મુંબઈ ખાતે સોનામાં રૂ. 1900 જ્યારે અમદાવાદ ચાંદીમાં રૂ. 3500નો કડાકો
- ક્રુડ તેલની માંગ વૃદ્ધિની ધારણામાં ઓપેક દ્વારા ફરી કાપ મુકાતા ભાવ પર દબાણ
મુંબઈ : વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુમાં જોરદાર ઘટાડો બોલાઈ ગયો હતો. મુંબઈ સોનામાં રૂપિયા ૧૯૦૦થી વધુનો ઘટાડો થયો હતો જ્યારે ચાંદી રૂપિયા ૨૬૦૦થી વધુ તૂટી હતી. અમદાવાદ ચાંદીમાં રૂપિયા ૩૫૦૦નો કડાકો બોલાઈ ગયો હતો. ડોલરમાં મજબૂતાઈને કારણે વૈશ્વિક કિંમતી ધાતુમાં ફન્ડ હાઉસોની વેચવાલી આવી હતી. માગ ઘટવાની ધારણાંએ ક્રુડ તેલમાં પણ નરમાઈ તરફ ઝોક ચાલુ રહ્યો હતો.
ઘરઆંગણે મુંબઈ ઝવેરીબજારમાં ૯૯.૯૦ સોનુ દસ ગ્રામ દીઠ જીએસટી વગર સોમવારના બંધ ભાવની સરખામણીએ રૂપિયા ૧૯૪૦ તૂટી રૂપિયા ૭૪૯૦૦ મુકાતુ હતું. ૯૯.૫૦ સોનાના ભાવ રૂપિયા ૭૪૬૦૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૨૬૦૭ ઘટી રૂપિયા ૮૮૨૫૨ કવોટ થતાં હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામના રૂપિયા ૧૯૦૦ ઘટી રૂપિયા ૭૭૬૦૦ બોલાતા હતા જ્યારે ૯૯.૫૦ના ભાવ રૂપિયા ૭૭૪૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ સોમવારની સરખામણીએ રૂપિયા ૩૫૦૦ ઘટી રૂપિયા ૮૯૫૦૦ બોલાતા હતા.
વિશ્વ બજારમાં સોનું પ્રતિ ઔંસ મોડી સાંજે૧૫ ડોલરથી વધુ ઘટી ૨૬૦૩ ડોલર કવોટ થતું હતું. સોનું નીચામાં ૨૬૦૦ ડોલરની સપાટી તોડી ૨૫૮૯.૭૭ જોવાયું હતું. ચાંદી પણ ઔંસ દીઠ ૩૦.૪૧ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુમાં પ્લેટિનમ પ્રતિ ઔંસ ૯૫૫ ડોલર જ્યારે પેલેડિયમ ૯૬૬ ડોલર કવોટ થતું હતું. ફન્ડ હાઉસોની ડોલરમાં ખરીદી નીકળી હતી જેને પગલે સોનામાં નરમાઈ જોવા મળી રહી છે. અમેરિકામાં ફુગાવો વધવાની ચિંતાએ ફન્ડોનો ડોલર તરફ પ્રવાહ જોવાઈ રહ્યો છે.
ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એકસપોર્ટિંગ કન્ટ્રીસ (ઓપેક) દ્વારા વર્તમાન તથા આગામી વર્ષ માટે ક્રુડ તેલની માગ વૃદ્ધિની ધારણાં પર સતત ચોથા મહિને કાપ મુકાતા ક્રુડ તેલના ભાવ પર દબાણ આવ્યું હતું. ક્રુડના મોટા વપરાશકાર ચીનમાં મંદીને ધ્યાનમાં રાખી ઓપેકે અંદાજમાં ઘટાડો કર્યો છે. ઓપેકના અંદાજ બાદ નાયમેકસ ડબ્લ્યટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૮.૫૦ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૭૨.૪૪ ડોલર મુકાતુ હતું.