Get The App

વિશ્વ બજાર પાછળ મુંબઈ સોનામાં રૂ. 1350,ચાંદીમાં રૂ. 2500નો ઘટાડો

- ક્રુડ મક્કમ: ફેડરલ રિઝર્વના આજના નિર્ણય પર ટ્રેડરોની નજર

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
વિશ્વ બજાર પાછળ મુંબઈ સોનામાં રૂ. 1350,ચાંદીમાં રૂ. 2500નો ઘટાડો 1 - image


મુંબઈ : વિશ્વ બજાર પાછળ સ્થાનિક મુંબઈ બજારમાં ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો. સોનામાં રૂપિયા ૧૩૫૦થી  વધુ જ્યારે ચાંદીમાં  રૂપિયા ૨૫૦૦થી વધુનો ઘટાડો જોવાયો હતો. દિવાળીની રજા બાદ અમદાવાદ બુલિયન બજાર આજથી ફરી ધમધમતુ થયું છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદ તરીકે વિજય બાદ બુધવારે વૈશ્વિક સોનામાં બોલાઈ ગયેલા કડાકા  પછી આજે નીચા મથાળે ભાવ સ્થિર થવા મથી રહ્યા હતા. બુધવારે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઔંસ દીઠ ૮૦ ડોલર જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. 

ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીમાં પદભાર સંભાળ્યા બાદ કેવી આર્થિક નીતિ અપનાવે છે તે જોવાનું રહેશે. અમેરિકન ફેડરલ રિઝર્વની બે દિવસની બેઠક આજથી શરૂ થઈ છે ત્યારે બેઠકના અંતે વ્યાજ દર મુદ્દે કેવો નિર્ણય લેવામાં આવે છે તેના પર પણ ટ્રેડરોની નજર છે. ક્રુડ તેલમાં પણ ભાવમાં મક્કમતા જોવા મળી રહી છે. 

સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ બુધવારની સરખામણીએ રૂપિયા ૧૩૫૬ ઘટી રૂપિયા ૭૬૭૮૦ બોલાતા હતા. ૯૯.૫૦ના ભાવ રૂપિયા ૭૬૪૭૩ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ આગલા બંધથી રૂપિયા ૨૫૩૨ તૂટી ગયા હતા અને રૂપિયા ૯૦૩૬૯ કવોટ કરાતા હતા. જીએસટી સાથે ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. 

દિવાળીની રજા બાદ શરૂ થયેલા અમદાવાદ બુલિયન બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૭૯૫૦૦ જ્યારે ૯૯.૫૦ના રૂપિયા ૭૯૩૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૯૧૦૦૦ બોલાતા હતા. ૩૧ ઓકટોબર દિવાળીના દિવસે અમદાવાદ સોનું ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ રૂપિયા ૮૨૨૦૦ જ્યારે ૯૯.૫૦ના ભાવ રૂપિયા ૮૨૦૦૦ કવોટ થયા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૯૮૦૦૦ જોવાયા હતા. 

વિશ્વ બજારમાં સોનું ઔંસ દીઠ ૨૬૬૪ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૩૧ ડોલર કવોટ કરાતી હતી. નીચા મથાળે સોનું સ્થિર થવા મથી રહ્યું છે. 

નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલનો બેરલ દીઠ ભાવ  બુધવારની સરખામણી વધી ૭૦.૮૫  ડોલર મુકાતો હતો. આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૭૪.૨૫ ડોલર સાથે મક્કમ જોવાયું હતું. 


bullion

Google NewsGoogle News