ભારતીય શેરબજારમાં FIIનો હિસ્સો ઘટીને 12 વર્ષના સૌથી નીચા સ્તરે
- ઓક્ટોબરમાં મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ ૪૨.૩૬ લાખ કરોડ રૂપિયાના વિક્રમી સ્તરે પહોંચ્યું
- FIIsનો હિસ્સો ઘટીને ૧૫.૯૮ ટકા
અમદાવાદ : NSE પર લિસ્ટેડ કંપનીઓમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)નો હિસ્સો ઘટીને ૧૫.૯૮ ટકા થઈ ગયો છે. આ સાથે દલાલ સ્ટ્રીટમાં વિદેશી રોકાણાકરોની હિસ્સેદારી ૧૨ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. એનએસડીએલના ડેટા અનુસાર, ઓક્ટોબરમાં વિદેશી રોકાણકારોનું સ્ટોક હોલ્ડિંગ ૮.૮ ટકા ઘટીને રૂ. ૭૧.૦૮ લાખ કરોડ થયું હતું, જે સપ્ટેમ્બરમાં રૂ. ૭૭.૯૬ લાખ કરોડ હતું. આ ઘટાડો માર્ચ ૨૦૨૦ પછીનો સૌથી મોટો ઘટાડો છે.
બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો ઓક્ટોબરમાં માસિક ધોરણે ૯.૩૨ ટકાથી વધીને ૯.૫૮ ટકાના વિક્રમી સ્તરે પહોંચ્યો હતો. ઓક્ટોબરમાં તેમનું હોલ્ડિંગ ૪૨.૩૬ લાખ કરોડ રૂપિયા હતુ. એફઆઈઆઈ અને મ્યુચ્યુઅલ ફંડના શેરની ગણતરી એનએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓના માર્કેટકેપ દ્વારા એનએસડીએલ પર ઓક્ટોબર માટેના એસેટ અંડર કસ્ટડી (AUC) ડેટાને વિભાજિત કરીને કરવામાં આવે છે.
ઓક્ટોબરમાં સ્થાનિક બજારમાં એફઆઈઆઈનું ઇક્વિટી હોલ્ડિંગ ઘટીને ૧૨ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું પરંતુ મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો વિક્રમી ઊંચાઈએ પહોંચ્યો હતો. જોકે ડોમેસ્ટિક ઇન્સ્ટિટયુશનલ ઇન્વેસ્ટર્સની સંપત્તિનું કુલ મૂલ્ય ઓક્ટોબર માટે ઉપલબ્ધ નથી પરંતુ સપ્ટેમ્બરમાં તે રૂ. ૭૬.૮૦ લાખ કરોડ હતું.
માસિક ધોરણે, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેમનું હોલ્ડિંગ ૧૬.૧૫ ટકાથી વધીને ૧૬.૨ ટકાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. સપ્ટેમ્બરમાં એફઆઈઆઈનો હિસ્સો પણ ૧૬.૨૭ ટકાથી વધીને ૧૬.૪૪ ટકા થયો હતો.
ઓક્ટોબર માટે ડીઆઈઆઈના ડેટા હજી ઉપલબ્ધ નથી પરંતુ વિશ્લેષકોના મતે તેમનું હોલ્ડિંગ વિદેશી રોકાણકારો કરતા વધી ગયું હશે. ડીઆઈઆઈએ ઓક્ટોબરમાં રૂ. ૧ લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું હતું. જોકે ડિસેમ્બરના અંતમાં શેરહોલ્ડિંગના આંકડા જાહેર થશે ત્યારે જ સાચી સ્થિતિ જાણી શકાશે.