Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારત યુદ્ધ તત્પર

ભારતીય પ્રજા ચીન પ્રત્યે અગાઉથી જ ખિન્ન તો છે જ પરંતુ હવે એ ખિન્નતામાં વધારો થયો છે. જેમ જેમ ભારત-ચીન વચ્ચે સીમા વિવાદ લાંબો ચાલે છે તેમ તેમ તેના જ પરિણામરૃપે હવે ખરેખર ચીની ઉત્પાદનો પ્રત્યે ભારતીય પ્રજા ત્રાંસી નજરે જોવા લાગી છે.

સામાન્ય લોકો ભૂલથી પણ ચીનના ઉત્પાદનો ઘરમાં ન આવી જાય એ માટે સાવધાની પૂર્વક ખરીદી કરી રહ્યા છે. ચીનના ગ્લોબલ ટાઈમ્સ સહિતના મીડિયામાં વારંવાર ભારત પ્રત્યે ઉચ્ચારવામાં આવતી ધમકીના સમગ્ર એશિયામાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.

ચીને હવે કોર્પોરેટ કલ્ચર અને ઉદારમતવાદીતા અપનાવીને તેની જૂની સામ્રાજ્યવિસ્તારવાદી વિચારધારાને છોડી દીધી છે એવા ચીને જ વિશ્વ સમુદાય સમક્ષ ઊભા કરેલા અભિપ્રાય પર પાણી ફરી વળ્યું છે અને પોતાનું મૂળભૂત પોત પ્રકાશતા ભારતે પણ એની ઉપેક્ષા, ઉપહાસ ઉપરાંત યુદ્ધ માટેની તૈયારી શરૃ કરી દીધી છે.

કોઈપણ સૈન્યએ યુદ્ધ માટે તૈયારી કરવાની હોતી જ નથી, સૈન્ય જ એને કહેવાય છે જે યુદ્ધતત્પર હોય. ખુદ ચીનના આશ્ચર્ય વચ્ચે ભારત અત્યારે એક યુદ્ધોન્મુખ અને યુદ્ધતત્પર દેશ દેખાઈ રહ્યો છે. ભૂતાને અગાઉ જ ચીનના દાવાને નિરર્થક ઠેરવ્યો છે. ભૂતાન જેવા દેશના સમર્થનથી ભારતને કંઈ બહુ મોટું સમર્થન મળતું નથી પરંતુ એની સરહદો ભારત માટે બહુ કામની છે. વળી જે રીતે ઈ.સ. ૧૯૭૫માં સિક્કીમ ભારતમાં ભળી ગયું તે રીતે કે તેનાથી જરાક જુદી રીતે વિશેષ બંધારણીય અધિકારો સાથે ભૂતાન પણ ભારતમાં ભળી શકે છે એ સંભાવનાઓ તરફ દૂરના ભવિષ્યમાં ભારતના રાજકર્તાઓ ધ્યાન આપવાના છે, પરંતુ એ માટેના સમયની પરિપક્વતાને હજુ વાર છે.

ભારત એક એવો દેશ છે જ્યાં દરેક પ્રજાની પોતાની સ્વતંત્ર ધર્મ, સંસ્કૃતિ અને ભાષાની પરંપરાઓ નિર્વિઘ્ને સચવાય છે અને દેશનું દરેક રાજ્ય આમાં સંમતિનો છડીપોકાર કરે છે. ચીન જેવા વાઘછાપ પડોશીના હિંસક અને આક્રમક અભિગમ સામે ભૂતાને પોતાની અસ્મિતા જાળવવી હશે તો ભવિષ્યમાં અત્યારે છે એનાથી ક્યાંય અધિક ભૌગોલિક અને રાજકીય રીતે ભારતની પનાહ લેવી પડશે.

અત્યારે નેપાળના કાઠમંડુમાં બે ઓફ બેંગાલ ઈનિશિયેટિવ ફોર મલ્ટી સેકટરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશનની પ્રધાનોના સ્તરની મહત્ત્વની એક પરિષદ ચાલી રહી છે જેમાં વિદેશપ્રધાન શ્રીમતી સ્વરાજ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. ભૂતાનના વિદેશપ્રધાન દામચો દોરજી પણ ત્યાં ઉપસ્થિતિ છે. દોરજી અને સ્વરાજ વચ્ચે અલગથી મંત્રણાઓ પણ થઈ છે. ભૂતાને હમણાં જ થોડા દિવસો પહેલા ચીનને પોતાની સરહદને સ્પર્શતી સડક બનાવવા દેવાનો ઈન્કાર કરેલો છે.

ચીને સડક દ્વારા જ પોતાના સડકછાપ સ્વભાવનો છેક પાકિસ્તાન સુધી તો સુંવાળા સાપ જેવો સિલ્ક રોડનો પરિચય આપી દીધો છે, પરંતુ એના કોઈ પડોશી આ પ્રવૃત્તિથી રાજી નથી. ચીનની હાલત એક રીતે અખાતી દેશ કતાર જેવી છે, બધા જ પાડોશીઓ સાથે તમારા સંબંધો કથળી જાય ત્યારે તમારે દૂરના સંબંધીઓને યાદ કરવો પડે છે.

કતારે એ જ ન્યાયે સંખ્યાબંધ દેશોના નાગરિકોને વગર વિઝાએ પોતાના દેશમાં પ્રવેશવા માટે દરવાજા ખુલ્લા કરવા પડયા છે. ખંધા ચીન તરફ અમેરિકી નેતૃત્વમાં જે અસહકાર આંદોલન સારી રીતે ન ચાલ્યું અને જાપાને પણ પોતાની ઘટી ગયેલી નિકાસની ઉપાધિમાં ચીનને વિશ્વબજારમાં પછાડવાની નાકામયાબ કોશિશ કર્યા પછી હવે ભારતે જ ચીન સામે શૃંગ ઉછાળતા દુનિયામાં એક નવા રાજકીય વાતાવરણનું સર્જન થયું છે જે ચીન માટે આપત્તિકારક છે.

ચીને દુનિયા પર શાસન કરવાની વ્યર્થ મનોકામનાનો ભોગ બનેલું રાષ્ટ્ર છે. ઉપરાંત ચીન પોતાના જ વ્યાપારજગતનું એવું ગુલામ બની ગયું છે કે તે જ્યાં પોતાની બજાર હોય ત્યાં કંઈ પણ કરી શકે તેમ નથી અને અરધા જગતને ચીને પોતાની માર્કેટ બનાવી લીધી છે.

આ સંજોગોમાં ચીનમાં અત્યારે સરહદની તંગદિલીથી અધિક તો બુદ્ધિની તંગદિલી પ્રવર્તે છે તેવું તેના દરેક પાડોશીને લાગે છે કારણ કે ખોટા સમયે ખોટા મુસદ્દાને તે પોતાના રાષ્ટ્રીય અહંકારનો વિષય બનાવી રહ્યું છે જે વાસ્તવમાં ભારતના સાર્વભૌમત્વ અને સ્વાભિમાનનો વિષય છે. તિબેટને ગળી ગયા પછી ઘણો સમય વીતી જવાથી ચીનને ફરી નવી જમીનની ભૂખ લાગી છે અને એ માટે તેણે ભારતીય સરહદ નજીક પોતાનો પંજો પછાડયો છે પરંતુ આ વખતે ચીનની કોઈ કારી કે કારીગરી ફાવે તેવા સંજોગો નથી.

એક મરણિયો સોને અને સૌને ભારે પડે તે પ્રમાણે ભારતીય લશ્કરી વડાઓને સરકાર તરફથી છુટ્ટો દોર મળવાની પ્રતીક્ષા છે. ભારતના સંરક્ષણનો હવાલો સંભાળતા પ્રધાન અરૃણ જેટલીે આકરું સ્ટેન્ડ લઈને ચીનને સાવધ રહેવા કહ્યું છે. કોઈ પણ દેશના સૈનિકોને તેની પોતાની જ સીમામાંથી પીછે હઠ કરવાની સૂચના આપવાની ટેવ ધરાવતા ચીનને ઈ.સ. ૧૯૬૨થી સરળતાથી વિજય મેળવવાનો જે અનુભવ છે તે પણ હવે કામ લાગે તેમ નથી.

રશિયા સાથે ચીનના રાજદ્વારી સંબંધો મધ્યમ પ્રકારના છે. અમેરિકા સાથે તો તીખા સંબંધો છે જ. ઉત્તર કોરિયા દ્વારા વિશ્વમાં અશાંતિ ફેલાવવાનું જોખમ હોવાની વાત કરી રહેલા અમેરિકા માટે હવે ભારત અને ચીનના સતત વણસતા જતા સંબંધોને આધારે નક્કર નિર્ણય લેવાની ઘડી આવી પહોંચી છે.

ભારત-ચીન વિવાદનો લાભ લઈને અમેરિકા ચીનને યાદગાર પાઠ ભણાવવાની એક પણ તક જતી કરવાના મતનું નથી. ભારત અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ કરારો બહુ ગાજ્યા નથી તો પણ એ ગોપનીય વાટાઘાટોમાં આવનારા દિવસોનું ઘણું રહસ્ય છૂપાયેલું છે જેને અભિવ્યક્ત થવાનો સમય પણ નજીક આવી રહ્યો છે.

વિશ્વભરમાં ભારતની એક શાંતિચાહક રાષ્ટ્ર તરીકેની પ્રતિષ્ઠા છે એટલે અને ચીન તેના અભિગમથી પૂરતુ કુખ્યાત છે એટલે પ્રવર્તમાન વિવાદમાં બાહ્ય જગત અત્યારથી ચીનને જ દોષિત માની રહ્યું છે.  જો ચીન યુદ્ધ ન કરવાનો નિર્ણય લેશે તો ભારત લડયા વિનાનું યુદ્ધ જીત્યા જેવી કૂટનૈતિક પ્રતિષ્ઠા તો રળી જ લેશે એમાં કોઈ શંકા નથી.

 

Keywords tantri,lekh,12,august,2017,

Post Comments