Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વિહાર- યાસીન દલાલ

મોત કિતની ભી સંગ દિલ હો મગર જીંદગીસે તો મહેરબાં હોગી

ઓસ્ટ્રેલિયાએ આ બાબતમાં આખી દુનિયામાં પહેલ કરી છે. ત્યાંની સરકારે ઈચ્છા મૃત્યુને કાયદેસરનું સ્વરૃપ આપ્યું છે. ત્યાંનો કોઈ પણ નાગરિક હવે કાયદેસરની વિધિ કરીને કાયદેસર મોતને ભેટી શકે છે

ટી.વી. ઉપર સમાચાર બુલેટીનમાં એક હૃદયદ્રાવક સમાચાર આવ્યા. લખનૌનો સાત વરસનો એક બાળક બ્રેઈન ટયૂમરથી પીડાય છે. એના પપ્પા એક કર્મચારી છે. હજારો રૃપિયા વેડફ્યા પછી પણ એ હોસ્પિટલવાળાનું લાખોનું બીલ ભરી શકે એમ નથી. ટી.વી. ઉપર એને બચાવવા માટે ફાળાની અપીલ થઈ. આ બાળક સાત વરસનો હોવા છતાં સલમાન ખાનનો ચાહક છે અને એને જોવાની અપેક્ષા રાખે છે પણ અત્યારે એ વેન્ટીલેટર ઉપર છે અને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

હૈદ્રાબાદમાં વ્યંકટેશ નામનો ૨૫ વરસનો યુવાન દિવસો સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈને આખરે મૃત્યુ પામ્યો છે. એને કોઈ અસાધ્ય રોગ લાગુ પડયો હતો.  એનું મોત નિશ્ચિત હતું. વ્યંકટેશે ડોકટરને અરજી કરી કે, મારે મારા શરીરનાં અંગોનું દાન કરવું છે માટે મને મારી નાખો. ડોકટરે એમ કરવાની ના પાડી. આમાં કાનૂની ગૂંચવણો થવાની દહેશત હતી. પરિણામે વ્યંકટેશની ઈચ્છા પૂરી થાય એ પહેલાં જ એ મરી ગયો. એ જીવતો હોત તો જ એના અંગોનું દાન થઈ શકત.

બિહારમાં પટણામાં એક મહિલા પ્રસૂતિ દરમિયાન અચાનક માંદગીમાં પટકાઈ. એનું આખું શરીર અને સ્નાયુ એટલા નબળા પડી ગયા કે એને ઊઠવા, બેસવા માટે પણ પતિની મદદ લેવી પડે. પતિની નોકરી જતી રહી અને આખા કુટુંબે ભૂખે મરવાનો વારો આવ્યો. સરકારને મદદની અરજીઓ કરી અને મહિનાઓ સુધી સરકારી કચેરીઓના ધક્કા ખાધા ત્યારે માંડ એમને દર મહિને મફત રેશનનું અનાજ મળે એવી વ્યવસ્થા થઈ. પરિણામે, આ સ્ત્રી નાછૂટકે એની પાસે એનું વહેલું મૃત્યુ થાય એવી ઈચ્છા વ્યક્ત કરી રહી છે.

આવા તો અનેક કિસ્સા આપણી ચારેબાજુ જોવા મળે છે. દિલ્હીના એક સરકારી કર્મચારી ૧૦૦ વરસની ઉંમર વટાવી ગયા છે. એમને જીવનમાં હવે કોઈ તમન્ના નથી રહી. કશું મેળવવાની ઈચ્છા નથી રહી. એમના કોઈ સગાવહાલા પણ બચ્યાં નથી. આથી એ મૃત્યુની ઈચ્છા કરી રહ્યા છે. આપણા દેશમાં ઈચ્છામૃત્યુ ઉપર કાયદેસર પ્રતિબંધ છે. આથી આવા લોકોનો એક વર્ગ હવે આપણા દેશમાં પણ ઈચ્છામૃત્યુને કાયદેસરની માન્યતા મળે એમ ઈચ્છી રહ્યો છે.

આ અંગે દેશમાં મતમતાંતરો પ્રવર્તી રહ્યા છે. સામાજિક વિચારકોમાં અને કર્મશીલોનો એક વર્ગ એમ ઈચ્છે છે કે, ઈચ્છામૃત્યુને કાયદેસર કરવામાં આવે. આ વર્ગની દલીલ એવી છે કે, જ્યારે મનુષ્ય કોઈ અસાધ્ય બીમારીનો ભોગ બને અને સતત પીડાતો હોય ત્યારે એને પીડામાંથી મુક્તિ અપાવવી એ જ એક માત્ર માર્ગ બચે છે. અલબત્ત, આ કોઈ આવકાર્ય કે સારો રસ્તો નથી. પણ અનિવાર્ય અનિષ્ટ છે.

તબીબી વિજ્ઞાાન ગમે એટલું આગળ વધ્યું હોય પણ હજી એલોપથી માત્ર ૨૬ રોગો ઉપર વિજય મેળવી શક્યું છે. કેન્સરથી માંડીને એઈડસ જેવા કેટલાય રોગો હજી અસાધ્ય છે. આવું બીજા અનેક રોગોની બાબતમાં પણ કહી શકાય. આવી સ્થિતિમાં ઈચ્છામૃત્યુ પણ એક વિકલ્પ બની શકે.

આની સામે ધાર્મિક લોબીની દલીલ જુદી છે. આ વર્ગનું કહેવું છે કે જીવન અને મૃત્યુ ઈશ્વરના હાથની વાત છે. એમાં દખલ દેનારા આપણે કોણ? મૃત્યુ એ જીવનનો અંત નથી. પણ નવા જીવનનો પ્રારંભ છે. બીજી બાજુ આ જ લોકો ઈચ્છામૃત્યુનો વિરોધ કરે છે. ત્રીજી બાજુ દેશ અને દુનિયામાં દરરોજ હજારો માણસો અકસ્માતમાં માર્યા જાય છે. આ લોકોનું મૃત્યુ કુદરતી હોતું નથી. પરિણામે મૃત્યુમાં કુદરત હોય જ એ જરૃરી નથી એમ આ વર્ગનું કહેવું છે.

મુંબઈમાં મધ્યમ વર્ગના એક દંપતીએ જીવનથી કંટાળીને આપઘાત કરી લીધો. એમની પાસે આપઘાતનું કોઈ કારણ નહોતું. આપઘાત કરતી વખતે એમણે પોલીસને એક ચિઠ્ઠી લખી હતી, જેમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, અમે જીવનથી ભયંકર કંટાળી ગયા છીએ. અમારી પાસે ઘરનું ઘર નથી, પોતાનું વાહન નથી. દરરોજ ભીડમાં આવજા કરવામાં અમને બેહદ કંટાળો આવે છે.

એમણે પોતાના મૃત્યુને ટ્રેજેડી કરતાં કોમેડીમાં ગણાવ્યું હતું. તામિલનાડુમાં આત્મવિલોપનની એક ફેશન ચાલે છે. ૧૯૬૫માં ત્યાં હિંદી વિરોધી આંદોલન થયું ત્યારે સેંકડો માણસો સ્વેચ્છો આત્મવિલોપન કરીને મરી ગયા હતા. ત્યાંના મુખ્યપ્રધાન જયલલિતા અથવા વિરોધી નેતા કરુણાનિધિ આંદોલન કરે ત્યારે એમની પાછળની નેતાભક્તિ (હિરોવર્સિપ)ને લીધે ડઝનબંધ માણસો જાતે જ સળગી જાય છે.

બટ્રાર્ન્ડ રસેલના મત મુજબ 'રાજકારણમાં હિરોવર્સિપ એ ફાંસીવાદ તરફનો નિશ્ચિત રસ્તો છે.' અન્નાદુરાઈ મરી ગયા ત્યારે સંખ્યાબંધ લોકોએ આત્મવિલોપન કર્યું હતું. ૧૯૮૫માં કરુણાનિધિની ધરપકડ થઈ ત્યારે એના વિરોધમાં તિરૃચિમાં એક માણસ સળગી ગયો હતો.

ઓસ્ટ્રેલિયાએ આ બાબતમાં આખી દુનિયામાં પહેલ કરી છે. ત્યાંની સરકારે ઈચ્છા મૃત્યુને કાયદેસરનું સ્વરૃપ આપ્યું છે. ત્યાંનો કોઈપણ નાગરિક હવે કાયદેસરની વિધિ કરીને કાયદેસર મોતને ભેટી શકે છે. આને પગલે યુરોપના નોર્વે અને બેલ્જિયમ જેવા દેશોએ પણ ઈચ્છામૃત્યુને કાયદેસર બનાવતા સુધારા પસાર કરી દીધા છે. અમેરિકાના કેટલાંક રાજ્યોમાં પણ હવે ઈચ્છામૃત્યુને કાયદેસર ગણવામાં આવે છે.
અલબત્ત, આવા કાયદાનો દુરુપયોગ થવાની ભરપૂર શક્યતાો છે. ધનિક કુટુંબોમાં લખલૂંટ સંપત્તિ મેળવવા માટે સગાંસંબંધીઓ તરફથી ઈચ્છામૃત્યુની જોગવાઈનો દુરુપયોગ થઈ શકે.

તબીબોને લાંચ આપીને ખોટું પ્રમાણપત્ર મેળવી શકાય. અલબત્ત, આ શક્યતા નિવારવાના પણ ઘણા રસ્તા છે. એક ડોકટરનું પ્રમાણપત્ર પૂરતું ગણવાને બદલે એકથી વધુ ડોકટરોની પેનલ બનાવી શકાય. કોઈપણ કાયદો ઘડાય ત્યારે એમાં છટકબારીઓ તો રહેવાની જ. પણ એનાથી ડરી જઈને આખો કાયદો મોકૂફ રાખવામાં કોઈ શાણપણ નથી.

અમેરિકાના આપઘાત કરવાની પદ્ધતિઓ શીખવતા એક પુસ્તકની લાખો નકલો વેચાઈ ચૂકી છે. 'ફાઈનલ એક્ઝિટ' નામના પુસ્તકમાં લેખક ડેરેખ હમફરીએ આ પુસ્તકમાં આપઘાત કરવા માટેની અનેક પદ્ધતિઓની તદ્દન ઝીણી વિગતો અપાઈ છે. અમેરિકામાં ઈચ્છામૃત્યુમાં માનનારા લોકોની એક આખી સોસાયટી ચાલે છે. હેમલોક સોસાયટી નામે ઓળખાતી આ સંસ્થાના ચાલીસ હજાર જેટલા સભ્યો પચ્ચીસ વરસથી ઈચ્છામૃત્યુની ઝુંબેશ ચલાવી રહ્યા છે.

અંગ્રેજીમાં ઈચ્છામૃત્યુને 'યુથેનેસિયા' કહે છે. પુસ્તકમાં આપઘાત કરવા માટે કોઈ સહાયક કે તબીબ કેવી રીતે શોધવો તેની માહિતી આપવામાં આવી છે. આ સોસાયટીએ અમેરિકાના બે હજાર ડોકટરોને એક પ્રશ્નાવલી મોકલી હતી. એમાંથી એક હજાર ડોકટરોએ કબૂલ્યું હતું કે, એમણે અસાધ્ય રોગોથી પિડાતા અસંખ્ય દર્દીઓને એવી દવા આપી હતી કે, જેથી દર્દીનું મોત નીપજે. દર દસમાંથી એક ડોકટરે એવા પગલાં લીધાં હતાં કે જેથી દર્દીનું સીધું મોત નીપજે.

ચાર ટકા ડોકટરોએ દર્દી કે કુટુંબીજનોએ આપઘાત કેવી રીતે કરવો કે કરાવવો તેની માહિતી પૂરી પાડી હતી. હમક્રીના કહેવા મુજબ આ માહિતી ખૂબ ગુપ્ત હોય છે અને સહેલાઈથી પ્રાપ્ત થતી નથી. સોસાયટીએ કરેલી મોજણીમાં ત્રીસ ટકા લોકોએ ઈચ્છામૃત્યુની તરફેણમાં મત આપ્યા હતા. ૩૦ ટકા અમેરિકને કહ્યું હતું કે, દર્દીનું જીવન લંબાવવાથી દર્દીને માત્ર પીડા અને દુઃખ, દર્દ ન મટવાના હોય તો તેવા દર્દીને મરવાની છૂટ આપવી જોઈએ અને મરવામાં સરકારે સહાય કરવી જોઈએ.

સિડનીથી મળતો અહેવાલ જણાવે છે કે, વિખ્યાત ઓસ્ટ્રેલિયન ડોકટર ફિલીપ નિશેકે શાંતિથી અને કોઈ જાતની શારીરિક યાતના વગર મરી શકાય એ માટે એક નવું 'ડેથ મશીન' બનાવ્યું છે. આ મશીન દ્વારા એમણે અત્યાર સુધીમાં ઘણા લોકોને જીવનનો અંત આણવામાં મદદ કરી છે. તાજેતરમાં અમેરિકાની હેમલોક સોસાયટીની વાર્ષિક પરિષદમાં એમણે આ મશીન રજૂ કર્યું હતું.

આ સાધન કાર્બન મોનોકસાઈડની મદદથી દર્દીને જિંદગીનો અંત આણવા મદદ કરે છે. મશીનની બીજી ખૂબી એ છે કે, ઓક્સિજનનું સર્જન પણ કરે છે. ઓક્સિજન દર્દીને જીવાડવામાં મદદ કરે છે. મતલબ કે, મશીન ગેરકાનૂની નથી. વિશ્વનો સૌપ્રથમ ઈચ્છામૃત્યુનો કાયદો ૧૯૯૭માં ઓસ્ટ્રેલિયામાં નોર્થ ટેરીટેરી પ્રાંતમાં ઘડાયો હતો. આ કાયદાથી સૌપ્રથમ ચાર દર્દીઓને જિંદગી ટૂંકાવવામાં મદદ મળી હતી.

કાયદાની પરિભાષામાં મૃત્યુ એટલે શું? મૃત્યુ એટલે મૃત્યુ. મૃત્યુ એટલે જીવનનો અંત. ભારતીય ફોજદારી ધારાની કલમ-૨૧ મુજબ જ્યાં સુધી જીવંત હોવાના બીજા ચિહ્નો જણાય નહિ ત્યાં સુધી મૃત્યુ એ મૃત્યુ છે. હવે એમાં મગજના મૃત્યુની પરિભાષાને પણ આવરી લેવામાં આવે છે. લિવર, ફેફસા, સ્વાદુપિંડ જેવાં અંગોને પ્રત્યારોપણના હેતુસર કાઢી લેવામાં આવે તો શરીરમાં લોહીનું પરિભ્રમણ ચાલુ હોય છતાં તેનું મગજ અસાધ્ય બીમારીને લીધે મરી ગયું હોય. વ્યંકટેશની મૃત્યુની ઈચ્છા પાછળ આ જ કારણ હતું.
મૃત્યુ એ માણસની જિંદગીની અનિવાર્ય ઘટના છે.

દરેક માનવીની એવી ઈચ્છા હોય છે કે એ લાંબુ જીવે. એની સાથે દરેક માણસની એ પણ ઈચ્છા હોય છે કે એ જેટલું જીવે એ યાતના અને દર્દથી મુક્ત જીવે. સંગીતકાર અનિલ બિશ્વાસની આ જ ઈચ્છાહતી. એમની આ ઈચ્છા પૂરી પણ થઈ. એક સવારે અચાનક એમને છાતીમાં દુખાવો ઊપડયો અને હૃદયરોગના હુમલામાં એમનું અવસાન થયું. પણ આવું મૃત્યુ બધાને મળતું નથી.

ક્યારેક નાની ઉંમરે માણસને અસાધ્ય રોગ લાગુ પડે છે. પરિણામે એને ઈચ્છામૃત્યુ કે દયામૃત્યુની ઈચ્છા થાય છે. જીવન એક ઘટના છે, તેમ મૃત્યુ પણ એક ઘટના છે. વિખ્યાત ચિંતક થોરો ૪૫ વરસની ઉંમરે કુદરતી મૃત્યુને વર્યા. મૃત્યુ સમયે એમના ચહેરા ઉપર નીરવ શાંતિ જોઈને એમની બહેન બોલી ઊઠી કે, આ એક અદભુત ઘટના ઘટી. આ મૃત્યુ નથી, પણ અસ્તિત્વનો અંત છે.
 

Keywords vichar,vihar,120817,

Post Comments