Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

બ્રિજભૂષણ ઋષિ પરંપરાના આધુનિક તપસ્વી સ્વરસાધક હતા

એક્યાસી  વર્ષની વય કોઇની ચિરવિદાય માટે ખાસ્સી પાકટ કહેવાય, પરંતુ મૈહર ઘરાનાના સ્વરસાધક બ્રિજભૂષણ કાબરાની વાત કરીએ ત્યારે એક યુગનો અસ્ત થયો એમ કહેવાય. આજે તો મોહન વીણા અને સાત્ત્વિક વીણા જેવા આકર્ષક નામો વડે હવાઇન ગિટાર પર ભારતીય સંગીત રજૂ કરીને યુવા પેઢી પોરસાય છે. મોહન વીણા કે સાત્ત્વિક વીણાના આદિ સ્વરૃપની સાધના પંડિત બ્રિજભૂષણજીએ કરેલી.

એમના પિતા પંડિત ગોવર્ધનલાલજી જોધપુર નરેશના રાજગવૈયા હતા અને રુદ્રવીણા વગાડતા. એમના મોટાભાઇ પંડિત દામોદરલાલ કાબરા ઉસ્તાદ અલી અકબર ખાનના પહેલવહેલા શિષ્ય. જો કે ખરી તપશ્ચર્યા બ્રિજભૂષણની આંગળીઓના ટેરવાંમાં લખાયેલી હતી. સાવ કૂમળી વયે પહેલાં તો સમગ્ર પરિવાર સંગીતમય હોવા છતાં આ બાળકને રસ નહોતો. પરંતુ એકવાર અકસ્માતે હવાઇન ગિટાર સાંભળીને એની તરફ આકર્ષાયા. આ હંગેરિયન વાદ્ય પર ભારતીય સંગીત અને તેય ગાયકી અંગ ઊતારવા તેેમણે રીતસર આકરી તપશ્ચર્યા આદરી.

આ વાત ૧૯૫૦ના દાયકાની છે જ્યારે ફિલ્મ સંગીતમાં માસ્ટર હજારા સિંઘ અને વાન શિપ્લેની બોલબાલા હતી. આ બંને કલાકારો મોટા ભાગના ફિલ્મ સંગીતકારો સાથે હવાઇન ગિટાર વગાડતા. શરૃમાં બ્રિજભૂષણ આપસૂઝથી એવું જ કંઇક વગાડતા. એકવાર ઉસ્તાદ અલી અકબર ખાને એમને સાંભળ્યા અને સૂચવ્યું કે વિદેશી સંગીત તો આ સાજ પર સ્વાભાવિક ગણાય કારણ કે સાજ જ વિદેશી છે. તું આના પર ભારતીય સંગીત ઊતાર તો ખરો. ઉસ્તાદજીના સૂચનને પડકાર રૃપ ગણીને બ્રિજભૂષણે શરૃમાં સંશોધન શરૃ કર્યું કે સિતાર અને સરોદની જેમ આ સાજમાં તરપના તાર બેસાડીને ઝાલા વગાડી શકાય કે નહીં ?

સુખી શ્રીમંત પરિવારના નબીરા હતા એટલે વિદેશ જઇને પોતાની સમજ પ્રમાણે ગિટારમાં ફેરફાર કરાવ્યા. તરપના તાર બેસાડાવ્યા. પરંતુ એમની ખેલદિલી જુઓ કે (મોહન વીણા કે સાત્ત્વિક વીણાની જેમ) પોતાના નવા સાજને 'બ્રિજભૂષણ વીણા' એવું નામ ન આપ્યું. એકવાર સાજ તૈયાર થઇ ગયું એટલે તપશ્ચર્યા શરૃ કરી. રિયાઝ શરૃ કરે એટલે સ્થળકાળનો ખ્યાલ ન રહે, ન ખાવાપીવાનું ધ્યાન રહે. એમ કહો કે બૈજુ બાવરાની જેમ સ્વર સાધના પાછળ બાવરા થઇ ગયા. વરસોની એ તપશ્ચર્યા પાછળથી કેવી કામમાં આવી એની વાત નોંધવા જેવી છે.

એમના જિગરી દોસ્ત અને મૈહર ઘરાનાના અજોડ મેંડોલીનવાદક ઇમુ દેસાઇએ કહ્યું, એ દિવસોમાં ભારતીય સંગીતના અજોડ  વિદ્વાન આચાર્ય બૃહસ્પતિ આકાશવાણીના ડાયરેક્ટર જનરલ હતા. બ્રિજભૂષણ દિલ્હી જઇને એમને મળ્યા અને પોતાનું સાજ સાંભળવાની વિનંતી કરી. આકાશવાણી પર એ દિવસોમાં હાર્મોનિયમ, મેંડોલીન, ક્લેરીનેટ, સેક્સોફોન, ગિટાર વગેરે વિદેશી વાદ્યો પર પાબંદી હતી. પરંતુ બ્રિજભૂષણે ખૂબ વીનવણી કરી એટલે આચાર્ય બૃહસ્પતિ થોડી પીગળ્યા. કહે, અચ્છા થોડા સા સુનાદો. બ્રિજભૂષણે દોઢ કલાક સુધી બીન અને રુદ્રવીણાના બાજથી આલાપ જોડ ઝાલા અને ગતો સંભળાવ્યાં. આંખો બંધ કરીને સ્વરસમાધિમાં લીન.

આંખો ખુલી ત્યારે આચાર્યની આંખોમાંથી આંસુ વહેતા હતા. 'અદ્ભુત.. અદ્ભુત' કહીને આચાર્યે ગુજરાત અને રાજસ્થાન રેડિયો પર એક ખાસ નોટિફિકેશન મેાકલીને બ્રિજભૂષણનું ઓડિશન લેવાની સૂચના આપી. પહેલાજ પ્રયાસે એ ગ્રેડના આર્ટિસ્ટ તરીકે પસંદગી પામ્યા. પોતાના વાદનમાં મોટાભાઇ દામોદરલાલજીના સિતાર અને સરોદવાદન ઉપરાંત પિતા ગોવર્ધનલાલજીના બીન અને રુદ્રવીણાવાદનને સાંગોપાંગ ઊતાર્યું. આ સિદ્ધિ મેળવવા બ્રિજભૂષણે પોતાની કિશોરાવસ્થા અને જુવાની સમર્પિત કરી દીધી હતી.

છતાં સ્વભાવે ખૂબ નમ્ર. પોતાની સિદ્ધિનો લેશમાત્ર અહંકાર તેમના વ્યક્તિત્વમાં જોવા ન મળે.  સંગીતકાર ઉપરાંત બ્રિજજી માનવતાવાદી ઇન્સાન હતા. પિતાની સંપત્તિમાંથી ભાગ ન આપવો પડે એેવા હેતુથી એક યુવતીને એનાં સ્વજનોએ કાઢી મૂકેલી. છોકરી આત્મહત્યા કરવાનું વિચારતી હતી. બ્રિજજીને ખબર પડતાં સમજાવીને ચાર વર્ષ પોતાને ત્યાં રાખી. સારો મૂરતિયો જોઇને પરણાવી. પોતેે કન્યાદાન કર્યું.

૧૯૬૦ના દાયકામાં બ્રિજભૂષણે પંડિત હરિપ્રસાદ ચૌરસિયા અને પંડિત શિવકુમાર શર્મા સાથે જે આલ્બમ બહાર પાડયું એ કોલ ઑફ ધ વેલી (સરળ ભાષામાં કોતરોનો સ્વરનાદ) આજ સુધી વખણાતું રહ્યું છે. યોગાનુયોગ એવો છે કે મંદિરો અને દેરાસરોમાં વાગતાં શરણાઇ-નગારાંને બિસ્મીલ્લા ખાન લઇ આવ્યા, પંડિત રામ નારાયણ કોઠાની સારંગીને લઇ આવ્યા, શિવકુમાર શર્મા લોકવાદ્ય સંતુરને લઇ આવ્યા એમ બ્રિજભૂષણ હવાઇન ગિટારને શાસ્ત્રીય સંગીતના સ્ટેજ પર લઇ આવ્યા. આ બધા સંગીતકારોની તપશ્ચર્યા પ્રાચીન કાળના ઋષિઓ કરતાં જરાય ઊતરતી નહોતી. આ બધા સંગીતકારો પ્રાચીન ઋષિ કૂળના સ્વરસાધકો બની રહ્યા. એમના જેવા સાધકો ભવિષ્યમાં મળશે કે કેમ એ એેક સવાલ છે....!
 

Keywords to,the,point,17,april,2018,

Post Comments