Get The App

કૃષ્ણનું માનવજાતને ગીતા દ્વારા શું કહેવું છે

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
કૃષ્ણનું માનવજાતને ગીતા દ્વારા શું કહેવું છે 1 - image


- જીવનમાં જ્યાં સત્યમાં સ્થિત થઈને કર્મ છે, જીવનમાં સત્યતા પૂર્વકનું સાહસ છે, ધેર્ય છે, શક્તિ અને પરાક્રમ, આ છ ગુણ માણસે ધારણ કરીને નિષ્કામ ભાવ સાથે કર્મ કરવાના છે. એમ ગીતા કહે છે.

- માણસ આનંદ પૂર્ણ જીવન જીવશે એજ ગીતાના સત્ય ધર્મ ભાવનાનું ફળ છે, ને અભય પદ અચલપદ અને અમર પદ પ્રાપ્ત કરવું એ જ માનવ જીવવનો ધ્યેય અને ઉદેશ છે

ગી તામાં જે સત્યના વિચાર રત્ન રહેલા છે, જેનું અનુસરણ અને આચરણ જ અમરપદનો દરવાજો ખોલી આપે છે અભય પદ પ્રદાન કરે છે, અને અચલપદમાં સ્થિત કરે છે, સમતા રૂપ બનાવી ધૈર્યવાંન બનાવી સંકલ્પોથી, અને સુખ દુઃખની પ્રતિક્રિયાઓથી મુક્ત અને આનંદમાં સ્થિત કરે છે.

આમ આપણે આપણાં પોતાના આત્મિક સત્યમાં, અતરાત્માના સત્યમાં સ્થિર થઈને ચિત્તને નિર્મળ અને નિર્લેપ કરીને પૂરેપૂરી. સત્યતા, તટસ્થતા અને તલસ્પર્શિતા સાથે આપણાં પોતાના આગ્રહ રહિત થઈને  સર્વકાલીન થઈ નિર્વિચાર પણે અને નિર્વિકારપણે અને સર્વ દેશીય રીતે કૃષ્ણના ગીતાના વિચાર રત્નને જાણવાના છે, અને અંતરથી જાણીને આચરણમાં મૂકવાના છે, આચરણ એ જ સત્ય ધર્મ છે.

જીવનમાં જ્યાં સત્યમાં સ્થિત થઈને કર્મ છે, જીવનમાં સત્યતા પૂર્વકનું સાહસ છે, ધેર્ય છે, શક્તિ અને પરાક્રમ, આ છ ગુણ માણસે ધારણ કરીને નિષ્કામ ભાવ સાથે કર્મ કરવાના છે. એમ ગીતા કહે છે.

આવા તમામ કર્મો પાછા મનનો કર્તાભાવ અને અહંકાર તેમજ કર્મ ફળની આશાથી મનને મુક્ત કરીને સંશુધ્ધ મનથી કર્મ કરવાના છે, જેથી કર્મમાં ચિત્ત સો ટકા એકાગ્ર થશે, અને ચિત્ત વેરવિખેર રહેશે નહીં જેથી કર્મમાં ચિત્ત સોટકા પરોવશે આમ કર્મ સારા થશે, અને ફળ પણ સારા મળશે જે ફળ મળે તે, કાઈ નાખી દેવાના નથી. પણ તેનો ઉપયોગ જીવનમાં કરવાનો છે. પણ ઉપભોગ કરવાનો નથી. કારણકે ઉપયોગ શાંતિ આપે છે, જ્યારે ઉપભોગ દુઃખ આપે માટે ફળનો ઉપયોગ જ કરવાનો છે, જેથી મનની શાંતિમાં ખલેલ પડશે જ નહિ, જીવન આખું આનંદ રૂપ જીવી શક્શે જેથી જીવનમાંથી તૃપ્તિ સંતૃપ્તિ ઉપલબ્ધ થશે, આનું નામ પૂર્ણ જીવન.

આમ નિષ્કામ ભાવે ફળની આશા છોડી કર્મો કરવા જોઈએ. આમ જીવનમાં કર્મ છોડે તે નીચે પડે જ. તે પોતાના જીવનનું ઊર્ધ્વીકરણ કરી શકે જ નહિ કારણકે આસક્તિ વાસના કામના અને સંકલ્પો સાથે જીવતો હશે જેથી દુઃખ ઉદ્વેગ અને અહંકાર અને દ્વંદ્વથી મુક્ત થઈ શક્શે જ નહિ, આમ કિચડમાં પડયો રહેશે, અને જે માણસ કર્મ સ્વસ્થ અને પ્રસન્ન ચિત્તે કરે અને ફળની આશા છોડે તે જીવનમાં ઊર્ધ્વીકરણ કરી જ શકે એટલે કે પ્રસન્નચિત્તે જીવી શકે એટલે દુખ નજદીક પણ આવશે જ નહિ. તેમ ગીતા કહે છે, આજ અમૃત રૂપ જીવન છે આજ માનવ જીવનની સિધ્ધી બનશે, આમ સત્કૃત્ય કરીને પરમાત્માની કૃપાને પામો છો. આજે આપણે ત્યાં દૈવી કૃપાને એટલું બધુ મહત્ત્વ અપાઈ રહ્યું છે કે કૃપા જ સર્વ કાંઈ છે. એવી જે માન્યતા જડ ધાલી ગઈ છે, તેને ગીતા સમર્થન આપતી જ નથી અને તેમાં સત્ય પણ નથી નરી બનાવટ છે. તેમાં સત્યસ્વરૂપ પુરુષાર્થને કે સત્ય કર્મને કોઈ સ્થાન જ નથી, જ્યારે આસક્તિ રહિત કર્મ અને પુરુષાર્થ જ જીવનને ઉજાળે છે. એમ ગીતા કહે છે, તેજ મનને સંશુધ્ધ કરે.

આમાં બીજાનું માનવાનો સવાલ જ નથી. આપણે જ ગીતાંના ભમરિયા કૂવામાં ઉંડા ઉતરી ગીતાના મોતી ઉપલબ્ધ કરવાના છે, અને આત્મિક સત્ય સ્વરૂપ થઈને જીવનમાં સત્ય ધર્મ ધારણ કરીને ગીતાના રત્નોનું જીવનમાં આચરણ કરવાનું છે, આમ સત્યનું આચરણ એજ ધર્મ છે. આમે માનવ જીવનમાં સત્ય ધર્મ ભાવના એ જ માણસની વિશેષતા છે, અને એજ માણસની ઉત્ક્રાંતિનું મહત્વનું પરિબળ બને છે.

આવી આપણી ગીતાની ધર્મ ભાવનાને આજના સંસ્થાગત ધર્મો અને આજના ધર્મ ગ્રંથોથી ઉપર ઉઠીને ગીતાના શુધ્ધ અસલ સ્વરૂપના સત્ય ધર્મનો અંગીકાર સ્વસ્થ ચિત્તે કરવાનો છે, એજ માણસને વિશાળતામાં સ્થિત કરશે ભેદાભેદ મિટાવશે અને સમાંના ભાવમાં સ્થિત કરી ગીતાનો સત્ય ધર્મ સમતાનો યુગ ધર્મ બનશે ગીતાનો આ ધર્મ એટલે કર્મોથી વિમુખ નહીં, પણ કર્મને આધ્યાત્મિક નિશાળ માનીને ચિત્ત શુધ્ધિ અને સમાજ શુધ્ધિનું ગીતાનો સત્ય ધર્મ સાધન બનશે.

આમ ગીતાની સત્યસ્વરૂપ ધર્મ ભાવના માનસિક કલ્પના કામના વાસના વગેરેના આચારોથી અને ક્રિયાકલાપોથી ઉપર ઉઠેલી આંતર ઉપાસનાની આંતર પધ્ધતિઓ વિવિધતામાં એકતા જોનારી હશે એનું નામ છે ગીતાની શુધ્ધ અસ્સલ સત્ય ધર્મ ભાવના, આવી ગીતાની પુખ્ત અને પરિપુષ્ટ પરમ સત્ય આધારિત સત્ય ધર્મ ભાવનાથી માનવ સમાજ પૂર્ણ રૂપે પ્રફુલ્લિત થશે.

માણસ આનંદ પૂર્ણ જીવન જીવશે એજ ગીતાના સત્ય ધર્મ ભાવનાનું ફળ છે, ને અભય પદ અચલપદ અને અમર પદ પ્રાપ્ત કરવું એ જ માનવ જીવવનો ધ્યેય અને ઉદેશ છે. તે પરિપૂર્ણ થશે આજ હેતુ અને ઉદેશ કૃષ્ણ ભગવાનનો છે. એમ ગીતામાં તેણે પરમાત્મા સ્વરૂપ થઈને પૂર્ણ રૂપે કહેલ છે. આવી ગીતાની પુખ્ત અને પરિપુષ્ટ બનેલી સત્ય સ્વરૂપ ધર્મ ભાવનાથી માનવ સોળે કળાએ ખીલીને પૂર્ણ રૂપે પ્રફુલ્લિત થશે જ આજ પરમાત્માનું વચન છે.

કારણકે ગીતામાં જે કૃષ્ણનું વિચાર રત્ન રજૂ થયેલ છે તે કૃષ્ણના પોતાના નથી, એટલું જાણો પોતે પરમાત્મ સ્વરૂપતા ધારણ કરીને વિચાર રત્ન વહાવેલ છે, એટલે આ વિચાર રત્નો કૃષ્ણના પોતાના નથી પણ પરમાત્માના છે, જેથી તેનું મહત્વ વિશેષ છે, એટલે જ તેના રત્નો સત્યની ધર્મભાવના બને છે. અને તેનું સંશુધ્ધ જીવનમાં અનુસરણ અને આચરણ અભયપદ, અચલપદ અને અમર પદ પ્રાપ્ત થાય જ, તેમાં કોઈ શંકાજ નથી કારણકે આ પરમાત્મ ના પોતાના રત્ન વિચારો છે, એટલું શુધ્ધ અંતરથી જાણો કૃષ્ણ તો માત્રને માત્ર નિમિત્ત જ છે...

- તત્વચિંતક વી પટેલ

Dharmlok

Google NewsGoogle News