તુલસી વિવાહ .
પુ રાણોમાં એવી કથા છે કે જલંધર રાજા પોતાની પત્ની વૃંદાના પાતિવ્રત્યના જોર પર સમાજમાં ખૂબ જ ત્રાસ વર્તાવતો હતો. જ્યાં સુધી એની પત્નીનું પાતિવ્રત્ય ખંડિત ન થાય ત્યાં સુધી જલંધરનું મૃત્યુ શક્ય નહીં. ભગવાન વિષ્ણુએ જલંધરનું રૂપ લઈને વૃંદાનું પાતિવ્રત્ય ખંડિત કર્યું. વૃંદાને ખબર પડતાં જ તેણે વિષ્ણુને પત્થર થવાનો શાપ આપ્યો. તેથી વિષ્ણુ શાલિગ્રામ થયા. વિષ્ણુએ તેને વનસ્પતિ બની જવાનું કહ્યું. વૃંદા તુલસી બની ગઈ. હજી પણ આપણે શાલિગ્રામ પર તુલસી-દલ ચડાવીએ છીએ; તેમજ પ્રબોધિની એકાદશીએ તુલસીને ભગવાન જોડે પરણાવીએ છીએ.
આ એક રૂપક કથા છે. વૃંદ એટલે ટોળું. વિચાર ન કરતાં સ્ત્રૈણ બુદ્ધિથી જલંધરના પક્ષમાં ઊભું રહેલું ટોળું જલંધર પ્રત્યે સ્ત્રી જેવી પાતિવ્રત્ય-નિષ્ઠા ધરાવતું હતું, તેથી તે વૃંદ ન કહેવાતાં વૃંદા કહેવાયું. આ ટોળાને જલંધર ઉપર અનન્ય નિષ્ઠા હતી. આ ટોળાના વિચારો જો બદલે, તેની જલંધર ઉપરની નિષ્ઠા જો તૂટે તો જ જલંધર ખલાસ થાય. ભગવાને ખોટી સંઘનિષ્ઠા તોડી નાખી અને એ રીતે ટોળા-વૃંદાનું પાતિવ્રત્ય ખંડિત કર્યું. ટોળાની જડતા ચાલી ગઈ, તેનામા વનસ્પતિનું ચેતન આવ્યું. તે ટોળાએ ભગવાનના વિચારો માન્ય કર્યા. ટોળું (વૃંદા-તુલસી) ભગવા જોડે પરણી ગયું. ભગવાન પણ શાલિગ્રામ બન્યા. અને એ રીતે લોકોને તત્વાભિમુખતા અને વનસ્પતિની જેમ સહજ અને સ્વયં વિકાસનું મહત્વ સમજાવ્યું.
તુલસી એ કલ્યાણસ્વરૂપી છે. તુલસીથી વાતાવરણમાં પાવિત્ર્ય આવે છે, પાપી વિચારોનો નાશ થાય છે.. તેથી જ ઘરમાં કે મંદિરમાં પાપહારિણિ પુણ્યદે તુલસીનું સ્થાન હોય છે. તુલસી નારાયણને પ્રિય છે. અનંત સુવર્ણાલંકારોથી જેનું પલ્લું નમ્યું નહીં એવા કૃષ્ણ રુકિમણીએ મૂકેલા તુલસી-પત્રથી તોલાયા. તુલસીના અનેક ફાયદાઓ છે પણ ભારતીય દ્રષ્ટિકોણ ફાયદાવાદી નથી. ભારતીય સંસ્કૃતિ તુલસીને વિભૂતિ સમજે છે. અને તુલસીમાતા તરીકે તેનું પૂજન કરે છે. સમાજમાંથી રોગ, વિકાર કે પાપને દૂર કરવા માટે તુલસીની માફક આપણે પણ જો કટિબદ્ધ થઈએ તો આપણે પણ પ્રભુ જોડે પરણી શકીએ. પણ આ બધું જુવાનીમાં શક્ય છે, એ વાતનું આપણને ભાન કરાવવા તુલસી અને નારાયણનો વિવાહ-મંડપ શેરડીના સાંઠાનો બનાવવામાં આવે છે. શેરડી જેવું રસવાન જીવન હોય ત્યારે જ એટલે કે જુવાનીમાં પ્રભુકાર્ય કરવામાં આવે તો પ્રભુ જોડેનું મિલન શક્ય બની શકે.
દિવાળીને દિવસે અનંત દીવાઓ પ્રગટે તેમ ભગવાનના વિવાહની ખુશીમાં આ દિવસે પણ લોકોએ દીવા પ્રગટાવ્યા. દેવ માટે પ્રગટેલા આ દીવાઓથી પ્રબોધિની એકાદશીનો દિવસ દેવદિવાળી તરીકે પણ પ્રસિદ્ધ થયો.
- સંસ્કૃતિ પૂજન