મંજરી ફડણીસ મેન્ટલ હેલ્થનું મહત્ત્વ જરાય ઓછું આંકવા જેવું નથી

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
મંજરી ફડણીસ મેન્ટલ હેલ્થનું મહત્ત્વ જરાય ઓછું આંકવા જેવું નથી 1 - image


- 'ફિલ્મોદ્યોગના લગભગ દરેક કલાકારને માનસિક તાણમાંથી પસાર થવું પડે છે. અહીં નવોદિતો માટે ફિલ્મોદ્યોગ કાંઈ રહમદિલ તો નથી જ. હું અધ્યાત્મ તરફ ઢળેલી હોવાથી મારી જાતને મુશ્કેલ સમયમાં પણ સંભાળી શકી.'

- 'હું સરસ મઝાની કારકિર્દી બનાવવા માગતી હતી, પણ મારેય ઘણાં ઉતાર-ચડાવમાંથી પસાર થવું પડયું અને...'

'જાને તુ... યા જાને ના' ફિલ્મની રજૂઆતને ૧૬-૧૬ વર્ષના વહાણા વાઈ ગયાં છે. આમ છતાં તેમાં અભિનેત્રી મંજરી ફડણીસે ભજવેલી 'મેઘના'ની ભૂમિકા  લોકોને હજુ યાદ છે. 

મંજરીએ આવી યાદગાર ભૂમિકા ભજવી ત્યાર પછી શું તેને ફટાફટ નવી નવી ફિલ્મો મળવા માંડી હતી? વાસ્તવમાં આવું નહોતું બન્યું. અભિનેત્રી કહે છે કે મેં મારા ભાગનો સંઘર્ષ કર્યો જ છે. મેં મારી કારકિર્દીમાં ઘણાં ચડાવ-ઉતાર જોયાં છે. ફિલ્મોદ્યોગના લગભગ દરેક કલાકારને માનસિક તાણમાંથી પસાર થવું પડે છે. હું પણ આ ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે મારી આંખોમાં શમણાં હતાં, હું સરસ મઝાની કારકિર્દી બનાવવા માગતી હતી. પરંતુ મને પણ ઘણાં ઉતાર-ચડાવમાંથી પસાર થવું પડયું છે. અહીં આવતા નવોદિતો માટે ફિલ્મોદ્યોગ કાંઈ રહમદિલ તો નથી જ. હું અધ્યાત્મ તરફ ઢળેલી હોવાથી મારી જાતને મુશ્કેલ સમયમાં પણ સંભાળી શકી.

'ધી ફ્રીલાન્સર'માં માનસિક તણાવ સામે લડી રહેલી યુવતીની ભૂમિકા ભજવનાર મંજરી કહે છે કે દરેક વ્યક્તિ માટે ભાવનાત્મક સ્વાસ્થ્ય અત્યંત આવશ્યક છે. મોટાભાગના લોકો પોતાના જીવનમાં કંઈકેટલાય મુશ્કેલ સંજોગોનો સામનો કરે છે. આવી સ્થિતિમાં લગભગ બધાને જ માનસિક શાતાની જરૂર હોય છે. તેમને ભાવનાત્મક ટેકો મળવો જ રહ્યો. અદાકારા ઉમેરે છે કે 'જાને તુ... યા જાને ના' કોઈપણ સમયમાં પ્રસ્તૂત ગણાશે. પોતાના બેસ્ટ ફ્રેન્ડમાં જ રોમાંટિક પ્રેમ મેળવવો એ કોઈપણ સમય-કાળમાં પ્રસ્તૂત જ લેખાય. નોનફિલ્મી પરિવારમાંથી આવતી મંજરીએ હિન્દી ઉપરાંત દક્ષિણ ભારતીય અને બંગાળી ફિલ્મો પણ કરી છે. તેણે કેટલાંક ટીવી શો પણ કર્યાં છે.


Google NewsGoogle News