Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મધપૂડો - હરીશનાયક

માતા અને માતૃભૂમિ

માતા અને માતૃભૂમિ એક બાજુ માતાની સારવાર જરૂરી હતી, બીજી બાજુ માતૃભૂમિની  હાકલ હતી

સત્ય જીતે છે, એ વાત અસત્ય સાબિત થતી હતી, સુધારો સુ-ધારો બની શકે છે, એ વાત પરંપરાને માન્ય ન હતી


કાબુલ શહેરની સીમાની સમીપ જ જહૂરી જમાતની વસ્તી હતી. આ જહૂરીઓ ક્યાં તો દ્રાક્ષના બગીચામાં કામ કરતા કે પછી લશ્કરમાં જોડાઈ જતા. એમ જુઓ તો અફઘાનિસ્તાનનો પ્રત્યેક નાગરિક લશ્કરનું જ જીવન જીવતો હોય છે.

આ વસ્તીના એક ભાગમાં રહેતો હતો ઉમર અને તેની માતા અમજતૂન. ઉમરના પિતા લશ્કરમાં હતા. તેમનું એક મોરચા પર અવસાન થયું હતું. શહીદ કહી શકો.

અફઘાન સરકારે અમજતૂન બીબીને માટે નાનું સરખું પેન્શન નક્કી કર્યું હતું. જે જિંદગી જીવવા પૂરતું ન હતું. કદીક મળતું, કદીક નયે મળતું. અજમતૂન આજુબાજુ હર પ્રકારનું કામ કરીને બે જણાનું ગાડું ગબડાવતી.

અજમતૂન બહુ ભણેલી ન હતી, પણ ગણેલી હતી. જ્યારે પતિનું મૃત્યુ થયું ત્યારે ઉમર પાંચ વર્ષનો હતો.
ઉમરને ખૂબ ભણાવવાની અમ્મીને હોંશ હતી. ત્યારે શાળાઓ અમુક લત્તામાં જ હતી. તેમાં અમીર છોકરાંઓ ભણતાં. જહૂરી જમાત કનિષ્ટ જાતિ મનાતી.

એટલે જહૂરી બાળકને પ્રવેશ મળતો નહિ. જહૂરી લોકો પણ એવું જ માનતા કે, છોકરાને નમાજ પઢતાં આવડે એટલે બસ. બહુ તો દ્રાક્ષ અને બંદૂકની ગોળીઓ ગણી શકે એટલે પત્યું. જહૂરીને વળી ભણવાની શી જરૂર  એ માટે શાળાએ જવાના ઉધામા શા માટે  માતા-પિતાય એટલું તો ઘરમાં શીખવી શકે.

ઉમરના બાપ ગણો કે મા, અમ્મી અમજતૂન હતી, પણ તે બંને જવાબદારી બરાબર અદા કરતી. તે કોઈ પણ હિસાબે ઉમરને ભણાવવા માગતી હતી, ખૂબ ભણાવવાની તેને હોંશ હતી.
એ હોંશ પૂરી થવાની આશા નજરે પડી.

ત્યારે અફઘાનિસ્તાનમાં સરદાર અમાનુલ્લાની સત્તા હતી. અમાનુલ્લા મોટો સુધારક અને દૃષ્ટિવાન નેતા હતો. તેણે ઘણી બધી શાળાઓ ખોલી નાખી. ગરીબ શ્રીમંત કે ઊંચ-નીચના ભેદ વગર તમામને ભણવાની તેણે હાકલ કરી, સગવડ પૂરી પાડી. ગરીબ બાળકોને માટે માફીની જોગવાઈ કરી આપી.

અમજતૂન અમ્માએ શહેરથી દૂરની પણ સારામાં સારી શાળામાં ઉમરને દાખલ કરી દીધો.
આજુબાજુના જહૂરીઓએ હોહા કરી  'આજ સુધી વળી કોઈ જહૂરી શાળામાં ગયો છે ખરો  તારો દીકરો કયો લાટસાહેબ છે કે એને નિશાળે મોકલે છે  એક તો બાપ નથી અને દીકરાને આટલે દૂર...ભણવા મોકલે છે '
અમજતૂને કોઈની વાત સાંભળી નહિ. કોઈની પરવાય કરી નહિ. તેણે કહી દીધું  'ઉંમરને બદલે દીકરી હોત તો તેનેય ભણવા મોકલત.'

ઉમર નિયમિત નિશાળ જવા લાગ્યો. વર્ષો વર્ષ તે સારા અને વધુ સારા ગુણાંકે પાસ થવા લાગ્યો. તેને ભણવાની ખૂબ મઝા પડતી. તેને થતું કે આ ઉંમરે ખરી મોજ તો બસ ભણવાની જ છે.

તે ઇનામ વગેરે જે મળે તે માતાને ભેટ ધરી દેતો. માતા, પિતાની છબી સામે તે ગોઠવી દેતી. અમ્મા ઉચ્ચારતી  'આપણે નક્કી કર્યું હતું એ રસ્તે જ ઉમર જાય છે ને  તમને સંતોષ છે ને '
ઉંમરની ઉંમર ૧૭-૧૮ વર્ષની થઈ. તે માધ્યમિક શાળાના છેવટના વર્ષમાં હતો.

પણ ઉંમરની અમ્મા અમજતૂનની તબિયત હવે બગડવા લાગી. સંધિવાનું જે દર્દ શરૂ થયું હતું. તે હવે તેને પથારીમાંથી ઊઠવા દેતું ન હતું. દર્દ વધે અને તાકીદની દવા ન થાય તો દર્દી જલદી મરણાસન્ન થવા લાગે છે.

ક્રમશઃ તે ઘરકામ કરવા માટે પ ઊઠી શકતી ન હતી, બહાર કામ કરવા જવાનો તો પ્રશ્ન જ ન હતો.
તેને એમ થતું કે આ સંજોગોમાં ઉમરના લગ્ન થઈ જાય તો કોઈક મદદગાર મળી રહે. ૧૭૧૮ વર્ષની ઉંમરે લગ્ન કરવા એ કંઇ અફઘાન તરુણ માટે નવાઈની વાત ન હતી. ઘણા તો એથી વહેલા જ પરણી જતા. જહૂરીઓ તો વળી એટલી ઉંમરે પીઢ સંસારી જ બની જતા.

પણ ના, અમજતૂન અમ્મીની જીદ હતી આગ્રહ હતો  મારી સગવડ ખાતર હું ઉમરને ભણતો નહિ અવરોધું. એને ભણવું ગમે છે, ભણે છેય ખરો, છો ભણતો. હું મારું ફોડી લઈશ, એ વળી ક્યાં કદી લગ્નની વાત કરે છે  એ તો હું જ...!

અમ્માની તબિયત વધારે બગડતી ત્યારે ઉમર ઘરે રહીને ભણતો. ઘરનું બધું કામ કરતો, ભણતો અને અમ્મીની સેવા શુશ્રૂષા કરતો.

હવે તો ઉમરની કાળજીથી હકીમના ઇલાજ ચાલુ જ હતા. પણ ઘૂંટણનો દુઃખાવો વધતો જ ગયો. કોઈના ટેકા સિવાય તે ઠીક બેસી શકતી નહિ.

એ દિવસોમાં જ અફઘાનિસ્તાનમાં ક્રાંતિનો પવન ફૂંકાવા લાગ્યો. અમાનુલ્લાની સુધારણાની ઝુંબેશ ધર્મઝનૂનોને માન્ય ન હતી. અમાનુલ્લા કાફિર છે, ધર્મભ્રષ્ટ છે, એવો જોરદાર પ્રચાર મુલ્લા મૌલવીઓએ શરૂ કર્યો. સામે પક્ષે અમાનુલ્લાય ખળભળ્યો. તેણે કેટલાકને કેદમાં નાખ્યા, અમુકને ફાંસીએ ચઢાવી દીધા.

એથી પરંપરાવાદીઓ વધુ વીફર્યા. વિરોધીઓ એક થયા. એક વખત લાગ જોઈને તેમણે રાજવાડા પર આક્રમણ કરી દીધું.

અમાનુલ્લાનો ભાગી છૂટયા સિવાય આરો ન હતો. કોઈક કિલ્લામાં આશરો લઈ તે બંડખોરોને સીધા કરવાનો ઘાત વિચારવા લાગ્યો.

તેના પોતાના કેટલાક સ્વામી ભક્ત સરદારો અને સૈનિકો હતા. તેમનો સાથ લઈ વિરોધીઓ સામે યુદ્ધ ખેલી, ફરીથી સત્તા હાંસલ કરવાની તૈયારી તેણે શરૂ કરી.

ઉમરની અમ્મા આ વિસંવાદથી ભારે દુઃખી થઈ હતી. તે અમાનુલ્લાના પક્ષમાં હતી. તે માનતી હતી કે અમાનુલ્લા માનવી નથી, દેવદૂત છે.
અફઘાનિસ્તાનનો ઉદ્ધાર તેના જ હાથે લખાયો છે. દેશની પ્રગતિનો સૂરજ માત્ર અમાન છે.

અમાનુલ્લાને રાજવાડામાંથી ભાગવું પડયું એ સમાચારે તેને ભારે વેદના આપી. પથારીમાં પડયા પડયા તે અલ્લાતાલાને પ્રાર્થના કરતી કે  'હે ખુદા, અમાનુલ્લાના શત્રુઓનો પરાજય કર.' તેમને ફરીથી સત્તા પર આવવામાં મદદ કર.

તેને લાગતું હતું કે ધર્મચુસ્ત, રૂઢિચુસ્ત પરંપરાવાદી પ્રજાને પોતાની ભૂલ સમજાશે અને અમાનુલ્લા ફરીથી રાજ્યતંત્ર સંભાળશે.
પણ વર્તમાન કોઇક જુદા જ હતા. દિવસે દિવસે આવતા સમાચાર જણાવતા હતા કે અમાનુલ્લાની તાકાત ક્રમશઃ ક્ષીણ થઈ રહી છે. સત્ય જીતે છે, એ વાત અસત્ય સાબિત થતી હતી, સુધારો સુ-ધારો બની શકે છે, એ વાત પરંપરાને માન્ય ન હતી.

'હું જો તરુણ હોત' ખોંખારી ઊઠી અમજતૂન, 'તો સ્ત્રી હોવા છતાં અમાનુલ્લાના પક્ષમાં લડવા ગઈ હોત. અરે આખી મહિલા-ટુકડી તૈયાર કરી હોત.'

અમાનુલ્લાને ખતમ કરવા જૂના દેશવાસીઓ આજુબાજુનો આશરો લેવા લાગ્યા. દેશ ત્રણ દિશાએથી આતંકવાદી ગુલામીની જંજિરમાં ફસાવા લાગ્યો.

સળવળી ઊઠેલી અમજતૂન ખળભળીને રહી જતી. તે પોતાની પલંગડી છોડી શકતી નહિ. ક્રાંતિથી ધગધગતો દેહ ખાંસી ઉપર ખાંસી ઉપર ખાંસી ખાઈને રહી જતો.

ઉમર આ જ અમજતૂનનો લાડલો દીકરો હ તો. તેના મનમાંય માતૃભૂમિ માટે અપાર પ્રેમ હતો. માતૃભૂમિની દેશદાઝ માટેની આ લાગણીનાં બીજ માતાએ જ તેના બાળહૃદયમાં વાવ્વાં હતાં. શાળાના અભ્યાસમાં વળી વધુ રાષ્ટ્રપ્રેમ તેને મળ્યો હતો. રાષ્ટ્ર શું છે, તે કેવું હોવું જોઈએ, એ વિષે તેના પાકટ મતો તૈયાર થયા હતા.

'દેશ સંકટમાં હોય ત્યારે તમામે તમામ દેશવાસીઓએ પોતાના પ્રાણ દેશને ચરણે ન્યોચ્છાવર કરી માતૃભૂમિને બચાવી લેવી જોઈએ.' એવું લખાણ દૃઢપણે તેના મન પર કોતરાઈ ગયું હતું.
ઉમર તરત જ તૈયાર થયો. જતાં જતાં પાણીનો લોટો માતા સમક્ષ મૂકી ગયો.

'અરેરે દીકરા ! તું મારી કેટલી સેવા કરે છે ! અલ્લા તને કાયમ સુખી જ રાખે' એમ કહી માએ દીકરાની પીઠ પર વાત્સલ્યસભર હાથ ફેરવ્યો.

બહાર જવાના કપડાં પહેરી ઉમર જતો હતો ત્યારે માતા ક્યાંય સુધી તેને નીરખી રહી.
ઉમર દૂર ગયો કે તે પ્રયત્ન કરીને ઊઠી. આજે તેના તન-મનમાં કોઈ ગજબની સ્ફૂર્તિ વરતાતી હતી. ભીંતને ટેકે ટેકે તે ઉમરના કબાટ સુધી પહોંચી. એક નોટબુકમાંથી કાળજીપૂર્વક કોરો કાગળ ફાડયો. હાથ કંપતા હતા છતાં ધુ્રજતે ધુ્રજતે હાથે કલમ પકડી તે લખવા લાગી. તેને લખવું ગમ્યું.

લખાયેલા એ કાગળ પર કલમ મૂકી, કાગળ-કલમ ઉમરના લખવાના ટેબલ પર ગોઠવ્યાં.
ઉમર હકીમસાહેબને લઈને આવ્યો ત્યારે સાંજના ચાર સાડાચાર વાગ્યા હતા. બારણું ઉઘાડું જ હતું.
'મા ! હકીમસાહેબ આવ્યા છે.' કહેતો તે અંદર પલંગ સુધી ધસી ગયો.
માતા ન હતી.

તેણે આમતેમ નજર નાખી. તેના ભણવાના ટેબલને ટેકવીને માતા પડેલી હતી. તે દોડીને ગયો અને ગભરાટમાં બૂમ પાડી ઊઠયો  'ખૂન...ખૂન...! હકીમસાહેબ જુઓ જુઓ...આ...સંગીન..બંદૂક ઉપરની...અરે, આ તો મારા '

અબ્બાનો બંદૂક પરનો સંગીન-છરો...એનો અર્થ... એનો અર્થ કે અમ્મા જાતે જ...
તેને હીચકીઓ શરૂ થાય તે પહેલા જ હકીમસાહેબે તેને સંભાળી લીધો.
ઉમરની નજર ઠરી અને ટેબલ પર પડી. કલમ હેઠળનો કાગળ જોયો. કાગળ ઉપર માતાના અક્ષરો હતા. એ અક્ષરો તે ઓળખાતો હતો.

હૈયે હાહાકાર અને આંખમાં ચોધાર આંસુ સાથે તે વાંચવા લાગ્યો  'પ્રિય ઉમર, બેટા ! દીકરા ! મારા વારસદાર !!! ઘણા બધા આશીર્વાદ. હું હવે આ દુનિયામાંથી વિદાય લઉં છું. દુઃખ એટલું જ કે હવે હું તને જોઈ નહિ શકું. આપણી માતૃભૂમિ અફઘાનિસ્તાનને આજે તારી જરૂર છે. તને હું મારે માટે કેવી રીતે અવરોધી રાખું  એ તો મારીય જન્મભૂમિ ખરી જ ને ! મારી આ અસહ્ય માંદગીને લઈને હું આપણી મા માટે કંઈ જ કરી શકતી નથી. હા, હું તને સમર્પિત કરી શકું છું.

...આ જર્જરિત દેહને જીવંત રાખવા માટે મેં તને રોકી રાખ્યો. મારા મૃત્યુથી કોઈનું કંઈ જ નુકસાન થવાનું નથી. મારા લાલ ! તું મારા મૃત્યુનો શોક મનાવી બેસી રહીશ નહિ. હું તને મારાથીય મોટી માતાને સોંપીને જાઉં છું.

એ માતાની તું સેવા કરજે. આપણાં ત્રણેય વતી, જી-જાનથી, દેશના શત્રુઓનો ખાત્મો બોલાવી દે બેટા ! તું જ અમાન બન, તું જ અમન બન ઉમર. અલ્લા તને એ માટે તાકાત પૂરી પાડે, લાંબી ઉમર બક્ષે. મારા... આશીર્વાદ... સદાય. તારી...સાથે....'

ઉમર માતાનો પત્ર ફરી ફરીને વાંચતો રહ્યો. શબ્દે શબ્દ વાંચતો રહ્યો. મક્કમ બન્યો. ઊઠયો.
હકીમ સાહેબે જોયું, કોઈ શાંતિ-અમનનો રાષ્ટ્રધ્વજ આકાશ સુધી પહોંચવા માટે કડકડાટ ધ્વનિ સાથે ખડો થઈ રહ્યો છે.

Post Comments