મોના સિંહ હવે ગેંગસ્ટરના અવતારમાં નવાં અને પડકારરૂપ પાત્રો ભજવવાની ભરપૂર ઇચ્છા છે
- 'ઓટીટી પર થઇ રહેલા પ્રયોગોને કારણે અભિનેત્રીઓને હવે વિશિષ્ટ અને પડકારરૂપ પાત્રો મળી રહ્યાં છે. હિરોઇનની વ્યાખ્યા પણ બદલાઇ રહી છે.'
હિન્દી ફિલ્મ જગત સહિત ટેલિવિઝન અને ઓવર ધ ટોપ(ઓટીટી) ની દુનિયામાં સતત કંઇક નવું અને ગમતીલું થઇ રહ્યું છે. ખાસ કરીને ઓટીટી પર તો નવા વિષયો સાથે નવા પ્રયોગો પણ થઇ રહ્યા છે. ઓટીટીનો સૌથી મોટો અને મહત્વનો ફાયદો જૂના અને થોડાક ભૂલાઇ ગયેલા કલાકારોને થયો છે.
ઓટીટી પર થઇ રહેલા પ્રયોગો એટલે હીરોઇનોને હવે વિશિષ્ટ અને પડકારરૂપ પાત્રો મળી રહ્યાં છે. બોલીવુડની પરંપરાગત હીરોઇનની વ્યાખ્યા ઓટીટી પર બદલાઇ રહી છે.
મોના સિંહ આ પરિવર્તનનું મજબૂત ઉદાહરણ છે. કહેવાનો અર્થ એ છે કે જસ્સી જૈસી કોઇ નહીં ટીવી સિરિયલ(૨૦૦૩) ની જસમીત વાલિયા એટલે કે જસ્સી હવે ગેંગસ્ટરની તોફાની ભૂમિકામાં આવી રહી છે. ફોડ પાડીને કહીએ તો મોનાસિહ પાન પરદા જર્દા નામની ઓટીટી સિરિઝમાં ગેંગસ્ટરનું પાત્ર ભજવી રહી છે.
પાન પરદા જર્દા સિરિઝમાં મોના સિંહ સાથે તન્વી આઝમી, તાન્યા માણીક્તલા,પ્રિયાંશુ પાઇન્યુલી, સુષાંત સિંહ, રોજેશ તેલંગ મનુ ઋષિ વગેરે કલાકારો છે.
ચંડીગઢના સીખ પરિવારમાં જન્મેલી મોના સિંહ કહે છે: હું છેલ્લાં ૨૧ વર્ષથી ફિલ્મ અને ટીવીના મનોરંજન ક્ષેત્રમાં છું. મારી અભિનય યાત્રા જસ્સી જૈસી કોઇ નહીં ટીવી સિરિયલ (૨૦૦૩)થી શરૂ થઇ છે. હું આ યાત્રાનો ભરપૂર આનંદ લઇ રહી છું. ઘણું નવું અને ઉપયોગી શીખી પણ રહી છું. ખાસ કરીેને ઓટીટી માધ્યમથી મારા સહિત ઘણી અભિનેત્રીઓને ઉજળી તક મળી રહી છે. એમ કહો કે ઓટીટી પર અભિનેત્રીઓની અભિનય પ્રતિભા પૂરબહારમાં ખીલી રહી છે.
મેં ઓટીટી પર અત્યાર સુધીમાં મેઇડ ઇન હેવન-૨ અને કાલા પાની એમ બે સિરિઝમાં સાવ જ નવાં પ્રકારનાં પાત્ર ભજવ્યાં છે. હવે જોકે હું પાન પરદા જર્દા સિરીઝમાં અફીણની ગેરકાયદે હેરાફેરી કરતી ટોળકીના ગેંગસ્ટરની ભૂમિકા ભજવી રહી છું. આમ તો મેં થ્રી ઇડિયટ્સ અને લાલ સિંહ ચઢ્ઢા હિન્દી ફિલ્મમાં પણ ભૂમિકા ભજવી છે. મેં હમણાં મુંજ્યા ફિલ્મમાં પણ કામ કર્યું છે.દર્શકોને મુંજ્યા ફિલ્મ બેહદ ગમી છે. મને આ ત્રણેય ફિલ્મમાં જુદી ભૂમિકા ભજવવાની તક મળી છે.
ઓટીટી પ્લેયફોર્મને કારણે મારા સહિત ઘણી અભિનેત્રીઓની પ્રતિભાનું સન્માન થયું છે અને વધ્યું પણ છે. હજી હમણાં સુધી હિન્દી ફિલ્મોમાં અને ટીવી સિરિયલોમાં અભિનેત્રીઓ માટે લગભગ એક જ સરખા પ્રકારની ભૂમિકા ભજવવાની રહેતી. હા, અમુક હિન્દી ફિલ્મોમાં અને ટીવી સિરિયલોમાં નારી શક્તિની જરૂર વંદના થઇ છે. અભિનેત્રી કેન્દ્રમાં રહી છે. જોકે આવી ફિલ્મો અને સિરિયલોની સંખ્યા બહુ થોડી છે.
હવે ઓટીટીની લોકપ્રિયતા વધી રહી છે ત્યારે નવી અને જૂની એમ બંને પેઢીની અભિનેત્રીઓને વધુ ને વધુ ઉજળી તક મળી રહી છે. પડકારરૂપ પાત્રો મળી રહ્યાં છે. મારા જેવી અભિનેત્રીઓની અભિનય પ્રતિભાનું સન્માન થઇ રહ્યું છે. એમ કહો કે અભિનેત્રીઓને પોતાની પ્રતિભાનું ગૌરવ થસ રહ્યું છે. પોતાના કાર્યનો સંતોષ થઇ રહ્યો છે.
શરૂઆતના તબક્કે ઝલક દિખલા જા સહિત અન્ય ટીવી શોે માં પણ હિસ્સો લઇ ચૂકેલી મોના સિંહ બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, હવે તો ઓટીટી પરની ફિલ્મ અને સિરીઝનું કથાવસ્તુ પણ બહુ વિશિષ્ટ અને પ્રયોગશીલ બની રહ્યું છે.
ખરું કહું તો જસ્સી જૈસી કોઇ નહીં ટીવી સિરિયલથી લઇને આ જ દિવસ સુધી મારા કોઇ ગોડફાધર કે મેન્ટર નથી. મને માર્ગદર્શન કે હૂંફ આપનારું કોઇ જ નહોતું. નાના મોટા બધા નિર્ણય મેં જ લીધા છે.મને મારા આ જ નિર્ણયોમાંથી કારકિર્દીનું અને જીવનનું બહુ ઉપયોગી જ્ઞાાન મળ્યું છે. મેં આવા જ એક મહત્વના નિર્ણયરૂપે જસ્સી જૈસી કોઇ નહીં બાદ ડઇલી સોપ(ટીવી પર રજૂ થતા રોજિંદા કાર્યક્રમ) માંથી થોડોક બ્રેક લીધો. મારે મારી પસંદગીનાં પાત્રો ભજવવાં છે. આ ક્ષેત્રમાં ઘણા લાંબા સમય સુધી અને તે પણ સન્માનથી ટકી રહેવું છે. મારી અભિનયશક્તિને ખરા અર્થમાં ઓળખીને સન્માન જાળવવું છે. મને આજે જે કાંઇ સફળતા મળી રહી છે તે મારા પોતાના નિર્ણયોને આભારી છે.
મોના સિંહે તેની કારકિર્દીના અને અંગત જીવનના નિર્ણયો પણ પોતાની રીતે જ લીધા છે. મોના સિંહ કહે છે, જુઓ, મારો ઉછેર સુશિક્ષિત અને સંસ્કારી પરિવારમાં થયો છે. મને મારાં માતાપિતાએ ભણવામાં અને કારકિર્દી પસંદ કરવામાં ખરા અર્થમાં સ્વતંત્રતા આપી છે. હું તેમની દીકરી છું, ફક્ત એટલા માટે જ કોઇ કડક નિયમો નથી રાખ્યા. ઉલટું મારો ઉત્સાહ વધારીને ગમતીલું કામ કરવા પ્રોત્સાહન આપ્યું છે. હિંમત આપી છે.