TV TALK .
ડેલનાઝ ઈરાની પાળતૂની પેરન્ટ બની
વિવાદાસ્પદ રીઆલિટી શો 'બિગ બૉસ' સહિત કેટલીક ધારાવાહિકોમાં કામ કરનાર અભિનેત્રી ડેલ્નાઝ ઈરાની અને તેના પાર્ટનર પર્સી કરકેરિયાએ તાજેતરમાં એક શ્વાનને પાળ્યો છે. ડેલ્નાઝે કહ્યું હતું કે અમે તેનું નામ 'કોકો' રાખ્યું છે. જોકે તેની સઘળી સારસંભાળ પર્સી જ લઈ રહ્યો છે. વાસ્તવમાં મને હમેશાંથી શ્વાનોની બીક લાગી છે. પરંતુ પર્સીના આગ્રહને પગલે મેં પાળતૂ શ્વાન રાખવાની હા પાડી હતી. અને મારા આશ્ચર્ય વચ્ચે કોકોને પહેલી વખત જોતાં જ મને તેના પર પ્રેમ ઊભરાયો હતો. હવે હું તેને જોઈ જોઈને રાજી થતી રહું છું. જોકે હું અમારા શ્વાનની નવી નવી પેરન્ટ હોવાથી તેને શી રીતે પાળવો તેની મને ખાસ ગતાગમ નથી. સ્વાભાવિક રીતે જ પર્સી તેની સઘળી કાળજી લે છે. આમ છતાં કોકો ઘરમાં દોડાદોડ કરતો હોય ત્યારે અમારું ઘર હર્યુંભર્યું લાગે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડેલ્નાઝ છેલ્લા ઘણાં વર્ષથી પર્સી સાથે રહે છે. તે કહે છે કે અમે અમારા બાળકો પેદા ન કરવાનો નિર્ણય લીધો હતો. અલબત્ત, બાળકોનો ખિલખિલાટ ઘરને ખુશ્બુમા બનાવી દે એ વાતમાં બે મત નથી.
અચ્છી અભિનેત્રી પણ છે મુક્તિ મોહન
ડાન્સ રીઆલિટી શો 'જરા નચ કે દિખા-૨' દ્વારા શોબિઝમાં પહેલું પગલું પાડનાર મુક્તિ મોહને પોતાની નૃત્ય કળાથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. તેની ડાન્સ પ્રત્યેની લગને મુક્તિને વધુ ડાન્સ રીઆલિટી શોઝમાં ભાગ લેવા લલચાવી હતી. અને હવે તે એક અચ્છી અભિનેત્રી પણ પુરવાર થઈ છે. હમણાં તેનું સમગ્ર ધ્યાન વેબ સીરિઝો અને ફિલ્મો પર છે. અત્યાર સુધી તે 'લાઈફ હિલ ગઈ', 'ગ્યારહ ગ્યારહ' જેવા વેબ શો અને 'થાર' જેવી ફિલ્મ કરી ચૂકી છે. અભિનેત્રી કહે છે કે સંખ્યાબંધ ડાન્સ રીઆલિટી શોમાં ભાગ લેવાને પગલે મારી ડાન્સર તરીકેની ઈમેજ એટલી બધી મજબૂત બની ગઈ હતી કે લાંબા સુધી કોઈ માનવા જ તૈયાર નહોતું કે હું અભિનય પણ કરી શકું. જોકે રંગમંચ પર અભિનય કરતી જોયા પછી મને ઑડિશન માટે ફોન આવવા લાગ્યાં. અને મને 'થાર', 'લસ્ટ સ્ટોરીઝ-૨', 'ગ્યારહ ગ્યારહ'માં કામ મળ્યું. આમ એકમાંથી બીજા માધ્યમમાં જતાં મને ખાસ્સો સમય લાગ્યો, પરંતુ મેં મારું હુન્નર પુરવાર કરી બતાવ્યું. મને એ વાતની ખુશી છે કે હવે મને સારી સારી ઑફરો આવે છે. મારી કારકિર્દી જે રીતે આકાર લઈ રહી છે તેનાથી હું સંતુષ્ટ છું.
એજાઝ ખાન : ઇન્ડસ્ટ્રીએ મારું હુન્નર પારખ્યું નથી
સામાન્ય રીતે ટચૂકડા પડદાના કલાકારોને ફિલ્મો અને ઓટીટી પર કામ કરવામાં થોડી મુશ્કેલી નડે છે અથવા તેઓ તેને માટે સમગ્રતયા તૈયાર હોય તોય તેમને તેમાં ઝટ કામ નથી મળતું. પરંતુ અભિનેતા એજાઝ ખાન તેમાં અપવાદ પુરવાર થયો છે. તાજેતરમાં જ શાહરુખ ખાનની 'જવાન'માં જોવા મળેલા એજાઝે કહ્યું હતું કે તેના માટે એકમાંથી બીજા માધ્યમમાં જવાનું ખાસ મુશ્કેલ નહોતું બન્યું. અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે આજે ટીવી પરથી ફિલ્મોમાં જવાનું પ્રમાણમાં ઘણું સરળ બન્યું છે. અલબત્ત, વચ્ચે થોડો સમય જવા દેવો પડે છે. કોઈપણ ફિલ્મ સર્જક ટચૂકડા પડદે વધારે પડતા દેખાયેલા કલાકારને લેવા નથી ઇચ્છતા. જોકે ૨૦૦૦ની સાલના આરંભમાં તો ટીવી પર કામ કરતાં કલાકારોને ફિલ્મોમાં લેવા કોઈ તૈયાર જ નહોતું થતું. તે વખતે મારું કામ પણ નહોતું થયું. પરંતુ કેટલાંક ટીવી શો કર્યા પછી હું ફરીથી ફિલ્મોદ્યોગમાં પ્રવેશ્યો. મને ખુશી છે કે હવે હું ફિલ્મો અને વેબ શોઝમાં કામ મેળવી રહ્યો છું. ફૂટબોલ રમતી વખતે તેના સ્નાયુઓ ફાટી જતાં મને સર્જરી કરાવવી પડી. પરંતુ હવે એજાઝના નસીબ આડેનું પાંદડું ખસ્યુ હોય એમ લાગે છે. તે 'અદ્રશ્યમ્ - ધ ઇનવિઝિબલ હીરોઝ' વેબ સીરિઝ સહિત સંખ્યાબંધ પ્રોજેક્ટ સાથે પાછો ફર્યો છે.
માલવી મલ્હોત્રાને મળ્યો ન્યાય
ચાર વર્ષ લાંબી કાનૂની લડત પછી છેવટે અભિનેત્રી માલવી મલ્હોત્રાને ન્યાય મળતાં તેણે હાશકારો અનુભવ્યો છે. વર્ષ ૨૦૨૦માં નિર્માતા યોગેશ કુમાર સિંહે તેનો પીછો કરીને તેના પેટમાં ત્રણ ત્રણ વખત છરી હુલાવી દીધી હતી. તાજેતરમાં યોગેશ કુમાર સિંહને મુંબઈ સેશન કોર્ટે ત્રણ વર્ષની કેદની સજા સુણાવી હતી. જ્યારે માલવીને આ રીતે ઘાયલ કરવામાં આવી ત્યારે મનોરંજન જગતમાં હોબાળો મચી ગયો હતો. અદાલતે યોગેશ કુમાર સિંહને ત્રણ વર્ષ માટે સળિયા પાછળ ધકેલી દીધો ત્યારે માલવીએ કહ્યું હતું કે આજે મારા મનને શાતા વળી છે કે કોર્ટે મારી તરફેણમાં ચૂકાદો આપ્યો છે. હવે હું આગળ વધવા તૈયાર છું. અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે જ્યારે મારી સાથે આ દુર્ઘટના થઈ ત્યારે હું શારીરિક અને માનસિક રીતે પડી ભાંગી હતી. મને લાગેલા આઘાતમાંથી બહાર આવવું મારા માટે અત્યંત મુશ્કેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે માલવીએ ધારાવાહિક 'ઉડાન'માં કામ કર્યું હતું. તેણે પંજાબી ફિલ્મ 'જોરાવર દી જેકલીન' અને મલયાલમ મૂવી 'અભ્યુહમ' પણ કરી છે.