Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નિવૃત્તિનો કોઇ ઇરાદો નથી, ૪૦ વર્ષની ઉંમર સુધી રમવા માગું છું : ફેડરર

- ગત વર્ષે છ મહિનાનો બ્રેક લેવાથી ખૂબ જ ફાયદો થઇ રહ્યો છે, હવે યુએસ ઓપનમાં શ્રેષ્ઠ પ્રદર્શનનો લક્ષ્ય

- પસંદગીની ટુર્નામેન્ટમાં જ રમવાથી પાર્ટ ટાઇમ ટેનિસ પ્લેયર જેવું અનુભવી રહ્યો છું

લંડન, તા.17 જુલાઇ, 2017, સોમવાર

આઠ વખત વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમમાં ચેમ્પિયન બની ઈતિહાસ સર્જનારા રોજર ફેડરરનો હાલમાં નિવૃત્તિનો કોઇ જ ઇરાદો નથી અને તેણે ૪૦ વર્ષની ઉંમર સુધી રમવા માટેનું લક્ષ્યાંક બનાવ્યું છે. રવિવારે મારિન સિલિકને આસાનીથી હરાવીને રોજર ફેડરરે કારકિર્દીનું ૧૯મું સિંગલ્સ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું હતું. ત્રણ સપ્તાહ બાદ ૩૬મી વર્ષગાંઠ ઉજવનારા ફેડરરે જણાવ્યું હતું કે 'ફિટનેસ સાથ આપશે તો ૪૦ વર્ષ સુધી રમવા માગું છું. '

ફેડરર આ વર્ષે ૩૩માંથી ૩૧ મેચમાં વિજય મેળવી ચૂક્યો છે અને માત્ર બે માં તેનો પરાજય થયો છે. હવે મોન્ટ્રિયલ માસ્ટર્સમાં નહીં રમવાના ફેડરરે સંકેત આપ્યા છે. ફેડરર હવે યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમની પૂર્વતૈયારીના ભાગરૃપે માત્ર સિનસિનાટી માસ્ટર્સામાં ભાગ લેેશે. ફેડરરે જણાવ્યું હતું કે 'કારકિર્દીના અમુક તબક્કે તમે પસંદગીની ટુર્નામેન્ટમાં રમો તે જરૃરી છે. હવે આગામી સમયમાં પણ હું મર્યાદિત ટુર્નામેન્ટમાં રમીશ, જેથી કારકિર્દીને લંબાવી શકું. '  

ઈજાને કારણે ગત વર્ષે ફેડરરને  છ મહિનાનો બ્રેક લેવો પડયો હતો અને એ સમયે તેના ભાવિ સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો હતો. ફેડરરે આ અંગે જણાવ્યું હતું કે 'હું ફરીથી મેજર ટાઇટલ જીતી શકું છું કે કેમ તે અંગે મેં મારી ટીમને પ્રશ્ન પૂછ્યો હતો. તેઓનું માનવું હતું કે મારું સ્વથ્થ્ય સંપૂર્ણપણે સારું છે અને તમારામાં રમત પ્રત્યેનો રોમાંચ હજુ પણ હોય તો કંઇ પણ શક્ય છે. મારું પણ તેમ જ માનવું હતું.

ગત વર્ષે બ્રેક લેવાથી મને ખૂબ જ ફાયદો થયો છે. ' ફેડરર પાસે હવે એટીપી સિંગલ્સમાં ટોચનું સ્થાન હાંસલ કરવા માટે પણ તક છે. ઉલ્લેખનીય છે કે, ૧૪માંથી ૧૧ વિમ્બલ્ડન ચેમ્પિયને સિઝનની સમાપ્તિ ટોચના સ્થાન સાથે કરી છે. ૩૫ વર્ષે પણ કઇ બાબતે એક યુવાન પ્લેયર જેવો ઉત્સાહ ટકાવી રાખ્યો છે તેના પ્રતિઉત્તરમાં ફેડરરે જણાવ્યું હતું કે 'તેનો સ્પષ્ટ ઉત્તર તો મારી પાસે પણ નથી.

મને રમવું ખૂબ જ ગમે છે, મારી ટીમ ખૂબ જ સારી છે. હું હજુ પણ રમું તેની સામે મારી પત્નીને કોઇ સમસ્યા નથી, તે મારી નંબર-૧ સમર્થક છે. મને હજુ પ્રેક્ટિસ કે મુસાફરી કરવામાં કંટાળો આવતો નથી. ઓછું રમી રહ્યો હોવાથી હવે પરિવારને પણ પૂરતો સમય આપી શકું છું. હું પાર્ટ ટાઇમ કરી રહ્યો હોઉં તેમ લાગે છે. '

રોઝવેલે ૩૭ વર્ષની ઉંમરે ગ્રાન્ડસ્લેમ જીત્યું હતું
મેન્સ સિંગલ્સમાં સૌથી વધુ ઉંમરે ગ્રાન્ડસ્લેમ સિંગલ્સ ટાઇટલ જીતવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના કેન રોઝને નામે છે. કેન રોઝે ૧૯૭૨માં ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ સિંગલ્સનું ટાઇટલ જીત્યું ત્યારે તેમની ઉંમર ૩૭ વર્ષ બે મહિના-૧ દિવસ હતી. આમ, ફેડરર પાસે રોઝવેલનો આ રેકોર્ડ તોડવાની તક છે. ફેડરર ૩૫ વર્ષની ઉંમર બાદ ઓસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલ્ડન એમ બંને ટાઇટલ આ વર્ષે જીતી ચૂક્યો છે.

રેન્કિંગ : યોકોવિચને પાછળ મૂકી ફેડરર ત્રીજા સ્થાને
વિમ્બલ્ડન ચેમ્પિયન બનવાની સાથે જ રોજર ફેડરરના એટીપી રેન્કિંગમાં સુધારો થયો છે અને યોકોવિચને પાછળ મૂકી તે હવે ત્રીજા ક્રમે આવી ગયો છે. ફેડરરે ગત સિઝનની સમાપ્તિ ૧૬મા સ્થાન સાથે કરી હતી. વિમ્બલ્ડનની સેમિફાઇનલમાં નહીં પહોંચી શક્યો હોવા છતાં એન્ડી મરેએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. કેરોલિના પ્લિસ્કોવા વિમેન્સ સિંગલ્સમાં નવી નંબર-૧ પ્લેયર બની ગઇ છે. વિમેન્સ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવનારી પ્લિસ્કોવા ૨૩મી પ્લેયર છે. સેરેના વિલિયમ્સ એપ્રિલ-૨૦૧૨ બાદ પ્રથમવાર ટોપ-૧૦માંથી બહાર ફેંકાઇ છે અને તે હવે ૧૫માં ક્રમે આવી ગઇ છે. અમદાવાદની ઝીલ દેસાઇ ડબલ્યુટીએ રેન્કિંગમાં ૬૯૧મા ક્રમે છે.

એટીપી મેન્સ સિંગલ્સ રેન્કિંગ : ૧. મરે (૭૭૫૦), ૨. નડાલ (૭૪૬૫), ૩. ફેડરર (૬૫૪૫), ૪. યોકોવિચ (૬૩૨૫), ૫. વાવરિન્કા (૬૧૪૦), ૬. સિલિક (૫૦૭૫), ૭. થિએમ (૪૦૩૦), ૮. નિશિકોરી (૩૭૪૦), ૯. રાઓનિક (૩૩૧૦), ૧૦. દિમિત્રોવ (૩૧૬૦). ડબલ્યુટીએ સિંગલ્સ રેન્કિંગ : ૧. પ્લિસ્કોવા (૬૮૫૫), ૨. હાલેપ (૬૬૭૦), ૩. કેર્બેર (૫૯૭૫), ૪. કોન્ટા (૫૧૧૦), ૫. મુગુરઝા (૪૯૯૦), ૬. સ્વિતોલિના (૪૯૩૫), ૭. વોઝનિયાકી (૪૭૮૦), ૮. કુઝનેત્સોવા (૪૫૦૦), ૯. વિનસ (૪૪૬૧), ૧૦. રદવાનસ્કા (૩૯૮૫).

Post Comments