કાશ્મીરના અનોખા દિવ્યાંગ ક્રિકેટરની બાયોપિકની જાહેરાત, આ રોલ કરવાની વિકી કૌશલની ઈચ્છા
બોલિવૂડ ફિલ્મ ક્રિટીક તરણ આદર્શ સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરતા ફિલ્મ અને ક્રિકેટના ચાહકો ખુશખુશાલ
Cricketer Amir Hussain Lone Biopic : ક્રિકેટના મેદાન પર ચોગ્ગા-છગ્ગા ફટકારનાર કાશ્મીરના જાણીતા દિવ્યાંગ ક્રિકેટર આમિર હુસૈન લોન પર બાયોપિક બનવા જઈ રહી છે. આ ફિલ્મની જાહેરાત થઈ હોવાની બોલિવૂડ ફિલ્મ ક્રિટીક તરણ આદર્શે સોશિયલ મીડિયામાં માહિતી આપી છે.
તરણ આદર્શે પોસ્ટર પણ શેર કર્યું
તરણ આદર્શે આ ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે. તેમાં બેટ-બૉલ સાથે આમિરનો લુક દમદાર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તેમાં આમિર હુસૈન લોનના એક પગમાં ચપ્પલ છે અને બીજા પગમાં કાંઈ નહીં. હકીકતમાં તે પગથી બોલિંગ કરે છે અને તેથી જ પોસ્ટરમાં એ વાત દર્શાવવાનો પ્રયાસ કરાયો છે. તરણ આદર્શે લખ્યું છે કે, ‘ક્રિકેટર આમિર હુસૈન લોનની બાયોપિકની જાહેરાત કરાઈ છે. કાશ્મીરી ક્રિકેટ સેન્સેશન આમિર હુસૈન લોનની ક્રિકેટની અસામાન્ય સફર હવે મોટા પડદે જોવા મળશે. તેની બાયોપિકમાં ક્રિકેટ ક્રિઝથી આગળ જીત અને પ્રેરણાની ક્ષણો દેખાડવામાં આવશે, જેનો વિશ્વસ્તરે પડઘો પડશે. આ ફિલ્મ Big Bat Films પ્રોડ્યુસ કરી રહી છે. આ ફિલ્મ મહેશ ભટ્ટે (Mahesh Bhatt) ડિરેક્ટ કરી રહ્યા છે.’
ફિલ્મમાં આમિરનું પાત્ર ભજવશે વિકી કૌશલ ?
આમિર ફિલ્મમાં કામ કરવા માટે અગાઉ વિકી કૌશલ (Vicky Kaushal)એ ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘હું કાશ્મીરના ક્રિકેટર આમિર હુસૈન લોનનું પાત્ર ભજવવા ઈચ્છું છું.’ જોકે આ ફિલ્મમાં આમિરની ભૂમિકા ભજવનારા અભિનેતાનું નામ જાહેર નથી કરાયું.
કોણ છે આમિર હુસૈન લોન ?
આમિર હુસૈન લોન જમ્મુ-કાશ્મીર પેરા ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. તે અહીંના બિજબેહરા ગામમાં રહે છે. તે સચિન તેંડુલકરનો પણ ચાહક છે. આમિરને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો, પરંતુ આઠ વર્ષની ઉંમરે જ તેણે બંને હાથ ગુમાવી દીધા. તેણે 1997માં પિતાના આરા મશીનમાં અકસ્માતે બંને હાથ ગુમાવ્યા હતા. વાત એમ હતી કે, તેઓની ગેરહાજરીમાં નાનકડા આમિરે બેટ બનાવવામાં ઉપયોગ લેવાતું મશીન ચાલુ કરી દીધું અને ત્યારે તેના બંને હાથ કન્વેયર બેલ્ટમાં ફસાઈને કપાઈ ગયા હતા.