિશ્ર પ્રતિભાવો સર્જાયા હતા. તે જ રીતે રોમાની ભૂમિકા માટે પ્રિયંકા ચોપરાની જગ્યાએ કિયારા અડવાણી વધારે પડતી કોમળ લાગતી હોવાની ચર્ચાઓ પણ અગાઉ થઈ હતી.