Get The App

મોના સિંહ : ટેલિવુડની જસ્સી વાત માંડે છે કારકિર્દીની અને પરિવારની

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
મોના સિંહ : ટેલિવુડની જસ્સી વાત માંડે છે કારકિર્દીની અને પરિવારની 1 - image


- 'જો 'જસ્સી જૈસી કોઇ નહીં' સિરીયલની બીજી સિઝન કે રિમેક બને તો ફરીથી તેની સાથે જોડાવું મને ગમે. દર્શકોને મારી 'મેઇડ ઇન હેવન-૨' વેબ સિરીઝ પણ ગમી  છે.' 

એ ક  તબક્કે  ભારતમાં ટેલિવિઝનનો નાનો પડદો બહુ બહુ મોટો  હતો. એમ કહો કે બેહદ લોકપ્રિય હતો. ટીવી  સિરીયલો, સંગીત સ્પર્ધાઓ, વિવિધ  પ્રકારની રમત  હરીફાઇ, વિવિધ ક્ષેત્રની પ્રસિદ્ધ વ્યક્તિઓની મુલાકાત વગેરે કાર્યક્રમો ઘણા લોકપ્રિય બન્યા હતા. 

 ટીવી પર આવી જ એક સિરીયલ બેહદ લોકપ્રિય બની હતી. નામ છે, 'જસ્સી જૈસી કોઇ નહીં'.(૨૦૦૩-'૦૬)  આ જસ્સી એટલે સિરીયલની   જસ્મીત વાલિયા  અને સાચુકલા  જીવનની મોના સિંહ. આ એક જ ટીવી સિરિયલે મોના સિંહને ઘરે ઘરે જાણીતી કરી દીધી. હા, મોના સિંહે પછી તો 'ઝલક  દિખલા જા', 'પ્યાર તો હો જાને દો', 'કવચ-કાલી શક્તિયોં સે' વગેરે ટીવી સિરીયલ અને વેબ સિરીઝમાં વિવિધ પાત્રો ભજવ્યાં. 

મોના સિંહે છેલ્લે 'મેઇડ ઇન હેવન-૨'  વેબ સિરીઝમાં બુલબુલ જોહરીની મજેદાર ભૂમિકા ભજવી છે. ઉપરાંત, 'કાલા પાની', 'કફસ' વગેરે સિરીઝમાં પણ કામ કર્યું.

કહેવાનો અર્થ એ છે કે  મોના સિંહ  એક અભિનેત્રી તરીકે  કોઇ એક ચોક્કસ વર્તુળમાં  નથી રહી. એણે પરંપરાગત પારિવારીક કહી શકાય તેવી ટીવી સિરિયલોમાં પણ કામ નથી કર્યું. 

પંજાબના ચંડીગઢના સીખ પરિવારમાં જન્મેલી અને દેશનાં જુદાં જુદાં શહેરોમાં રહીને ભણેલી મોના સિંહ કહે છે, 'આમ તો મેં  જુદી જુદી ટીવી સરિયલોમાં અભિનય કર્યો. સાથોસાથ, મનોરંજક કાર્યક્રમોમાં હિસ્સો લઇને એક તબક્કે  તેનું સંચાલન પણ કર્યું. મને મારી પહેલી ટીવી સિરિયલ 'જસ્સી જૈસી કોઇ નહીં'માં જસ્મીત વાલિયા ઉર્ફે જસ્સીના પાત્રમાં બેહદ લોકપ્રિયતા મળી. દર્શકોનો ભરપૂર ઉમળકો મળ્યો. ઘણાં માતાપિતા તેમની દીકરીને વહાલથી જસ્સી પણ કહેતાં.

 'મને મારી પહેલી હિન્દી ફિલ્મ '૩-ઇડિયટ્સ'માં અભિનેતા આમિર ખાન, કરીના  કપૂર, માધવન, શર્મન જોશી વગેરે જેવા અચ્છા કલાકારો સાથે કામ કરીને ઘણો આનંદ-સંતોષ મળ્યા.  ધોધમાર વરસાદમાં મને આ ત્રણેય કલાકારો  ઉંચકીને  હોસ્પિટલ લઇ જાય છે તે સીનમાં હું તેમને કહેતી હતી કે તમને મારા શરીરનો બહુ ભાર તો નથી લાગતોને. મારા આશ્ચર્ય વચ્ચે શર્મન જોશીએ એવી વાત સંભળાવી કે મોના સાંભળ,  અમારા પહેલા બાળકના જન્મ સમયે  મને મારી પત્નીએ હોસ્પિટલ બહાર કાઢી મૂક્યો હતો! આમિરે એમ કહ્યું હતું કે મને તો મારી વાઇફ માર મારે છે! ખુદ ફિલ્મના દિગ્દર્શક રાજુ હિરાણીસરે પણ તેમનાં લગ્ન જીવનની મજેદાર વાત કહી હતી. તેમની આવી વાતો સાંભળીને હું તો ખડખડાટ હસતી હતી. મને  '૩ ઇડિયટ્સ' ફિલ્મના આ બધાં દ્રશ્યો આજે પણ બરાબર યાદ છે.'  

'લાલ સિંહ ચઢ્ઢા' ફિલ્મ સિનેમાગૃહોમાં રજૂ થઇ ત્યારે કોણ જાણે કેમ દર્શકોને ન ગમી. આમ છતાં આ જ ફિલ્મ ઓટીટી પર રજૂ થઇ ત્યારે તેની પ્રશંસા થઇ હતી. મોના કહે છે, 'ગમે તે કહો, મારા મતે તો આ ફિલ્મની કથા બહુ અસરકારક છે. મને 'લાલ સિંહ ચઢ્ઢા' ફિલ્મમાં તક મળી તેનો  આનંદ છે. હવે રહી વાત મારી 'મેઇડ ઇન હેવન-૨' વેબ સિરીઝની. એક દિગ્દર્શક તરીકે ઝોયાએ બહુ મહેનત કરી  છે. આ સિરીઝની પહેલી સિઝન રજૂ થઈ ત્યારે મેં મારાં માતાપિતાને કહ્યું હતું, જુઓ, હું આવી ભૂમિકા ભજવવા ઇચ્છું  છું.  ખરેખર મારી ઇચ્છા ઝોયા અખ્તરનાં મન- હૃદય સુધી પહોંચી હોય તેમ ૨૦૨૧માં મને મેઇડ ઇન હેવનના પ્રોડક્શન હાઉસ તરફથી સંદેશો મળ્યો.  

'દર્શકોને પણ મેઇડ ઇન હેવન વેબ સિરીઝ ગમી  છે. મારા પરિવારને પણ આ શો અને મારી બુલબુલની  ભૂમિકા ગમી છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં  રહેતી મારી બહેન સોનાએ તો ત્યાં આ સિરીઝનો જબરો પ્રચાર કર્યો હતો. આ જ સિરીયલની બીજી સિઝન કે આખી સિરીયલ ફરીથી બને તો મને તેમાં જોડાવાનું ગમે.'  

મોના સિંહ બહુ પ્રામાણિકતાથી કહે છે, 'જુઓ, મને એક અભિનેત્રી તરીકે જે સફળતા મળી છે તેમાં મારા પરિવારનો સહકાર રહ્યો છે. મેં ૨૦૧૯માં  ફિલ્મ નિર્માતા અને ટીવી જાહેરખબર બનાવતા શ્યામ રાજગોપાલન સાથે લગ્ન કર્યાં છે. અમે બંને એક જ ક્ષેત્રમાં હોવાથી એકબીજાની સમસ્યા બહુ સારી રીતે સમજી શકીએ છીએ. અને એટલે જ એકબીજાંનો પૂરો આદર સત્કાર કરીને ઘર સંસાર ચલાવીએ છીએ. સાથોસાથ અમારી કારકિર્દીમાં પણ આગળ વધીએ છીએ. લગ્ન એટલે જ પતિ પત્નીનું સાહચર્ય.'  


Google NewsGoogle News