શેરના ભાવમાં વધારા કરતા ઘટાડાની સરેરાશ સંખ્યાનું પ્રમાણ ઘણું ઊંચું
- રોકાણકારોનું માનસ બદલાયાના સંકેત
- ભારતીય શેરબજાર હાલમાં બાયર્સ'નું નહીં પણ સેલર્સ' માર્કેટ બની ગયું
મુંબઈ : વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની વેચવાલીના દબાણ ઉપરાંત ભારતીય ઈક્વિટીસમાં દૈનિક ધોરણે શેરોની વધઘટનું ચિત્ર પણ બદલાઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે. ઓગસ્ટમાં એડવાન્સ ડિકલાઈન રેશિઓ (એડીઆર)નું દૈનિક સરેરાશ પ્રમાણ જે ૫૧ ટકા હતું તે પછીના બે મહિનામાં તબક્કાવાર ઘટી નવેમ્બરમાં ૩૨ ટકા પર આવી ગયું છે.
એડવાન્સ ડિકલાઈન રેશિઓ શેરોના વધવા કરતા ઘટવાની માત્રા વધુ હોવાના સંકેત આપે છે. રેશિઓ જેટલો ઓછો તેટલુ રોકાણકારોનું માનસ નબળું પડી રહ્યાનું કહી શકાય છે.
એડીઆર જે ઓગસ્ટમાં ૫૧ ટકા હતો તે સપ્ટેમ્બરમાં ઘટી ૪૭ ટકા પર આવી ગયો હતો અને ઓકટોબરમાં ૩૨ ટકા રહ્યો હતો. આમ નવેમ્બરનો એડીઆર ભલે ઓકટોબરને સમાન હોય પરંતુ સપ્ટેમ્બર તથા ઓગસ્ટની સરખામણીએ તે નોંધપાત્ર નીચો છે. શેરો વધવા કરતા ઘટવાની માત્રા ઊંચી રહેવાના કિસ્સામાં રોકાણકારોની શેરો ખરીદવાની રુચી ઘટી રહી હોવાનું કહી શકાય છે.
સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં ૮૫૦૦૦ની ટોચ દર્શાવ્યા બાદ બેન્ચમાર્ક સેન્સેકસ તથા નિફટી૫૦ ઈન્ડેકસમાં દસ ટકા ઘટાડો થયો છે. એટલું જ નહીં મિડકેપ તથા સ્મોલ કેપમાં પણ વ્યાપક ધોવાણ જોવા મળી રહ્યું છે.
જ્યારે બજારમાં કડાકા બોલાય છે ત્યારે તેની સૌથી ગંભીર અસર મિડકેપ શેરોમાં જોવા મળે છે. ઓકટોબરમાં કેશમાં રૂપિયા ૧.૧૪ લાખ કરોડની જંગી વેચવાલી બાદ નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં પણ વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ રહી છે અને રૂપિયા ૨૫૦૦૦ કરોડની નેટ વેચવાલી આવી છે.
ભારતીય શેરબજાર જે છેલ્લા અઢી-ત્રણ વર્ષથી ખરીદદારોની માર્કેટ તરીકે ઓળખાતું હતું તે હાલમાં વેચાણકારોની બજાર બની રહ્યું છે. બીએસઈ પર ૩૨૦૦થી વધુ સ્ટોકસ લિસ્ટેડ છે.