અનંગ દેસાઈ : અભિનયના કીડાએ ડૉક્ટર બનવા ન દીધો
- 'અમારા પરિવારમાં પેઢી દર પેઢીથી તબીબી વ્યવસાય ચાલ્યો આવતો હતો, પરંતુ મને નાનપણથી અભિનય પ્રત્યે લગાવ હતો. હું શાળાનાં નાટકોમાં ખૂબ ભાગ લેતો.'
અભિનેતા અનંગ દેસાઈનું નામ આવતાં જ લોકોને રમૂજી શો 'ખિચડી'ના 'બાબુજી' સાંભરી આવે. પણ રખે એમ માની લેતાં કે અનંગ દેસાઈએ તેમની કારકિર્દીનો આરંભ ટીવી પરથી કર્યો હતો. ખરેખર તો આ પીઢ કલાકારને અભિનય ક્ષેત્રે આવ્યે ચાર ચાર દશકના વહાણા વાઈ ગયા છે. તેમણે તેમની કારકિર્દીનો આરંભ ૧૯૮૨માં આવેલી ફિલ્મ 'ગાંધી'થી કર્યો હતો. ત્યાર પછી તેમણે 'ભારત એક ખોજ', 'જુર્મ', 'સર', 'ગુનાહ', 'હમ દિલ દે ચૂકે સનમ' જેવી સંખ્યાબંધ ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ તેમને ખરી ઓળખ 'બાબુજી'એ અપાવી.
અભિનેતા સ્વયં કહે છે કે આ કિરદાર મારી કારકિર્દીમાં સીમાચિહ્નરૂપ છે. આજે હું ક્યાંય પણ જાઉં, લોકો મને 'બાબુજી' કહીને બોલાવે છે.
તાજેતરમાં જ 'ખિચડી-૨'નું ટચૂકડા પડદે વર્લ્ડ પ્રીમિયર થયું ત્યારે અનંગ દેસાઈએ કહ્યું હતું કે તેને કારણે મારી દિવાળીની ખુશીઓ બમણી થઈ ગઈ. આમેય 'ખિચડી' ફ્રેન્ચાઈસી રમૂજી છે. લોકો મને પડદા પર જૂએ છે ત્યારે એમ કહે છે કે હું વાસ્તવમાં પણ 'બાબુજી' જેવો બની જાઉં. પરંતુ એ શી રીતે શક્ય છે? 'બાબુજી' એક કિરદાર છે અને 'અનંગ' વાસ્તવિક વ્યક્તિ.
તમને જાણીને નવાઈ લાગશે કે અનંગ દેસાઈનો જન્મ એક ડૉક્ટર પરિવારમાં થયો હતો. પરંતુ તેમણે નચિંત બનીને અભિનય ક્ષેત્રે કામ શરૂ કર્યું. અનંગ દેસાઈ કહે છે કે અમારા પરિવારમાં પેઢી દર પેઢીથી તબીબી વ્યવસાય ચાલ્યો આવતો હતો. પરંતુ મને નાનપણથી અભિનય પ્રત્યે લગાવ હતો. હું શાળામાં નાટકોમાં ભાગ લેતો. કૉલેજમાં યુથ ફેસ્ટિવલનો ભાગ બનતો. પછીથી હું થિયેટર ગુ્રપમાં જોડાયો. હું અભિનય પ્રત્યે વધુને વધુ ઢળતો ગયો. છેવટે સ્નાતક થયા પછી મેં આ ક્ષેત્રે આવવાનો નિર્ણય કર્યો. જોકે અહીં એવો પ્રશ્ન થવો સહજ છે કે તેમને તેમના માતાપિતાએ ડૉક્ટર બનવા દબાણ નહીં કર્યું હોય? આના જવાબમાં તેઓ કહે છે કે 'ના', તેઓ મને હમેશાં કહેતાં કે તને જે કરવું હોય તે કર, પરંતુ પૂરેપૂરી ઈમાનદારી અને તૈયારી સાથે. આ કારણે જ હું 'નેશનલ સ્કુલ ઑફ ડ્રામા'માં પણ જોડાયો હતો. વાસ્તવમાં હું આ ક્ષેત્રે આવવા કૃતનિશ્ચયી હતો. હું જાણતો હતો કે આ ક્ષેત્રે તમને નિયમિત કામ મળી રહે એવી કોઈ ખાતરી નથી હોતી. આમ છતાં મને અન્ય કોઈ કામ નહોતું કરવું.
આજે અભિનેતા આયખાના ૭૦ વર્ષ વટાવી ચૂક્યા છે તેમ છતાં એકદમ ફિટ એન્ડ ફાઈન છે. તેઓ કહે છે કે હું સંતુલિત જીવન જીવું છું. કામ મને એક્ટિવ રાખે છે. હું નિયમિત રીતે વ્યાયામ કરું છું. મારું અંગત જીવન એકદમ સુખી છે. મારી પત્ની લેખિકા અને ધારાશાસ્ત્રી છે. તે મારા કામને સમજે છે. મારું વ્યક્તિગત જીવન એટલું સુખી છે કે તેનું પ્રતિબિંબ મારા કામ પર દેખાઈ આવે છે.
અભિનેતા પોતાનો 'નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા'નો સમય સંભારતા કહે છે કે ત્યાં અનુપમ ખેર, સતિશ કૌશિક અને હું એકસાથે હતાં. ટ્રેનિંગ દરમિયાન અમે ઘણું એકસાથે ફર્યાં છીએ. અમારી વચ્ચે ક્યારેય વ્યાવસાયિક સ્પર્ધા નથી આવી. અનુપમ અને હું ત્રણ વર્ષ સુધી એક જ રૂમમાં રહ્યાં હતાં. જ્યારે સતીશ પણ એટલો જ મોજીલો હતો. આજે હું ૭૦ વર્ષની ઉંમરે અને અનુપમ ખેર ૬૮ વર્ષની ઉંમરે પણ કાર્યરત છીએ.