Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મધપૂડો - હરિશ નાયક

ખૂબ લડી મરદાની વહ તો સુભદ્રાકુમારી ચૌહાણ થી

જેણે 'ઝાંસીની રાણી'ને અમર કરી દીધી

ઠાકુર ઇચ્છતા હતા કે ભલે લગ્ન થઈ ગયાં, પણ સુભદ્રા પૂરેપૂરું ભણીગણીને જ સાહિત્યમાં ઝંપલાવે ! એટલે તેમણે સુભદ્રાને વધુ ભણવા માટે કાશી મોકલી આપી

અલ્હાબાદની કોન્વેન્ટ શાળા. આઠમાં ધોરણમાં એક છોકરી ભણે. નામ તેનું સુભદ્રા.
સુભદ્રાની ઉંમર બારેક વર્ષની હતી. તે ભારે ચંચળ અને તોફાની હતી. તેને કવિતા કરવાનો ભારે શોખ હતો. વાતવાતમાં તે કવિતા જોડવા બેસી જતી.

એક વખત વર્ગની વિદ્યાર્થિની સુશીલા મોડી આવી. તેનો નિશાળ આવવાનો ઇરાદો ન હતો. તેની મુનિયા દાઈ નામની આયા તેને મૂકવા આવી.

શાળામાં આવતાં જ મુનિયા દાઈએ બધી છોકરીઓને સુશીલાની વાત કહી દીધી. એથી સુશીલા અને મુનિયા દાઈ વચ્ચે લડાઈ થઈ.

આ પ્રસંગ ઉપર તરત જ સુભદ્રાએ કવિતા જોડી નાખી :

દેખો એક હે લડકી આઈ,
જિસસે લડતી મુનિયા દાઈ,
લુકરગંજ હૈ ઉસકા ધામ
સુશીલા દેવી જિસકા નામ.

કવિતાબાજ એ સુભદ્રા માત્ર હિન્દીમાં જ કવિતા કરતી નહિ, તે અંગ્રેજી કવિતા પર પણ પોતાનો હાથ અજમાવતી. એક વખત તેણે અંગ્રેજીની વર્ગશિક્ષિકા ઇન્દુબાલા દેવી ઉપર પણ કવિતા જોડી હતી.

શિક્ષિકા ઇન્દુબાલા ફેશનવાળી, ટાપટીપવાળી અને બોલાવે ચાલવે ચીપીચીપીને બોલનારી હતી. જો કે છોકરીઓ એ શિક્ષિકાને ખૂબ જ ચાહતી હતી.
સુભદ્રાની ઇન્દુબાલા વિષેની એ કવિતા આ રહી :

આઈ એમ એ રોમેંટિક લેડી
ઇન્દુબાલા ઇઝ માય નેઈમ
ઓલ ધી ગલ્સૅ વેર વેરી હેપ્પી
ઇન ધી કલાસ, વ્હેન આઈ કેઈમ.

જ્યારે એ કવિતા બહેનશ્રી ઇન્દુબાલાદેવીએ વાંચી, ત્યારે એ બહેન જાતે પણ ખુશ થઈ ગયાં અને કહ્યું, 'સુભદ્રા મોટી થઈને જરૃર સારી કવયિત્રી બનશે.'

અને બહેનની એ આગાહી સાચી પડી. સુભદ્રા મોટી થતાં જ જાણીતી કવયિત્રી બની ગઈ. સુભદ્રાકુમારી ચૌહાણને નામે આજે સહુ એ સુભદ્રાને યાદ કરે છે.

સુભદ્રા ચૌદ વર્ષની હતી અને તેનાં લગ્ન થઈ ગયા. તે જમાનામાં એવડી છોકરીને પરણાવી દેવામાં આવતી.

સુભદ્રાનાં લગ્ન ઠાકુર લક્ષ્મણસિંહ ચૌહાણ સાથે થયાં. ત્યાં પણ પિતાના ઘર જેવી લહેર હતી. પતિ ઠાકુર જાતે લશ્કરી માનવી હતા. તેમણે વકીલાતની પરીક્ષા ઊંચા ધોરણે પસાર કરી હતી.

તેને કોઈ પણ સારી સરકારી નોકરી મળી શકે તેમ હતું. છતાં નોકરી ન કરતાં, તેમણે આઝાદીની લડાઈમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું.

પંડિત મખ્ખનલાલ ચતુર્વેદીનું હિન્દીમાં ઘણું મોટું નામ છે. તેઓ 'કર્મવીર'નામનું સાપ્તાહિક બહાર પાડતા હતા. ઠાકુર એ જ ચળવળખોર સાપ્તાહિકના સહતંત્રી હતા.

આમ સુભદ્રાને સાહિત્યમાં રસ હતો, અને પોતે પરણીને જ્યાં ગઈ, ત્યાં તો સાહિત્યનો ખજાનો જ હતો. સુભદ્રાની કવિતાભાવના એથી ખૂબ જ ખીલી ઊઠી.

ઠાકુર ઇચ્છતા હતા કે ભલે લગ્ન થઈ ગયાં, પણ સુભદ્રા પૂરેપૂરું ભણીગણીને જ સાહિત્યમાં ઝંપલાવે ! એટલે તેમણે સુભદ્રાને વધુ ભણવા માટે કાશી મોકલી આપી. ત્યાં થિયોસોફિકલ સ્કૂલમાં સુભદ્રા વધુ ઊંડા અભ્યાસની સાથે કવિતા કરવાનું ચાલુ રાખવા લાગી.

કાશીની એ શાળામાં એની બેસન્ટનું સંચાલન હતું. પછી તો જોઈએ જ શું ? સુભદ્રામાં સેવાભાવના જાગ્રત થઈ અને તેણે સૂતેલી જનતાને કવિતા દ્વારા જગાડવાનું કામ શરૃ કર્યું.

'કર્મવીર અંગ્રેજોને હાંકી કાઢવા માટેના લેખો લખતું હતું. સરકારની તેના પર ખફા મરજી રહેતી. એ દિવસોમાં નાગપુરમાં ઝંડા આંદોલન શરૃ થયું.

કોગ્રેંસે એવું એલાન આપ્યું હતું કે, નાગપુર શહેર પૂર્ણ રીતે ભારતીય બને. ત્યાંનાં તમામ સરકારી મકાન પર ભારતીય ધ્વજ ફરકી રહે. એટલે સુધી કે ગોરા અફસરોનાં મકાન પર પણ ભારતનો જ રાષ્ટ્રધ્વજ હોય !

પતિ જબલપુરની ટુકડી લઈને નાગપુર ગયા. સુભદ્રા પાછળ રહે ? તે પણ પતિની સાથે જ ગઈ.
અંગ્રેજોની એક છાવણીમાં દાખલ થવાની સરદારી ઠાકુર તથા સુભદ્રાને લીધી. માર પડયો, લાઠી પડી, અશ્રુવાયુ છોડાયો, પણ તેમની ટુકડીએ હાથમાંથી ધ્વજ ન મૂક્યો.

અંતમાં, તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યાં. નાગપુરની એ જેલમાં ત્યારે એકમાત્ર સુભદ્રા જ સ્ત્રી હતી.
સુભદ્રા આ રીતે ઘણી વખત જેલમાં ગઈ. જેલની બહાર તે પંડિતજી મખ્ખનલાલ ચતુર્વેદી પાસે કવિતાના છંદ, માત્રા, પ્રાસ, મેળ, ઢાળ, રાગ વગેરે શીખતી અને જેલમાં જઈને જ તે એ જ્ઞાાન મુજબ કવિતા લખતી.

સુભદ્રાની મોટા ભાગની કવિતાઓ જેલમાં લખાઈ છે, અને તેની અમર કવિતા 'ઝાંસી કી રાની'પણ જેલમાં જ લખાયેલી છે.
હિન્દીના કોઈ પણ જાણકારને મોઢે આ કવિતા તો અવશ્ય હોય જ.

બુંદેલે હરબોલોં કે મુંહ
હમને સૂની કહાની થી,
ખૂબ લડી મરદાની
વહ તો ઝાંસી વાલી રાની થી.

ઉપરની કવિતા આઝાદી કાળની ગીતા બની ગઈ છે. સુભદ્રાનું પછી તો કાવ્ય-પુસ્તક 'મુકુલ'પ્રગટ થયું. વાર્તાઓનો સંગ્રહ 'બિખરે મોતી'બહાર પડયો. છતાં વિવેચકો કહે છે કે :  'સુભદ્રાકુમારીએ બીજું કંઈ નહિ, અને એક માત્ર 'ઝાંસી કી રાની' કવિતા જ લખી હોત તો પણ તે અમર બની રહેત.

'ઝાંસી કી રાની'કવિતામાં એવા જોશ અને જોમ છે કે ગાનાર ગાતાં ગાતાં જ તાલમાં અને તાનમાં આવી જાય છે, તેના પગ કૂચકદમ કરવા લાગે છે અને મુઠ્ઠીઓ હવામાં ઉછાળવા લાગે છે.
તેમની કવિતા વાંચી એવું લાગે છે, જાણે કોઈ મોરચા પરનો સૈનિક કવિતા લખી
રહ્યો છે.

પણ 'મરદાની'કવિતાઓની આવી જોશીલી કવયિત્રી જાતે તો ઘણી કોમળ હતી. બાળકો માટે તેના મનમાં અત્યંત મમતા હતી. કવિતાનો અગાઉનો શોખ તો છૂટયો જ ન હતો. પાછળથી તેનાં પોતાનાં ત્રણ બાળકો થયાં. એ બાળકો સાથે પણ સુભદ્રા કવિતામાં જ વાત કરતી.
બહાર જતી વખતે તે બાળકોને કહેતી :

દેખો બચ્ચોં બાત ન કરના
જાતી હૂં, ઉત્પાત ન કરના.
બાળકોને ભોજન કરાવતી વખતે તે લલકારતી :
અચ્છા ખાઓ, અચ્છા પીઓ,
સો સાલ તક બચ્ચોં જીઓ.
બાળકોને તે કવિતા-કથાઓ સંભળાવીને સુવડાવતી ત્યારે તે ગાઈ
ઊઠતી :

પૂરા કર કે આજકા કામ
ફિર તુમ સોને જાના
પૂરા કામ, પૂરી નિંદ્રા
સોને મેં સુહાગા જાના.

આવી કવયિત્રી સુભદ્રા કંઈ પોતાનાં જ બાળકોની માતા ન હતી. તે તો તમામ બાળકોની માતા હતી. એક દિવાળી પર તે બાળકોને માટે દારૃખાનું, મીઠાઇ, વગેરે ખરીદીને આવતી હતી.

રસ્તામાં ગરીબ લોકોનાં નાગાં ભૂખ્યાં બાળકોને રડતાં ટળવળતાં જોયાં. માતાની ધીરજ રહી નહિ. તેણે એ તમામ દારૃખાનું તથા મીઠાઈ એ બાળકોને વહેંચી આપી અને કહ્યું, 'લો બાળકો મનાવો દિવાળી.'

ઘેર દારૃખાનું તથા મીઠાઈની રાહ જોતાં બાળકોને માતાએ ઉપરની વાત કહી ત્યારે બાળકો રાજી થઈ ગયાં. તેઓ બોલી ઊઠયાં,'બહુ સારું કર્યું મા !'હવેથી દરેક દિવાળીએ આપણે દારૃખાનું તથા મીઠાઈ ખરીદીશું પણ જેની પાસે ન હોય તેને જ એ આપીશું. અને જ્યાં સુધી દેશનાં તમામ બાળકો દિવાળીનો આનંદ ન માણી શકે, ત્યાં સુધી અમે એવો શોખ માણીશું નહિ.

આમ જેવી માતા સમજુ હતી, તેવાં જ બાળકો પણ સમજુ બની રહ્યાં. એટલે તો આખું કુટુંબ સમાજસેવામાં લાગી ગયું.

એક વખત માતા તથા બાળકો સહેલગાહે નીકળ્યાં હશે. એક આવું જ બાળક રડતું હતું. આજુબાજુ કોઈ જ ન હતું. બાળક દીઠે ગમે તેવું ન હતું. છતાં બધાં તેની પાસે ગયાં. એ બાળકને પૂછવામાં આવ્યું,'તારા પિતા ક્યાં છે ?'

'નથી.'
 'માતા...?'
'નથી.'
'તું ક્યાં રહે છે ?'

'નથી.'
બધાં હસી પડયાં પણ દયા સહુના અંતરમાં ઊભરાઈ આવી. બાળકો બોલી ઊઠયાં,'મા ! એનું કોઈ નથી. ચાલ આપણે જ એનાં થઈએ. એને આપણે ઘેર લઈ
જઈએ !'

એમ જ થયું. એ બાળકને પછી 'નથી'શબ્દ ઉચ્ચારવાનો રહ્યો જ નહિ. સુભદ્રાકુમારી તેની માતા બની, બાળકો તેનાં ભાઈબહેન અને ઠાકુર તેના પિતા.

એ બાળક પછી જિંદગી આખી કુટુંબમાં જ સમાઈ ગયું. વર્ષો પછી તો ક્યું બાળક સુભદ્રાકુમારી.નું અને ક્યું રસ્તાનું એની કોઈને ખબર પડી નહિ. એવી એકતા એ બાળકોમાં આવી ગઈ.

આમ કુટુંબમાં પોતાનાં તથા બીજાનાં બાળકો વધતાં ગયા, છતાં કુટુંબ આઝાદીના લડાઈમાંથી પાછું હઠયું નહિ. ૧૯૪૨માં જ્યારે સુભદ્રાકુમારીને લાંબી જેલ થઈ. ત્યારે તેમની પોતાની પુત્રી મમતા માત્ર છ મહિનાની હતી. માતા એને લઈને જ જેલમાં ગઈ. એ રીતે મમતા કદાચ જેલ ભોગવનારી નાનામાં નાની બાળકી હશે.

આમ '૪૭ની સાલ સુધી સુભદ્રાકુમારીએ દેશની ઘણી સેવા કરી. જાતે આઝાદી ખાતર લડી. કવિતા વડે દેશને જાગ્રત કર્યો.

અને જ્યારે ૧૯૪૭ની પંદરમી ઓગસ્ટે દેશને આઝાદી મળી ત્યારે સહુથી વધુ સુખી કુટુંબ સુભદ્રાકુમારીનું હતું. તેમણે એ દિવસે ગાઈ નાખ્યું :

આજ દિન હૈ સોનેકા
સૂરજ ઊગા હૈ સોનેકા
અબ ન કોઈ દુ: ખ રહેગા
દેશ બનેગા સોનેકા !

સોનાના સૂરજની અને સોનાના સુખની કલ્પના કરનાર આવી મમતા ભરી કવઇત્રી આઝાદીનું સુખ ભોગવવા ઝાઝું જીવી શકી નહિ. જેવું તેમનું જીવન હતું, એવું જ એમનું મોત સાબિત થયું.

વાત એવી હતી કે સુભદ્રાકુમારીને જેટલાં બાળકો ગમતાં, એટલાં જ પશુપંખીઓ પણ ગમતાં. એક વખત તેઓ નાગપુરથી જબલપુર આવતાં હતાં. ગાડી તેમનો પુત્ર વિજ્ય ચૌહાણ હાંકતો હતો. લાંબા અંતરને કારણે ગાડી પૂરપાટ જતી હતી. એક નાનું ગામ આવ્યું. મરઘાઓ રસ્તામાં આવી ગયા હતા. એક મરધી પોતાના ચૂજા(બચ્ચાંઓ) સાથે કલક કલક કરતી રસ્તો પસાર કરતી હતી. કવિને પ્રેરણા આપે એવું મધુરું દૃશ્ય હતું.

એકદમ અકસ્માતનો ખ્યાલ સુભદ્રાકુમારીને આવી ગયો. તેમણે પોતાના પુત્રને ઉદ્દેશીને ચીસ પાડી, 'છોટા! ચૂજેકો બચાઓ...! ( છોટા, મરઘીનાં બચ્ચાંને બચાવી લે.)

પુત્રે માતાની આજ્ઞાા માથે ઊઠાવી. તેણે મરઘીનાં બચ્ચાંને બચાવવા જોરદાર વળાંક આપ્યો. પણ ગાડી ઘણી વેગમાં હતી. બાજુમાં કાચો રસ્તો હતો. એ કાચે રસ્તે થઈને ગાડી એક શિલા-ટેકરી સાથે ટકરાઈ ગઈ.

વિજ્યને ઘણું ઓછું વાગ્યું, પણ માતાને માથામાં મૂઢ માર વાગ્યો. ત્યાંથી સીધી માતાને હોસ્પિટલ લઈ જવામાં આવી. અને પાંચ દિવસ રહીને જ ૧૯૪૮ની વસંત પંચમીના રોજ માતા સુભદ્રા-કુમારીનું અવસાન થયું.

દેશને જગાડીને, દેશની આઝાદીમાં પોતાનો ફાળો આપીને, એક મરઘીના કુટુંબ ખાતર પ્રાણ આપનાર કદાચ સુભદ્રાકુમારી પહેલી માતા કવયિત્રી હશે ! એમને યાદ કરતાં જ આપણે આસાનીથી ગાઈ શકીએ છીએ :

ખૂબ લડી મરદાની
વો તો સુભદ્રાકુમારી ચૌહાન થી.
કવિતાબાજ એ સુભદ્રા માત્ર હિન્દીમાં જ કવિતા કરતી.

Post Comments