Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વિહાર - યાસીન દલાલ

સંગઠિત ધર્મ આજે તદ્દન અપ્રસ્તુત

ધર્મનું ૨૪ કલાક પાલન કર્યા પછી એ કરચોરી અને ભેળસેળ જ કરતો હોય તો એનો ધર્મ કોઈ અર્થ રાખતો નથી

વિશ્વમાં જ્યારે સંગઠિત ધર્મો પોતાની પ્રસ્તુતતા ઝડપથી ગુમાવી રહ્યા છે, ત્યારે યુનો જેવી વિશ્વસંસ્થાને પંચાવન વર્ષમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય ધર્મપરિષદ બોલાવવાનું સૂઝ્યું એ ઘટના આશ્ચર્ય અને વિસ્મય પ્રેરે તેવી છે. રાબેતા મુજબ ત્યાં એકઠા થયેલા ધર્મગુરુઓએ વિશ્વશાંતિ, બંધુત્વ અને અહિંસાના ઉપદેશો આપ્યા, પણ વિશ્વનો ઈતિહાસ દર્શાવે છે કે સંગઠિત ધર્મો જ મોટાભાગની સંકીર્ણતા અને અસહિષ્ણુતાને ઉત્તેજન આપ્યું છે. દલીલ ખાતર કોઈ કહી શકે કે કોઈ ધર્મ પોતે હિંસા કે દ્વેષનો બોધ ન આપે, પણ એના અનુયાયીઓ એનું સંકુચિત અર્થઘટન કરે એમાં ધર્મનો શો વાંક? પણ, સાચી વાત એ છે કે, સંગઠિત ધર્મો પોતપોતાના દેશકાળ અને સંજોગોમાંથી જન્મ્યા છે,

અને એમના ઘણા ઉપદેશો અને સિદ્ધાંતો આજે સાર્થકતા અને સંદર્ભ ગુમાવી બેઠા છે, ત્યારે દરેક ધર્મ પોતાના સિદ્ધાંતોનું પુનઃમૂલ્યાંકન કરીને એને આજના વિશ્વના સંદર્ભમાં અનુકૂળ બનાવવા એ આજના સમયની તાતી જરૃરિયાત છે. આમ નહીં કરવામાં આવે તો એકવીસમી સદીમાં વિવિધ ધર્મોએ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે જ મથામણ કરવી પડશે. ઈન્ટરનેટ અને ડોટકોમના યુગમાં ધાર્મિક ક્રિયાકાંડોને વળગી રહેવાથી એક જબ્બર વિરોધાભાસ જ સર્જાય. દરેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતો અપનાવીને એક નવો માનવધર્મ રચવાનું યુનોને સૂઝ્યું હોત તો એ આવકાર્ય બાબત હતી. પણ અહીં તો રાબેતા મુજબ બાહ્ય આડંબર અને ઊંચા ભાષણો કરીને સંમેલન પૂરું કરી લેવાયું.

ધર્મની બાબતમાં છેલ્લી એક સદીમાં પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચે ખાસ્સું અંતર પડી ગયું છે. પશ્ચિમની પ્રજા એક જમાનામાં ખ્રિસ્તી ધર્મના જબ્બર પ્રભાવ હેઠળ હતી, પણ બિનસાંપ્રદાયિકતાનો સિદ્ધાંત સ્વીકાર્યા પછી એ પ્રજા એટલી જ ઝડપથી ક્રિયાકાંડવાદી ધર્મના પ્રભાવમાંથી નીકળી ગઈ અને વિજ્ઞાાન અને ટેકનોલોજી અપનાવી લીધા. પરિણામે, એમણે એટલો ક્રાંતિકારી વિકાસ સાધ્યો કે આજે એનાં ફળ આખી દુનિયા માણી રહી છે. છેલ્લી સદીમાં વિજ્ઞાાનની જેટલી પણ ક્રાંતિકારી શોધખોળો થઈ એમાંથી મોટાભાગની પશ્ચિમના દેશોમાંથી આવી છે.

પૂર્વના દેશો પણ આજે જો ઝડપી વિમાનસેવા, ફેક્સ કે મોબાઈલ ફોનનો લ્હાવો લઈ શકતી હોય તો એના મૂળમાં પશ્ચિમની આ હરણફાળ છે. બીજી તરફ ધર્મને છોડીને વિજ્ઞાાન તરફ વળેલી આ પ્રજાએ નૈતિક ધોરણ પણ એકદમ ઊંચુ જાળવી રાખ્યું છે, એ પણ એક હકીકત છે. અમેરિકા હોય કે જર્મની હોય, ત્યાંનો નાગરિક પ્રામાણિકતાથી કામ કરે છે અને કર ભરે છે, માટે જ ત્યાં દરેક માણસને કામ મળી રહે છે અને જીવન જરૃરિયાતની બધી સગવડો પણ મળી રહે છે. ત્યાંના નાગરિકની સરેરાશ આવક પૂર્વના ધાર્મિક દેશો કરતાં અનેકગણી ઊંચી છે, એ વાત પણ સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી.

આપણે આપણા દેશની જ વર્તમાન પરિસ્થિતિ ઉપર એક નજર કરવી જોઈએ. છેલ્લા દાયકામાં આપણું ધાર્મિક વાતાવરણ એકદમ કલુષિત થતું જાય છે. ધાર્મિક અસહિષ્ણુતા વધતી જાય છે અને ધર્મના રક્ષણને નામે બીજા ધર્મના અનુયાયીઓે ઉપર હુમલા થઈ રહ્યા છે. વાતવાતમાં લોકોની ધાર્મિક લાગણી દુભાઈ જાય છે. ખરેખર જો લાગણીનો જ પ્રશ્ન હોય તો એને વિવેકપુર્ણ રીતે અને સંયમથી વ્યક્ત કરી શકાય. પણ, એને બદલે ધર્મના ઠેકેદારો જ હિંસા અને બળપ્રયોગની ધમકીઓ આપી રહ્યા છે.

હમણાં મુંબઈમાં એક સાપ્તાહિકની કચેરી ઉપર લોકોનું ટોળું ગયું અને તોડફોડ કરી. જે ધર્મ અહિંસા પરમો ધર્મનો ઉપદેશ આપતું હોય એના જ અનુયાયીઓ કાયદો હાથમાં લે ત્યારે કેવું લાગે? કોઈ ફિલ્મનું શૂટિંગ થતું હોય તો એને પણ ધર્મના રક્ષણને નામે અટકાવવામાં આવે છે અને એમાં પણ હિંસા અને બળનો ઉપયોગ થાય છે. શું આપણે આપણા જ દેશમાં વસતા આપણા જ બાંધવો સાથે બેસીને ચર્ચા દ્વારા કોઈ ઉકેલ ન લાવી શકીએ?

આપણી જ પડોશમાં વસતું પાકિસ્તાન તો વળી ધર્મને નામે નર્યુ ઝનૂન અને ઉશ્કેરણી જ ફેલાવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સમસ્યાઓ છે, પણ એના ઉકેલમાં વળી ધર્મ કઈ રીતે વચ્ચે આવે? પાકિસ્તાનમાં પણ બિનમુસ્લિમો વસે છે અને ભારતમાં બિનહિંદુઓ વસે છે. ઉપરથી, ઈસ્લામની અંદર અનેક ફિરકા છે અને હિંદુ સમાજમાં પણ અનેક ફાંટા છે. કાશ્મીરની સમસ્યા હોય કે બીજો પ્રશ્ન હોય, એમાં ઈસ્લામ આટલો સંકીર્ણ અને બીજી પ્રજાઓ પ્રત્યે દ્વેષ રાખનાર ધર્મ જ નથી અને, 'જેહાદ'નો અર્થ આટલો સાંકડો નથી. બિનલાદેન જેવા લોકો ધર્મના રક્ષણનો દાવો કરે છે,

પણ વાસ્તવમાં વિશ્વભરમાં ધર્મ ઉપર ખતરો આવા ધર્મના ઠેકેદારો તરફથી જ છે. ઈરાક અને ઈરાન ધર્મને નામે આઠ વર્ષ ઝઘડયા અને લાખો નિર્દોષ લોકો માર્યા ગયા. ઈરાકે કુવૈત નામના પોતાનો જ ધર્મ પાળતા પડોશી ઉપર આક્રમણ કર્યું અને એ જીતી લીધું. પણ, વિશ્વભરના અલગ અલગ ધર્મો પાળતા દેશો એક જ છત્ર હેઠળ યુનોના મંચ ઉપર એકઠા થયા અને ઈરાકની ખો ભુલાવી દીધી. છેલ્લા દાયકાની આ સૌથી વધુ રોમાંચક ઘટના છે, જેમાં ખરા અર્થમાં ધાર્મિક સંકુચિત પરિબળોનો પરાજય થયો અને બિનસાંપ્રદાયિક શક્તિઓનો વિજય થયો.

યુદ્ધ ચાલતું હતું ત્યારે ઈરાકના મિથ્યાભિમાની નેતા સદ્દામ ઈસ્લામને નામે ફૂંફાડા મારતા હતા, પણ અંતે સાબિત થયું કે યુદ્ધ ધાર્મિક સૂત્રો ઉચ્ચારવાથી નહીં, પણ આધુનિક શાસ્ત્રોથી જીતાય છે. આજે ઈરાકની હાલત વેરવિખેર છે અને પ્રજા ભૂખમરાથી પીડાઈ રહી છે. ધર્મને નામે દુનિયાભરની પ્રજાને પડકારનાર સંકીર્ણ નેતાની બોલતી બંધ થઈ ગઈ. કોસોવોનો મિલોસેવિક નામનો ક્રૂર નેતા મુસ્લિમ પ્રજાનું નિકંદન કાઢતો હતો, એને ખ્રિસ્તી અમેરિકાએ બચાવી અને દરમિયાનગીરી કરી. આધુનિક વિશ્વનો સંદેશો જ આ છે કે, હવેની દુનિયામાં ધર્મને નામે આચરાતી ક્રૂરતા અને સંકુચિતતા ચલાવતા નથી.

હજી પણ જે પ્રજા અને જે દેશ ધર્મના જરીપુરાણા અર્થઘટનમાંથી બહાર નથી નીકળતા એ આધુનિકતાની રેસમાંથી ફેંકાઈ જવાના છે. ધર્મોના સ્થાપકોએ જે ઊંચા આદર્શો આપ્યા, એનું સંકુચિત અનુયાયીઓએ વિકૃત અર્થઘટન કરીને ધર્મને જ બદનામ કરી મૂક્યો છે. કોઈ માણસ કોઈપણ જાતનો વિધિ ધર્મ ન પાળતો હોય અને છતાં એ એકદમ નીતિમત્તાપૂર્ણ અને સાર્થક જીવન જીવતો હોય એમ ન બની શકે? માણસ ક્યો ધર્મ પાળે છે એનું મહત્વ નથી, પણ એ કેવું સાર્થક જીવન જીવે છે એ અગત્યનું છે. ધર્મનું ૨૪ કલાક પાલન કર્યા પછી એ કરચોરી અને ભેળસેળ જ કરતો હોય તો એનો ધર્મ કોઈ અર્થ રાખતો નથી.

આપણે ત્યાં ધર્મને નામે આધ્યાત્મિકતાનું એક નવું તૂત શરૃ થયું છે. જેમાં અકર્મણ્યતા સિવાય કશું શીખવાનું નથી. જે માણસ જીવનને બરોબર સમજે છે, પોતાની ફરજ બરોબર જાણે છે, જેનામાં પૂરતો આત્મવિશ્વાસ છે, અને કોઈ આધ્યાત્મિક શિબિરમાં જવાની જરૃર નથી. આપણે આપણું કામ બરોબર કરીએ, સમાજ અને દેશનું હિત સર્વોપરી ગણીએ, વેપારમાં કરચોરી અને ભેળસેળ ન કરીએ, નોકરીમાં લાંચરૃશ્વત ન લઈએ અને જીવનમાં દ્વેષ અને ખટપટોથી દૂર રહીએ તો મનની શાંતિ આપોઆપ આવવાની છે. કોઈ મંત્ર-તંત્ર, દોરાધાગા કે માનતાથી આપણો ઉદ્ધાર થવાનો નથી. કોઈ ગુરુ કે મઠાધીશ આપણને માર્ગ બતાવી શકવાના નથી.

આપણે શું કરવાનું છે એનો મંત્ર આપણા જ મનની અંદર છુપાયેલો પડયો છે. જે દેશમાં આટલા બધા ધર્મો હોય, શેરીએ શેરીએ મંદિર-મસ્જિદ હોય, આટલી બધી શોભાયાત્રાઓ નીકળતી હોય અને આટલી બધી ધાર્મિક- આધ્યાત્મિક શિબિરો યોજાતી હોય ત્યાં આટલી હદે ગરીબી, બેકારી અને ગંદકી કેમ છે એ પ્રશ્ન ક્યારેક આપણી જાતને પુછવો જોઈએ. પોતાની શેરી કે ગામ ગંદુ હોય ત્યાં ધાર્મિક ક્રિયાકાંડ નિરર્થક બની રહે છે. જે ગામમાં કથા ચાલતી હોય ત્યાં જ કોઈ યુવાન બેકારીથી કંટાળીને આપઘાત કરે ત્યારે એ કથા પણ અર્થ ગુમાવી બેસે છે.

વિશ્વશાંતિ આજના સમયની આવશ્યકતા છે, પણ એમાં વિવિધ ધર્મો કઈ રીતે ઉપયોગી બની શકે એ મોટો પ્રશ્નાર્થ છે. ક્રિયાકાંડો અને પ્રાર્થનાઓથી વિશ્વશાંતિ આવી જાય એવી માન્યતામાં કોઈ રાચતું હોય તો એ એક આત્મવંચના છે. આજે પણ મોટાભાગના ધર્મોના વડાઓ પોતાના ધર્મની સર્વોપરીતામાં માને છે. ખ્રિસ્તી ધર્મગુરુઓ માને છે કે, ઈસુખ્રિસ્તનો સંદેશ જ વિશ્વની પ્રજાને મોક્ષ અપાવી શકશે. આમાંથી ધર્માંતરની પ્રવૃત્તિ શરૃ થાય છે. ઈસ્લામનું એક જૂથ તબ્લિગમાં માને છે અને ઈસ્લામ ન પાળતા હોય એને 'કાફિર' ગણે છે. આપણે ત્યાં હિંદુ ધર્મ અત્યાર સુધી સહિષ્ણુ રહ્યો પણ હવે એમાં પણ વિકૃતિ પ્રવેશવા માંડી છે.

દરેક ધર્મના અનુયાયી બીજા ધર્મોના અનુયાયીને જો આ રીતે તુચ્છકારથી જોવા માંડે તો વિશ્વશાંતિને બદલે ઘર્ષણ જ પેદા થાય. વાસ્તવમાં, દરેક ધર્મોના વડાઓએ સાથે બેસીને સદીઓ પુરાણા ધાર્મિક આદેશોને આજના આધુનિક યુગના તકાજાની સાથે બંધ બેસાડીને નવા જમાનાની નવી આચારસંહિતા ઘડી કાઢવી જોઈએ. આ નવા ધર્મમાં વિધિવિધાન અને ક્રિયાકાંડ નહીં, પણ નૈતિક આચરણ પર જ ભાર મૂકવો જોઈએ. મંદિર-મસ્જિદમાં નહીં જનાર માણસ પર નિષ્ઠાથી પોતાની ફરજ બજાવતો હોય તો એના જેવો ધાર્મિક બીજો કોઈ નથી.

Keywords Vichar,Vihar,7,Juily,2018,

Post Comments