Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વસુંધરાનું રાજે-સ્થાન

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ગ્રીષ્મ સિવાય અને ચૂંટણીઓ વિના પણ અહીં ઉષ્ણતામાન સદાય ઊંચુ રહે છે. શિયાળાની સૂસવાટા મારતી કાતિલ ઠંડી અને ઉનાળાની અગનવર્ષા દિલ્હીથી હાઈકમાન્ડના હુકમ પ્રમાણે જયપુર આવતા-જતા સંગઠનના દૂતોને ભારે પડે છે, પરંતુ માતૃભૂમિની આ આબોહવા અને પોતાના તરફની દિલ્હીની સતત નારાજગી મુખ્યમંત્રી વસુંધરા રાજેને કોઠે પડી ગઈ છે. જેમ ગુજરાતના પાટીદાર આંદોલનનો ધૂમાડો તત્કાલીન મુખ્યમંત્રીના વિદાયમાનનું મુહૂર્ત શોધવામાં ભાજપના અધ્યક્ષને ઉપયોગી નીવડયો તે જ રીતે રાજસ્થાનની થોડા સમય પહેલાની પેટા ચૂંટણીઓમાં ભાજપની પછડાટનો મોકો ઝડપીને અહીં પણ રણમાં આંધી ચડાવીને વસુંધરાની વિદાય માટે ભાજપ હાઈકમાન્ડે કોશિશ કરી પરંતુ રાજે એ સાણસામાં ફસાયા તો નહિ, વધારામાં સામો ફૂંફાડો મારીને પોતાનું સિંહાસન નિશ્ચલ કરી રાખ્યું છે.

આજકાલ મુખ્યમંત્રી વસુંધરા રાજે પર દિલ્હીથી આવતા ભાજપના વિવિધ પદ અને શ્રેણીના નેતાઓ શિકારીઓની જેમ ચકરાવા લઈ રહ્યા છે. પરંતુ વસુંધરા લડાયક મિજાજમાં નિર્ભય છે. ભાજપના હાઈકમાન્ડે હમણાં રાજસ્થાનના પ્રભારી અને પક્ષના ઉપાધ્યક્ષ અવિનાશરાય ખન્નાને સંપર્ક અભિયાન ચાલુ કરવા જયપુર મોકલ્યા. તેમણે રાજ્યનો એક ગુપ્ત અહેવાલ પણ તૈયાર કરવાનો હોઈ તેઓ સીધા જ અશોક જૈનને મળ્યા. આ અશોક જૈન રાજ્યના મુખ્ય સચિવ હતા અને હવે નિવૃત્ત થયા છે. તેમને એક્ષટેન્શન જોઈતું હતું જે રાજેએ ન આપ્યું. પ્રભારીએ આ પૂર્વ મુખ્ય સચિવની સુદીર્ઘ કથાવાર્તા સાંભળી અને એ ખજાનો તેઓ દિલ્હી પોતાની સાથે લઈ ગયા. આવા એક પછી એક અનેક 'ફોલ્ડરો' જયપુરના ભગવંતદાસ રોડ પર આવતા રહે છે જેની મુખ્યમંત્રી રાજેને કોઈ જ તમા નથી.

ગયા ફેબુ્રઆરીમાં પેટાચૂંટણીમાં ભાજપના પરાજય પછી નવી દિલ્હીના સંગઠનના મુખ્યાલયમાં કંઈક નિરાંતનો માહોલ હતો અને એપ્રિલમાં પોતાની ખુરશી છોડી દેવાનું રાજેને 'સારી' ભાષામાં કહી દેવામાં આવ્યું હતું. તેમને પણ હાઈકમાન્ડે સૂચન કર્યું હતું કે તમે ટ્વીટર કે ફેસબુક પર તમારું રાજીનામું સીધું જ જાહેર કરી શકો છો જેથી અમે પાણીચું આપ્યું એવું ન લાગે! રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે ગજેન્દ્રસિંહ શેખાવત અને અર્જૂન મેઘવાલના બે વૈકલ્પિક નામો પણ યોજનાબદ્ધ રીતે જાહેર કરી દેવામાં આવ્યા હતા. એની સામે વસુંધરા રાજેએ કેટલાક ટોચના ભાજપી નેતાઓના ત્રાસ અંગે એક દીર્ઘ વ્યાખ્યાન વડાપ્રધાનને અલબત્ત, સવિવેક આપ્યું હતું જેનો પરોક્ષ અર્થ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ પડે એવો થતો હતો. રાજસ્થાનના રાજપૂતો, જાટ, ઓબીસી હજુ રાજે સાથે હોવાથી હાઈકમાન્ડે નમતું જોખવું પડયું હતું. હવે વસુંધરા કહે છે કે આગામી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી- ટિકિટોની ફાળવણી રાજ્યમાંથી અને મુખ્યમંત્રી તરીકેના મારા કાર્યાલયમાંથી જ થશે, દિલ્હીથી નહિ થાય. એ કામ મારું છે અને જરૃર પડે તો જ હું દિલ્હીનું માર્ગદર્શન લઈશ.

પચાસથી વધુ વિધાનસભા મતવિસ્તારોનો પ્રવાસ રાજેએ પૂરો કર્યો છે. લગભગ દર એક સપ્તાહે તેઓ કાર્યકરોના કોઈ ને કોઈ જૂથને સંબોધે છે. તેઓ જાણે છે કે બુથ કક્ષાના કાર્યકરોની યાદી હવે કૃત્રિમ બની ગઈ છે. દેશના ઘણા રાજ્યોમાં આ સ્થિતિ છે. પેજપ્રમુખ હોય, પણ પેજની નામાવલિ ભાજપ પરત્વેની ભક્તિમાંથી મુક્તિ મેળવી ચૂકી હોય. રાજસ્થાનમાં એકલે હાથે જ પોતે વિધાનસભા ચૂંટણી જીતવાની તૈયારી રાખે છે એવો વસુંધરાનો મનોભાવ છે. ખુદ વડાપ્રધાન મોદી સાથે તેમના રાજકીય સંબંધો છેલ્લા ચાર વરસ સારા રહ્યા નથી. વડાપ્રધાને રાજેનું અપમાન કરવાની એક પણ તક ગુમાવી નથી. ખુદ ભાજપના જ નેતાઓની પોતાના પ્રત્યેની કિન્નાખોરી વચ્ચે વસુંધરાએ ભાજપની જ સરકાર ચલાવી છે. હવે વડાપ્રધાન મોદી સાથે વસુંધરા રાજેના સંબંધોમાં સુધારણા યુગ શરૃ થયો છે.

રાજસ્થાનનું જળસંકટ સહુ જાણે છે. રાજેએ જળસંસાધનો માટે રાજ્યને વિશેષ પેકેજ આપવા માટેની અનેક દરખાસ્તો કેન્દ્રને મોકલી છે જે નિરુત્તર રહેવાને કારણે નામંજુર થયા બરાબર છે. હવે ચૂંટણી નજીક આવી રહી છે એટલે કેન્દ્ર સરકાર તરફથી કોઈક મહત્ત્વના પેકેજની રાજ્યને પ્રતીક્ષા છે. અધિકારીઓ પરનું રાજેનું પ્રભુત્વ વિશિષ્ટ છે. એ દ્વારા નવો પ્રભાવ જન્માવતા તેઓ વહીવટમાં સખત ધ્યાન આપે છે.

એકલે હાથે તેઓ કેટલી લડત આપી શકશે તે સવાલ છે. આ સફરના સાથીઓ હવે નક્કી થશે. રાજસ્થાનમાં વડાપ્રધાન મોદી ઉપરાંત  યોગી આદિત્યનાથને ચૂંટણી પ્રચાર માટે આહવાન આપવાની રાજેની મથામણ છે. જો કે આદિત્યનાથનો જાદુ રાજસ્થાનમાં ચાલે કે નહિં  તે પ્રશ્ન  છે  કર્ણાટકમાં તેમના પ્રચારના મિશ્ર પ્રતિભાવ રહ્યા હતા. મુખ્યમંત્રી રાજેના પ્રવાસો એટલા વધી ગયા છે કે તેમના હેલિકોપ્ટરના પાયલોટની  હાલત ટેકસી ડ્રાઇવર જેવી થઇ ગઇ છે.  એમની  આ ઉડાઉડ  હાઇકમાન્ડની આપખુદી સામેની  વ્યકિતગત લડત છે. જે  તેઓ લડી જ લેવા ચાહે છે. બહારના અને ભીતરના શત્રુઓનો સંયુક્ત ઉપદ્રવ કાબુમાં રાખવા માટે હવેનો સમય રાજેની કસોટીનો છે. રાજસ્થાનને 'રાજે'સ્થાન બનાવી રાખવા માટે આગામી ટૂંકા સમયમાંય તેમની સફર લાંબી છે.

 

Keywords tantri,lakh,14,june,2018,

Post Comments