Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભગરી ભેંસ બ્યુટી પાર્લરમાં...

ભગરી ભેંસનું એક રંગીન સપનું હતું :  'એક દિવસ મારે ટી.વી. સીરિયલ અને પછી ફિલ્મોમાં સ્ટાર થવું છે.' પણ જ્યારે તે પોતાને દર્પણમાં જુએ ત્યારે નિસાસા નાંખે અને નિરાશ થઈ જાય. એને પોતાની જાત ઉપર ખૂબજ શરમ આવતી હતી. લઘુતા ગ્રંથિથી પીડાતી હતી. કેમકે તે પોતે ખૂબ જ જાડી-પાડી-કાળી હતી. તે બાજુમાં આવેલ જિમમાં મોટી ફી ભરીને કસરત કરવા પણ ત્રણ મહિના ગઈ પણ વજન ઉતારવાની જગ્યાએ વધી ગયું. વજન વધવાનુ મુખ્ય કારણ એ હતું કે એને ચોવીસે કલાક ખાવાના જ વિચારો આવતા હતા અને જે કાંઈ આચાર કૂચર મળે તે ખાધે જ રાખતી હતી. એનું મોં હમેશા ચાલું જ હોય....

ભગરી ભેંસે પોતાના ખાસ ફેન્ડ ફરફર કાગડાને વાત કરી :  ડિયર ફેન્ડ ફરફર... કાંઈક રસ્તો કાઢ. મારે ટી.વી. અને ફિલ્મોમાં સ્ટાર થવું છે. મને ટી.વી. અને ફિલ્મી દુનિયામાં એન્ટ્રી મળે એવું કાંઈક કર પ્લીજ.!
ફરફર કાગડો પણ ભગરીભેંસ જેવું જ સપનું જોતો હતો. એને પણ ટી.વી અને ફિલ્મ સ્ટાર થવું હતું. એણે ઘણા ધક્કા જુદાજુદા સ્ટૂડિયોના ખાધા પણ ક્યાંય મેળ નહોતો પડયો.

ફરફર કાગડાએ ભગરીને કહ્યું :  મારા એક ઓળખીતા ફ્રેન્ડ મંકુ વાંદરાએ નવું જ એસી. જેન્ટસ એન્ડ લેડિઝ બ્યૂટીપાર્લર ખોલ્યું છે. આપણે બંને એ બ્યુટી પાર્લરમાં જઈએ. ત્યાંના મેકઅપમેન અને સ્ટાફ આપણને જોરદાર તૈયાર કરીને તને બ્યૂટીફુલ અને મને હેન્ડસમ બનાવી દેશે. પછી ત્યાંથી આપણે ફ્લ્મિ-ટી.વી. સિરિયલના પ્રોડયુસર ઝમકુ હાથીભાઈને મળીશું એ આપણને ચોક્કસ કોઈ મોટો રોલ આપશે.

ભગરી ભેંસ ફરફર કાગડાની વાત માની ગઈ. બંને એ.સી. બ્યુટીપાર્લરમાં ગયા. ફરફર કાગડાએ એના માલિક મંકુ વાંદરાને કહ્યું :  ડિયર મંકુ, પ્લીજ મારી ભગરી ફ્રેન્ડને એવી રીતે તૈયાર કરી આપો.. એવી જોરદાર બ્યૂટીફુલ બનાવી આપો કે એને ટી.વી. ફિલ્મોમાં રોલ મળી જાય. અને સાથે સાથે મને પણ જોરદાર તૈયાર કરી આપો. અમારા બંનેનો મેકઅપ એવો કરો કે બધા અમને જોતાજ જ રહી જાય...

મંકુ વાંદરાએ કહ્યું :  'અરે આ તો મારા ડાબા હાથનો ખેલ છે. હું તમને એક કલાકમાં તો હીરો-હીરોઈન જેવા જોરદાર તૈયાર કરી દઈશ પણ ફી દસ હજાર રૃપિયા લઈશ..!

ભગરી ભેંસ બોલી :  'દસ હજાર નહીં. પંદર હજાર લેજો... પણ મને હોટ હીરોઈન જેવી તૈયાર કરી દો. મારે ટી.વી. ફિલ્મ સ્ટાર થવું છે !'

પછી મંકુ વાંદરા અને એમના સ્ટાફે ભગરી અને ફરફરને મેકઅપ કરીને તૈયાર કરી દીધા. એમનો કાયાકલ્પ કરી નાખ્યો. બંને રાજીરાજી થઈ ગયા. ત્યાંથી એ સીધા ઝમકુ હાથીભાઈના સ્ટુડિયો ગયા.

સ્ટુડિયોમાં ઝમકુ હાથીભાઈને મળ્યા. બંનેની વાત સાંભળી ને ઝમકુભાઈ ખૂબ જોરજોરથી હસ્યા.. અને પછી હસતા હસતા પ્રેમથી બંનેને સમજાવ્યા :  ' તમે બંને બહુજ ભોળા છો. સપનાની દુનિયામાં જીવો છો. અરેભાઈ ! ટી.વી. ફિલ્મ સ્ટાર થવા માટે ખૂબ ટેલેન્ટ હોવું જોઈએ. એકટિંગ આવડવી જોઈએ. એકશન, સ્ટંટ. ડાન્સ, ડ્રામા , કોમેડી, ફાઈટ કરતા આવડવું જોઈએ. જાત જાતનું બીજું ઘણું બધું આવડવું જોઈએ. સખત મહેનત કરવી પડે. બ્યૂટીપાર્લરમાં જઈને મેકઅપના લપેડા કરી લેવાથી કાંઈ ટી.વી. ફિલ્મ સ્ટાર ના થઈ જવાય. પહેલા અંદરથી સુંદર બનો પછી બહારથી સુંદર દેખાવાના ઠઠાડા કરો... છતાં તમે બંને મારા ઉપર આશા રાખીને અહીં સુધી આવ્યા છો તો તમને હું નિરાશ નહીં કરું. અત્યારે મારી ફિલ્મનું શૂટિંગ ચાલુ જ છે. એમાં વિલનની ટોળકીમાં બે પાત્ર ખૂટે છે.

ખાલી ત્રણ જ મીનિટનો તમારો રોલ છે. એ તમે ખૂબ સારી રીતે કરો.. કામ સારું કરશો તો બીજા પ્રોડયુસરો સામે ચાલીને તમને રોલ આપવા આવશે. ભગરીભંસ અને ફરફર કાગડો ઝમકુ હાથીભાઈની વાત સાંભળીને સપનાની દુનિયામાંથી વાસ્તવિક ધરતી ઉપર આવી ગયા. અને ત્રણ મીનિટના રોલ માટે 'હા' પાડીને ખૂબખૂબ આભાર માન્યો...
ઝમકુ હાથીભાઈએ કહ્યું : 'એક વાત કહેવાની હું ભૂલી ગયો.. તમે આ જે બ્યૂટી પાર્લરમાં મેકઅપ કરીને આવ્યા છો એમાં સાવ ફાલતુ- બબુચક- ડબ્બા જેવા લાગો છો.. પહેલા તમે સ્ટુડિયોના બાથરૃમમાં જઈને નાહીને આવો અને આવો મેકઅપ કરીને મને આજ પછી ક્યારેય મળવા ના આવતા. જેવા છો એવા નેચરલ જ રહો.'પોતાની એકટિંગ અને મહેનતથી નામ બનાવો.. ખાલી મેકઅપના લપેડા કરવાથી હીરો- હીરોઈન નથી બની જવાતું.

ભગરી અને ફરફરને પોતાની ભૂલ સમજાઈ. બંને બાથરૃમમાં નહાવા જતા રહ્યા. ખૂબ ઘસીઘસીને નહાયા ત્યારે માંડ મેકઅપ ઉતર્યો. હવે બંને ખુશ હતા. શૂટિંગ માટે તૈયાર થઇ ગયા.
- દિગ્ગજ શાહ

Post Comments