Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચોપગો એકલવ્ય

બે-પગા એકલવ્યથી, છે ચઢિયાતું એનું લક્ષ્ય
ચોપગો છે, નિશાન એનું, આરપારનું લક્ષ્ય


એકલવ્ય અને ગુરુ દ્રોણના જમાનાનો એ શ્વાન તો આપણે જોયો નથી. પણ આજે એક શ્વાન અમે તમને જરૃર બતાવી શકીએ કે જેનું મોઢું તીરથી ભરાઈ ગયું હોય ! શેળવો મુઠ્ઠી જેટલો જીવ છે. ભય જણાતાં તે ગોળ દડો બની જાય છે. મોઢું ક્યાં છુપાવ્યું છે તેની ખબર જ ન પડે ! હા, આ રીતે તે દડા જેવું સ્વરૃપ ધારણ કરે ત્યારે તેના શરીરના કાંટા વાગે ય ખરા. પણ તેને ગબડાવવાની મજા પડે

એ કલવ્યની વાત તો તમે બધાં જાણો જ છો. એ આદિવાસી બાળક ગુરુ દ્રોણ પાસે ધનુર્વિદ્યા શીખવા ગયો તો ગુરુએ કહ્યું: 'હું માત્ર રાજકુમારોને જ શીખવું છું.' એકલવ્ય નિરાશ થયો નહિ. તે ફરીથી જંગલમાં પહોંચી ગયો. એણે ગુરુ દ્રોણને જ પોતાના ગુરુ માન્યા હતા. બનાવી ગુરુની મૂર્તિ. નમન વંદન કર્યાં. પછી એ ગુરુ જ તેને ધનુર્વિદ્યા શીખવે છે, એમ માનીને જાતે જ તીરંદાજી શીખી ગયો. અને એવી શીખી ગયો કે શ્વાનનું મોઢું જ બંધ થઈ જાય !

હા, એક વખત ગુરુ દ્રોણ પાંડવકુમારો અને કૌરવકુમારોને લઈને વનવિહાર કરવા નીકળ્યા. ત્યારે સાથે તેમનો શ્વાન પણ હતો. એ શ્વાન જંગલમાં ઊંડો ઊતરી ગયો. ભસતો રહ્યો.
ગુરુ-શિષ્યોને થેયું  કે શ્વાને જરૃર કંઈક જોયું લાગે છે. પણ એટલામાં શ્વાન પાછો ફર્યો. તેનું મોઢું તીરોથી બંધ કરી દેવામાં આવ્યું હતું.

કોણ હશે આવો અદ્ભુત બાણાવળી !? ગુરુ દ્રોણે જઈને જોયું તો તે હતો પેલો વનવાસી વનકુમાર એકલવ્ય, જેને તેમણે પોતાની પાઠશાળામાં એડમિશન આપ્યું ન હતું. જે જંગલબોય જાતે જ તીર ચલાવતાં શીખ્યો હતો.
પછી તો, 'અર્જુનથી એ વાઈલ્ડ-ચાઈલ્ડ વળી વધુ ચઢિયાતો શેનો બને ?' એવું વિચારનારા ગુરુ?એ એકલવ્યનો અંગૂઠો જ ગુરુદક્ષિણામાં મેળવી લીધો.
પણ એ જાણીતી વાત કદી પ્રત્યક્ષ જોવા મળી છે ખરી ? એકલવ્યે એવાં તે કેવાંક તીર માર્યાં હશે કે શ્વાનનું મોઢું જ બંધ થઈ ગયું ?
બાળમિત્રો ! એકલવ્ય અને ગુરુ દ્રોણના જમાનાનો એ શ્વાન તો આપણે જોયો નથી. પણ આજે એક શ્વાન અમે તમને જરૃર બતાવી શકીએ કે જેનું મોઢું તીરથી ભરાઈ ગયું હોય !

તમે એ શ્વાનના મોઢામાં ખૂંપેલાં તીરો જોઈ બોલી ઊઠશો કે:'અરે ! આ તીરો તો બહુ નાનાં છે !'
હા દોસ્તો, એ તીરો નાનાં છે પણ અણિયાળાં છે. તીક્ષ્ણતામાં એ તીરો એકલવ્યનાં તીરોથી જરાય ઊતરે તેવાં નથી. એટલે જ આપણા આ શ્વાન ચેન્નીને પણ ઊભી પૂંછડીએ ભાગવું જ પડયું હતું. પણ ચેન્નીને ચૂપ કરનાર આજનો આ એકલવ્ય બે-પગો ન હતો, ચોપગો હતો. એટલે કે તે માણસ ન હતો.

એ તીરંદાજનું નામ શાહુડી. તમે એ જીવનું નામ જરૃર સાંભળ્યું હશે ! પણ જોવાનો મોકો નહિ જ મળ્યો હોય ! શહેરની વધતી જતી માનવ વસ્તીએ પર્યાવરણ ખતમ કરી નાખ્યું છે. કંઈક જીવો ઊંડે ઊંડે જંગલમાં પેસી ગયા છે અને પછી ખોવાઈ ગયા છે. પણ તમે કદીક વનવિહારે નીકળી પડો તો જરૃર આવાં દ્રશ્યો જોવા મળે.

શાહુડી ઊંદર પ્રકારનું પણ સસલાના કદનું ચો-પગું એકલવ્ય છે. એનું શરીર કાંટાળાં પીંછાંઓથી ભરચક્ક હોય છે. એ પીંછાં જ તેને રક્ષણ આપે છે, અને લડાઈમાં પણ કામ લાગે છે. એના શરીર પરનાં બધાં પીંછાં તેનાં શસ્ત્રો નથી. ઉપરવાળાં સાવરણી જેવા પીંછાં તેનું અંગ ઢાંકે છે. પણ જ્યારે કોઈ શત્રુ સાથે યુદ્ધ થાય છે ત્યારે મોટાં પીંછાં હેઠળ છુપાયેલા નાનકડા ભાલાઓનો જોરદાર મારો તે ચલાવે છે. આ અણિયાળાં તીરો ૪થી ૬ ઈંચ એટલે કે ૧૦ થી ૧૫ સેન્ટિમીટર લાંબાં હોય છે. તે ઉપર-નીચે બંને બાજુથી તીક્ષ્ણ હોય છે. પણ આપણી આ શાહુડી એકલવ્ય જેવી જ અચૂક નિશાનબાજ ખરી જ. એણે છોડેલાં મોટા ભાગના તીરો શત્રુને નિશાન બનાવે જ છે અને બરાબર મોઢા પર જ એ તીરો વાગી જતાં શત્રુનું મોઢું બંધ થઈ જાય છે. આવાં અસંખ્ય તીરો વાગ્યા બાદ પશુ એ તીરો કાઢી પણ શકતું નથી, કેમકે તીરો બેય બાજુથી અણીદાર હોય છે.

આવી આ શાહુડી આજના માણસ જેવી શાકાહારી તથા માંસાહારી બંને છે. તે જાતજાતનાં જંગલી ફળ, પાંદડાં, ભાજીપાલો ય ખાય અને કીટક, જીવડા, ઈયળ, અળશિયાં, વંદા, ઊંદરડા, માછલાં ય ખાય. તેની દોડ ભારે વેગીલી હોય છે. સામેનું પશુ ભલે ને ગમે તેટલું મોટું હોય ? તે આગળ પાછળ ફરી વળી દોડાદોડીની વચમાંથી પણ આબાદ નિશાન છોડે છે. શ્વાન, શિયાળ વરૃની વાત જવા દો. ઠેરી જાય તો તે વાઘ-સિંહનું મોઢું પણ પોતાનાં તીરોથી ભરી દે છે.

સરેરાશ બે જેટલાં બચ્ચાં મૂકનાર આ શાહુડીને ઘણાં શેળવા સાથે સરખાવે છે. પણ શેળવો મુઠ્ઠી જેટલો જીવ છે. ભય જણાતાં તે ગોળ દડો બની જાય છે. મોઢું ક્યાં છુપાવ્યું છે તેની ખબર જ ન પડે ! હા, આ રીતે તે દડા જેવું સ્વરૃપ ધારણ કરે ત્યારે તેના શરીરના કાંટા વાગે ય ખરા. પણ તેને ગબડાવવાની મજા પડે. અમે ચાલીસેક વર્ષ પહેલાં શારદા સોસાયટી જ્યારે બંધાતી હતી ત્યારે એક શેળવાને જોયો હતો. બાળકોને ય બતાવેલો. દડા આકારનો બની જાય ત્યારે દબાયેલા મોઢામાંથી નાના બાળક જેવું રડવાનું ય ચાલુ કરી દે. સાંજના દેખાયેલો એ શેળવો કલાકો સુધી બાળકોએ જોયો. રાતના તે ક્યાં અદ્રશ્ય થઈ ગયો તેની ખબર ન પડી. શેળવાના દડાને પકડવાથી તેના કાંટા ખૂંપે ખરા પણ તે એ કાંટાના છૂટા ઘા કરતો જણાયો નથી.
કુદરતે આવા જીવોના રક્ષણ માટે આવાં તીક્ષ્ણ હથિયાર આપ્યાં છે. મધમાખી ડંખ મારે છે ત્યારે તે પણ અત્યંત સૂક્ષ્મ સોય જેવો ડંખ તમારા દેહમાં ખૂંપવી દે છે. એ ડંખ પાછો અમુક અંશે ઝેરી ય હોય છે. તમે એ ડંખનો કાંટો કાઢી નાખો પછી જ તમને રાહત થાય છે.

શાહુડી અને શેળવા પ્રકારના બીજા કેટલાક કાંટાદાર જીવો પણ જંગલમાં થાય છે. દુનિયાભરનાં જુદાં જુદાં જંગલોમાં આવા જુદા જુદા શેળવાઓ હોય છે. પર્યાવરણનો શોખ કેળવશો તો આવા કંઈક ચોપગા એકલવ્યોનો અલભ્ય પરિચય તમને મળી રહેશે.

એક તીરશું, અનેક તીરના
છૂટે ધોધે ધોધ
આંખ, મોઢું, કે કાન-નાક,
ના કંઈ જ બાકી શોધ

Post Comments