Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાબા ધ કોર્પોરેટ કિંગ

ભારત સરકારે છેલ્લા બે-ત્રણ વર્ષ દરમિયાન નેપાળમાં મધેશીઓના આંદોલનનો લાભ લઈને એ દેશના રાજકાજમાં હસ્તક્ષેપ કરવાનો વારંવાર પ્રયત્ન કર્યો જે બહુધા સફળ નીવડયો નથી. નેપાળ પર ચીનનો પ્રભાવ વધતો રહ્યો છે અને ચાઈનિઝ વિચારધારાઓનો તેના રાજકર્તાઓ પર સીધો અંકુશ હોય તેવું દેખાય છે. ભારત અને નેપાળના વ્યાપારી સંબંધો યથાવત છે, પરંતુ રાજકીય સંબંધોમાં ઓટ આવી ગઈ છે તેવા સમયમાં કોર્પોરેટ કિંગ બ્રહ્મચારી બાબા રામદેવે ચતુરાઈ પૂર્વક નેપાળને નવેસરથી પોતાના બાહુપાશમાં લીધું છે.

બાબા રામદેવ એક એવા બ્રહ્મચારી છે જેમના કોસ્મેટિક ઉત્પાદનોએ સૌંદર્યવંતી લાખો સ્ત્રીઓને ઘેલુ લગાડેલું છે. નેપાળમાં અત્યાર સુધી પતંજલિના ઉત્પાદનોની નિકાસ થતી હતી. તેના સ્થાને હવે બાબા રામદેવે પોતાની કંપનીને નેપાળમાં પણ રજિસ્ટર્ડ કરાવીને ત્યાં રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવી પતંજલિ ગૃહ ઉદ્યોગ નામે નવી જ ઉત્પાદકીય ક્રાંતિ કરી રહ્યા છે. એટલે કે બાબા રામદેવના અનેક ઉત્પાદનો હવે નેપાળમાં તૈયાર થઈ રહ્યા છે. ભારતમાં તેના ઉત્પાદન યુનિટોની ક્ષમતા સતત વધારવામાં આવી રહી છે, તેના સપોર્ટમાં હવે નેપાળને આ બાલબ્રહ્મચારીએ જાણે કે દત્તક લીધું છે.

બાબા રામદેવની મૂળભુત યોજના દુનિયાના તમામ મહત્ત્વના દેશોમાં પોતાના ઉત્પાદન યુનિટો સ્થાપવાની છે. એની શરૃઆત તેમણે નેપાળથી કરી છે. એનું કારણ એ છે કે નેપાળ એક હિમાલયન દેશ છે. આપણા હિમાલયની અતિ મૂલ્યવાન કુદરતી સંપદા અને આયુર્વેદિક વનસ્પતિઓને ખંખેરી લીધા પછી બાબા હવે નેપાળ તરફ વળ્યા છે.

અત્યારે છેલ્લા છ મહિનાથી પતંજલિનું ટર્નઓવર રૃા. ૫૦૦૦ કરોડનું છે, જે ચાલુ વર્ષ ૨૦૧૭ના અંત સુધીમાં રૃા. ૧૦,૦૦૦ કરોડને પણ પાર કરી જશે. બાબા રામદેવની નજર ભારતીય આમજનતા ઉપર છે. અસલમાં તેઓ કરિયાણાના કલાકાર છે. તેમની પ્રતિજ્ઞાા છે કે કરિયાણાની દુકાને જે કંઈ ચીજવસ્તુઓ મળે છે - જેની ખરીદીનો નિર્ણય મુખ્યત્વે ગૃહિણી કરે છે - તે તમામ ચીજવસ્તુઓનું ઉત્પાદન તેઓ પોતે કરવા ચાહે છે.

શરૃઆતમાં તેમણે પતંજલિના વિશેષ સ્ટોરથી ઉદ્યોગ શરૃ કરેલો જે છેલ્લા પાંચ-સાત વર્ષમાં જ એટલો ઝડપથી આગળ વધી ગયો છે કે નાનકડા ગામની શેરીના નાકે આવેલી દુકાનમાં પણ તેમના ઉત્પાદનો પહોંચી ગયા છે. ભારતમાં પ્રવૃત્ત અનેક મલ્ટીનેશનલ કંપનીઓને પછડાટ આપીને તેઓ સતત આગળ વધી રહ્યા છે. તેમના ઉત્પાદનોથી બજારમાં પરાજિત થઈ રહેલી પરંપરિત કંપનીઓ પણ હવે હર્બલના નામે આયુર્વેદિક આશ્રય લેવા લાગી છે.

બાબા રામદેવ ઝનૂનપૂર્વક કામ કરી રહ્યા છે અને દેશમાંથી વિદેશી કંપનીઓને હાંકી કાઢવા માટે વધુમાં વધુ દેશી વિકલ્પો આપવાનો પ્રયાસ કરે છે. યોગાસનના પ્રયોગોમાં તેઓ પોતાનું પેટ સમેટી લેતા દેખાય છે તે માત્ર દેખાવ પૂરતુ જ છે, વાસ્તવમાં તો તેઓ અનેક કોર્પોરેટ કંપનીઓનો નફો જાતે જ ગળી ગયા હોવાથી તેમનું પેટ હવે ઘણું જ મોટુ થઈ ગયું છે ! તેમની હવે પછીની ઈચ્છા આંતરરાષ્ટ્રીય દરજ્જાની એટલે કે કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ જેવી ગ્લોબલ આયુર્વેદિક યુનિવર્સિટીની સ્થાપના કરવાની છે. એ માટે તેઓ કરોડો રૃપિયાનું બજેટ ફાળવવાના છે. ભારતમાં તેમણે ત્રણ લાખ ફ્રેન્ચાઈઝ દુકાનો ખોલેલી છે. તેમનું વાર્ષિક જાહેરખબરોનું બજેટ પણ રૃા. ૫૦૦ કરોડને ક્રોસ કરી ગયું છે.

હવે તો તેઓ પોતે ધારણ કરેલા ભગવા વસ્ત્રની આભા સાથે મેચ ન થાય તેવા ગુલાબી રંગના કાર્યક્રમોમાં પણ જોવા મળે છે. ટેલિવિઝનના ડાન્સ શોમાં બાબા રામદેવ જજ હોય છે. થોડા સમય પહેલા બોલિવૂડના કલાકારો સાથે મંચ પર તેમણે યોગાસનો કર્યા હતા. એક વખત તો તેઓ ધસમસતા દોડીને લાલુપ્રસાદ યાદવના ઘરે પહોંચી ગયા હતા અને પતંજલિ ક્રીમ લાલુના ગાલ પર લગાડી દીધું હતું. રાજપુરુષો માટે તેમના બાલસહજ હાસ્યનું અર્થઘટન કરવાને ઘણી વાર છે.

ઉતાવળા વિધાનો કરવામાં દેશના અન્ય સાધુ પુરુષોને બાબા રામદેવ કોઈવાર કંપની આપે છે. મુસ્લિમોના સંદર્ભમાં તેમણે એમ કહ્યું હતું કે જો દેશનો કાયદો મને રોકે નહિ તો જે લોકોને ભારત માતાકી જય બોલવામાં કષ્ટ પડે છે તેમનું ગળું જ હું કાપીને ઉતારી લેવા ચાહું છું. ચારેબાજુ ભારે ઊહાપોહ થયા પછી તેમણે પોતાના આ શબ્દો પાછા ખેંચવા પડયા હતા.

નોટબંધી પ્રકરણમાં પણ તેઓ ચૂપ રહી શક્યા નથી. વડાપ્રધાને નોટબંધીની જાહેરાત કરી કે તુરત જ બાબા રામદેવે એવું જાહેર કર્યું હતું કે આ તો કાળા નાણાં સામેનો મારો જે જૂનો વિરોધ છે એનો જ પડઘો છે અને આ જાહેરાત મારો વ્યક્તિગત વિજય છે. એકાદ મહિના પછી તેમણે જોયું કે લોકો લાઈનોમાં ઊભા રહીને હેરાન થઈ રહ્યા છે એનો અપયશ ક્યાંક પોતાને ન મળી જાય એટલે ફેરવી તોળીને પાછું નવું વિધાન કર્યું કે મિસ્ટર મોદીએ આવું પગલુ લેતા પહેલા પૂરતી તૈયારીઓ કરવાની જરૃર હતી.

બાબા રામદેવ પાસે જે આયુર્વેદિક દિવ્ય ઔષધિઓનો તેઓ ઉપયોગ કરે છે તે વનસ્પતિઓના પુન :  વાવેતરની પદ્ધતિસરની કોઈ યોજના નથી. તેમની મહત્ત્વાકાંક્ષાઓ આસમાનને આંબી રહી છે પરંતુ ભવિષ્યમાં જેના પર તેઓ નિર્ભર છે એ વનસ્પતિઓ સંબંધિત નવો કાચો માલ લાવવા માટેની પુરવઠા લાઈન અસ્તવ્યસ્ત છે. પર્યાવરણવાદીઓનો બાબા રામદેવ પર સતત એ આક્ષેપ રહ્યો છે કે તેઓએ હિમાલયના કુદરતી વાતાવરણનો - વનસ્પતિઓનું સતત છેદન કરીને - ખાત્મો બોલાવી દીધો છે.

હિમાલયમાં રહેલી અણમોલ જડીબુટ્ટીઓને મૂળથી ઉખેડીને હવે તેઓ નેપાળની પ્રાકૃતિક સંપદાની લૂંટ ચલાવવા માટે ઉત્તર ભારતથી પૂર્વ ભારત તરફ વળ્યા છે. ભારતીય જનતા  પક્ષની સરકાર સાથે ઘરોબો હોવાનો અને વડાપ્રધાન સાથે હોટલાઈન રિલેશન હોવાનો પૂરેપૂરો ગેરલાભ લઈને બાબા રામદેવ હવે કોર્પોરેટ જાયન્ટ થવાની સાથે પ્રકૃતિના અવ્વલ નંબરના શત્રુ તરીકે પ્રતિષ્ઠાપિત થઈ રહ્યા છે.

Keywords tantri,lekh,12,january,2017,

Post Comments