Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે હૈદરાબાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નિર્ણાયક ટી-૨૦

- ભારતને ઓસ્ટ્રેલિયા સામે સતત ચોથી સિરિઝ જીતવાની આશા

- સાંજે ૭.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ

હૈદરાબાદ,તા.૧૨ ગુરુવાર ઓક્ટોબર 2017

ભારતની પ્રભુત્વસભરની વિજયકૂચ પર ઓસ્ટ્રેલિયાએ ગુવાહાટીમાં બ્રેક લગાવ્યા બાદ હવે આવતીકાલે બંને ટીમો વચ્ચે હૈદરાબાદમાં શ્રેણીનો ત્રીજો, આખરી અને નિર્ણાયક ટ્વેન્ટી-૨૦ મુકાબલો ખેલાશે.ભારત અને ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં એક-એક મેચ જીતી ચૂક્યા હોવાથી આવતીકાલની ટી-૨૦ જીતનારી ટીમ શ્રેણી પોતાના નામે કરશે.  ભારતને આ સાથે ઓસ્ટ્રેલિયા સામે સળંગ ચોથી ક્રિકેટ શ્રેણી જીતવાની તક મળી છે. ટીમ ઈન્ડિયાએ ૨૦૧૬માં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટી-૨૦ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાનો ૩-૦થી વ્હાઈટવોશ કર્યો હતો. આ પછી ચાલુ વર્ષે ફેબુ્રઆરીમાં શરૃ થયેલી ચાર ટેસ્ટની શ્રેણી ૨-૧થી અને સપ્ટેમ્બરમાં શરૃ થયેલી પાંચ વન ડેની શ્રેણી ૪-૧થી જીતી લીધી હતી. એક તરફ ભારતીય ટીમ ઈતિહાસ રચવા તરફ મીટ માંડી રહી છે, ત્યારે ઓસ્ટ્રેલિયા ટ્વેન્ટી-૨૦ના શ્રેણી વિજય સાથે ભારત પ્રવાસનો અંત આણવાનો પ્રયાસ કરશે.
વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં શાનદાર દેખાવ કરતાં પાંચ મેચની શ્રેણી ૪-૧થી જીતી લીધી હતી. જે પછી પ્રથમ ટી-૨૦માં ભારતે વરસાદના વિધ્ન બાદ ડકવર્થ લુઈસની મદદથી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતુ. જોકે ઓસ્ટ્રેલિયા બીજી ટ્વેન્ટી-૨૦માં વળતો હૂમલો કરતાં આઠ વિકેટથી વિજય મેળવ્યો હતો અને શ્રેણીમાં બરોબરી પ્રાપ્ત કરી હતી. હવે આવતીકાલના કશ્મકશભર્યા મુકાબલામાં કોણ વિજેતા બને છે, તેના પર બધાની નજર મંડાયેલી છે.

ભારત : કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, ધવન, જાધવ, મનીષ પાંડે, હાર્દિક પંડયા,ધોની (વિ.કી.), ભુવનેશ્વર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ચહલ, નેહરા, દિનેશ કાર્તિક, લોકેશ રાહુલ.

ઓસ્ટ્રેલિયા : વોર્નર (કેપ્ટન), ફિન્ચ, હેનરિક્સ, હેડ, બેહરેન્ડોર્ફ, ક્રિશ્ચીયન, કોયુલ્ટર-નાઈલ, મેક્સવેલ, પૈન, રિચાર્ડસન, ઝામ્પા, સ્ટોઈનીસ, ટાય.

નેહરા અને અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે

૩૮ વર્ષના મીડિયમ પેસર આશીષ નેહરાને ટ્વેન્ટી-૨૦ના એક્સપર્ટ તરીકે પસંદગીકારોએ ટીમમાં સામેલ કર્યો હતો. જોકે ભારતીય ટીમ મેનેજમેન્ટે તેને શરૃઆતની બંને ટી-૨૦માં બહાર રાખ્યો હતો. હવે જ્યારે આશીષ નેહરા નિવૃત્તિ લેવાની જાહેરાત કરી ચૂક્યો છે, ત્યારે ટીમ મેનેજમેન્ટ તેને પ્લેઈંગ ઈલેવનમાં સમાવે તેવી શક્યતા છે. ઓસ્ટ્રેલિયા સામેની આખરી બે વન ડેમાં અસરકારક દેખાવ છતાં ગુજરાતના સ્પિનર અક્ષર પટેલની પણ ટીમ મેનેજમેન્ટે શરૃઆતી બંને વન ડેમાં ઉપેક્ષા કરી હતી. ભારતીય સ્પિનરો ચહલ, કુલદીપ અને જાધવ ઓસ્ટ્રેલિયા સામેની બીજી ગુવાહાટી ટી-૨૦માં ફ્લોપ સાબિત થયા હતા, જેના કારણે આવતીકાલની મેચમાં અક્ષરને તક મળે તેની આશા ઉજ્જવળ દેખાઈ રહી છે.

હૈદરાબાદ ટી-૨૦માં વરસાદ વિલન બનશે ?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીની ત્રીજી અને આખરી ટી-૨૦માં વરસાદ વિલન બને તેવી શક્યતા છે. વરસાદના કારણે મેદાનને તૈયાર કરવામાં પણ ગ્રાઉન્ડ સ્ટાફને પરેશાનીનો સામનો કરવો પડયો હતો. હવામાન ખાતાએ આવતીકાલે પણ વરસાદની આગાહી કરી છે, જેના કારણે ક્રિકેટરો પણ ચિંતિત બન્યા છે. આયોજકોએ વરસાદી પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી તો કરી છે, પણ મેચનું ભવિષ્ય આવતીકાલના હવામાન પણ આધારિત છે. પ્રથમ વન ડેમાં પણ વરસાદના વિધ્ન બાદ ભારતે વિજય મેળવ્યો હતો.

હાર્દિક પંડયાને ચોથા ક્રમે બેટીંગમાં ઉતારવામાં આવે તેવી શક્યતા

ભારતીય ક્રિકેટ ટીમ માટે છેલ્લા કેટલાક સમયથી ચોથા ક્રમે મજબુત બેટ્સમેનની જરુર જણાઈ રહી છે. લોકેશ રાહુલ તેમજ મનીષ પાંડેને તક આપવામાં આવી હોવા છતાં તેઓ સાતત્યભર્યો દેખાવ કરી શક્યા નથી. જેના કારણે હવે હાર્દિક પંડયાને ચોથા ક્રમે બેટીંગમાં ઉતારવામાં આવવો જોઈએ તેવી ચર્ચા ક્રિકેટ વર્તુળોમાં ચાલી રહી છે. હાર્દિકે જે પ્રકારે આત્મવિશ્વાસ સાથે પર્ફોમન્સ આપ્યું છે, તેના કારણે તે ચોથા ક્રમે બેટીંગમાં ઉતરવાનો પ્રબળ દાવેદાર છે. હવે ટીમ મેનેજમેન્ટ ઓસ્ટ્રેલિયા સામેની આવતીકાલની ત્રીજી અને નિર્ણાયક ટ્વેન્ટી-૨૦માં તેને ચોથા ક્રમે બેટીંગમાં ઉતારે છે કે નહિ તે જોવાનું રહેશે.

વોર્નરને વિજય સાથે ભારત પ્રવાસનો અંત આણવાની આશા

સ્ટીવ સ્મિથ ઈજાના કારણે સ્વદેશ પાછો ફરી ચૂક્યો છે, ત્યારે ઓસ્ટ્રેલિયાની ટી-૨૦ ટીમનું સુકાન વોર્નર સંભાળી રહ્યો છે. લેફર્ટ આર્મ ફાસ્ટ બોલર બેહરેન્ડોર્ફના ઘાતક બોલિંગ આક્રમણ અને ત્યાર બાદ હેનરિક્સ અને વેડની મજબુત બેટીંગને સહારે ઓસ્ટ્રેલિયાને બીજી ટી-૨૦માં જીત મળી હતી. હવે વોર્નરને આખરી ટી-૨૦માં વિજય મેળવવાની સાથે શ્રેણી જીતવાની આશા છે. ભારતનો આ પ્રવાસ ઓસ્ટ્રેલિયા માટે ઉત્સાહજનક રહ્યો નથી, ત્યારે તેઓ વિજયી અંત બાદ ઉત્સાહભેર સ્વદેશ પરત ફરવા ઈચ્છી રહ્યા છે. જોકે આ માટે વોર્નર તેમજ ફિન્ચની સાથે સાથે મેક્સવેલ સહિતના બેટ્સમેનોએ અસરકારક દેખાવ કરવો પડશે. ઓસ્ટ્રેલિયાના બોલરોનો જુસ્સો ગુવાહાટીની સફળતા બાદ ચોક્કસ વધ્યો હશે.

Post Comments