લોરેન્સ બિશ્નોઇ સાથે વાત કરવાની ઇચ્છા છે, પણ સલમાનનું તો મોઢું પણ જોવું નથી
- મનોવિજ્ઞાની સોમી અલીની સાફ વાત
- સલ્લુમિયાંની જૂની દોસ્ત અને બોલિવુડની અભિનેત્રી સોમી અલી હાલ અમેરિકામાં એક સામાજિક સંસ્થાનું સંચાલન કરે છે
મારી ઇચ્છા લોરેન્સ બિશ્નોઇ સાથે વાત કરવાની છે. હું વ્યવસાયે મનોવિજ્ઞાની છું. મેં લોરેન્સ બિશ્નોઇ વિશે પ્રસિદ્ધ થયેલા ઇન્ટર્વ્યુ ચાર ચાર વખત વાંચ્યા છે. મેં લોરેન્સની વાતો બહુ ધ્યાનથી વાંચી છે. મારા નમ્ર મત મુજબ લોરેન્સના મન --મગજ પર તેના પરિવારની જબરદસ્ત અસર હોવાની શક્યતા છે.
હિન્દી ફિલ્મ જગતની એક સમયની અભિનેત્રી અને સલમાન ખાનની અચ્છી દોસ્ત સોમી અલીએ સોશિયલ મિડિયા પર અમેરિકાથી આવો સંદેશો વહેતો કર્યો છે.
બોલિવુડના સલ્લુમિયાંના જીગરી દોસ્ત અને રાજકીય નેતા બાબા સિદ્દિકીની હત્યા થઇ તે પછી અખબારોમાં અને ટીવી ન્યુઝ ચેનલો પર જાતજાતની અને ભાતભાતની વાતો વહેતી થઇ. પોલીસે હત્યાનું પગેરું ગોતવા ચાર દિશામાં તપાસ શરૂ કરી. આમ તો અખબારી અહેવાલો મુજબ આ ઘટનામાં લોરેન્સ બિશ્નોઇ હોવાની શંકા વ્યકત થઇ રહી છે. આમ પણ અગાઉ આ જ લોરેન્સે સલમાન ખાનના બંગલો પર ગોળીબાર કર્યો હોવાની કર્યો હોવાના અખબારી અહેવાલ પ્રસિદ્ધ થયા છે.
બરાબર આ જ તબક્કે સલમાન ખાનની એક સમયની ખાસ ગર્લફ્રેન્ડ અને હિન્દી ફિલ્મની અભિનેત્રી સોમી અલીએ સોશિયલ મિડિયા પર પેલા લોરેન્સ બિશ્નોઇ સાથે વાતચીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સોમી અલીની આવી ઇચ્છાથી બોલિવુડમાં અને સોશિયલ મિડિયામાં જાતજાતના તર્ક --વિતર્ક વહેતા થયા છે.સોમી અલી તો હાલ છેક અમેરિકામાં રહેતી હોવા છતાં અને બોલીવડમાંથી ક્યારનિય નિવૃત્ત પણ થઇ ગઇ હોવા છતાં તેને ચોક્કસ કયાં કારણોસર પેલા શંકાસ્પદ લોરેન્સ બિશ્નોઇ સાથે વાત કરવી છે? એવા સવાલ પણ ઘુમરાયા હતા.
મૂળ પાકિસ્તાનના કરાચી શહેરમાં જન્મેલી અને પરિવાર સાથે નાની વયે અમેરિકા સ્થિર થયેલી સોમી અલીએ જોકે એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતાં એવી સ્પષ્ટતા કરી છે કે હું હિંસા વિરોધી છું એટલા માટે. લોરેન્સ બિશ્નોઇ શા માટે આટલા બધો હિંસક છે તેનાં કારણો જાણવાં છે.સમજવાં પણ છે. કોઇપણ વ્યક્તિ શા માટે આટલી બધી ભયંકર બની શકે? બીજી વ્યક્તિને શા માટે નફરત કરી શકે ?
સાથોસાથ એવો ખુલાસો પણ કરું છું કે હું આ સમગ્ર ઘટનામાં સલમાન ખાન સાથે ન ઊભી રહી શકું કે ન તેને સહકાર પણ આપી શકું. મારે સલમાન ખાન સાથે કોઇ જ લેવા-દેવા નથી. આમ છતાં સલમાન ખાની હત્યા થાય કે તેના પર કોઇ હુમલો થાય તેવું પણ નથી ઇચ્છતી.
અમેરિકાના માયામી શહેર (ફ્લોરિડા સ્ટેટ)માં નો મોર ટિયર્સ યુએસએ નામની સામાજિક સંસ્થાનું સંચાલન કરતી સોમી અલી બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, જુઓ, હું મનોવિજ્ઞાની છું. માનવનાં મનના ઉંડાણમાં કેવી કેવી ગતિવિધિ થઇ રહી છે? મનમાં કેવાં કેવાં પ્રકારનાં તોફાન થઇ રહ્યાં છે? એક ચોક્કસ વ્યક્તિનું અંતરમન સાફ-સ્વચ્છ હોય છે, જ્યારે બીજી વ્યક્તિના મનમાં ભારોભાર નફરત, ક્રોધ,બદલાની ભાવના વગેરેનો જ્વાળામુખી ધગધગતો હોય છે. આવું કેમ ?
હું લોરેન્સ બિશ્નોઇના મનમાં ઘુમરાતાં આ જ બધાં વમળોનો તાગ મેળવવા ઇચ્છું છું. મેં લોરેન્સ બિશ્નોઇ વિશે પ્રસિદ્ધ થયેલા અખબારી ઇન્ટર્વ્યુ ચાર ચાર વખત વાંચ્યા છે. અને તે પણ બહુ ધ્યાનથી. વળી, લોરેન્સે તે ઇન્ટર્વ્યુમાં કેવી કેવી વાતો કરી છે ? તે વાતોનું મૂળ ક્યાં પહોંચે છે? આ બધી વાતો દ્વારા લોરેન્સની માનસિકતાનો આછેરો ખ્યાલ આવી શકે છે. હું એવા તારણ પર પહોંચી છું કે લોરેન્સ બિશ્નોઇના વિચારો પર તેના કુટુંબીજનોનો જબરો પ્રભાવ હોવો જોઇએ. ખરેખર તો લોરેન્સ કાયદાનું શિક્ષણ ભણેલો છે. તેની પાસે લો ની ડિગ્રી છે.આ અર્થમાં કહું તો આટલું ઉચ્ચ શિક્ષણ પામેલી વ્યક્તિ શા માટે આટલી બધી ખોફનાક હોઇ શકે ?
૧૯૯૧માં અમેરિકાથી મુંબઇની ફિલ્મ નગરીમાં આવેલી સોમી અલી એમ પણ કહે છે કે મને લોરેન્સ બિશ્નોઇ સાથે વાતચીત કરવાની કદાચ પણ તક મળે તો હું તેને સીધો સવાલ પૂછવા ઇચ્છું છું , બોલ, તું શા માટે લોકોની હત્યા કરીને પ્રસિદ્ધિ મેળવવા તલપાપડ બની ગયો છે ? મારી સુક્ષ્મ સમજણ એવો ઇશારો કરે છે કે લોરેન્સ લોકોનાં મનમાં ભયનું એવું જબરું લખલખું પેદા કરે છે કે સામેની વ્યક્તિ બાપડી ખળભળી ઉઠે. તેની રાતની ઊંઘ સુદ્ધાં ઉડી જાય.
લોરેન્સ બિશ્નોઇએ તેની આ જ ભયાનક રમત સલમાન ખાન સાથે પણ શરૂ કરી છે. વાતનું મૂળ છેક ૧૯૯૮ સુધી પહોંચે છે. ૧૯૯૮માં રાજસ્થાનમાં થયેલા એક ફિલ્મ શૂટિંગ દરમિયાન સલમાન ખાને કાળિયાર (બ્લેક બક્સ)નો શિકાર કર્યો હોવાનો તેના પર આરોપ છે. સલમાન ખાન વિરુદ્ધ આ જ આરોપસર કાનૂની કાર્યવાહી પણ થઇ છે.
સોમી અલીએ તેનાં જૂનાં કડવાં સ્મરણો યાદ કરતાં એમ પણ કહ્યું હતું કે સલમાન ખાને માર સાથે એક કરતાં વધુ વખત ગેરવર્તન કર્યું છે. મને યાદ છે સલમાને એક વખત મારા માથા પર એક જાણીતી કંપનીનું કોલ્ડ ડ્રીંક રેડયું હતું. કોલ્ડ ડ્રીંંકને કારણે મને બહુ તકલીફ થઇ હતી. મારી ખાસ ફ્રેન્ડ મનીષા કોઇરાલા આ ઘટનાની સાક્ષી છે. તે ઘડીએ મનીષાએ મને સંભાળી લીધી હતી.મને ભરપૂર પ્રેમ અને હૂંફ આપ્યાં હતાં.
બસ, ત્યાર બાદ તો સોમી અલી સલમાન ખાનને અને બોલીવુડને બંનેને છોડીને અમેરિકા જતી રહી. અમેરિકા ગયા બાદ સોમી અલીએ સલમાન ખાનનો ક્યારેય સંપર્ક નથી કર્યો.
સોમી અલીએ તો સોય ઝાટકીને કહ્યું હતું કે મારે સલમાનનો ચહેરો સુદ્ધાં નથી જોવો તો પછી તેની સાથે વાત કરવાની તો વાત જ ક્યાં આવી ? હું તેને કોઇ કરતાં કોઇ વાતે સાથ કે સહકાર ન આપી શકું. હા, હું સલમાન ખાનની હત્યા થાય તેવું તો હરગીજ નથી ઇચ્છતી.