ઘરઆંગણે કિંમતી ધાતુના ઘટાડાને બ્રેક : મુંબઈ ચાંદી રૂ. 1500 ઊંચકાઈ
- પ્લેટિનમ, પેલેડિયમના ભાવ વચ્ચેનો તફાવત ઘટી સમાન સ્તરે
મુંબઈ : વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં ઘટાડો અટકયો હતો. વિશ્વ બજારમાં નીચા મથાળે કિંમતી ધાતુને ટેકો મળતા ભાવ ઊંચકાયા હતા, જેની અસર સ્થાનિક બજારોમાં જોવા મળી હતી. અમેરિકામાં ઓકટોબરના ફુગાવા પહેલા સોનું નીચા મથાળે સ્થિર જોવા મળી રહ્યું છે. ટ્રેડરો પણ ટ્રમ્પની નવી નીતિઓ અને ફુગાવા પર નજર રાખી રહ્યા છે. વિશ્વબજારમાં ગોલ્ડ ફરી ૨૬૦૦ની સપાટી પાર કરી ગયું હતું. અમેરિકામાં ક્રુડ ઓઈલના સ્ટોક ડેટાની જાહેરાત પહેલા ક્રુડ તેલમાં નીચા મથાળે ભાવ સ્થિર રહ્યા હતા.
સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ મંગળવારની સરખામણીએ રૂપિયા ૩૬૦ વધી રૂપિયા ૭૫૨૬૦ રહ્યા હતા. ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૭૪૯૫૯ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૪૯૫ ઉછળી રૂપિયા ૮૯૭૪૭ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ બજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામંના રૂપિયા ૭૭૮૦૦ જ્યારે ૯૯.૫૦ દસ ગ્રામના રૂપિયા ૭૭૬૦૦ કવોટ થતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ મંગળવારની સરખામણીએ રૂપિયા ૨૦૦૦ વધી રૂપિયા ૯૧૫૦૦ બોલાતા હતા.
વિશ્વબજારમાં સોનું ઔંસ દીઠ ફરી ૨૬૦૦ ડોલરને પાર કરી મોડી સાંજે ૨૬૦૯ ડોલર મુકાતુ હતું. ચાંદી પ્રતિ ઔંસ ૩૦.૮૮ડોલર મુકાતી હતી. અમેરિકામાં ઓકટોબરના ફુગાવાના આંક પર બજારની નજર રહેલી છે. ટ્રમ્પની આર્થિક નીતિનું ચિત્ર સ્પષ્ટ નહીં થાય ત્યાંસુધી સોનું રેન્જબાઉન્ડ રહેવાની ધારણાં રાખવામાં આવી રહી છે.
અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ તથા પેલેડિયમના ભાવ વચ્ચેનો તફાવત ઘટી ગયાનું અને લગભગ સમાન સ્તરે આવી ગયાનું જોવા મળી રહ્યું છે. પ્લેટિનમ ઔંસ દીઠ ૯૪૬.૫૫ ડોલર જ્યારે પેલેડિયમ ૯૪૯.૨૯ ડોલર મુકાતુ હતું. પેલેડિયમનો પૂરવઠો વધતા ખાસ કરીને રશિયા ખાતેથી પૂરવઠો વધવાને કારણે પેલેડિયમના ભાવ નીચા આવ્યા હતા.
વૈશ્વિક ક્રુડ તેલ નીચા ભાવે મક્કમ રહ્યું હતું. અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટિટયૂટના સ્ટોક ડેટા પર નજર હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૮.૩૫ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૭૨.૧૬ ડોલર મુકાતુ હતું.