ફેંકમફેંક હૈ તો ગાદી સેફ હૈ, બટેંગે તો ઈડી સે બચેંગેં
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- વોશિંગ મશીન છાપ કોંગ્રેસી નેતાઓની આયાત સામે ભાજપના સંનિષ્ઠ કાર્યકરોએ 'એક હૈં તો સેફ હૈં'નો નારો આપવો પડે તેમ છે
ભાજપના કાર્યાલયમાં નારો ગૂંજ્યો: 'એક હૈં તો સેફ હૈં'
એક નેતા દોડતા આવ્યા. 'લ્યા, મૂંગા મરો. આપણા તમામ નારા, તમામ એનર્જી, તમામ સુશાસનના વાયદા બધું જે રાજ્યોમાં ચૂંટણી આવતી હોય ત્યાં માટે જ હોય છે. અહીં બૂમાબૂમ ન કરો.'
એક કાર્યકર કહે, 'અરે આ તો જેણે બનાવેલા તાજા બ્રિજમાં ગાબડું પડયું છે કે જેણે બનાવેલી નવી સરકારી બિલ્ડિંગના પોપડા ઉખડવા માંડયા છે તેવા કેટલાક કોન્ટ્રાક્ટરો પાર્ટીના મોટા નેતાઓને મળવા આવ્યા હતા તેઓ આ નારો પોકારતા હતા કે 'એક હૈં તો સેફ હૈ', બાકી કાર્યવાહી થશે તો 'હમ તો ડૂબેંગેં સનમ, તુમ કો ભી લે ડૂબેંગેં.'
મોટા નેતા જરાય ભોંઠા પડયા વગર કહે,'કોન્ટ્રાક્ટરો તો અમથા દિવાળી સ્નેહ મિલન માટે આવ્યા છે એટલે જરા જોશમાં આવીને સૂત્રો પોકારે છે.'
એક કાર્યકર કહે, 'સાહેબ, વોશિંગ મશીનમાંથી ધોવાઈને આવેલા કોંગ્રેસીઓ તથા બીજી પાર્ટીના નેતાઓની ભીડ પાર્ટીમાં વધતી જાય છે એટલે અમારા જેવા દાયકાઓ જૂના સંનિષ્ઠ કાર્યકરોએ નાછૂટકે 'એક હૈં તો સેફ હૈ'નો નારો આપવો પડે તેમ છે. નહીં તો આ વોશિગ મશીનછાપવાળા જતે દિવસે અમને પગથિયે મૂકી આવશે ને આખી પાર્ટીનો કબજો લઈ લેશે.'
ત્યાં મૂળ કોંગ્રેસમાંથી આવેલા એક નેતા ઉશ્કેરાયા. 'બસ, ભાજપનું કોંગ્રેસીકરણ કરવાની હજુ તો શરુઆત થઈ ત્યાં જ હાંફી ગયા? હું તો મારી પાછળ હજુ પણ રહી ગયેલા બચેલાખૂટેલા કોંગ્રેસીઓને મેસેજ આપીને આવ્યો છું કે 'બટેંગે તો ઈડી સે બચેંગેં'. જલ્દી જલ્દી પાર્ટીથી વિભાજિત થઈને આ બાજુ આવતા રહો.'
મોટા નેતા નારાજ થઈને કહે,'જુઓ, આ બધી બૂમાબૂમ કોઈએ કરવી નહીં. આપણી પાર્ટીનો સિદ્ધાંત છે, 'બાલેંંગે તો સડેંગે'. બહુ બોલકા હશે તેમને ખૂણે બેસાડી રાખવામાં આવશે. 'ઝુકેંગે વો પાયેંગે' - જે લોકો નમશે તેઓ પામશે. સમજ્યા?
એક કાર્યકર કહે, 'તમે બોલવાની મનાઈ ફરમાવો છો, પરંતુ માત્ર સીધું સાદું બોલવાને બદલે જે સૌથી વધારે ફેંકી શકે તેને તો ખાસ પદથી નવાજશોને? આપણા કેટલાય નેતાઓ જે રીતની નિવેદનબાજીઓ કરે છે તે જોતાં અમને તો લાગે છે કે 'ફેંકમફેંક હૈ તો ગાદી સેફ હૈ'. બોલો, સાચું કે નહીં?'
મોટા નેતાએ 'અભી બોલેંગે તો ફસેંગે' કહી ચાલતી પકડી.
આદમનું અડપલું
'બટેંગે તો કટેંગે' આ સૂત્રનો જાતઅનુભવ જ્ઞાાતિ-જાતિ, ધર્મ સહિતની વોટબેન્કોમાં વહેંચાઈ જઈને આમ આદમી આમેય કરી જ રહ્યો છે.