વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ સામે કચ્છથીવુ ટાપુને લઈને નિશાન સાધ્યું હતું, ત્યારથી લઈને આ ટાપુ ચર્ચામાં છે. ચાલો જોઈએ શું છે આ કચ્છથીવુ અને કેમ ઈન્દિરા ગાંધીએ તેને શ્રીલંકાને સોંપી દીધેલો.

કચ્છથીવુ ભારતના રામેશ્વરમથી શ્રીલંકાની વચ્ચે આવેલો નાનો ટાપુ છે. રામેશ્વરમથી 12 માઇલ દૂર આવેલો છે. કચ્છથીવુ ટાપુના સૌથી નજીક વસ્તીવાળો વિસ્તાર ડેલ્ફ આઇલેન્ડ છે, જે શ્રીલંકાના અધિકારક્ષેત્રમાં આવે છે.

કચ્છથીવુ ટાપુ સંપૂર્ણપણે નિર્જન છે. અહીં કોઈ રહેતું નથી. તેનું કારણ એ છે કે કચ્છથીવુ ટાપુ પર પીવાના પાણીની કોઈ સુવિધા નથી. આ ટાપુને લઈને ભારત અને શ્રીલંકા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, તેથી અહીં કોઈને જવાની મંજૂરી નથી.

1974માં જ્યારે ઈન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન હતા, ત્યારે બંને દેશો વચ્ચે વાટાઘાટોના અનેક રાઉન્ડ થયા અને આ દરમિયાન એક સમજૂતી થઈ, જેને ‘ભારત-શ્રીલંકા મેરીટાઇમ એગ્રીમેન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે.

ઈન્દિરા ગાંધીએ શ્રીલંકાના તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રીમાવ બંદરનાઈકે સાથે કુલ ચાર દરિયાઈ કરાર કર્યા. જેમાંનો એક કરાર કચ્છથીવુ ટાપુ શ્રીલંકાને સોંપવાનો હતો. જો કે ભારતીય માછીમારોને આ ટાપુ સુધી પહોંચવા દેવાનો નિર્ણય લેવાયો.

વર્ષ 1976માં જ્યારે દેશમાં ઈમરજન્સી હતી ત્યારે ઈન્દિરા ગાંધી સરકારે શ્રીલંકા સાથે બીજો કરાર કર્યો હતો. આ સમજૂતી હેઠળ બંને દેશોના માછીમારોને આ ટાપુની આસપાસ જતા રોકવામાં આવ્યા હતા.

તે સમયે ઈન્દિરા ગાંધીના નિર્ણય સામે તમિલનાડુમાં ઘણા વિરોધ પ્રદર્શન થયા હતા. માછીમારો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

1991માં, જ્યારે ભારતે શ્રીલંકાના ગૃહ યુદ્ધમાં તેની સેના મોકલી, ત્યારે તમિલનાડુ વિધાનસભામાં ફરી એકવાર કચ્છથીવુ ટાપુને ભારતમાં સમાવવાની માંગ કરવામાં આવી. ત્યારથી આ મુદ્દો તમિલનાડુના રાજકારણમાં સતત ઉઠતો રહ્યો છે.

ગયા વર્ષે જ્યારે શ્રીલંકાના વડાપ્રધાન ભારતની મુલાકાતે હતા ત્યારે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કચ્છથીવુ ટાપુ પરત કરવાની માગણી કરી હતી.

More Web Stories