Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવિધા - ભવેન કચ્છી

ડરના જરૃરી હૈ !

''આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ''નું એલિયન્સ જેવું આક્રમણ

ઈન્ફોસિસના ચીફ એક્ઝિક્યુટિવ વિશાલ સિક્કાએ નવા વર્ષના તેના  પત્રમાં કર્મચારીઓને શુભેચ્છા કરતા પડકારોની ચેતવણી વધુ આપી

''એ આઈ'' કમ્પ્યુટર વિજ્ઞાન, ગણિત, મનોવિજ્ઞાન, ભાષાવિદ્, તત્વજ્ઞાન, મગજના જ્ઞાનતંતુઓનું વિજ્ઞાન, મન, ચિત્ત અને સંવેદનાની નજીક પહોંચી જશે.

AI ઉપરાંત ડિજીટલાઇઝેશન, કમ્પ્યુટર-કમ્યુનિકેશન ટેકનોલોજી, ઈ કોમર્સ, ટ્રમ્પની નીતિ, બ્રેક્ઝિટ, નોટબંધી, વિશ્વના પરંપરાગત દુશ્મન દેશો વચ્ચેનો તનાવ, રેફ્યુજી અને આતંકવાદ આગામી કાળખંડ માટે ટર્નિંગ પોઈન્ટ

દેશની અગ્રગણ્ય આઈટી કંપની ઈન્ફોસિસના ચીફ એક્ઝિક્યુટિવ વિશાલ સિક્કાએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એરપોર્ટની લાઉન્જમાં બેસીને તેના કર્મચારીઓને નવા વર્ષની શુભેચ્છા આપતો પત્ર લખ્યો હતો. આ પત્રએ કોર્પોરેટ યુવા જગતમાં ખાસ્સુ ધ્યાન ખેંચ્યું છે.

વિશાલ સિક્કા પત્રમાં કયા મુદ્દાઓને હાઈલાઈટ કરવા તે તો જાણતા જ હતા પણ કંઇક ચોટદાર છતાં વાસ્તવિક, આંખ ઉઘાડતો મેસેજ આપવા માંગતા હતા. સિક્કાને ભાવિ જગત યુવાનો અને કોર્પોરેટ જગત માટે અગાઉના વર્ષોમાં ક્યારેય નહતું તેવું પડકારજનક અને અસ્તિત્વ સામેના ખતરા સમાન જણાય છે.

પત્ર લખવાની તૈયારી વખતે જ જોગાનુજોગ વિશાલ સિક્કાની નજર આજુબાજુ પડેલાં આંતરરાષ્ટ્રીય મેગેઝિનો પર પડી જેમાંના મોટાભાગનાની કવર સ્ટોરી 'એ આઈ' એટલે કે 'આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ'' જેવા વિષય પર હતી.

વિશાલ સિક્કા તેના હજારો કર્મચારીઓને જે કહેવા માટે હાર્દ શોધતા હતા તે ''એ આઈ'' અને બીજા પડકારો હતા.

વિશાલ સિક્કાનો મેસેજ માત્ર તેના કર્મચારીઓ સુધી જ નહીં પણ દેશની સરકાર, ૬૫ ટકા યુવાનોના આંકડા ટાંકી દેશના ભાવિને ઉજ્જવળ જોતા વડાપ્રધાન મોદી, દેશના તમામ વય જુથના નાગરિકો, વ્યાપારીઓ અને ઉદ્યોગ જગત તેમજ ગ્રામીણ ક્ષેત્ર તમામને માટે ચેતવણી સમાન છે.

સિક્કાના મતે વર્ષ ૨૦૧૬ માનવ જગત માટે ટર્નિંગ પોઈન્ટ સમાન પૂરવાર થશે, જે આગામી વર્ષો જ નહીં, સમયના  એક કાળખંડ માટે નિર્ણાયક બનશે.

આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ, ડિજીટલ ટ્રાન્ઝેકશન, ઓટોમેશન, તમામ ક્ષેત્રોની ટેકનોલોજી તો ખૂબ જ ઝડપભેર આપણી તમામ સ્તરની પધ્ધતિ અને વ્યવહારોમાં ધરમૂળથી પરિવર્તન લાવી રહી છે પણ અમેરિકામાં પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ, બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી અલગ થયું તે 'બ્રેક્ઝિટ' તેમજ ભારતની નોટબંધી અને કાળાનાણાં સામેની સરકારની નીતિ એક નવી જ દુનિયાને જન્મ આપશે. આ ઉપરાંત સિરિયા અને આતંકથી ત્રસ્ત દેશોના નાગરિકોની અન્ય દેશોમાં લાખોની સંખ્યામાં હિજરત, આતંકવાદી હૂમલાઓ તેમજ વિશ્વના પરંપરાગત હરિફ દેશો વચ્ચેના વણસતા સંબંધો વિકાસકૂચને બેકફૂટ પર લઇ જશે.

સિક્કા તેમના કોર્પોરેટ પરિવાર જેવા કર્મચારીઓને ખતરાની ઘંટડી સંભળાવતા લખે છે કે અત્યારે જ આપણી કંપનીનું ઘણુખરું કામ ટેકનોલોજી અને આર્ટફિસિયલ ઈન્ટેલીજન્સની મદદથી થાય છે. આપણને જે વૈશ્વિક જોબ વર્ક આપે છે તે વિશ્વની કંપનીઓ પોતે જ ટેકનોલોજીને ખડી કરીને તેના જોબ 'એઆઈ'ને  સોંપી દે તો તેઓ આપણા કરતા સસ્તામાં તેને પાર પાડી શકે તેમ છે.

સિક્કાનો કહેવાનો મર્મ એમ છે કે કર્મચારીઓ પર તો છટણીની લટકતી તલવાર છે જ પણ જે કંપની બદલાતા ટેકનોયુગ સાથે તાલ નહીં મીલાવે તેના અસ્તિત્વ સામે પણ ખતરો મંડાશે.

જે તે કંપનીઓ અને કર્મચારીઓ સામે ''સર્વાઇવલ ઓફ ફિટેસ્ટ''ના ધોરણે બે જ વિકલ્પો છે. ઓટમેશન અને ઈનોવેશનને હસ્તગત કરવું. કાં તો ટેકનોલોજી, ડિજીટલાઇઝેશન અને અન્ય ટ્રમ્પ, બ્રેક્ઝિટ, નોટબંધી જેવા પરિબળો સામે કેમ ટકવું તે વિચરવા માંડજો અથવા તો જમીનદોસ્ત થવા તૈયાર રહેજો. સિક્કા ચિંતા વ્યક્ત કરતા આપણને ઢંઢોળે છે કે આ પડકાર બુલંદ ઊંચાઇના પર્વતનું શિખર સર કરવા જેવો છે.
હવે આઈટી કંપનીઓને મળતા દેશ-વિદેશના કરારોમાં ચિંતાજનક ઘટાડો થયેલો જોઇ શકાય છે.

વડાપ્રધાન મોદીએ ડિજીટલ ક્રાંતિ અને ઓનલાઇન સીસ્ટમને આગળ લઇ જવાની સાથે એ વિચાર્યું છે ખરું કે સરકારી, બેંકિંગ, રેલવે, એરલાઇનના લાખો કર્મચારીઓની નોકરી પર કાતર ફરી વળશે ?

ટેકનોલોજી અને ગેજેટ્સની ક્રાંતિને લીધે સંખ્યાબંધ જોબ, વ્યવસાય, હુન્નર મૃતપ્રાય કે નામશેષ અવસ્થા ધારણ કરતો જાય છે. રીટેઇલ ટ્રેડિંગ, ગ્રોસરી, શોપિંગના દુકાનદારો, કર્મચારીઓ અને ગુમાસ્તાઓ ત્રણેયને એકસમાન થાપટ વાગી છે.

તમે જ યાદી બનાવો કઇ કઇ ચીજવસ્તુ, સેવા અને કમાણીના સાધનો આઉટડેટેડ થઇ ગયા છે. સ્માર્ટ ફોનના 'એપ્સ'ને જ લો ને. કેેમેરા, સ્ટુડિયો, ઓડિયો-વિડિયો, પ્રિન્ટ, ફિલ્મ, ટ્રાન્સપોર્ટોના પરંપરાગત માધ્યમો બદલાઇ રહ્યા છે. આવનારા દિવસોની કલ્પના ઉમેરો અને વિચારો કે કઇ કઇ રોજીને કે કમાણી પર જીવલેણ ફટકો પહોંચી શકે તેમ છે.

હવે થોડો પરિચય આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સનો પણ મેળવી લઇએ.
'એ આઈ'નો ખ્યાલ માનવી જે હાથ પગ વડે કામ કરે છે તે રોબોટ કરી શકે તે પૂરતો જ સીમિત નથી રહ્યો. રોબોટ તો મર્યાદિત યંત્રવત્ પ્રોગ્રામ્ડ હલન ચલન કરે છે. તે માનવ બુધ્ધિમતાનું  સ્થાન નથી લઇ શકતો.

હવે રોબોટને બીજા કેટલાક ઘરેલુ કાર્યો માટે પણ તૈયાર કરાય છે પણ ''આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ'' તો માનવીના મગજની જેમ સંવેદના ઝીલે છે. અને પરિસ્થિતિનું પૃથ્થક્કરણ, વિશ્લેષણ કરીને નિર્ણયો લેતી ટેકનોલોજી છે. આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી માનવીનો અવાજ, ભાષા  ઝીલી શકે છે. ફિંગર પ્રિન્ટ અને આંખોની રેટિનાથી માનવીની ઓળખ કરી બતાવે છે. ડ્રોન, ડ્રાઇવર વગરની કાર, વર્ચ્યુઅલ ટેકનોલોજી, મેડિકલ સર્જરી તેના દાયરામાં આવે છે.

હજુ 'એ આઈ'ના પ્રથમ ચરણમાં જ માનવ જગત અને તેના બુધ્ધિ કૌશલ્ય સામે પડકાર સર્જાયો છે ત્યારે આગામી દાયકામાં તો જે તે ક્ષેત્રના બૌધ્ધિક કર્મચારીઓ, વ્યવસાયીઓના કાર્ય પણ અનેકગણી ઝડપે ''એ આઈ'' પાર પાડશે. અઘરામાં અઘરી ગણતરીઓ, નિદાન, નિર્ણયો ''એ આઈ'' લેતી હશે. વકીલ કે તેના કરતા અભ્યાસુ અને તર્કબધ્ધ દલીલો પણ ''એઆઈ'' કરી શકશે અને જજની જેમ સચોટ ચૂકાદો પણ તે આપી શકશે.

વર્લ્ડ ચેસ ચેમ્પિયનોને કે સુપર કમ્પ્યુટરને હરવવા ''એઆઈ'' સજ્જ બની રહ્યું છે. જીનિયસ માનવીના મગજની જેમ તે કાર્યરત રહેશે. 'લર્નિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ' તેના પાયામાં રહેશે. તર્ક, જ્ઞાાન સંગ્રહ અને જરૃર પડયે તેમાંથી ઉપયોગી માહિતી બહાર લાવવી, આંકડાશાસ્ત્રની આંટીઘૂંટી, પ્રમેયો પણ ''એ આઈ''એ પચાવ્યા હશે.

તમામ વિષયો પર પ્રભુત્વ તો ધરાવશે તેની સંગ્રહિત સંવેદના અને સાહિત્ય ભંડોળથી કવિતાઓ પણ સર્જશે અને સંગીત પણ. ''એ આઈ'' કમ્પ્યુટર વિજ્ઞાાન, ગણિત, મનોવિજ્ઞાન, ભાષાવિદ્, તત્વજ્ઞાન, મગજના જ્ઞાાનતંતુઓનું વિજ્ઞાાન, મન, ચિત્ત અને સંવેદનાની નજીક પહોંચી જશે. આ બધું ધસમસતા પ્રવાહની જેમ આગામી દાયકામાં માનવજગતને લઘુતાગ્રંથિની પીડા આપવા માટે આવી રહ્યું છે. આ તમામ સેવાની કિંમત માનવી કરતા ઘણી સસ્તી હશે. ''એ આઈ'' પર અને તેના પડકારો પર સૌથી વધુ અભ્યાસ અને ચિંતન વર્તમાન વિશ્વમાં થઇ રહ્યું છે.

Post Comments