ગીતકાર પોતે ગાયક કે સંગીતના ઊંડા અભ્યાસી હોય ત્યારે...
- 'મુંબઇમાં હું ફિલ્મ સંગીત સાથે સંકળાયેલો છું એવું મેં મારાં માતાપિતા કે સાસરાવાળાને કહ્યું નહોતું. અહીં બેન્ડવાજાવાળા ફિલ્મ રતનનાં મારાં જ ગીતો વગાડી રહ્યાં હતા અને સગાંસંબંધી એ ગીતોની ધૂન પર નાચી રહ્યા હતા. ક્યાંક મારાં માતાપિતાને મારા અસલી વ્યવસાયની જાણ થઇ જશે એવા ભયે હું થથરી રહ્યો હતો...'
- રવીન્દ્ર જૈન
- ડી. એન. મધોક
- પ્રદીપજી
- શૈલેન્દ્ર
- પ્રેમ ધવન
'હું દૂલ્હાના પોષાકમાં સજ્જ થઇને ઘોડા પર બેઠો હતો. લખનઉની સડકો પર મારું ફુલેકું નીકળી રહ્યું હતું. શિયાળાના દિવસો હતા પરંતુ હું મસ્તક પર ઓઢેલા સાફા અને ફૂલોના મુગટ હેઠળ પરસેવે રેબઝેબ હતો. મુંબઇમાં હું ફિલ્મ સંગીત સાથે સંકળાયેલો છું એવું મેં મારાં માતાપિતા કે સાસરાવાળાને કહ્યું નહોતું. અહીં બેન્ડવાજાવાળા ફિલ્મ રતનનાં મારાં જ ગીતો વગાડી રહ્યાં હતા અને સગાંસંબંધી એ ગીતોની ધૂન પર નાચી રહ્યા હતા. ક્યાંક મારાં માતાપિતાને મારા અસલી વ્યવસાયની જાણ થઇ જશે એવા ભયે હું થથરી રહ્યો હતો...' સંગીતકાર નૌશાદ અલીની આત્મકથાનો આ એક અંશ છે.
સંગીતકાર તરીકે નૌશાદની કારકિર્દીને રતન ફિલ્મથી જબરદસ્ત વેગ મળેલો. જોકે નૌશાદના ટીકાકારો રતનના સંગીતનો પૂરેપૂરો યશ ફિલ્મના ગીતકાર પંડિત દીનાનાથ (ડી.એન.) મધોકને આપે છે. જી હા, પંડિત દીના નાથ મધોક માત્ર ટોચના ગીતકાર જ નહોતા, ભારતીય સંગીતના ઊંડા અભ્યાસી હતા. નૌશાદ રાતદિવસ સંઘર્ષ કરી રહ્યા હતા. એમની કારકિર્દી જામતી નહોતી. ન તો એમને ટોચના બેનર્સની ફિલ્મ મળતી હતી કે ન તો એમના સંગીતને યોગ્ય દાદ મળતી હતી. એવા સમયે પંડિત દીના નાથ મધોક એમની વહારે આવ્યા અને નૌશાદને થોડીક ફિલ્મો અપાવી અને એમાં પોતે ગીતો રચ્યાં. કેટલાક વિદ્વાનોના મતે મધોક ગીતની સાથોસાથ એની તર્જની આઉટલાઇન પણ નૌશાદને આપતા. નૌશાદની સંગીતકાર તરીકેની શરૂઆતની તમામ હિટ ફિલ્મોના સંગીતમાં મધોકનો સિંહફાળો હતો. નૌશાદને ખરો યશ ફિલ્મ અનમોલ ઘડીથી મળ્યો. એમાં નૂરજહાં અને સુરેન્દ્રે ગાયેલા આવાઝ દે કહાં હૈ દુનિયા મેરી જવાં હૈ... ગીતે ધૂમ મચાવેલી.
સાવ સરળ છતાં હૃદયસ્પર્શી શબ્દો હોય, ભાવનું ઊંડાણ હોય અને સાંભળનારને પોઝિટિવ અસર કરે એવા ગીતકારોમાં તમારું સ્થાન અજોડ ગણાય છે. તમારી દ્રષ્ટિએ એવા બીજા ગીતકારો કેટલા ? એક મુલાકાતમાં વરિ ગીતકાર- ફિલ્મસર્જક ગુલઝારને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે આંખનો પલકારોય માર્યા વિના ગુલઝારે કહ્યું કે મને એવા બે ગીતકારો તરત યાદ આવે છે. ૧૯૪૦ના દાયકાના ડી. એન. મધોક અને ૧૯૫૦ના દાયકાના શૈલેન્દ્ર. આજની પેઢીના ટીનેજર્સ ગીત-સંગીત રસિકોને આ બંને નામ કદાચ અજાણ્યા લાગશે. પણ ગુલઝાર જેવા ટોચના સર્જકના અભિપ્રાયનો ઘણો મહિમા છે.
આજે એવા બે-ત્રણ ગીતકારોની વાત કરવી છે જે માત્ર ગીતકાર નહોતા. ગીતો રચવા ઉપરાંત એ પોતે એનું સ્વરનિયોજન કરીને સંગીતકારને આપતા. અથવા એમ કહો કે તર્જની ફ્રેમ તૈયાર કરીને આપતા. સાથોસાથ એવાય ગીતકાર થયા જે પોતે અચ્છા ગાયક હતા. એ એવા સમદરપેટા હતા કે પોતે પરદા પાછળ રહ્યા. સંગીતનો યશ અન્યને લેવા દીધો. એવા કમ સે કમ ત્રણ ગીતકારોને યાદ કરવા રહ્યા. સૌથી પહેલું નામ ડી એન મધોકનું છે. નૌશાદ રતનનાં જે ગીતોનો ઉલ્લેખ કરે છે એ આ રહ્યા- મિલ કે બિછડ ગયી અંખિંયાં હો રામા..., ઓ જાનેવાલે બાલમવા લૌટ કે આ.., અંખિયાં મિલા કે જી ભરમાકે ચલે નહીં જાના...
મધોકે એવાંય યાદગાર ગીતો આપ્યાં જે કે એલ સાયગલ જેવાના અમર કંઠે આપણને ભેટ મળ્યા જેમ કે મધુકર શ્યામ હમારે ચોર... અથવા પંછી બાવરા... (બંને ગીતો ભક્ત સૂરદાસ). મધોકે પોતે ભારતીય સંગીતની પ્રાથમિક તાલીમ લીધી હતી એટલે ગીત રચતી વખતે જ એમના મનમાં આપોઆપ તર્જ ગોઠવાતી જતી. પાછળથી મધોકે ફિલ્મ સર્જક તરીકે પણ હાથ અજમાવી જોયો હતો. ટોચની અભિનેત્રી મધુબાલાએ બનાવેલી ફિલ્મ નાતા (૧૯૫૫)નું નિર્દેશન મધોકે કરેલું. એ પહેલાં રણજિત સ્ટુડિયો માટે મધોકે શમા પરવાના ફિલ્મ (૧૯૩૭)નું નિર્દેશન કરેલું.
એવું જ કંઇક ગીતકાર પ્રદીપજી માટે કહી શકાય. પ્રદીપજી ગીતો રચતી વખતે મનોમન એનું સ્વરનિયોજન કરી નાખતા. પોતે સંગીતકારને ગાઇને સંભળાવતા. કેટલીક વાર એવું બનતું કે સંગીતકાર પોતે અમુક ગીત પ્રદીપજીના કંઠે ગવડાવવાનો આગ્રહ સેવતો. આમ ગીત રચવા ઉપરાંત એનું સ્વરનિયોજન અને ગાયન બધું પ્રદીપજી સંભાળી લેતા. એસ ડી બર્મનની જેમ પ્રદીપજીના કંઠની આગવી વિશિષ્ટતા હતી. સાંભળતાંની સાથે પરખાઇ જાય કે આ તો પ્રદીપજીનો કંઠ. એમની અમર ગણાતી રચના અય મેરે વતન કે લોગોં...ની ખાસ ડોક્યુમેટન્ટરી ફિલ્મ બની છે. એમાં પ્રદીપજી પોતે ગાઇને ગીતનો ઉપાડ કેવી રીતે કરવો છે એ દર્શાવી રહ્યાનો પ્રસંગ જીવંત કરાયો છે. જો કે એમણે આ ગીતના સંગીતનો યશ સી રામચંદ્રને લેવા દીધો. યુ ટયુબ પર આ ડોક્યુમેન્ટરી જોઇ શકાય છે. સાથોસાથ એમણે ગાયેલાં કેટલાંક ગીતો સાંભળતાં ખ્યાલ આવી જાય છે કે આ ગીતની તર્જ પ્રદીપજીને પોતાને સ્ફૂરી હશે જેમ કે આઓ બચ્ચોં તુમ્હેં દિખાયેં ઝાંકી હિન્દુસ્તાન કી (ફિલ્મ જાગૃતિ) અથવા દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઇ ભગવાન (ફિલ્મ નાસ્તિક).
ઔર એક ગીતકારને અહીં યાદ કરવા રહ્યા. એ ગીતકાર એટલે પ્રેમ ધવન. પ્રેમજી માત્ર ગીતકાર નહોતા, સંગીતકાર અને ડાન્સ ડાયરેક્ટર પણ હતા. જો કે પ્રેમ ધવનને નસીબનો સાથ બહુ મળ્યો નહીં. બાકી પ્રેમ ધવનની પ્રતિભા પણ કાબિલ-એ-દાદ હતી. એમનાં કેટલાંક ગીતો આજે પણ સ્ટેજ પ્રોગ્રામમાં ધમાલ મચાવી દે છે. મન્ના ડે કહેતા કે દેશવિદેશમાં જ્યાં મારા સ્ટેજ પ્રોગ્રામ થયા ત્યાં કેટલાંક ગીતોની ફર્માયેશ ખૂબ થતી જેમ કે અય મેરે પ્યારે વતન અય મેરે બિછડે ચમન... (ફિલ્મ કાબુલીવાલા). આ ગીતની તર્જ બંધાઇ રહી હતી ત્યારે પ્રેમ ધવને પોતે કેટલાંક મહત્ત્વનાં સૂચનો કરેલાં એવું મન્ના ડે કહેતા. ફિલ્મ સર્જક-અભિનેતા મનોજ કુમારે પોતાની કલ્પના અનુસાર શહીદ ભગતસિંહ વિશે બનાવેલી ફિલ્મ શહીદનાં ગીતો અને સંગીત બંને પ્રેમ ધવનનાં હતાં. શહીદનાં કેટલાંક ગીતોએ એ દિવસોમાં ધૂ્મ મચાવી હતી જેમ કે મેરા રંગ દે બસંતી ચોલા માય... અને અય વતન અય વતન તુઝ કો મેરી કસમ, તેરી રાહોં મેં જાં તક બિછા જાયેંગે... આ ફિલ્મે મનોજ કુમાર અને પ્રેમ ધવન બંનેની કારકિર્દીને જબરો વેગ આપ્યો હતો. પ્રેમ ધવન પોતે સારા ગાયક અને ડાન્સ ડાયરેક્ટર પણ હતા. જો કે એમને મળવો જોઇએ એટલો યશ બોલિવૂ઼ડમાં ક્યારેય મળ્યો નહીં.
આ ત્રણે ગીતકારોની તુલનાએ ૧૯૬૦ના દાયકાના ઉત્તરાર્ધમાં એક એવી પ્રતિભા આપણે જોઇ જે ગીત અને સંગીત બંને સરસ રીતે તૈયાર કરી શકતી. એ પ્રતિભા એટલે રવીન્દ્ર જૈન. આંખોની દ્રષ્ટિ કમજોર હોવા છતાં રવીન્દ્રે ઠીક ઠીક ટૂંકી કહી શકાય એવી કારકિર્દીમાં પણ નોંધનીય પ્રદાન કર્યું. એમની પ્રતિભાથી ધ ગ્રેટેસ્ટ શોમેન ગણાયેલા રાજ કપૂર પણ પ્રભાવિત થયા હતા.
રાજ કપૂરે એમની પાસે રામ તેરી ગંગા મૈલીનાં ગીતસંગીત તૈયાર કરાવ્યાં હતાં. આ ફિલ્મે ૧૯૮૫ના વર્ષમાં સૌથી વધુ કમાણી કરી હતી અને એની સફળતામાં રવીન્દ્ર જૈનનાં ગીત સંગીતનો મબલખ ફાળો હતો.
ગૌરવવંતી ગુજરાતી ભાષા એ દ્રષ્ટિએ પરમ ભાગ્યશાળી છે કે એને એક એવા ગીતકાર-સંગીતકાર મળ્યા જેનો જોટો જડે નહીં. એ મહાનુભાવ એટલે એક અને અજોડ અવિનાશ વ્યાસ.