Get The App

મોના સિંઘ : ટીવી શોથી મુંજ્યા સુધી જસ્સી જૈસી અબ ભી કોઈ નહીં!

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
મોના સિંઘ : ટીવી શોથી મુંજ્યા સુધી જસ્સી જૈસી અબ ભી કોઈ નહીં! 1 - image


- મોના ઉત્તમ પટકથાની રાહ જોવામાં માને છે. એ પોતાને પડકારે તેવા પાત્રો પસંદ કરે છે અને તેથી જ તે પ્રોજેક્ટની સંખ્યા નહીં, પણ ગુણવત્તાને મહત્ત્વ આપે છે. 

'જસ્સી જૈસી કોઈ નહિ'ની જસ્સી તરીકે પ્રસિદ્ધ થયેલી મોના સિંઘ સ્ટાર સ્ટેટસ હાંસલ કર્યું હોવા છતાં વાસ્તવિકતા સાથે જોડાયેલી છે. ટીવીથી બોલિવુડ સ્ટાર સુધીની સફર વિશે મંથન કરતાં મોના પોતાના નમ્ર સ્વભાવનું શ્રેય તેના પિતાની શીખને આપે છે. તેની સૈન્યની પૃષ્ઠભૂમિએ તેનામાં દ્રઢતા અને અનુકૂલનતાના ગુણ રોપ્યા છે જેના પરિણામે તે બે દાયકાની તેની કારકિર્દીનો ભરપૂર આનંદ માણી રહી છે.

તેના નવા પ્રોજેક્ટ 'મુંજ્યા'એ ૧૫૦ કરોડનો આંક પાર કરીને તમામ અપેક્ષાઓ  ઓળંગી છે જે એક બજેટ ફિલ્મ માટે મોટી સિદ્ધિ કહેવાય. મોના આ સફળતાનું શ્રેય વિશિષ્ટ હિટ ફોર્મ્યુલા પર આધાર રાખવાના સ્થાને કન્ટેન્ટ પર આધાર રખાયો હોવાની બાબતને આપે છે. મોનાના મતે ઓટીટીના ઉદ્ભવે દર્શકોની અપેક્ષાઓમાં પરિવર્તન લાવ્યું છે અને હવે તેઓ પ્રત્યેક થિયેટર રિલીઝ પર પૈસા ખર્ચવાના સ્થાને ઓટીટીની રાહ જોવી પસંદ કરે છે. મોના માટે મુંજ્યાની સફળતાએ સારા કથાનકના મહત્વને ઉજાગર કર્યું છે.

મોના કહે છે કે મુંજ્યાના શૂટીંગમાં વિશિષ્ટ પડકાર ઊભા થયા હતા કારણ કે મોટાભાગનો પ્લોટ ભૂતિયા પાત્ર સાથે વાર્તાલાપનો હતો જેમાં મોના અને તેના સહકલાકારોએ પોતાની કલ્પના તેમજ પછીથી ઉમેરવામાં આવેલા વિઝ્યુઅલ ઈફેક્ટ પર મદાર રાખવાનો હતો. જ્યારે તેણે પૂર્ણ થયેલા દ્રશ્યો જોયા ત્યારે ફિલ્મસર્જકોની રચનાત્મકતા અને ફેન્ટેસી વિશ્વથી તે ખૂબ જ પ્રભાવિત થઈ.

સેટ પર મોનાએ સહકલાકારો સાથે ગાઢ મૈત્રી કેળવી હતી. ખાસ કરીને તેના પુત્રનું પાત્ર ભજવી રહેલા અભય વર્મા તેમજ શરવરી વાઘ સાથે તેને સારો રેપો બંધાયો. શૂટીંગ ન હોય ત્યારે તેઓ રમત અને રમૂજમાં સમય વીતાવતા, ખાસ કરીને કોંકણ વિસ્તારના સૌંદર્યપ્રધાન વિસ્તારોમાં શૂટનો સમય અવિસ્મરણીય હતો. ઉપરાંત અહીંના સુંદર સમુદ્ર તટ અને સ્થાનિક ખોરાક તેને ફરી કોંકણની મુલાકાત લેવા પ્રેરી રહ્યા છે.

રોલ પ્રત્યે મોનાનો પસંદગીયુક્ત અભિગમ તેની સાથે મનમેળ ખાય તેવી પટકથાની રાહ જોવાની ફિલસૂફીમાં સમાયો છે. તે પોતાને પડકારે તેવા પાત્રો પસંદ કરે છે અને તેથી જ  તે પ્રોજેક્ટની સંખ્યા નહિ પણ ગુણવત્તાને મહત્વ આપે છે.મોનાને આ વૈચારિક અભિગમ ફળ્યો અને તેને લાલ સિંહ ચઢ્ઢા ઓફર થઈ હતી. આ એવો રોલ હતો જે તેને હૃદયથી સ્પર્શી ગયો. મોનાએ તેની માતાની શક્તિ અને દ્રઢતામાંથી પ્રેરણા લઈને આ રોલ માટે સઘન તૈયારી કરી. ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર પિટાઈ ગઈ પણ ઓટીટી પર તેને પસંદ કરાઈ અને દર્શકોએ મોનાના પરફોર્મન્સની કદર પણ કરી.

પોતાની કારકિર્દી પર મંથન કરતા મોના જસ્સી જૈસી કોઈ નહિના પ્રારંભિક દિવસોને યાદ કરે છે. મોના કહે છે કે  આ રોલ તેના માટે સ્વપ્ન સાકાર થયા સમો હતો. એના માટે તેનાં માતાપિતાનો ટેકો મહત્વનો સાબિત થયો હતો. તેમણે જ આ વિશિષ્ટ પથ પર આગળ વધવાને તેને પ્રેરણા આપી હતી. જો કે એક સમયે તેની બહેન તેના પર એરહોસ્ટેસ બનવા માટે દબાણ કરી રહી હતી, પણ મોનાને હમેંશા અભિનય પ્રત્યે આકર્ષણ રહ્યું અને તે બાળક તરીકે પણ પારિવારીક મેળાવડામાં પરફોર્મ કરતી રહી હતી. મોનાની કારકિર્દી ફિલ્મ ઉદ્યોગમાં આવી રહેલા પરિવર્તન સાથે વિકસતી રહી અને હવે તેની હાજરી ફિલ્મ તેમજ 'કાલા પાની' અને 'મેડ ઈન હેવન' જેવી સીરીઝ સાથે ઓટીટી બંને મંચ પર સ્થાયી થઈ ગઈ. મોના ખાસ ઓટીટીને વધુ અસરકારક માને છે કારણ કે તેમાં પાત્રમાં વધુ ગાઢ સંશોધન કરવાની તક મળે છે. મોના ચાર શો અને એક ફિલ્મ સહિત તેના આગામી પ્રોજેક્ટો માટે પણ અત્યંત ઉત્સુક છે. 

મોનાની ફિલ્મી સફર તેના ધૈર્ય, સખત પરિશ્રમ અને સ્વમાં અતૂટ શ્રદ્ધાનો પુરાવો છે. દર્શકો જ્યારે તેના કામની કદર કરી રહ્યા છે ત્યારે મોના એક કલાકાર તરીકે વધુને વધુ મજબૂત બની રહી છે. દરેક રીતે એમ કહી શકાય કે ખરેખર મોના જૈસી કોઈ નહિ.


Google NewsGoogle News