Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવિધા - ભવેન કચ્છી

'હાઉસ ઓફ કાર્ડસ' કડડભૂસ

શાબ્બાશ... અમેરિકન ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી : છે આપણામાં આવો દમ

લોકપ્રિય અભિનેતા કેવિન સ્પાસેની જાતિય વિકૃતિના કિસ્સાઓ બહાર આવ્યા અને જાણો તેની કારકિર્દીનું શું થયું

આપણે ત્યાં દોઢ ડાહ્યા જેવું જ્ઞાન પ્રવર્તે છે કે 'વ્યક્તિના અંગત જીવનને નહીં તેના પ્રદાનની સાથે જ આપણી નિસબત હોવી જોઇએ'

''વ્યક્તિના અંગત જીવનનાં કુકર્મો અને તેના વ્યવસાયની સિદ્ધીને જોડવી ના જોઈએ. આપણે તો વ્યક્તિના તેના ક્ષેત્રના પ્રદાન સાથે જ નિસબત હોવી જોઈએ'' તેવા સૂફિયાણા વિચારો વહેતા કરનારાઓએ ભોંઠપ સાથે આંખો ઉઘાડવી પડે તેવી ઘટના છેલ્લાં દિવસોમાં બની છે.

વ્યક્તિની પ્રાઈવસીના પૂજારી કે પ્રણેતા સમાન અમેરિકામાં જે કેસની ચર્ચા અને તેના પરિણામોના વમળ સર્જાયા છે તે રસપ્રદ તો છે જ ભારત જેવા દેશને માટે પણ દિશાસૂચક છે.

નેટફલિક્સ નિર્મિત અને પ્રસારિત 'હાઉસ ઓફ કાર્ડસ'   તેઓની સૌથી વધુ ટીઆરપી મેળવી આપતી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસારિત થતી શ્રેણી છે. ટીવી ચેનલોએ પણ પ્રસારણ માટે વિશ્વભરમાં તેના હક્કો મેળવ્યા છે.

'હાઉસ ઓફ કાર્ડસ' નેટફલિક્સ માટે ટંકશાળ પૂરવાર થઈ છે. આ શ્રેણીના કેન્દ્રસ્થાને અને તેની વૈશ્વિક જાહેરાતના પોસ્ટરમાં જે અભિનેતા છે તેનું નામ કેવિન સ્પાસે છે. ૫૯ વર્ષીય કેવિન સ્પાસેની આ શ્રેણી થકી લોકપ્રિયતા એ હદે હતી કે હોલીવુડના 'એ' સ્ટારોને પણ તેની ઈર્ષા આવે. 'હાઉસ ઓફ કાર્ડસ'ની પાંચમી સિઝન ચાલતી હતી ત્યાં જ હોલીવુડ અને ટીવી જગતમાં ધમાકાભેર હલચલ મચી ગઈ.

એન્થની રાપ નામના એક્ટરે મિડીયા સમક્ષ એવી સનસનીખેજ કબુલાત કરી કે ૧૯૮૬માં જ્યારે હું ૧૪ વર્ષનો હતો ત્યારે કેવિન સ્પાસેએ દારૃ પીધેલી હાલતમાં તેની જોડે સેક્સ માટે આગળ વધવાનો પ્રયત્ન કર્યો હતો. સ્પાસેએ તેના બચાવમાં ટ્વિટર પર કહ્યું કે 'મને આવું કંઈ યાદ નથી પણ દારૃના નશામાં મેં આવી કોઈ હરકત કરી હોય તો હું માફી માંગું છું.'

બધાને એમ કે આ વિવાદ ક્ષણિક સનસનાટી બાદ ભુલાઇ જશે તેવામાં જ વારાફરતી ૧૩ અન્ય વ્યક્તિઓએ સ્પાસે વિકૃત સજાતીય સેક્સ તલબ ધરાવે છે તેમ આરોપ મુકતા સોપો અને ખળભળાટ જાણે બે કિનારે વહેવા લાગ્યા. સ્પાસેએ તેઓ જોડે પણ આવું કૃત્ય આચર્યું હતું તે રીતે વારાફરતી કબુલાત થવા માંડી.

આ ૧૩ વ્યક્તિઓમાં પત્રકાર હેથર ઉનરૃહ, ફિલ્મ મેકર ટોની મોહાન્તા, એક્ટર રોબર્ટો કાવાઝોસ તેમજ 'હાઉસ ઓફ કાર્ડસ'માં તેની જોડે કામ કરી રહેલા આઠ કાસ્ટ અને ક્રયુ મેમ્બરનો સમાવેશ થતો હતો. 'ધ ગાર્ડિયન' અખબાર તે લંડનમાં  'ઓલ્ડ વિક' થિયેટર જોડે કામ કરતો હતો તે વખતના કલાકાર-કસબીઓની મુલાકાત લઈને સ્પાસેના બીજા આવા વિકૃત કૃત્યો બહાર લાવ્યું.

આપણે ત્યાં દોઢ ડાહ્યા વિવચકો અને કહેવાતા બુદ્ધિજીવીઓ જાહેર વ્યક્તિની આવી કોઈ ઘટના બહાર આવે તે સાથે જ કાગડાની જેમ 'કાઉ કાઉ' કરવા માંડશે કે આ તો વ્યક્તિની અંગત બાબત છે. આપણે તો તેના પ્રદાન અને પ્રતિભા સાથે જ નાતો હોવો જોઈએ.

પણ અમેરિકાના ફિલ્મ અને ટીવી જગતે અસાધારણ નિર્ણયો લઈને કેવિન સ્પાસે જેવા મોટા ગજાના કલાકારને એવી સજા કરી છે કે હોલીવુડના અને ટીવી જગતના સ્ટારોને 'બીહેવ યોરસેલ્ફ ઓર રૃઈન યોર કેરિયર'ના ધોરણે ચેતવણી મળી ચૂકી છે.

યાદ રહે... કેવિન સ્પાસે સૌથી કમાણી કરતો વર્તમાનનો અતિ વ્યસ્ત અને લોકપ્રિય કલાકાર છે. નંબર વન શ્રેણી 'હાઉસ ઓફ કાર્ડસ'માં તેનું પાત્ર કેન્દ્ર સ્થાને રહેલું. 'હાઉસ ઓફ કાર્ડસ' સ્પાસેના ખભા પર ઉંચકાયેલી શ્રેણી હતી.

સ્પાસેના આ કુકર્મો વર્તમાનના અને છેલ્લા ૨૫-૩૫ વર્ષ જૂના છે. આમ છતાં ઘટસ્ફોટ થતા જ જે હોબાળો મચ્યો તે સાથે જ 'હાઉસ ઓફ કાર્ડસ' પર નેટફલિક્સે અધવચ્ચેથી જ પડદો પાડી દીધો. નેટફલિક્સ છઠ્ઠી સિઝનની પણ તૈયારી કરી ચૂક્યું હતું.

પણ તેઓએ સત્તાવાર જાહેરાત કરી કે હવે 'હાઉસ ઓફ કાર્ડસ' શ્રેણી એક ઈતિહાસ છે. ખૂબ જ ઈંતેજારી જગાવી ચૂકેલી આ શ્રેણી આટોપાઈ જતાં તેના અમુક ચાહકોએ હવે પછી વાર્તા કઈ રીતે વળાંક લેવાની હતી તે જાણવાની ઈંતેજારી નિર્માતાને વ્યક્ત કરી છે પણ અમેરિકાના મહ્દઅંશના ચાહકોએ રોષ વ્યક્ત કર્યો કે અમે કેવિન સ્પાસેને હવેથી જોવા જ નથી માંગતા.

જો કે લોક લાગણીને માન આપીને કેવિન સ્પાસે વગર આ શ્રેણી ચાલુ કરવાનું પણ નિર્માતા પર ચાહકો દબાણ કરે છે. તેવી જ રીતે 'હાઉસ ઓફ કાર્ડસ'ની સુપરડુપર સફળતાને લીધે કેવિન સ્પાસેને લઈને નેટફલિકસે ગોર વિડાલના આત્મચરિત્રનો કેન્દ્રીય રોલ સ્પાસેને આપીને એક શ્રેણી બનાવી પણ દીધી છે. તેને હવે પ્રસારિત નહીં કરવાનો નિર્ણય લેવાયો છે.

તેવી જ રીતે રૃ.૩૦૦ કરોડ જેટલા બજેટ સાથે રિડલે સ્કોટના આત્મચરિત્ર આધારીત ''ઓલ ધ મની ઈન ધ વર્લ્ડ'' ફિલ્મમાં સ્પાસે ઉદ્યોગપતિ પોલ ગેટ્ટીનો રોલ નીભાવતા હતા તેની ભૂમિકાનું તમામ શુટિંગ પણ થઈ ચૂક્યું છે ત્યારે ફિલ્મના નિર્માતાએ તેના તમામ દ્રશ્યો કાપી નાંખી ક્રિસ્ટોફર પ્લમર નામના અભિનેતાને તે રોલ આપીને તેનું શુટિંગ કરાવવા માડયું છે જેને કારણે સંપૂર્ણ બની ચુકેલી આ ફિલ્મ લોસ એન્જેલસ ફિલ્મ ફેસ્ટીવલમાંથી પણ પાછી ખેંચી લેવાનો નિર્માતાએ નિર્ણય કર્યો છે.

સ્પાસેને જોરદાર ઝટકો તો ત્યારે લાગ્યો કે જ્યારે 'ઈન્ટરનેશનલ એકડમી ઓફ ટેલિવિઝન આર્ટસ એન્ડ સાયન્સ' દ્વારા કેવિન સ્પાસેને ''ઈન્ટરનેશનલ એમ્મી ફાઉન્ડર્સના એવોર્ડથી નવાજવામાં આવવાના હતા પણ સ્પાસેનું સજાતિય સેક્સ શોષણ કૌભાંડ બહાર આવતા હવે આ સન્માન પણ રદ કરવામાં આવ્યું છે.

સ્પાસે માટે એક ઓર ધરતીકંપ સર્જાયો તે પણ જાણી લો. તેની ટેલેન્ટ એજન્સી 'સીએએ'એ પણ તેનીસાથેનો કરાર રદ કરી નાંખ્યો છે.

અમેરિકાં કે પશ્ચિમના દેશો સંમતી સાથેના જાતીય સંબંધો માટે મુક્ત માનસ ધરાવે છે પણ જો કોઈનું શોષણ થાય કે સ્ટારડમનો ઉપયોગ કરીને કાયદો કે નૈતિકતા હાથમાં લે તો તેને ધીક્કારે છે. મુક્ત સેક્સ માઝા મુકી શકે પણ અમારી સત્તા, પ્રભાવ કે લાલચના જોરે જેમનું શોષણ થયું છે તેઓ અવાજ ઉઠાવાની હિંમત નહીં કરી શકે તેવી ધારણાથી કોઈ બેઇમાની કરે તો તે પશ્ચિમ જગતની નજરમાંથી ઉતરી જાય છે.

આવા સમયે અમેરિકાના નાગરિકો એમ નથી કહેતા કે  'આ તો કેવિન સ્પાસેની અંગત લાઈફ છે.આ તો જૂની ઘટનાઓ છે. તેના પુરાવા પણ નથી.' સ્પાસેનો વ્યવસાયિક અને તેના ચાહકો દ્વારા બહિષ્કાર કરાયો છે તે ઉદાહરણીય છે.

આપણે ત્યાં જુદા જુદા ક્ષેત્રોની સેલિબ્રીટીઓની ગુનાખોરી, સેક્સી શોષણના કિસ્સાઓ બહાર આવે છે પણ આપણે તો 'ઓબ્જેકટિવ'ના રક્ષક ચાંપલૂશી કરતા કહીશું કે 'આ તો તેની અંગત બાબત છે.' એ જ ગુંડા પૂરવાર થઈ ચૂકેલાઓને પોખીશું. તેને સેલિબ્રિટી હોવાની કિંમત ચૂકવવી પડે છે તેમ આપણે જ બચાવ કરીશું. ફિલ્મોને ૨૦૦-૩૦૦કરોડનો ધંધો કરાવી આપીશું.

જેલની બહાર નીકળનારાઓની શોભાયાત્રા કાઢીશું. આ ફિલ્મકારોના નામે ૧૦૦૦ કરોડદાવમાં લાગેલા છે તેમ પ્રચાર કરીને કલંકિતને વધુ હીરો બનાવીશું. અમેરિકા પાસેથી કંઈક શીખવા જેવું તો છે જ.

આપણે ત્યાં એવું કહેવાની ફેશન થઈ ગઈ છે કે વ્યક્તિની અંગત દુનિયાની નબળાઈઓ, ત્રૂટિઓ, વિકૃતિ, દંભ અને બેવડા ચહેરાને તેની વ્યવસાયિક સફળતા જોડે ના જોડવા જોઈએ.

માની લો કે કોઈ ખેલાડી છોકરીઓનું શોષણ કરતો હોય પણ રમતના મેદાન પરની તેની સિધ્ધી સંગીન હોય અને જો તમે તેના ચારિત્ર્યની વાત છેડો તે સાથે જ પોતાની જાતને આધુનિક જગતનો તાત હોય તેમ આપણે કહીશું કે ''એ તો તેની અંગત વાત છે તેમાં આપણે ના પડવું જોઈએ.''

કોઈ સંન્યાસી વેદ-ઉપનિષદો પર મર્મસ્પર્શી પુસ્તકો લખતા હોય. જેની વાણી અને સત્સંગથી ભાવુકો ભાવ તરબોળ થઈ જતા હોય. પોતે ખુદ સંસ્કાર ઘડતરના રોલ મોડેલની જેમ ફરતા હોય અને તેનું કોઈ કૌભાંડ ચર્ચાતું રહેતો પણ આપણો નમાલો ભાવરંગ એ રીતે બહાર આવશે કે ''આવી બધી અફવાઓ  તેના ઈર્ષાળુઓ ફેલાવે રાખે.

'' કોઈ જાહેરમાં નીડરતાથી કહે કે હું તેનો શિકાર થયો છું તો આપણે જ આવી સેલિબ્રિટી, સ્પોર્ટસમેન, ચિંતક, સંન્યાસી અને સર્જકનો બચાવ કરીશું કે ''એ તો ભાડૂતી સાક્ષી જેવો હશે. તેના વિરોધી જૂથે નાણા વેરીને આવા તત્ત્વોને મીડિયા સમક્ષ જવાનું કહ્યું હશે.''

આવા જ નમાલા અને લઘુતાગ્રંથિ ધરાવતા સમાજને લીધે આપણું ઉમદા જીવન જોઈને ખરેખર જેમણે જીવવાની કળા શીખવાની જરૃર છે તે આપણને શીખવે છે અને આપણે અભિભૂત થઈએ છીએ. તમામ ક્ષેત્રોમાં આપણી આવી દોઢડાહ્યા જેવી 'ઓબ્જેકટિવ' દ્રષ્ટિને લીધે ધૂપ્પલ ચાલે છે.

આપણે રોલ મોડેલ, મોટિવેટરો, સર્જકો, નેતાઓ, બડી બડી વાત કરનારાઓની પાત્રતા અંગે ક્યારેય વિચાર્યું જ નથી. એક તરફ 'શિક્ષણ અને કેળવણી' પર સેમિનારો યોજીએ અને પછીથી શિક્ષક ચારિત્ર્યહીન હોય, તેનું અંગત જીવન ઠેકાણા વગરનું હોય ત્યારે આપણે એમ કહીને ઉભા રહેતા હોઈએ છીએ કે  આપણે તેના ચારિત્ર્યનું શું કામ છે યાર... તે શિક્ષક તરીકે તેના વિષયમાં પરફેક્ટ છે ને.

જેઓ 'પ્રોફેશનલ' અને 'ઓબ્જેકિટવ' જેવા શબ્દપ્રયોગ સાથે એમ કહેતા ફરે છે કે વ્યક્તિની આવડત પ્રદાનને અંગત દુનિયાની સાથે આપણે ના જોડવી જોઈએ તે લોકો એવો પણ અપપ્રચાર કરે કરે છે કે ''પશ્ચિમના દેશો તરફ જુઓ ત્યાં કોઈ કોઈના અંગત જીવનમાં માથુ નથી મારતું. સમાજની તેવી સંકુચિત દ્રષ્ટિ જ નથી.''

ખરેખર પશ્ચિમના જગતમાં આવી માન્યતા પ્રવર્તે છે તેવી હવા જેમના પ્રતિબિંબમાં તિરાડ છે તેવા તત્ત્વો જ ફેલાવે છે. જો એવું જ હોય તો ટેબ્લોઈડ અને મીડિયામાં કોઈના કુકર્મો, દંભની ચકચાર જ ના જામતી હોત. વ્યક્તિ તેના કુકર્મો, દંભ અને બેવડા ચહેરા માટે પશ્ચિમના દેશોમાં પણ એટલો જ જવાબદાર મનાય છે.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 


 

Post Comments