Get The App

વૈશ્વિક બજારમાં નરમાઈના પગલે ઘરઆંગણે સોનામાં થયેલી પીછેહઠ

- નબળી માગના વરતારાને પગલે ક્રુડ તેલ નરમ

- મોડી સાંજે વૈશ્વિક સોનું ૬૦ ડોલર તૂટીને ૨૬૨૧ ડોલર

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
વૈશ્વિક બજારમાં નરમાઈના પગલે ઘરઆંગણે સોનામાં થયેલી પીછેહઠ 1 - image


મુંબઈ : વિશ્વ બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે  સોનાચાંદીમાં ઘટાડા તરફી વલણ રહ્યું હતું. પ્રારંભિક મજબૂતાઈ બાદ ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે  મુંબઈ બજારમાં  સોનાચાંદીના ભાવમાં  ઘટાડો જોવા મળ્યો હતો. ડોલરમાં મજબૂતાઈને પગલે વૈશ્વિક સ્તરે ફન્ડ હાઉસો ગોલ્ડમાંથી હળવા થતા મોડી સાંજે વાશ્વિક સોનું ૬૦   ડોલર તૂટીને ૨૬૨૧ ડોલર અને ચાંદી ૩૦ ડોલર ઉતરી આવી હતી.ડોલર મજબૂત બનતા ઘરઆંગણે કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. ક્રુડ તેલમાં પણ નરમાઈ જોવા મળી હતી.

ઘરઆંગણે મુંબઈ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ ગયા સપ્તાહની સરખામણીએ રૂપિયા ૫૪૨ ઘટી રૂપિયા ૭૬૮૪૦ બંધ રહ્યા હતા. ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૭૬૫૩૨ કવોટ થતા હતા. ચાંદી રૂપિયા ૨૭૧ ઘટી રૂપિયા ૯૦૮૫૯ બંધ રહી હતી. જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના  ભાવ રૂપિયા ૭૯૫૦૦ જ્યારે ૯૯.૫૦ના   ભાવ રૂપિયા ૭૯૩૦૦ મુકાતા હતા. અમદાવાદ ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૯૩૦૦૦ મુકાતા હતા. 

 વિશ્વ બજારમાં સોનુ ઔંસ દીઠ ૨૬૬૩ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૩૧.૨૯ ડોલર મુકાતી હતી. પ્લેટિનમ ઔંસ દીઠ ૯૭૫ ડોલર જ્યારે પેલેડિયમ ૯૮૯ ડોલર મુકાતુ હતું. ડોલર ઊંચકાતા ફન્ડ હાઉસો ગોલ્ડમાંથી રોકાણ હળવું કરી ડોલર તરફ વળી રહ્યા છે. ફુગાવો વધવાની ચિંતાએ ડોલર મક્કમ રહ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ટેરિફમાં વધારો કરશે તો અમેરિકામાં ફુગાવો વધવાની શકયતા છે. ઊંચા ફુગાવાની સ્થિતિમાં વ્યાજ દરમાં આક્રમક ઘટાડો શકય નહીં બને તેવી ગણતરીએ ડોલરમાં મક્કમતા આવી છે. 

દરમિયાન અમેરિકામાં ક્રુડ તેલની ઈન્વેન્ટરી ૧૮ લાખ બેરલની અપેક્ષા કરતા ૨૧ લાખ બેરલ વધીને આવતા ક્રુડ તેલના ભાવમાં નરમાઈ આવી હતી. 

આ ઉપરાંત ૨૦૨૫માં ક્રુડ તેલની માગ વૃદ્ધિ  અપેક્ષા કરતા ઓછી રહેવાના વરતારાએ પણ ભાવ પર દબાણ આણ્યું છે. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલનો બેરલ દીઠ ભાવ ૬૯.૩૨ ડોલર મુકાતો હતો. આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૭૨.૯૦ડોલર બોલાતુ હતું. 

bullion

Google NewsGoogle News