વૈશ્વિક સોનામાં 60 ડોલરથી વધુનો કડાકો : મુંબઈ ચાંદીમાં પણ રૂ. 1300નું ગાબડું
- પ્લેટિનમ તથા પેલેડિયમમાં પણ ભાવ ગબડયા: ક્રુડ તેલ નરમ
મુંબઈ : અમેરિકાના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વિજયી બનતા ડોલર મજબૂત બન્યો હતો જેની અસરે સોનાચાંદીના વૈશ્વિક ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડોલર સામે રૂપિયો નબળો પડતા ઘરઆંગણે સોનાચાંદીના ભાવમાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. વૈશ્વિક સોનાના ભાવ મોડી સાંજે ૬૩ ડોલર ઘટી ૨૭૦૦ ડોલરની અંદર સરકી ૨૬૮૦ ડોલર બોલાતુ હતું. મુંબઈ ચાંદી રૂપિયા ૧૩૦૦થી વધુ તૂટી હતી.
ફન્ડ હાઉસો સોનામાં હળવા થઈ ડોલરમાં રોકાણ વાળ્યું હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. મજબૂત ડોલરની અસર ક્રુડ તેલના ભાવ પર પણ જોવા મળી હતી.
વિશ્વના કોઈપણ દેશ કરતા અમેરિકા પાસે વધુ લિક્વિડ ગોલ્ડ, ઓઈલ અને ગેસ હોવાનું ટ્રમ્પે તેના વિજયી ભાષણમાં જણાવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનની પણ સોના તથા ક્રુડ તેલના ભાવ પર અસર જોવા મળી હતી.
સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ મંગળવારની સરખામણીએ વિશ્વ બજાર પાછળ રૂપિયા ૪૩૦ ઘટી રૂપિયા ૭૮૧૩૬ બંધ રહ્યા હતા. ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૭૭૮૨૩ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ મંગળવારની સરખામણીએ રૂપિયા ૧૩૬૦ ઘટી રૂપિયા ૯૨૯૦૧ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા.
વિશ્વ બજારમાં સોનાના ઔંસ દીઠ ભાવ નીચામાં ૨૬૮૦.૮૫ડોલર અને ઊંચામાં ૨૭૪૯.૭૭ ડોલર વચ્ચે અથડાઈને મોડી સાંજે ભાવ ૨૬૮૧ ડોલર મુકાતા હતા. ચાંદી પ્રતિ ઔંસ ૩૧.૩૫ ડોલર મુકાતી હતી. વૈશ્વિક સોનું આગલા બંધથી મોડી સાંજે ૬૩ ડોલર નીચે બોલાતું હતું.
ગોલ્ડની પાછળ વિશ્વબજારમાં અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ તથા પેલેડિયમમાં પણ ભાવ ગબડયા હતા. પ્લેટિનમ ઔંસ દીઠ ૨૫ ડોલર ઘટી ૯૭૫ ડોલર જ્યારે પેલેડિયમ ૪૦ ડોલર તૂટી મોડી સાંજે ૧૦૩૬ ડોલર મુકાતુ હતું.
નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલનો બેરલ દીઠ ભાવ ૬૯.૯૮ ડોલર મુકાતો હતો. આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૭૩.૫૧ ડોલર મુકાતું હતું. ડોલર મજબૂત બનતા ક્રુડ તેલના આયાતકારો માટે ક્રુડ તેલ ખર્ચાળ બની શકે છે જેની અસર માગ પર પડશે તેવી ગણતરીએ ક્રુડ તેલમાં નબળાઈ જોવા મળી છે.