ખાંડમાં તહેવારો ટાણે ભાવ ઉંચકાયાઃ મહારાષ્ટ્રમાં ઉત્પાદન ચાર વર્ષના તળિયે
- ઉભી બજારે : દિલીપ શાહ
- નિકાસ પ્રશ્ને સરકારનો સાવચેતીભર્યો અભિગમઃ વિશ્વ બજાર પણ વધીઃ મહારાષ્ટ્રમાં ઉત્પાદન ૧૦૦ લાખ ટનની અંદર જવાની ભીતિ
દે શમાં ખાંડ બજાર તથા ઉદ્યોગ જગતમાં તાજેતરમાં પ્રવાહો ઝડપથી પલ્ટાતા જોવા મળ્યા છે. તહેવારોની મોસમ દેશમાં શરૂ થઈ ગઈ છે તથા શ્રાવણ, રક્ષાબંધન, જન્માષ્ટમી પછી હવે શ્રી ગણપતિના તહેવારો આવી રહ્યા છે તથા ત્યારબાદ નવરાત્રી, દશેરા તથા દિવાળી સુધી આવી તહેવારોની મોસમ આગળ વધશે તથા છેક નાતાલ સુધી આવી મોસમ ચાલશે એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. તહેવારોની મોસમમાં દેશના ખાંડ બજારોમાં રિટેલ માગ તથા બલ્ક વપરાશ કારોની માગ સામાન્યપણે વધતી હોય છે. અધુરામાં પૂરું ઓગસ્ટમાં વરસાદ ઘટી જતાં તથા હવે સપ્ટેમ્બરમાં પણ વરસાદ હાથતાળી આપી રહ્યાના નિર્દેશો વચ્ચે હવામાનમાં ગરમી વધતાં ઠંડા પીણાની માગ પણ વધી છે તથા તેના પગલે ખાંડ બજારમાં આવા ઠંડા પીણા ઉત્પાદકોની પૂછપરછ તથા માગ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી હતી. બજારભાવ પણ મક્કમ રહ્યા છે નવી મુંબઈ જથ્થાબંધ ખાંડ બજારમાં તાજેતરમાં ભાવ કિવ.ના સ્મોલ ગ્રેડના રૂ.૩૭૫૦થી ૩૮૫૦ તથા મિડિયમ ગ્રેડના રૂ.૩૮૪૫થી ૩૯૫૫ આસપાસ બોલાતા થયાના નિર્દેશો મળ્યા હતા.
દેશમાં ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર રાજ્ય મહત્ત્વનું ગણાય છે તથા આવા મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન હવે પછી શરૂ થનારી નવી મોસમમાં ઘટી ૪ વર્ષના તળિયે ઉતરી જવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. ઓગસ્ટમાં વરસાદ નોંધપાત્ર ઓછો થતાં તથા હવે સપ્ટેમ્બરમાં પણ ગરમી વધુ તથા વરસાદ ઓછો જેવી સ્થિતિ ઊભી થતાં મહારાષ્ટ્રમાં શેરડીના પાક પર પ્રતિકૂળ અસર પડવાની ભીતિ જાણકારો બતાવી રહ્યા હતા. દેશમાં ૨૦૨૩-૨૪ની નવી ખાંડ મોસમ ઓક્ટોબરથી આવતા મહિનાથી શરૂ થવાની છે તથા આ નવી મોસમમાં મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન આશરે ૧૩થી ૧૪ ટકા ઘટી ૪ વર્ષના તળિયે ઉતરી જવાની શક્યતા ખાંડ ઉદ્યોગ જગતના સૂત્રો બતાવી રહ્યા હતા. વરસાદ ઘટતાં શેરડીને અસર પડતાં કેન-યીલ્ડ ઘટવાની ભીતિ સર્જાઈ છે. વિશ્વ બજારમાં શોર્ટ સપ્લાય વચ્ચે ખાંડના ભાવ વધી દાયકાથી વધુની ટોચે પહોંચી ગયા છે અને આવી સ્થિતિમાં ભારતમાંથી ખાંડની નિકાસ માટે ઉજળી તકો સર્જાઈ છે પરંતુ દેશમાં પણ ઉત્પાદનમાં પીછેહટની ભીતિ વચ્ચે ભારત સરકાર હાલ ખાંડની નિકાસના પ્રશ્ને થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહી છે. હવે પછી વિવિધ મહત્ત્વની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સરકાર આ પ્રશ્ને વિશેષ સાવચેતી બતાવી દેશમાં ખાંડના ભાવ કાબુમાં રાખવા ખાસ લક્ષ આપી રહ્યાના વાવડ દિલ્હીથી મળ્યા છે. જોકે ઘરઆંગણે ભાવ ઉંચા જતાં ખાંડ મિલોની નાણાંકીય સ્થિતિ સુધરી છે તથા તેના પગલે આવી મિલો શેરડી ઉગાડતા ખેડૂતોને શેરડીની વહેલી તકે ચૂકવણી કરવા કટીબદ્ધ બન્યાની ચર્ચા પણ ખાંડ ઉદ્યોગમાં સંભળાઈ છે. દેશમાં ખાંડનું નોર્મલ વાર્ષિક ઉત્પાદન જેટલું થાય છે એ પૈકી આશરે એક તૃતીયાંશ ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે. આવા મહત્ત્વના મહારાષ્ટ્ર રાજ્યમાં આગામી ખાંડ મોસમમાં ઉત્પાદન ઘટી આશરે ૯૦ લાખ ટન થવાની શક્યતા વેસ્ટ ઈન્ડિયન સુગર મિલ્સ એસોસીએશનના સૂત્રોએ બતાવી હતી. મહારાષ્ટ્રમાં પાછલી ખાંડ મોસમ ૨૦૨૨-૨૩માં ઉત્પાદન આશરે ૧૦૫ લાખ ટન થયું હતું. મહારાષ્ટ્રમાં મોટા ભાગના શેરડી ઉગાડતા વિસ્તારોમાં વરસાદ ઓછો નોંધાયો છે. મહારાષ્ટ્રમાં દર વર્ષે સામાન્ય પણ ઓગસ્ટમાં જેટલો વરસાદ થાય છે તેની સરખામણીએ આ વર્ષે વરસાદ આશરે ૫૫થી ૬૦ ટકા ઓછો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ડ્રાય વેધર તથા હાઈ ટેમ્પરેચર વચ્ચે કેન-યીલ્ડ (શેરડીની યીલ્ડ)માં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા સર્જાઈ છે. મહારાષ્ટ્રમાં ૨૦૨૧-૨૨ની મોસમમાં ખાંડનું ઉત્પાદન આશરે ૧૩૭ લાખ ટન થયું હતું અને એ વખતે સરકારે દેશભરમાંથી આશરે ૧૧૨ લાખ ટન ખાંડની નિકાસ કરવાની છૂટ આપી હતી. મહારાષ્ટ્ર ઉપરાંત ખાંડના ઉત્પાદનમાં ઉત્તર-પ્રદેશ રાજ્ય પણ મહત્ત્વનું મનાય છે. દરમિયાન, મહારાષ્ટ્રમાં ૨૦૨૨-૨૩માં ઉત્પાદન ઘટી ૧૦૫ લાખ ટન થતાં દેશવ્યાપી નિકાસ એ વર્ષમાં ઘટી ૬૧ લાખ ટનની નોંધાઈ હતી. હવે ૨૦૨૩-૨૪ની મોસમમાં પણ ખાંડનું ઉત્પાદન વધુ ઘટવાની શક્યતા જોતાં સરકાર ખાંડ નિકાસમાં ઉતાવળ કરશે નહિં એવાં નિર્દેશો વહતા થયા છે.