Get The App

અમદાવાદ ચાંદીમાં રૂ. 3500, મુંબઈ સોનામાં રૂ. 1500નું ગાબડુ

- ડોલરની મજબૂતાઈએ વૈશ્વિક સોનું ઘટી આઠ સપ્તાહની નીચી સપાટીએ સરકી ગયું

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
અમદાવાદ ચાંદીમાં  રૂ. 3500, મુંબઈ સોનામાં રૂ. 1500નું ગાબડુ 1 - image


મુંબઈ : વિશ્વબજારમાં સોનાચાંદીના ભાવમાં બોલાઈ ગયેલા કડાકાની અસર ઘરઆંગણે  કિંમતી ધાતુના ભાવ પર જોવા મળી હતી. અમેરિકામાં ે ઓકટોબરનો ફુગાવો બજારની અપેક્ષા પ્રમાણે વધીને આવતા ડોલરમાં મજબૂતાઈ આવી હતી. ડોલરની મજબૂતાઈને પગલે સોનાચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો.  

 ડિસેમ્બરની ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દર ઘટવાની અપેક્ષા વધી ગઈ છે કારણ કે ટ્રમ્પની  આર્થિક નીતિ હાલ તાત્કાલિક અમલી બને તેવી શકયતા જણાતી નથી.

 ઘરઆંગણે મુંબઈ બજારમાં ચાંદીમાં રૂપિયા ૨૬૦૦થી વધુ જ્યારે સોનામાં રૂપિયા ૧૫૦૦થી વધુ નીકળી ગયા હતા. અમદાવાદ ચાંદી બુધવારની સરખામણીએ રૂપિયા ૩૫૦૦ તૂટી ગઈ હતી.  મિશ્ર અહેવાલો વચ્ચે ક્રુડ તેલમાં મક્કમતા જોવા મળી હતી. 

ઘરઆંગણે મુંબઈ બજારમાં ૯૯.૯૦ સોનુ દસ ગ્રામ દીઠ બુધવારની સરખામણીએ રૂપિયા ૧૫૨૧ ઘટી જીએસટી વગર રૂપિયા ૭૩૭૩૯ બોલાતું હતું. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના ભાવ જીએસટી વગર  રૂપિયા ૭૩૪૪૪ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા. મુંબઈ ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૨૬૪૪ ઘટી જીએસટી વગર રૂપિયા ૮૭૧૦૩ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા કવોટ થતા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના ભાવ દસ ગ્રામ દીઠ રૂપિયા ૭૬૫૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના રૂપિયા ૭૬૩૦૦ બોલાતા હતા. અમદાવાદ સોનામાં દસ ગ્રામ દીઠ રૂપિયા ૧૩૦૦ નીકળી ગયા હતા જ્યારે ચાંદી .૯૯૯ બુધવારની સરખામણીએ રૂપિયા ૩૫૦૦ તૂટી કિલો દીઠ રૂપિયા ૮૮૦૦૦ મુકાતી હતી. 

વિશ્વ બજારમાં સોનુ વધુ ગબડી પ્રતિ ઔંસ ૨૫૫૪ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૦.૦૫ ડોલર  બોલાતી હતી. પ્લેટિનમ પ્રતિ ઔંસ ૯૩૬ ડોલર જ્યારે પેલેડિયમના ભાવ ઔંસ દીઠ ૯૩૧.૮૩ ડોલર મુકાતા હતા. બન્ને ધાતુના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. વૈશ્વિક સોનાનો ભાવ  આઠ સપ્તાહથી વધુની નીચી સપાટીએ બોલાતો હતો. 

મિશ્ર અહેવાલો વચ્ચે ક્રુડ તેલના ભાવમાં મક્કમતા જોવા મળી હતી. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ ૨૦૨૫માં ક્રુડ ઓઈલનો પૂરવઠો વધવાનો અંદાજ મૂકયો છે જ્યારે અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટિટયૂટે ગયા સપ્તાહમાં ઈન્વેન્ટરીસમાં ૭૭૭૦૦૦  બેરલ્સ જેટલો ઘટાડો થયાનું જાહેર કર્યું હતું.  નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૮.૯૧ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૭૨.૭૮ ડોલર મુકાતુ હતું.  

bullion

Google NewsGoogle News