આનંદ પંડિત: દર્શકો સ્ટારકાસ્ટ નહીં, કોન્ટેન્ટને મહત્ત્વ આપે છે
- 'અમિતાભ બચ્ચનનું કામ પ્રત્યેનું સમર્પણ અને શિષ્ટ વ્યવહાર સેટ પર દરેકને પ્રેરણા આપે છે. એમની સાથે કામ કરવાથી વિશેષ પ્રકારની લાગણી થાય છે.'
પ્રો ડયુસરો આનંદ પંડિત અને વૈશાલ શાહની લેટેસ્ટ ગુજરાતી ફિલ્મ 'ફક્ત પુરુષો માટે' રિલીઝ થઈ ચૂકી છે. આ કોમેડી ડ્રામા ફિલ્મમાં યશ સોની મુખ્ય ભૂમિકામાં છે. અગાઉ આ જોડીએ 'ફક્ત મહિલાઓ માટે' અને 'ત્રણ એક્કા'માં સફળતા હાંસલ કરી હતી.
જય બોડાસ અને પાર્થ ત્રિવેદીની જોડીએ 'ફક્ત પુરૂષો માટે' સાગમટે લખી છે અને ડિરેક્ટ પણ કરી છે. આ ફિલ્મ વિશે માહિતી આપતા આનંદ પંડિતે જણાવે છે કે 'ફક્ત મહિલાઓ માટે' મહિલાઓની છુપાયેલી લાગણીઓ પર આધારીત હતી જ્યારે 'ફક્ત પુરુષો માટે' પુરુષોની આંતરિક દુનિયાની વાત કરે છે. ફિલ્મમાં પુરુષપ્રધાન સમાજની સમસ્યા વિશે જણાવાયું છે. આ કોમેડી ફિલ્મનો હેતુ પરિવારમાં વિવિધ પેઢીઓ વચ્ચે તાલમેલ અને સમજદારી કેળવવાનો સંદેશો છે.
ફિલ્મમાં અમિતાભની ભૂમિકા વિશે માહિતી આપતાં તેઓ કહે છે કે આ ફિલ્મમા તેમની વિશેષ ભૂમિકા છે. તેમની હાજરીને કારણે ફિલ્મનું મૂલ્ય વધશે અને વિશાળ ઓડિયન્સને આકર્ષિત કરી શકાશે.
અમિતાભ માટે આનંદ પંડિતની આત્મીયતા સ્પષ્ટ છે. તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ થવું પડયું હોવા છતાં આ ફિલ્મના શૂટીંગ માટે અમિતાભ પોલેન્ડ જવા પણ તૈયાર થઈ ગયા હતા. પંડિતે જણાવ્યું કે બચ્ચનની સમર્પિતતા અને શિષ્ટતા સેટ પર દરેકને પ્રેરણા આપે છે. એમની સાથે કામ કરવાથી વિશેષ પ્રકારની લાગણી થાય છે.
અશોક પંડિત પોતાના ભાવિ પ્રોજેક્ટ્સ વશે ઉત્સાહિત છે. તેઓ ગુજરાતી ઉપરાંત કન્નડ, પંજાબી અને મરાઠી ભાષાની પ્રાદેશિક સિનેમા કરવા પણ આતુર છે. તેઓ કહે છે કે ફિલ્મની સફળતા સ્ટારકાસ્ટ પર નહિ, પણ કોન્ટેન્ટ પર આધારીત છે. મોટા સ્ટાર સાથે મોટા બજેટની અનેક ફિલ્મો નબળી પટકથાને કારણે બોક્સ ઓફિસ પર પિટાઈ ગઈ છે. આજના ઓડિયન્સની પ્રાથમિક્તા બદલાઈ ગઈ છે. તેઓ માત્ર સ્ટારના નામ પર નહિ પણ ફિલ્મનાં તમામ પાસાં પર ધ્યાન આપે છે.
પોતે શા માટે હજી યુદ્ધના વિષય પર એકપણ ફિલ્મ નથી બનાવી તેવા સવાલના જવાબમાં અશોક પંડિત કહે છે કે યુદ્ધનો વિષય નાજુક છે. તેમાં પીડા અને બહાદુરીનો ભાવ હોય છે. આવી ફિલ્મ માત્ર પૈસા કમાવવા માટે નથી બનાવવાની હોતી. તેમણે ચેતન આનંદની 'હકીકત'થી લઈને 'બોર્ડર', 'લક્ષ્ય' જેવી ફિલ્મોની પ્રશંસા કરતા કહ્યું કે યુદ્ધ આધારીત ફિલ્મો પૂરતા સંશોધન અને ખંતથી બનાવવી જોઈએ.
આનંદ પંડિત ઓટીટી મંચના મહત્વને સ્વીકારતા કહે છે કે મોટા પડદે રજૂ કરવી શક્ય ન હોય તેવી વાર્તાઓ માટે ઓટીટી મંચ ઉપયોગી છે અને તેઓ પણ આવા પ્લેટફોર્મ માટે વધુ કન્ટેન્ટ રચવાની તૈયારી કરી રહ્યા છે. વિશ્વભરમાં ઓટીટી મંચ પર કોરિયન ફિલ્મોની જે કક્ષાની સફળતા મળી છે તેની પ્રશંસા કરતા તેઓ કહે છે કે એ સમય આવી ગયો છે કે ભારતીય ફિલ્મો પણ ઓટીટી મંચ પર વૈશ્વિક સ્તરે નામના કાઢે.
આનંદ પંડિત સુભાષ ઘાઈની જેમ પોતાની ફિલ્મોમાં દર્શન કેમ દેતા નથી તેવું પૂછવામાં આવતા તેમણે માત્ર નિર્માણ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું તેમનું લક્ષ્ય હોવાનું જણાવ્યું. સુભાષ ઘાઈ સાથેની સરખામણીની કદર કરતા તેમણે કહ્યું કે અભિનય કળા કલાકારો માટે ભલે રહી, હું માત્ર નિર્માણમાં ધ્યાન આપવા માગુ છું.