Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વિહાર - યાસીન દલાલ

વીતેલું વર્ષ ઉથલપાથલનું રહ્યું

સિરીયામાં સ્ફોટક પરિસ્થિતિ છે અને દરરોજ ત્યાં નાનકડું યુદ્ધ ખેલાય છે. સિરીયાથી લાખો નાગરિકો હિજરત કરી ગયા છે

૨૦૧૬નું વર્ષ વિદાય થઇ ગયું છે ત્યારે આ વર્ષના લેખાજોખા માંડીએ તો દેશ અને દુનિયાની દ્રષ્ટિએ આ વર્ષ આંચકા આપનારું બની ગયું. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બધી આગાહીઓ ખોટી પડી અને હિલેરી ક્લીન્ટનની જગ્યાએ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા બધા અનુમાનો કહેતા હતા કે હિલેરી જીતી જશે. ટ્રમ્પની છાપ અત્યંત તરંગી તરીકેની હતી.

તેઓ યુનોને માનતા નથી અને વિદેશી અમેરીકનોને પણ ગણકારતા નથી. આતંકીઓનો તો તેઓ સખત વિરોધ કરે છે અને જાહેર કરે છે કે હું આવીશ કે તરત બધા આતંકીઓને ભગાડી મુકીશ અને અમેરિકા આવવાના નિયમો વધુ કડક બનાવીશ. રશિયાના પ્રમુખ પુતીન પાછલે બારણેથી એમને સાથ આપતા હતા. સિરીયામાં સ્ફોટક પરિસ્થિતિ છે અને દરરોજ ત્યાં નાનકડું યુદ્ધ ખેલાય છે. સિરીયાથી લાખો નાગરિકો હિજરત કરી ગયા છે. યુરોપના મોટાભાગના દેશો આ હિજરતીઓને આવકારે છે.

બીજી ઘટના આપણા દેશમાં બની. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૮મી નવેમ્બરે અચાનક એક જાહેરાત કરીને રૃા. ૫૦૦૦/- અને ૧૦૦૦/-ની નોટો ચલણમાંથી રદ કરી નાંખી. આ જાહેરાતથી દેશભરમાં અત્યાર સુધી બેંકો અને એટીએમમાં લોકોની લાંબી કાતરો લાગે છે. કેટલેક સ્થળે તો આખી રાત સુધી લોકોએ લાઈનમાં ઉભા રહેવું પડે છે.

આવા લોકોમાં મોટી ઉંમરના વૃદ્ધો પણ હોય છે અને એકલી મહિલાઓ પણ હોય છે. આને કારણે હાડમારીમાં ૯૦થી વધુ લોકોના મોત થયા પણ સંસદમાં વિરોધ પક્ષે આગ્રહ રાખ્યો કે આ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપો. શાસક પક્ષે એની પણ ના પાડી એટલું જ નહીં પણ વડાપ્રધાન શ્રી મોદી દસ દિવસ તો સંસદમાં દેખાયા જ નહીં. દિલ્હીમાં તેઓ હાજર હતા અને રોજ નવી નવી જાહેરાતો કરતા રહેતા.

વિપક્ષોનું કહેવું હતું કે નોટબંધીનો નિર્ણય એમણે જ જાહેર કર્યો છે તો સંસદમાં આવીને ખુલાસો કેમ કરતા નથી? પ્રધાનો એમ કહેતા હતા કે અમે ચર્ચા માટે તૈયાર છીએ પણ કોંગ્રેસ ચર્ચા થવા દેતી નથી. છેલ્લે દિવસે કોંગ્રેસે ચર્ચા માટે તૈયારી બતાવી તો ભાજપના સભ્યોએ હેલિકોપ્ટર ગોટાળાનો ઉલ્લેખ કર્યો અને ચર્ચા થવા દીધી નહીં. રાજ્યસભાના સ્પીકરે કહ્યું કે બંને પક્ષો ઘોંઘાટ કરીને ચર્ચાને ટાળે છે. તટસ્થ રીતે જોઈએ તો સંસદ ચાલવા દેવાની જવાબદારી સરકારની હોય છે પણ શ્રી મોદીએ એ જવાબદારી નિભાવી નહીં.

ત્રીજી બાજુ બ્રિટન યુરોપીયન યુનિયનમાંથી નીકળી ગયું. આપણાથી વિરુદ્ધ યુરોપના દેશો આવા મહત્વના નિર્ણય માટે પોતાના દેશમાં ઝડપથી લોકમત લે છે. આવા લોકમતમાં બ્રિટનની પ્રજાએ ચૂકાદો આપ્યો કે આપણે યુનિયનમાંથી નીકળી જવું જોઈએ.

પરિણામે બ્રિટન એમાંથી નીકળી ગયું અને એ પછી તરત જ બ્રિટનના વડાપ્રધાને રાજીનામું આપી દીધું. હવે બીજા દેશો ઉપર પણ યુનિયનમાંથી નીકળી જવાનું દબાણ છે. હવે એનું શું પરિણામ આવે છે એ આવનારો સમય જ કહેશે. દરમ્યાન આખા યુરોપમાં આ મુદ્દે સખત રાજકીય ચહલપહલ શરૃ થઈ ગઈ છે.

લેટિન અમેરિકાના એક દેશ વેનેઝુએલામાં પણ નોટબંધી લાગુ કરાઈ હતી પણ ૧૦ દિવસમાં સરકારે જોયું કે લોકો આ નિર્ણયની વિરુદ્ધમાં છે. ત્રણ નાગરિકોના મોત થયા. સરકારે તરત એ નિર્ણય પાછો ખેંચી લીધો. આપણે ત્યાં ૯૦થી વધુ મોત થયા અને એક મહિના પછી પણ લોકોની લાઈનો ઘટતી નથી છતાં સરકાર નમતું જોખવા તૈયાર નથી.

આ ઘટનાક્રમની સૌથી દુઃખદ વાત એ છે કે સરકાર વારંવાર નિર્ણયો બદલે છે. એક મહિનામાં એકસોથી વધુ વખત નિયમો બદલ્યા. ઉપરાંત મધ્યમ અને ગરીબ વર્ગને પૈસા મળતા નથી. બીજી બાજુ પાછલે બારણેથી લાગતા વળગતાને કરોડોની નોટો આપી દેવાય છે. આમ કાળુ નાણું બહાર લાવવાની સરકારની ઝુંબેશ નિષ્ફળ ગઈ છે. બેંકવાળા પોતે જ કાળા નાણાંની હેરફેર કરે છે.

અમદાવાદની મહેશ શાહ નામની વ્યક્તિ ૧૩ હજાર કરોડની જાહેરાત કરીને છટકી ગયા. ખાનગીમાં એની પૂછપરછ થઈ ચૂકી છે પણ એમાં કોના નામ છે એ માહિતી ગુપ્ત રખાઈ છે. માન્યતા એવી છે કે એ મોટાભાગના નામો નેતાઓના છે.  મોટામાં મોટી વાત એ છે કે રીઝર્વ બેંકે પુરતી નોટો છાપી નહોતી તો પછી અચાનક આ જાહેરાત કરવાની ઉતાવળ શા માટે કરી? નાણાંપ્રધાન કહે છે કે રીઝર્વ બેંક પાસે નોટોનો પુરતો જથ્થો છે પણ જો એમ હોય તો એ જથ્થો દેશમાં જુદી જુદી બેંકોમાં પહોંચતો કેમ નથી?

આ વરસે કેટલીક સારી ઘટનાઓ પણ બની. મુંબઈની હાજીઅલીની દરગાહ અને શિંગળાપુર મંદિરમાં મહિલાઓને પ્રવેશની છૂટ મળી. આ મુદ્દો અદાલતમાં હતો અને મુંબઈની એક મહિલા આની સામે મેદાનમાં ઉતરી હતી.

આ મુદ્દે અંતે મહિલાઓનો વિજય થયો એ જ રીતે વેટિકનમાં મધર ટેરેસાને વિધિસર પોપ દ્વારા સંતની પદવી અપાઈ. ટેરેસા નોબલ વિજેતા હતા અને કલકત્તામાં રહીને એમણે કરોડો ગરીબો અને દર્દીઓની સેવા કરી હતી. સંતની પદવી મળી ત્યારે એમની ૧૯મી પુણ્યતિથિ હતી.

આ વરસે ક્યૂબાના શાસક ફિડેલ કાસ્ટ્રોનું અવસાન થયું. તેઓ ક્યૂબાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા. ૧૭ વરસ સુધી વડાપ્રધાન તરીકે અને ૩૨ વરસ સુધી રાષ્ટ્રપતિ પદે રહ્યા. ૧૯૫૬માં એમણે ક્યૂબામાં ક્રાંતિની શરૃઆત કરી અને ક્યૂબાના સરમુખત્યાર સામે બળવો કરીને પોતે જ સત્તા ઉપર આવી ગયા. તેમની વિચારધારા ડાબેરી હતી. અમેરિકાની આંખમાં તેઓ ખૂંચતા હતા. અમેરિકાએ ૧૫૦થી વધુ વખત એમની હત્યાની કોશિષ કરી પણ બધી કોશિષો નિષ્ફળ ગઈ.

અંતે માંદા પડયા ત્યારે પોતાના ભાઈને સત્તા સોંપી દીધી. છેલ્લે ઓબામાએ ક્યૂબાની મુલાકાત લઈને સંબંધો સુધાર્યા હતા. ભારતની વાત કરીએ તો કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુફતી મહમદ સઈદનું અવસાન થયું. તેઓ કેન્દ્રના ગૃહમંત્રી પણ હતા. એમની પુત્રી રૃબિયાનું અપહરણ થયું. ૨૦૧૫ની ચૂંટણીમાં એમનો પક્ષ પીડીપી બહુમતી મેળવીને આવ્યો અને ભાજપ સાથે ગઠબંધન કરીને મોરચા સરકાર બનાવી.

આ વરસે તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાનું અવસાન થયું. આ બહેન અતિ વિવાદાસ્પદ હતા. ભૂતકાળમાં પણ મુખ્યમંત્રી બન્યા હતા. બાજપાઈના જમાનામાં એમના ઉપર દરોડા પડયા ત્યારે એમની પાસે હજારો સાડીઓ, હજારો જોડી ચંપલ અને સેંકડો કિલો સોનું મળી આવ્યું હતું. લંડનમાં એમની એક ડઝન જેટલી હોટલો છે. ફરીથી મુખ્યમંત્રી બન્યા એ પહેલા તેઓ બેંગ્લોરની જેલમાં જઈ આવ્યા હતા. એમની ઉપર આરોપ હતો કે આવક કરતા અનેકગણી સંપત્તિ તેઓ ધરાવે છે.

જેલમાંથી છૂટયા પછી તેઓ ફરીથી મુખ્યમંત્રી બની ગયા. હવે એમના અવસાન પછી નવા મુખ્યમંત્રી તો પસંદ થઈ ગયા પણ એમના ખાસ વ્યક્તિ શશીકલા હતી. આ શશીકલા ભૂતકાળમાં જયલલિતાના વિરોધીઓ ઉપર એસીડ છાંટવા માટે જાણીતી હતી.

ભારત પાક. સરહદ પર ઘર્ષણ ચાલું છે. મોદી સરકારે પહેલીવાર સરહદ ઓળંગીને સર્જીકલ સ્ટ્રાઈક કરી. જો કે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન શરદ પવારે ખુલાસો કર્યો કે મેં પણ ચાર વખત સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી પણ એનો કોઈ પ્રચાર નહોતો કર્યો. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનું પણ આવું જ કહેવું છે.

ટાટા ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીને હટાવી લેવાયા. દરમ્યાન રતન ટાટા અને મિસ્ત્રી બંને સામસામા આક્ષેપો કરે છે. મિસ્ત્રીનું કહેવું છે કે મેં નેનો કાર બહાર પાડવાની ના પાડી હતી. હવે એ બીક સાચી પડી છે.

સાહિત્યની વાત કરીએ તો બંગાળી કવિ શંખ ઘોષને જ્ઞાાનપીઠ પુરસ્કાર મળ્યો છે. બે દાયકામાં પહેલી વખત આ પુરસ્કાર બંગાળી લેખકને મળે છે. છેલ્લે ૧૯૯૬માં મહાશ્વેતાદેવીને આ ઈનામ મળ્યું હતું. શ્રી ઘોષને આ ઉપરાંત સરસ્વતી સન્માન, રવિન્દ્ર પુરસ્કાર જેવા મહત્વના પુરસ્કાર મળી ચૂક્યા છે.

આ વરસનું નોબેલ ઈનામ પહેલી વખત એક ગીતકારને આપવામાં આવ્યું છે. એમનું નામ બોબ ડીલન છે. શ્રી ડીલને ૫૪ વરસમાં ૭૦થી વધારે આલ્બમ બહાર પાડયા. ૬૫૩ ગીતો ગાયા અને લખ્યા.

ધર્મગુરુની વાત કરીએ તો પ્રમુખસ્વામી મહારાજનું અવસાન થયું. જાણીતા લોકગાયિકા દિવાળીબેન ભીલ પણ ગુજરી ગયા. રાજકારણમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલના પત્ની શ્રીમતી ઉર્મિલાબેન પટેલ પણ ગુજરી ગયા.

જાણીતા ગુજરાતી સાહિત્યકાર લાભશંકર ઠાકર પણ અવસાન પામ્યા. ગાંધીજીના પૌત્ર કનુભાઈનું પણ સૂરત ખાતે અવસાન થયું. બંગાળી લેખિકા મહાશ્વેતાદેવી પણ અવસાન પામ્યા. લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર પી.એ. સંગમા પણ ગયા. જાણીતા નૃત્યાંગના મૃણાલિની સારાભાઈ પણ ગયા.

ગુજરાતમાં સત્તા પલટો થયો અને આનંદીબહેન પટેલના સ્થાને વિજયભાઈ રૃપાણી મુખ્યમંત્રી બન્યા. એમની કારકિર્દી જોઈએ તો પ્રધાન પદનો માત્ર દોઢ વરસનો અનુભવ ધરાવે છે. છેક સુધી સસ્પેન્સ રહ્યા પછી આ જાહેરાત થઈ. છેલ્લે સુધી શ્રી નીતિન પટેલનું નામ બોલાતું હતું.

અચાનક અમિતભાઈએ આવીને આ નિર્ણય લીધો. ગુજરાત સરકારે દારૃબંધી વધુ કડક બનાવી છે અને હુક્કાબાર પર પ્રતિબંધ મુકી દીધો છે. ગુલબર્ગ હત્યાકાંડનો ચુકાદો આવી ગયો જેમાં ૨૪ આરોપીઓને સજા થઈ છે. ઉનામાં દલિત અત્યાચારના પડઘા હજી શમ્યા નથી.

શ્રી ઉર્જિત પટેલ રિઝર્વ બેંકના નવા ગર્વનર બન્યા છે. મણીપુરમાં ઈરોક શર્મિલાએ ઉપવાસ છોડીને રાજકીય પક્ષ રચ્યો છે એ જ રીતે કેજરીવાલના સાથીદાર શ્રી યોગેન્દ્ર યાદવે પણ નવો પક્ષ રચ્યો છે. ચીનના નવા સત્તાધીશ પદે જીન પીંગ આવ્યા છે.

મ્યામારમાં ૫૦ વરસ પછી ચૂંટાયેલી સરકાર આવી છે અને ઓંગ સાંગ સુ કીના વડપણ હેઠળ સરકાર આવી છે. આ બાજુ ઓબામાએ હિરોશીમાની મુલાકાત લઈને ત્યાં ભૂતકાળમાં અણુધડાકામાં માર્યા ગયેલા લોકોને અંજલિ આપી છે. જૈન સમાજનો લઘુમતિમાં સમાવેશ થયો છે.

આમ ૨૦૧૬નું વર્ષ ભારે ઉથલપાથલનું રહ્યું છે. અમેરિકામાં ટ્રમ્પની જીત એ સારી નિશાની નથી. આ બાજુ અમેરિકા અને રશિયા વચ્ચે ઠંડુ યુદ્ધ ફરીથી ઉગ્ર બન્યું છે. સિરીયામાં સતત યુદ્ધ ચાલુ છે. ટ્રમ્પ હવે શું નીતિ અપનાવે છે એ જોવું રહ્યું. ઘરઆંગણે નોટબંધીની અસર હજી ચાલું જ છે.

આ અસર નકારાત્મક છે અને લોકોની હાડમારી વધી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચહલપહલમાં વધારો થયો છે. ગમે ત્યારે વિશ્વયુદ્ધ થાય એવા એંધાણ મળે છે. દેશ અને દુનિયાના હિતચિંતકો ઈચ્છે છે કે આવું ન થાય અને શાંતિ સ્થપાય. આફ્રિકાના દેશોમાં પણ ગરીબી અને બેરોજગારી વધ્યા છે. કેટલાક દેશોમાં તો ભૂખમરા જેવી સ્થિતિ છે.

Post Comments