Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજથી બીજી ટેસ્ટ : ભારત પર શ્રેણી બચાવવાનું દબાણ

- પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે રહાણે- લોકેશ રાહુલ રેસમાં : બપોરે ૧.૩૦થી મેચનો પ્રારંભ : સાઉથ આફ્રિકાનો શ્રેણી જીતવાનો ઈરાદો

સેન્ચુરીયન,તા.૧૨ જાન્યુઆરી 2018 શુક્રવાર

પ્રથમ ટેસ્ટની હારની હતાશાને ખંખેરીને ટીમ ઈન્ડિયા આવતીકાલથી શરૃ થઈ રહેલી સાઉથ આફ્રિકા સામેની શ્રેણીની બીજી વન ડેમાં જીતના નિર્ધાર સાથે મેદાન પર ઉતરશે. ભારત પર શ્રેણી બચાવવાનું ભારે દબાણ છે, ત્યારે કેપ્ટન કોહલી સહિતના ટીમ ઈન્ડિયાના સ્ટાર્સે કમર કસી લીધી છે. જ્યારે ડુ પ્લેસીસની આગેવાની હેઠળની સાઉથ આફ્રિકન ટીમે પેસ અને બાઉન્સ ધરાવતી પીચ પર વધુ એક ટેસ્ટની સાથે શ્રેણી પણ પોતાના નામે કરી લેવાની તૈયારીઓ આરંભી દીધી છે. સેન્ચુરીયનનું મેદાન સાઉથ આફ્રિકા માટે ભૂતકાળમાં લકી સાબિત થઈ ચૂક્યું છે અને હવે તેઓ આ મેદાન પરનું પોતાનું પ્રભુત્વ આગળ ધપાવવાની તૈયારી કરી રહ્યા છે.

ભારતીય સમય પ્રમાણે બપોરે ૧.૩૦ વાગ્યાથી ટેસ્ટ મુકાબલાનો પ્રારંભ થશે. પ્રથમ ટેસ્ટમાં ભારતીય બોલરોનો દેખાવ ઉત્સાહજનક રહ્યો હતો, પણ બેટ્સમેનો સાવ ફ્લોપ સાબિત થયા હતા. હવે કેપ્ટન કોહલી સહિત ભારતીય ટીમ મેનેજમેન્ટને બેટમસેનોના વધુ સારા દેખાવની આશા છે. ભારતીય ટીમમાં રોહિત શર્મા અને શિખર ધવનના સ્થાને એન્ટ્રી મેળવવા માટે અનુક્રમે રહાણે અને લોકેશ રાહુલ તૈયાર છે. જોકે ટીમ ઈન્ડિયા કોને સમાવશે તે હજુ સ્પષ્ટ થતું નથી.

ભારત ૨૦૧૦માં સેન્ચુરીયનમાં એકમાત્ર ટેસ્ટ ઈનિંગથી હાર્યું હતું
સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ટીમ ઈન્ડિયા આવતીકાલથી સેન્ચુરીયન ખાતે યજમાનો સામે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ રમશે. આ મેદાન પર સાઉથ આફ્રિકાનો દબદબો રહ્યો છે. ભારત અહી અગાઉ એકમાત્ર ટેસ્ટ વર્ષ ૨૦૧૦માં રમ્યું હતુ અને તેમાં ઈનિંગ અને ૨૫ રનથી હાર્યું હતુ. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ધોનીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને બેટીંગમાં ઉતારી હતી અને ભારતની પ્રથમ ઈનિંગ ૧૩૫માં સમેટાઈ હતી, જેમાં તેંડુલકરના ૩૬ અને ધોનીના ૩૩ રન મુખ્ય હતા. મોર્ની મોર્કેલે ૨૦ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. સ્ટેને ત્રણ વિકેટ મેળવી હતી. સાઉથ આફ્રિકાએ કાલીસના અણનમ ૨૦૧, અમલાના ૧૪૦ અને ડી વિલિયર્સના ૧૨૯ની મદદથી પ્રથમ ઈનિંગ ચાર વિકેટે ૬૨૦ રને ડિકલેર કરી હતી. ઈશાંત અને હરભજને બે-બે વિકેટ ઝડપી હતી. ભારતે બીજી ઈનિંગમાં ૪૫૯ રન ફટકાર્યા હતા, જેમાં તેંડુલકરના ૧૧૧, ધોનીના ૯૦, ગંભીરના ૮૦ અને સેહવાગના ૬૩ રન મુખ્ય હતા. સ્ટેને ચાર અને મોર્કેલ-હેરીસે બે-બે વિકેટ ઝડપી હતી.

ભારતીય બેટીંગ લાઈનઅપને મજબુત કરવા કોહલીની મથામણ
કેપ્ટન કોહલીને બીજી ટેસ્ટમાં બેટ્સમેનોના વધુ જવાબદારીભર્યા દેખાવની આશા છે. પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના ટોચના સ્ટાર્સ સાવ ફ્લોપ સાબિત થયા હતા. જોકે ભારતીય બેટ્સમેનો સાઉથ આફ્રિકાની પીચના પેસ અને બાઉન્સની સારી રીતે પરિચિત થઈ ગયા છે અને તેઓ વધુ સારા દેખાવ માટે ઉત્સુક છે. ભારતીય કેપ્ટન કોહલી અને કોચ શાસ્ત્રીનું બનેલુ ટીમ મેનેજમેન્ટ પણ બીજી ટેસ્ટ માટેની ટીમમાં ધરખમ ફેરફારો કરવાના મૂડમાં નથી. રોહિત શર્માના સ્થાને રહાણેને અને ધવનના સ્થાને લોકેશ રાહુલને ટીમમાં સમાવવાની માગ ઉઠવા પામી છે. જોકે ભારત આવતીકાલની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં એકમાત્ર ફેરફાર કરે તેવી શક્યતા છે. જોકે ટીમમાં કેપ્ટન કોહલી ઉપરાંત મુરલી વિજય, ચેતેશ્વર પુજારા તેમજ હાર્દિક પંડયાનું સ્થાન નિશ્ચિત મનાય છે. ટીમ ઈન્ડિયા ઓપનર ધવન અને સાહાને પડતા મૂકીને રહાણે, રોહિત શર્મા અને વિકેટકિપર-ઓપનર પાર્થિવ પટેલને ટીમમાં સમાવવાનો પ્રયોગ કરી શકે છે.

ભારતીય બોલિંગ કોમ્બિનેશનમાં  ઈશાંત-જાડેજાને તક મળશે ?
સાઉથ આફ્રિકાની ફાસ્ટ બોલરોને અનુકૂળ પીચ પર ભારત પ્રથમ ટેસ્ટમાં જ ઈશાંતને રમાડવાનું હતુ, પણ તે મેચ અગાઉ બીમાર થતાં તેના સ્થાને ભુવનેશ્વરને તક આપવામાં આવી હતી. હવે ટીમ ઈન્ડિયા ઈશાંતને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરે છે કે નહિ તે જોવાનું રહેશે. વધુમાં સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ હવે ફિટ લાગી રહ્યો છે અને તે ટીમની સાથે નેટ પ્રેક્ટિસમાં પણ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં લોઅર ઓર્ડરના ઉપયોગી બેટ્સમેન તરીકે તેને અશ્વિનના સ્થાને ટીમમાં સ્થાન આપી શકાય તેમ છે. મોહમ્મદ શમી અને બુમરાહ તેમજ ઓલરાઉન્ડર હાર્દિક પંડયાનું સ્થાન નક્કી મનાય છે. આવી સ્થિતિમાં ઉમેશ યાદવને ફરી બહાર બેસવું પડી શકે છે.

ભારત : કોહલી (કેપ્ટન), ધવન, એલ.રાહુલ, મુરલી વિજય, પુજારા, રહાણે, રોહિત શર્મા, સાહા (વિ.કી.), હાર્દિક પંડયા, આર.અશ્વિન, જાડેજા, બી.કુમાર, ઈશાંત, ઉમેશ, શમી, બુમરાહ, પાર્થિવ પટેલ.

સાઉથ આફ્રિકા : ડુ પ્લેસીસ (કેપ્ટન), એલ્ગર, માર્કરામ, અમલા, બાવુમા, ડી બુ્રયન, ડી કૉક (વિ.કી.), મહારાજ, મોર્કેલ, મોરીસ, ફિલાન્ડર, રબાડા, ફેલુકવાયો, જીડી અને ઓલીવિયર.

ભારતીય કેપ્ટન વધુ સારા પર્ફોમન્સ માટે તૈયાર

બેટ્સમેનો બાઉન્સી પીચ માટે માનસિક રીતે તૈયાર રહે : કોહલી

રોહિતને તેના વર્તમાન ફોર્મને આધારે પસંદ કરાયો હતો

સેન્ચુરીયન,તા.૧૨
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં બેટ્સમેનોના વધુ સારા પર્ફોમન્સનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કોહલીએ જણાવ્યું હતુ કે, અમારા બેટ્સમેનોએ વધુ જવાબદારી અને પોઝિટીવ માનસિકતા સાથે બેટીંગ કરવી પડશે.

સેન્ચુરીયન ટેસ્ટ અગાઉ કોહલીએ કહ્યું કે, બેટ્સમેનોએ પીચ પરથી ઉછળતા બોલ અંગે આશ્ચર્ય અનુભવવાનું નથી. બોલના ઉછાળ અને ઝડપમાં આવેલા પરીવર્તનની સાથે ભારતીય બેટ્સમેનોએ અનુકૂળ થવાનું છે. સાઉથ આફ્રિકામાં પીચ ફાસ્ટ બોલરોને મદદગાર હોય છે. બેટ્સમેનોએ ઉછળતા અને ઝડપી બોલનો સામનો કરવાની માનસિકતા કેળવવી જોઈએ અને તેની સાથે પોતાની ઈનિંગને આગળ ધપાવવી જોઈએ.

પ્રથમ ટેસ્ટની ભૂલો બાદ બેટ્સમેનો વધુ સારા દેખાવ માટે કટિબદ્ધ છે, તેમ જણાવતા કોહલીએ કહ્યું કે, હું નિશ્ચિતપણે માનુ છુ કે, અમારા બેટ્સમેનોએ પ્રથમ ટેસ્ટમાં જે અનુભવ પ્રાપ્ત કર્યો છે, તેના સહારે તેઓ બીજી ટેસ્ટમાં વધુ સારો દેખાવ કરશે. પ્રથમ ટેસ્ટના ધબડકાને લીધે પેનિક અનુભવવાની જરુર નથી. ટીમ પાંચ બેટ્સમેનની સાથે રમે કે  છ બેટ્સમેનની સાથે - પ્રત્યેક સ્થિતિમાં બેટસમેનોએ પોતાની ટેકનીકને સહારે રન ફટકારવાના છે. અમે તે તરફ વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ.

પ્રથમ ટેસ્ટમાં રહાણેના સ્થાને રોહિત શર્માને સમાવવા અંગે કોહલીએ કહ્યું કે, અણે વર્તમાન ફોર્મને ધ્યાનમાં રાખીને રોહિતની પસંદગી કરી હતી. રહાણે હાલમાં ફોર્મમાં નથી. મજાની વાત એ છે કે, જેઓ નબળા ફોર્મને કારણે રોહિતને પડતો મૂકવાની તરફેણ કરતાં હતા, તેઓ જ આજે તેને ટીમમાં સમાવવાની રજુઆત કરી રહ્યા છે.

કોહલીની કેપ્ટન તરીકેની ૩૪મી ટેસ્ટમાં પણ પ્લેઈંગ ઈલેવનમાં પરિવર્તનની તૈયારી
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ અત્યાર સુધી કુલ ૩૩ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી છે અને ક્યારેય તે એક સરખી ઈલેવન સાથે રમવા ઉતર્યો નથી. પ્રથમ ટેસ્ટમાં ભારતને ખેલાડીઓની ફિટનેસને કારણે પણ પ્લેઈગ ઈલેવન નક્કી કરવામાં મુશ્કેલી પડી હતી, જેના કારણે આવતીકાલની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં પરિવર્તન જોવા મળશે તે નક્કી મનાય છે.

ભારત પર સળંગ નવ શ્રેણી વિજયની કૂચનો રેકોર્ડ જાળવવાનું દબાણ
ભારતીય ટીમે ગત સિઝનમાં શાનદાર દેખાવ કરતાં સળંગ નવ શ્રેણી જીતીને ટેસ્ટ ઈતિહાસની મહાનતમ ટીમોની હરોળમાં સ્થાન મેળવી લીધું છે. જોકે સાઉથ આફ્રિકાની ભૂમિ પરની પ્રથમ ટેસ્ટની હાર બાદ ટીમ ઈન્ડિયા પર આ વિજયકૂચનો રેકોર્ડ જાળવવાનું દબાણ સર્જાયું છે. ભારતને વર્ષ ૨૦૧૮-૧૯ની સિઝનમાં વિદેશની ભૂમિ પર કુલ ૧૨ ટેસ્ટ મેચ રમવાની છે, જેમાની પ્રથમ મેચ ભારત હારી ચૂક્યું છે અને આવતીકાલથી બીજી ટેસ્ટ શરૃ થવા જઈ રહી છે, ત્યારે ટીમ ઈન્ડિયા વિદેશની ભૂમિ પરનો પોતાનો રેકોર્ડ સુધારવાનો પ્રયાસ કરશે તે નક્કી છે.

સેન્ચુરીયનની પીચ ફાસ્ટ બોલરો માટે મદદગાર

અમારી અપેક્ષા કરતાં પીચ પર ઘાસ ખુબ જ ઓછું છે : ડુ પ્લેસીસ

અહી બોલને ટર્ન મળે તેવું લાગતુ નથી

સેન્ચુરીયન,તા.૧૨
યજમાન સાઉથ આફ્રિકાના કેપ્ટન ડુ પ્લેસીસે ભારત સામેની શ્રેણીની બીજી ટેસ્ટના પ્રારંભ અગાઉ સેન્ચુરીયનની પીચથી નાખુશી વ્યક્ત કરી હતી. ડુ પ્લેસીસે કહ્યું કે, અમને અહીની પીચ પર જે પ્રકારના હરિયાળા ઘાસની અપેક્ષા હતી, તેટલુ ઘાસ જોવા મળતું નથી. પીચ પર હરિયાળી કરતાં વધુ માટી દેખાય છે. જોકે અમને અપેક્ષા છે કે આ પીચ પરથી ફાસ્ટ બોલરોને પેસ અને બાઉન્સ મળશે.

ડુ પ્લેસીસે મેચના એક દિવસ અગાઉ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, અહીની પીચ પર ઓછુ ઘાસ જોયા બાદ મેં આ અંગે ગ્રાઉન્ડ્સ મેનને તેનું કારણ પુછ્યું હતુ. ત્યારે તેણે જવાબ આપ્યો કે, અહી છેલ્લા કેટલાક દિવસોમાં ખુબ જ ગરમી પડી હતી, જેના કારણે કુણું ઘાસ બળી ગયુ હતુ. અમે અહી ફાસ્ટ બોલરોને પેસ અને બાઉન્સ મળી રહે તેવી પીચ માગી હતી અને હુ આશા રાખુ છું કે આવનારા પાંચ દિવસમાં અમને તે પ્રકારની જ પીચ મળી રહેશે.
અહીની પીચ પર આખરી બે દિવસમાં બોલ ટર્ન લઈ શકે ? તેવા પ્રશ્નના જવાબમાં ડુ પ્લેસીસે કહ્યું કે, સામાન્ય રીતે સેન્ચુરીયન પીચ પર બોલ ટર્ન થતો નથી. અમે એવી સ્થિતિ ઈચ્છીએ છીએ કે જેમાં બોલ ખુબ જ ઓછો ટર્ન થાય.

સ્ટેનનું સ્થાન લેવા માટે મોરીસ અને જીડી વચ્ચે તીવ્ર સ્પર્ધા

સાઉથ આફ્રિકાએ પ્રવાસી ટીમ ઈન્ડિયાને હરાવીને શ્રેણીની પ્રથમ ટેસ્ટ જીતી લીધી હતી, પણ આ ટેસ્ટમાં તેમનો ટોચનો ફાસ્ટ બોલર સ્ટેન ઈજાગ્રસ્ત બનીને આખી શ્રેણીમાંથી ખસી ગયો હતો. હવે ડુ પ્લેસીસની આગેવાની હેઠળની યજમાન ટીમમાં સ્ટેનનું સ્થાન કોણ લેશે તે અંગે અટકળો લગાવવામાં આવી રહી છે. સ્ટેનનું સ્થાન લેવા માટે ઓલરાઉન્ડર મોરીસ સૌથી આગળ હોવાનું મનાય છે. મોરીસને આઇપીએલનો બહોળો અનુભવ હોવાથી તે ભારતીય બેટ્સમેનોની ટેકનિકથી સારી રીતે પરિચિત છે. વધુમાં તે લોઅર ઓર્ડરમાં સારો બેટ્સમેન પણ સાબિત થઈ શકે છે. જો કે સાઉથ આફ્રિકાના કોચ ઓટ્ટી ગીબ્સન સ્થાનિક ફાસ્ટ બોલર લ્યુન્ગી જીડીને ટીમમાં સામેલ કરવાની તરફેણમાં છે. જો કે આ સિવાય સાઉથ આફ્રિકાની ટીમમાં કોઈ પરીવર્તન કરવામાં આવે તેવી શક્યતા નથી.
 

Post Comments