આવી રહ્યો છે, હિન્દી ચીની ભાઈ ભાઈ પાર્ટ-ટુ
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- સાબરમતીનો હિંચકો ફરી સજાવી રાખો, કોને ખબર ફરી મહેમાનની પરોણાગત કરવાની નોબત આવે
ભાજપનો એક કાર્યકર રસ્તે ખુશીથી ઉછળતો જતો હતો .'પૈસા બચ્યા... પૈસા બચ્યા..'
બીજા કાર્યકરે તેને અટકાવ્યો. 'લ્યા, શેના પૈસા બચ્યા? સભ્યપદ નોંધણીનું કામ પૂરું થયું એટલે તેની દોડધામના પૈસા બચ્યા?'
'અરે, જવા દોને સભ્યપદની વાતો. મોટા નેતાઓનાં પણ ટાર્ગેટ પૂરા નથી થયા તો આપણા જેવા કાર્યકરોને કોણ પૂછે છે. આ તો પૈસા એટલે બચ્યા કે હવે દિવાળીમાં ચાઈનીઝ રોશની વાપરી શકાશે. ઘરમાં ચાઈનીઝ ઈલેક્ટ્રોનિક આઈટમો લાવી શકાશે. ચીનની સસ્તી ચીજોને કારણે પૈસા બચશેને.'
'પણ, ભલા માણસ તને કોણે આ બધું વાપરવાની ના પાડી હતી? રંગોળીના સ્ટિકરથી માંડીને રમકડાં સુધીનું કેટલુંય ચાઈનીઝ બનાવટનું આટલાં વર્ષોથી મળે જ છેને.'
'ના હોં. હું તો ખરો દેશભક્ત છું. ચીનાઓએ ગલવાન ખીણમાં જે કાંઈ કર્યું તે પછી નક્કી કરી લીધું હતું કે ગુફામાં રહીશ અને પાંદડાં પહેરીશ, પણ ચીની ચીજવસ્તુ તો કોઈ કાળે ન ખપે. આખરે દેશદાઝ જેવું પણ કાંઈક હોય ને.'
'ઓ મિસ્ટર, તારી દેશદાઝ બરાબર છે, પણ સરકારે એ પછી ક્યાં ચીન સાથે ઓફિશિયલ વેપાર પર પ્રતિબંધ મૂક્યો જ ન હતો. ઉલ્ટાનું આંકડા કહે છે કે આટલાં વર્ષોથી ચીન સાથે વેપાર તો વધતો જ રહ્યો છે.'
'જો ભાઈ, મને એવી બધી ઊંચી વાતોમાં સમજ ન પડે. મને તો એટલી ખબર પડી છે કે હવે આપણા અને ચીનના સંબંધ ફરી સુધરી ગયા છે. ફરી બેય દેશના નેતાઓએ હાથ મિલાવી લીધા છે. બધું ખાધું પીધું ને મંગલ કર્યું જેવું વાતાવરણ છે. તો હું પણ હવે અપરાધભાવ અપનાવ્યા વિના ફરી બધી ચાઈનીઝ ચીજોની ખરીદી કરી શકીશ અને વાપરી શકીશ.'
'ઓહો, યુ મીન ફરી હિંદી ચીની ભાઈ ભાઈ પાર્ટ-ટુ, એમ? ફરી આપણે નહેરુ જેવી ભૂલ કરીશું?'
'ના હોં. નહેરુ તો ભોળા હતા. હવે તો આપણે વિશ્વગુરુ છીએ.હવે તો આપણે ચીનને પણ ઊંઠા ભણાવી શકીએ તેમ છીએ. ઉલ્ટાનું ચીન ચાર વાતોમાં આપણને પૂછે તેમ છે. મને તો લાગે છે કે આપણે ફરી સાબરમતીના તીરે રીવર ફ્રન્ટ ગાર્ડનમાં ફરી હિંચકો સજાવી રાખવા જેવો છે. ચીનના મહેમાન આપણું માર્ગદર્શન લેવા પાછા આવી શકે છે.'
'સારું, આવે તો આપણે એમને પૂછી શકીશું કે આ પાછલાં કેટલાંક વર્ષોમાં તમે અમારી સરહદ પાસે બાંધકામો કરી દીધાં છે અને લશ્કરી છાવણીઓ બનાવી દીધી છે એવી સેટલાઈટ ઈમેજીસ વારંવાર આવ્યા કરે છે એ શું છે?'
'ભઈ, મને દિવાળીની ખરીદી કરવા જવામાં મોડું થાય છે.' એમ કહી કાર્યકર ભાગ્યો.
આદમનું અડપલું
ચીનને પાઠ ભણાવવાના નેતાઓના હુંકાર પણ ચીનની આઈટમો જેવા જ નીકળે છે - બિલકુલ તકલાદી.