યોગ અને પૌષ્ટિક આહારથી તાજગી આવી : મોના સિંહ
- 'સાઇઝ ઝીરો નહીં, પણ શરીર ફૂલ જેવું હળવું હોવું જોઇએ . કામ કરવાની ભરપૂર ક્ષમતા હોવી જોઇએ'
'મારી યોગ તાલીમ પૂરી થઇ ત્યાં સુધીમાં મારું વજન ૧૦ કિલા ઘટી ગયું હતું. મને આશ્ચર્ય સાથે આનંદ પણ થયો. હું માની જ શકતી નહોતી કે મારું શરીર આટલું બધું હળવુંફૂલ થઇ ગયું છે.'
હિન્દી ફિલ્મ જગત દર્શકોને ભરપૂર મનોરંજન આપે છે. સાથોસાથ અમુક ફિલ્મોમાં કેટલાક વિશિષ્ટ પ્રયોગો પણ થયા છે. ખાસ કરીને ફિલ્મની કથાને ધ્યાનમાં રાખીને અભિનેતા કે અભિનેત્રીએ તેમનાં શરીરનું કાં તો વજન વધાર્યું હોય અથવા ઘટાડયું હોય. ઉપરાંત, બોલીવુડમાં તો અભિનેત્રીઓ માટે સાઇઝ ઝીરો (શારીરિક દેખાવ દુબળો -પાતળો અને સાથે સ્ફુર્તિદાયક હોવું)નો જાણે કે નિયમ,આગ્રહ કે શોખ હોય તેવો માહોલ પણ જોવા મળે છે. ફિલ્મ જગતમાં સફળ થવા અભિનય આકર્ષક ફીગર પણ હોય તો દર્શકોમાં લોકપ્રિયતા વધે છે. હીરોને જોકે આવા કોઇ જ નિયમ લાગુ નથી પડયા કે નથી પડતા.આલા દરજ્જાના અદાકાર સંજીવ કુમાર, શમ્મી કપૂર, ઋષિ કપૂર વગેરે જાડિયાપાડિયા હોવા છતાં તેમને ફિલ્મો મળતી હતી.
અમુક અભિનેત્રીઓ જોકે આવા સાઇઝ ઝીરોના નિયમ કે આગ્રહથી દૂર રહી શકી છે. શરીરનું વજન કદાચ પણ વધુ હોય છતાં પોતાના મજેદાર અભિનયથી બધાંને પ્રભાવિત કરી શકે છે.
મોના સિંહ આવી જ અભિનેત્રી છે. મોના સિંહને સૌથી મોટી અને મજબૂત ઓળખ એટલે સુપરહીટ ટેલિવિઝન સિરિયલ -- જસ્સી જૈસી કોઇ નહીં (૨૦૦૩થી ૨૦૦૬). મોના સિંહને ટીવી સિરિયલોમાં સફળતા મળી. હવે હિન્દી ફિલ્મોમાં અને ઓવર ધ ટોપ(ઓટીટી) માં પણ એટલી જ સફળતાથી કામ કરે છે.
ચંડીગઢના સીખ પરિવારમાં જન્મેલી અને ઉછરેલી મોના સિંહ કહે છે, મને મારી અભિનય કારકિર્દીમાં ક્યારેય પણ સાઇઝ ઝીરોનો નિયમ કે આગ્રહ નથી નડયો. મેં પણ મારું શરીર દૂબળું-પાતળું અને સુંદર દેખાય તે માટે પણ ક્યારેય પ્રયાસ નથી કર્યો .એમ કહો કે આવું વિચાર્યું પણ નથી. બસ, મારું બધું ધ્યાન મારા પાત્રને પૂરતો અને સાચો ન્યાય આપવા પર જ રહે છે. મારા નમ્ર મત મુજબ અભિનેતા કે અભિનેત્રીએ તેની ભૂમિકાને અભિનયથી જીવંત કરવી જોઇએ કે જેથી દર્શકોનાં મન -હૃદયમાં તેનું આકર્ષક - સુંદર શરીર નહીં પણ પેલું પાત્ર રમતું રહે. હા, મેં થોડા સમય પહેલાં મારી એક ફિલ્મ માટે સાત કિલો વજન ઘટાડવાનો પ્રયોગ કર્યો હતો. ખરેખર તો મારે આવો પ્રયોગ મારા પાત્રને પૂરતો ન્યાય આપવા માટે કરવો પડયો હતો. મેં અગાઉ ક્યારેય પણ વજન ઘટાડવાનો પ્રયોગ કર્યો નહીં હોવાથી મને આ પ્રયોગ બાબતમાં કોઇ જ માહિતી નહોતી.
મેં છેવટે એક અનુભવી અને અભ્યાસી યોગ ગુરુનું માર્ગદર્શન લીધું હતું. તે યોગ ગુરુએ મને સમજાવ્યું કે યોગનો અભ્યાસ શરીરનું વજન ઘટાડવા માટે નહીં પણ તન-મનમાં તાજગીના અને ચેતનાના ફુવારા ઉડે. શરીર હલકું ફૂલકું લાગે. જીવન જીવવા જેવું લાગે તેવા ઉમદા હેતુસર હોય છે.
મને તે યોગ ગુરુએ અષ્ટાંગ યોગની સઘન તાલીમ આપી. મારે તાલીમ દરમિયાન મારા શરીરને ચાર મિનિટ સુધી સીધું ટટ્ટાર રાખીને શ્વાસોચ્છવાસની પ્રક્રિયા પણ કરવાની હતી. હા, મને શરૂઆતના તબક્કે આવી યોગ તાલીમ બહુ કઠીન લાગી હતી.આમ છતાં સમય જતાં દરરોજ સવારે ધ્યાન, પ્રાણાયામ, હળવાં પણ બહુ ઉપયોગી યોગાસન, સાત્વિક આહાર, વગેરેથી મારા આખા શરીરમાં તેની શુભ,સાત્વિક, સવળી અસરનો અનુભવ થયો. મારાં તન-મનમાં તાજગી અને ચેતનાનો અદભુત અનુભવ થયો.મારાં વાણી,વિચાર, વર્તનમાં સુંદરતાનાં દર્શન થયાં. માનસિક શાંતિ એટલે શું તેનો ખરો અર્થ સમજાયો. અગાઉની સરખામણીએ મારી કાર્યશક્તિમાં વધારો થયો. એમ કહો કે મારા સમગ્ર જીવનમાં કોઇક હકારાત્મક ચમત્કાર થયો હોય આનંદ અનુભવ થયો.
મોના સિંહ કબૂલ કરતાં કહે છે, મારી યોગ તાલીમ પૂરી થઇ ત્યારે મારું વજન ૧૦ કિલા ઘટી ગયું હતું. મને આશ્ચર્ય સાથે આનંદ પણ થયો. હું માની જ શકતી નહોતી કે મારું શરીર આટલું બધું હળવુંફૂલ થઇ ગયું છે. શરીર ફૂલ જેવું હળવું થવું તેનો અર્થ હરગીજ સાઇઝ ઝીરો નથી કારણ કે આ સમગ્ર સુંદર પરિણામ તો યોગની તાલીમનો ચમત્કાર છે.હું મન, કર્મ, વચનથી મારા યોગ ગુરુનો અંત:કરણપૂર્વક આભાર માનું છું.
યોગ તાલીમ દરમિયાન મોના સિંહે સાત્વિક આહાર લીધો હતો. રોજબરોજના આહારમાં ઘી , દૂધ, નાળિયેર પાણી, છાશ, દહીં,કઠોળ, શાકભાજી, ઋતુ પ્રમાણેનાં ફળ વગેરે રહેતાં. આ તમામ ખાદ્ય પદાર્થમાં ભરપૂર પ્રોટીન હોય છે. ખાસ કરીને શિયાળામાં તો આહારમાં મેથી,તાંદળજો, પાલક વગેરેની લીલીછમ અને પૌષ્ટિક ભાજી, ગાજર,મૂળા, કાકડી, ટામેટાં વગેરે લેવાથી શરીરને આખા વર્ષનું પોષણ - શક્તિ પ્રાપ્ત થાય છે.