Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વિહાર - યાસીન દલાલ

ટેકનોલોજીનો દુરુપયોગ

વિજ્ઞાન અને ટેકનોલોજી વડે કોઈપણ દેશ અને કોઈપણ સમાજ પ્રગતિની છલાંગ લગાવી શકે છે. પણ આમાં શરત એ છે કે ટેકનોલોજીનો સદુપયોગ થવો જોઈએ.

થોડા સમય પહેલાં એક સેકસ કૌભાંડ નિમિત્તે સમગ્ર કાશ્મીર બંધ રહ્યું હતુ. શ્રીનગરની એક યુવતીને સેકસકાંડમાં ફસાવાઈ હતી. આ યુવતીએ અંતે મોઢું ખોલ્યું ત્યારે ખબર પડી કે આ કાંડમાં બે પ્રધાનો અને અનેક અધિકારીઓ સંડોવાયા છે. આ યુવતીના મોબાઈલ કેમેરાની મદદથી નગ્ન ફોટા લેવાયા હતાં. પછી એને બ્લેકમેઈલ કરવાનું ચાલું થયું હતું. આવા કિસ્સાઓ દેશભરમાં હવે સામાન્ય થઈ ગયા છે. દિલ્હીની અનેક હોટલોમાં માલિકો દ્વારા રૃમમાં છૂપા કેમેરા રાખીને અને અશ્લીલ ફોટા પાડીને એમને બ્લેકમેઈલ કરવામાં આવે છે.

બોમ્બેમાં પણ આવા અનેક કિસ્સા નોંધાઈ ચૂકયા છે. દેશનો યુવાવર્ગ આવી વિકૃતિમાં સંડોવાઈ ચૂક્યો છે. બળાત્કારનું પ્રમાણ ભયજનક હદે વધી ગયું છે. દિલ્હી અને રાજસ્થાનમાં વિદેશી યુવતીઓ હવે મુક્તપણે ફરી શકતી નથી. દિલ્હી યુનિવર્સિટીમાં અનેક યુવતીઓ બળાત્કારનો ભોગ બની ચૂકી છે. શરમજનક વાત એ છે કે, પોલીસની ભૂમિકા આમાં મોટેભાગે શંકાસ્પદ હોય છે. મુંબઈમાં પોલીસ દ્વારા બળાત્કાર થયો હોય એવા ત્રણથી ચાર કિસ્સા બની ચૂકયા છે.

જેમ્સ રસ્ટને કહ્યું હતું કે, ૧૯મી સદી એ નવલકથાની સદી હતી અને ૨૦મી સદી એ પત્રકારત્વની સદી હતી. એવું લાગે છે કે, ૨૧મી સદી એ સિનેમા અને ટીવી સિરિયલોની સદી બનવાની છે. અત્યારે ટીવી ઉપર ૨૪ કલાક સંખ્યાબંધ ચેનલો, સંખ્યાબંધ સિરિયલો બતાવાતી જ રહે છે. નવલકથા જો ધારાવાહી  હોય તો અઠવાડિયામાં એનો એક જ હપ્તો છપાય.

પણ ટીવી સિરિયલો તો દરરોજ જોવા મળે છે. આ ટીવી સિરિયલોએ સામાજિક ક્ષેત્રે ઊંડી અસર કરી છે. મોટાભાગનાં ઘરોમાં રાત પડે એટલે મીની થિયેટર જેવું વાતાવરણ સર્જાય છે. આ સિરિયલોની શું અસર થાય છે એ સંશોધનનો વિષય છે. પણ કેટલીક ઘટનાઓ પરથી એ અસર નરી આંખે જોઈ શકાય છે. આ અસરમાંથી બોધપાઠ નહીં લઈએ તો એના ભારે વિઘાતક પરિણામો આવવાની દહેશત રહે છે.

અત્યારની મોટાભાગની ફિલ્મો બ્લુ ફિલ્મોની કક્ષાની  હોય છે. એની હિરોઈનોએ પણ હવે શરીર પરથી સાડી અને સલવાર કુરતા કાઢી નાખીને તદ્ન અર્ધનગ્ન પોષાક પહેરવાનું શરૃ કર્યું છે. ઉપરથી નફ્ફટ બની એનો બચાવ કરતા કહે છે કે, શરીરનું પ્રદર્શન કરવામાં વાંધાજનક શું છે? દુ:ખની વાત એ છે કે, આવી અભિનેત્રીઓમાં રાજકપુરનાં કુટુંબની કરિશ્મા કપૂરનો પણ સમાવેશ થાય છે. એણે 'રાજાબાબુ'નામની ફિલ્મમાં અત્યંત બિભત્સ અને દ્વિઅર્થી ગીત ગાઈને સનસનાટી ફેલાવી હતી.

એક જમાનામાં નિમ્મી, નરગીસ અને મીનાકુમારી જેવી અભિનેત્રીઓ તવાયફોના કુટુંબમાંથી આવતી હોવા છતાં એમણે આવું દેહ - પ્રદર્શન કર્યું નહોતું. કેટલીક વાર તો દ્વિઅર્થી સંવાદો બોલાવામાં અભિનેત્રી ઈન્કાર કરી દેતી હતી.  'બૂટ - પોલિશ' નામની ફિલ્મમાં લતા મંગેશકરે 'મૈં બાજારો કી નટખટ રાણી' ગીત ગાવા માટે ઈન્કાર કર્યો એટલે શબ્દો બદલી 'મૈં બહારો કી નટખટ રાણી' કરવા પડયા. એને સ્થાને આજનાં ગીતોને મૂકીએ એટલે તદ્ન જોડકણાં જેવા લાગે.

એ જમાનાની ફિલ્મોમાં પણ પ્રેમકથા મુખ્ય રહેતી. પણ એ પ્રેમ ત્યાગ અને બલિદાન ઉપર આધારિત હતો. એમાં કયાંય આછલકાઈ કે વેરવૃત્તિ દેખાતાં નહોતાં. 'દેવદાસ આનો ઉત્તમ દાખલો છે. આજની ફિલ્મોમાં જોવા મળતો પ્રેમ યશ ચોપરાની 'ડર' અને 'મહોબ્બતે' કક્ષાનો છે. 'ડર'માં શાહરુખખાન પોતાની પ્રેમિકાનું ખૂન કરે છે અને 'મહોબ્બતે' માં શાહરૃખખાન અધ્યાપક બનીને વિદ્યાર્થીઓને પ્રેમના પાઠ શીખવે છે.

અને 'મહોબ્બતે'માં શાહરૃખખાન અધ્યાપક બનીને વિદ્યાર્થીઓને પ્રેમના પાઠ શીખવે છે. આવી તદન નિમ્નકક્ષાની ફિલ્મોની યુવક - યુવતીઓના માનસ ઉપર અવળી અસર થાય છે. એનું પરિણામ આવી ઘટનાઓમાં આવે છે. અત્યારનાં નાયક - નાયિકા જે રીતે રસ્તા ઉપર આવારા તત્વોની જેમ નાચવા કૂદવા માંડે છે એવાં દ્રશ્યો અગાઉ કયારેય જોવા મળતાં નહોતાં. અત્યારની મોટાભાગની ટીવી સિરિયલો પણ આ જ કક્ષાની હોય છે.

જેમાં સાસુ અને વહુ તેમજ દેરાણી અને જેઠાણી કાયમ ખલનાયકની ભૂમિકા ભજવે છે. એક જમાનામાં 'હમલોગ' અને 'બુનિયાદ' જેવી સિરિયલો બનતી અને દૂરદર્શનની એમાં મોનોપોલી હતી. હવે એની હરીફાઈમાં બીજી અનેક ચેનલો શરૃ થઈ જતાં આ સિરિયલોની કક્ષા એકદમ નીચી થઈ ગઈ છે. એણે સમાજનો દાટ વાળ્યો છે. ખાસકરીને શાળા, કોલેજમાં ભણતાં યુવક - યુવતીઓ અભ્યાસમાં ધ્યાન આપવાને બદલે આવી માનસિક વિકૃતિનો મનોવૈજ્ઞાાનિક અભ્યાસ કરવાને બદલે એની ઉપેક્ષા કરવામાં આવે છે.

દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં શ્રીમંત ઘરના નબીરાઓ મોડીરાત સુધી દારૃ પીને છાકટાવેડા કરતા હોય છે. પરિણામે ઝઘડાખોરીનો દોર શરૃ થાય છે જે એકાએક ખૂનમાં પણ બદલાઈ જાય છે. ભૂતપૂર્વ વિદેશમંત્રી નટવરસિંહના પુત્રવધૂની આત્મહત્યાનો દાખલો તાજો જ છે. એ જ રીતે દિલ્હીના એક રેસ્ટોરન્ટમાં 'જેસિકા લાલ' નામની મોડેલની પણ હત્યા થઈ ગઈ હતી.

આ ઘટનાઓમાંથી પ્રેરણા લઈને એને રોકવાને બદલે સેન્સર બોર્ડના અધ્યક્ષ નગ્ન ફિલ્મોને પણ સેન્સર સર્ટિફિકેટ અપાશે એવી જાહેરાત કરીને બળતામાં ઘી હોમે છે. જો કે આમ પણ અત્યારની ફિલ્મોમાં મૂલ્યો ઓછાં હોય છે નગ્નતા વધુ હોય છે.

સિનેમા અને ટીવીનાં માધ્યમો એવાં પ્રબળ છે કે એ ધારે તો સમાજને પ્રગતિની બાજુ લઈ જઈ શકે અને ધારે તો વિનાશ પણ કરી શકે. વિનાશક અસરને ઓછી કરવા માટે સમાજ પુખ્ત અને શિક્ષિત હોવો જરૃરી છે. પશ્ચિમનો સમાજ  અત્યંત પુખ્ત હોવાથી ત્યાં ખુલ્લી રીતે  બ્લુ ફિલ્મો દર્શાવાય છે. આપણા દેશનો સરેરાશ પ્રેક્ષક આ ફિલ્મો અથવા ટીવી સિરિયલોને પચાવી શકે એમ નથી. પરિણામે આવી વિકૃત ઘટનાઓ સર્જાવા પામે છે.

એક જમાનામાં ગુજરાતમાં ઘેરઘેર ગોવર્ધનરામની 'સરસ્વતી ચંદ્ર' અને રમણલાલ દેસાઈની 'દિવ્ય ચક્ષુ' જેવી નવલકથાઓ વંચાતી હતી. એને સ્થાને હવે ઘેર ઘેર તૃતિયા શ્રેણીમાં ટીવી સિરિયલો લોકો જુએ છે. ટેલિવિઝનને જો સાહિત્ય સાથે સાંકળવામાં આવે તો ઉત્તમ પરિણામ મેળવી શકાય. એક જમાનામાં પ્રેમચંદની 'શ્રીકાંત' ઉપરથી સિરિયલ બની હતી. આવી બીજી અસંખ્ય સિરિયલો હજી ટીવી ઉપર આવવાની બાકી છે. પણ એને શોધી અને નાના પરદે લાવવાની મહેનત કરવી જરૃરી છે.

એક જમાનામાં ન્યુથિયેટર્સે 'દેવદાસ' બનાવ્યું અને દેશના અનેક યુવાનો પ્રેમમાં નિષ્ફળતા મળતાં આપઘાત કરવા માંડયા ત્યારે શાંતારામે એનો જવાબ આપવા માટે 'આદમી' બનાવી હતી. જેનો નાયક એક કોન્સ્ટેબલ છે. એ પ્રેમમાં નિષ્ફળતા મળતાં દારૃનાં અડ્ડા ઉપર પહોંચી જાય છે. પણ ત્યાં બેઠેલો એક માણસ તેને પાછો લઈ આવે છે અને ફરીથી પોતાની ફરજ ઉપર હાજર થઈ જાય છે. એક જમાનામાં 'સમાજ કો બદલ ડાલો' જેવી ફિલ્મ સામાજિક પરિવર્તનનો પણ લાવી શકતી નથી.

શાળા અને કોલેજમાં આવી ઘટનાઓની વધી રહેલી સંખ્યા સમગ્ર સમાજ માટે આંખ ઉઘાડનારી બનવી જોઈએ. આપણા સમાજમાં હિંસક મનોવૃત્તિ સતત વધી રહી છે. એના અનેક કારણોમાં એક મોટું કારણ આવી ટીવી સિરિયલો અને ફિલ્મોનું પણ છે. આપણી ટીવી સિરિયલોની સામે વિદેશમાંથી ડિસ્કવરી અને 'નેશનલ જ્યોગ્રોફી' જેવી ચેનલ ૨૪ કલાક પ્રસારણ કરતી રહી છે.

એના કાર્યક્રમો જોવાથી ઈતિહાસ અને ભૂગોળ વિષેનું આપણું જ્ઞાાન અનેકગણું વધે છે. એ કાર્યક્રમોનું શૂટિંગ પણ જંગલોમાં ફરી કે દરિયામાં ઊતરી જાનના જોખમે કરવામાં આવે છે. પણ આવા માહિતીપ્રદ કાર્યક્રમો જોવાની કોઈને ફુરસદ નથી. આ કાર્યક્રમનું નિર્માણ યુરોપના નાના નાના દેશો કરતા રહે છે.

ભારત આટલો વિશાળ દેશ હોવા છતાં અને જાહેરખબરની આવી જંગી આવક હોવા છતાં આવા કાર્યક્રમો કેમ આપણે બનાવી શકતા નથી, એ પ્રશ્ન છે. થોડા સમય પહેલાં દૂરદર્શન ઉપર રાજા રામમોહનરાયના જીવન ઉપર આધારિત એક સુંદર શ્રેણી દર્શાવાઈ હતી. પણ એ બહુ ઓછા લોકોએ જોઈ હશે. એને બદલે કૌટુંબિક ખટપટ, ઈર્ષા અને બિભત્સ દ્રશ્યોવાળી સિરિયલો જોવામાં લોકો વિકૃત આનંદ મેળવે છે.

હદ તો એ છે કે સિરિયલોની વચ્ચે આવતી જાહેરખબરનું સ્તર એકદમ નીચું ઊતરી ગયું છે અને એમાં પણ સેકસ અને હિંસા ઠાંસીઠાંસીને ભરવામાં આવે છે. આવી શ્રેણીઓ અને જાહેરખબરો જોઈને યુવાવર્ગ કેટલી હદે બગડે છે એ તો દરરોજ દેશભરમાં બનતા બનાવો ઉપર નજર નાખવાથી ખબર પડે છે.

ગાંધીજી અને જયપ્રકાશ યુવાનોમાં રહેલી શક્તિને ઓળખતા હતા અને એને ક્રાંતિનાં માર્ગે વાળવાના સપના જોયાં હતા. પણ આજનો યુવા માનસ આ સત્યા સમજવાને બદલે માનિસક વિકૃત હરીફાઈમાં પડયો છે. ઉપરથી ઉચ્ચશિક્ષણનું પણ ભયંકર વ્યાપારીકરણ થઈ ગયુ ંછે. દેશ અને સમાજને ઉપયોગી થાય એવું શિક્ષણ મેળવવાને બદલે જેમાંથી પૈસા વધુ મળે એવા અભ્યાસક્રમો તરફ યુવાનો વળ્યા છે.

ટેલિવિઝન કે વીસીઆર અને કોમ્પ્યુટર જેવાં માધ્યમોનો સદ્ઉપયોગ કરવામાં આવે તો એ ભારત જેવા દેશમાં ગરીબી, બેરોજગારી અને નિરક્ષરતા નાબૂદ કરવામાં મોટો ફાળો આપી શકે. પણ એનો સદઉપયોગ થવાને  બદલે આપણે ઘોર દુરૃપયોગ કરીએ છીએ. વર્ષે ૧૫૦ જેટલી ફિલ્મો બને છે. એમાંથી માંડ - ૨-૫ ફિલ્મો જોવા જેવી હોય છે. આ જ રીતે સેંકડો સિરિયલો પ્રસારિત થાય છે. પણ એમાંથી મોટાભાગની યુવાનોને માનસિક વિકૃતિના માર્ગે લઈ જનાર હોય છે. કમનસીબે આપણી સંસદને સમાજશાસ્ત્રીઓ કે મોટાભાગના બૌદ્ધિકોને આમાં કશું ચિંતાજનક લાગતુ ંનથી. જો આ જ પ્રવાહ ચાલુ રહ્યો તો ભવિષ્યમાં એક મૂલ્યવિહીન સમાજનું નિર્માણ થશે.

વિજ્ઞાાન અને ટેકનોલોજી વડે કોઈપણ દેશ અને કોઈપણ સમાજ પ્રગતિની છલાંગ લગાવી શકે છે. પણ આમાં શરત એ છે કે ટેકનોલોજીનો સદુપયોગ થવો જોઈએ. ટેકનોલોજીનો દુરૃપયોગ સમાજ અને દેશનું સત્યાનાશ પણ કાઢી શકે. વીસીઆર ઉપર સારામા ંસારી દસ્તાવેજી ફિલ્મો અને કલાસિક ફિલ્મો વડે જ્ઞાાન અને માહિતીમાં ઉમેરો પણ થઈ શકે અને એ જ વીસીઆર ઉપર બ્લુફિલ્મો જોવાથી મૂલ્યોનો કચ્ચરઘાણ પણ વળી શકે.

મોબાઈલ ફોન આપણા વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાં લઈ જઈને ચોરી પણ કરી શકે. મોબાઈલ ફોનમાં રહેલા છૂપા કેમેરાથી કોઈની ખાનગી તસવીરો પાડીને એને બ્લેકમેઈલ પણ કરી શકાય. અત્યારે આપણા દેશમાં ચારેબાજુ આધુનિક ટેકનોલોજીનો ભયજનક હદે દુરૃપયોગ થઈ રહ્યો છે, પરિણામે ગુનાખોરી વધી રહી છે.

આપણે સમયસર જાગીશું નહીં તો મૂલ્યોને નામે કંઈ બાકી નહીં રહે. આ દીવાલ પરનું લખાણ છે. સમયનો આ તકાજો છે. દરેક સમાજ અને દરેક પ્રજાના જીવનમાં આવી કટોકટી આવતી રહે છે. અત્યારે આપણે નિર્ણાયકતા નહીં બતાવીએ તો આપણું ભવિષ્ય અત્યારે છે એનાથી પણ અંધકારમય હશે.
 

Keywords vichar,vihar,04,april,2018,

Post Comments