Get The App

વિશ્વ બજાર પાછળ કિંમતી ધાતુમાં ઘટાડો અટકી સુધારા તરફી ચાલ જોવાઈ

- અમદાવાદ ચાંદીમાં રૂ. ૨૦૦૦નો ઉછાળો : ક્રુડ તેલમાં સાધારણ નરમાઈ

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
વિશ્વ બજાર પાછળ કિંમતી ધાતુમાં ઘટાડો અટકી સુધારા તરફી ચાલ જોવાઈ 1 - image


મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ૦.૨૫ ટકાનો અપેક્ષિત ઘટાડો આવ્યા બાદ વિશ્વ બજારમાં કિંમતી ધાતુમાં નીચા મથાળેથી સુધારો આવતા ઘરઆંગણે પણ ભાવ ઘટતા અટકી સુધારા તરફી રહ્યા હતા. વ્યાજ દરમાં કપાત અને ટ્રમ્પ ફરી પ્રમુખ બનતા અમેરિકામાં ફુગાવાજન્ય દબાણની શકયતાને ટ્રેડરો ચકાસી રહ્યા છે. 

અમેરિકામાં ફુગાવો વધવાની ધારણાંએ સોનામાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે.  ઘરઆંગણે સોનામાં રૂપિયા ૬૦૦થી વધુનો જ્યારે ચાંદીમાં રૂપિયા ૭૫૦થી વધુનો સુધારો જોવા મળ્યો હતો. અમદાવાદ ચાંદી રૂપિયા ૨૦૦૦ ઉછળી હતી.  ચીનની ક્રુડ ઓઈલની માગમાં ઘટાડા તથા અમેરિકામાં વાવાઝોડાને કારણે પૂરવઠો ખોરવાશે તેવી ચિંતા હળવી થવા સાથે ક્રુડ તેલમાં નરમાઈ જોવા મળી હતી. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ગુરુવારની સરખામણીએ  શુક્રવારે ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના  જીએસટી વગરના ભાવ રૂપિયા ૬૦૨ વધી રૂપિયા ૭૭૩૮૨ રહ્યા હતા. ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૭૭૦૭૨ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૭૬૦ વધી રૂપિયા ૯૧૧૩૦ બોલાતા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ રૂપિયા ૮૦,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના રૂપિયા ૭૯૮૦૦ રહ્યા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૯૩૦૦૦ રહ્યા હતા. અમદાવાદ સોનામાં ગુરુવારની સરખામણીએ રૂપિયા ૫૦૦ જ્યારે ચાંદીમાં રૂપિયા ૨૦૦૦નો સુધારો જોવા મળ્યો હતો. 

વિશ્વ બજારમાં સપ્તાહ  અંતે સોનું ઔંસ દીઠ ૨૬૯૦  ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૩૧.૫૪ ડોલર મુકાતી હતી. ટ્રમ્પની આર્થિક નીતિ અમેરિકામાં ફુગાવાજન્ય દબાણ લાવી શકે છે, તેવી ગણતરીએ સોનામાં ફન્ડોની હેજિંગ રૂપે ખરીદી નીકળી હતી.

ઓકટોબરમાં ચીનની ક્રુડ તેલની આયાત નવ ટકા નીચી રહેતા મંદીવાળા હાવી થયા હતા. 

નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલનો બેરલ દીઠ ભાવ ૭૦.૮૫  ડોલર મુકાતો હતો. આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૭૪.૫૯ ડોલર બોલાતુ હતું. 

bullion

Google NewsGoogle News