ગુરૂદેવ શ્રી રામકૃષ્ણ પરમહંસ દેવ પ્રત્યેનાં સ્વામી વિવેકાનંદજીનાં "દિવ્ય ભાવ-ઝરણ"
સ્વામી વિવેકાનંદજીના ગુરૂદેવ શ્રી રામકૃષ્ણ પરમહંસ દેવે ઈશ્વર સાથે પ્રત્યક્ષ સંવાદિતા સાધી હતી. દક્ષિણેશ્વરમાં તેમનો ઓરડો 'આનંદહાર' બની જતો. આધ્યાત્મિક વાતો- ચિંતન- મનન નિરંતર ચાલુ રહેતાં. તેમનું દિવ્ય આકર્ષણ અપ્રતિરોધ્ય હતું. તેમના દિવ્ય આકર્ષણ વર્તુળમાં, પુરૂષ-સ્ત્રી- ભણેલા-અભણ સૌ અવાક બની જતાં. શ્રી રામકૃષ્ણ દેવનું અદ્ભુત વ્યક્તિત્વ, એમની વ્યાપક દૃષ્ટિ, એમની હૃદયસ્પર્શી વાણી, એમના હૃદયના ઊંડાણમાંથી આવતા સત્યપૂત ઉપદેશ અદ્ભૂત હતા.
આવા સદ્ગુરૂ શ્રી રામકૃષ્ણ પરમહંસ દેવ પ્રત્યે વિવેકાનંદજીના હૃદયમાં જે "દિવ્ય ભાવ-ઝરણ" વહેતાં થયેલાં તેમાંનાં કેટલાક અંશોનું પવિત્ર આચમન કરીએ.
"મારા જીવનમાં શ્રી રામકૃષ્ણ દેવની કૃપાની ખાતરી વારંવાર મને મળતી રહી છે. તેઓ મારી પાછળ ઊભા રહી જાણે મારી પાસે બધું કાર્ય કરાવતા. નિરાધાર સ્થિતિમાં ભૂખથી પીડાતો ઝાડ નીચે હું પડયો હતો ત્યારે, એક પણ પાઈ રાખ્યા વિના મેં વિશ્વની પરિભ્રમણની પ્રતિજ્ઞા લીધી હતી ત્યારે, શિકાગોમાં મને જોવા હૈયું દળાય એટલું અમેરિકાનું લોક ઊભરાતું હતું ત્યારે... હું એ સન્માન એમની કૃપાથી પચાવી શક્યો હતો. વિશ્વમાં મને વિજય મળ્યો એ પણ એમની કૃપાથી જ."
"હિન્દની અને પશ્ચિમની બંને સંસ્કૃતિનો સમન્વય સાધવા માટે જ ભગવાન શ્રી રામકૃષ્ણ દેવ જન્મ્યા હતા."
"ધર્મનો સડો નાબૂદ કરવા, ઈશ્વરે જ આ યુગની પૃથ્વી ઉપર શ્રી રામકૃષ્ણ રૂપે અવતાર લીધો. તેમણે "સર્વદેશીય" ઉપદેશ આપ્યો. જેનો સમગ્ર જગતમાં પ્રચાર કરવામાં આવે તો માનવજાતનું - વિશ્વનું કલ્યાણ થાય. બધાય ધર્મોનો સમન્વય કરનાર આવો અદ્ભુત મહાન ગુરૂ ભારતમાં પાક્યો નથી."
"શ્રી રામકૃષ્ણ દેવ બધા સંપ્રદાયોને સ્વીકારતા, છતાં સાથે સાથે કહેતા કે "બ્રહ્મજ્ઞાનની" દૃષ્ટિએ જોતાં એ બધા મિથ્યા-માયા માત્ર છે."
"શ્રી રામકૃષ્ણ દેવના દિવ્ય ચરિત્રની અનેક બાજુઓ હતી. અનેક માનસિક વલણો હતાં. તેમના મનના અગાધ ઊંડાણની કલ્પના કરી શકાય તેમ ન હતી. તેમની કરૂણાપૂર્ણ આંખોની દૃષ્ટિથી હજારો વિવેકાનંદ થઈ શકે તેમ હતું."
"દેહ વિલયના બે દિવસ પહેલાં શ્રી રામકૃષ્ણ દેવે મને કહ્યું, જે રાજા હતા. જે કૃષ્ણ હતા તે જ આ દેહમાં "રામકૃષ્ણ" છે."
"આજના જગતના ગાઢ અંધકારમાં... આજના યુગ માટે આ મહાપુરૂષ, પ્રકાશનો "ઉજ્જવળ સ્તંભ" છે. હવે, તેના પ્રકાશ વડે જ માનવ, સંસારસાગર તરી શકશે."
"શ્રી રામકૃષ્ણ દેવના જે શિષ્યો છે અને જેમના ઉપર તેમની સાચી કૃપા ઊતરી છે તેમનામાં નથી સાંપ્રદાયિક્તા કે નથી ભેદભાવ."
"હજારો વર્ષ પછી શ્રી રામકૃષ્ણ દેવ સમાન એકાદ સંન્યાસી પેદા થાય. હજારો વર્ષ સુધી લોકો તેમના આપેલા વિચારો-આદર્શ પ્રમાણે માર્ગદર્શન મેળવતા રહે."
"શ્રી રામકૃષ્ણ દેવ હંમેશાં આગ્રહ રાખતા કે સ્પષ્ટ પણે સમજ્યા પછી જ, તેમનો એકેએક શબ્દ સ્વીકારવો. શુદ્ધ સિદ્ધાંત, સુસ્પષ્ટ તર્ક અને શાસ્ત્રો જેને સાચો કહે તે જ રસ્તે ચાલો. સતત મનનથી બુદ્ધિ શુદ્ધ થાય. બ્રહ્મનું પ્રતિબિંબ પડી શકે."
"શ્રી રામકૃષ્ણ દેવ ઉચ્ચ અને ઉદાર ભાવના રાખતા. તેમનો ઝળહળતો સર્વધર્મ સમન્વયનો જ્વલંત પ્રકાશ મળતો રહેશે."
"હું (વિવેકાનંદ) થોડાં વધારે વર્ષ જીવું કે ના જીવું પણ ભારત તો શ્રી રામકૃષ્ણ પરમહંસ દેવનું જ બની ગયું છે."
"મારા ગુરૂની પેઠે મને કામિની, કાંચન અને કીર્તિની પરવા વિનાના, સાચા સન્યાસી તરીકે, દેહત્યાગ કરવાની ઈચ્છા છે. હું જે કોઈ છું તે મારા ગુરૂદેવને લીધે છે."
"મા જગદંબાએ જ પોતાનું કાર્ય પાર પાડવા માટે શ્રી રામકૃષ્ણ દેવના દેહને કાર્યાન્વિત બનાવ્યો હતો. શ્રી રામકૃષ્ણ દેવે તેમની મહાન જીવનપદ્ધતિ પ્રમાણે પોતાનું જીવન જીવ્યા. તેમણે કોઈના માટે પણ કદિએ તિરસ્કારનો શબ્દ કાઢયો નથી."
"શ્રી રામકૃષ્ણ દેવનાં વંદન કરતી વખતે વિવેકાનંદજીએ રચેલો મંત્ર :- સ્થાપકાય ચ ધર્મસ્ય, સર્વધર્મ સ્વરૂપિણે ।
અવતાર વરિષ્ઠાય, રામકૃષ્ણાય તે નમ: ।।
ધર્મના સ્થાપક, સર્વધર્મ સ્વરૂપ, અવતાર શ્રેષ્ઠ એવા શ્રી રામકૃષ્ણ દેવને પ્રણામ કરું છું.
લાભુભાઈ ર. પંડયા