વિવિધા - ભવેન કચ્છી
''અલ જઝીરા'' ન્યૂઝ ચેનલને કાયમ માટે ''સ્વિચ ઓફ'' કરી દો !
'અલ જઝીરા' ૫ર પડદો પાડી દેવાની માંગ શા માટે ?
આરબ દેશોના એક જુથની કતાર જોડે સંબંધો પુન:સ્થાપન કરવાની એક વિચિત્ર શરત
'અલ જઝીરા'ના કવરેજથી માત્ર આરબ દેશોની જ નહીં અમેરિકા, બ્રિટન જેવા દેશોની ન્યૂઝ ચેનલો પણ દોડતી થઇ ગઈ છે
રેકોર્ડ ૮૦ દેશોમાં બ્યુરો : વિશ્વની ટોચની ચેનલોના સ્ટાફને પણ 'અલ જઝીરા'નું આકર્ષણ
ટ્રમ્પ બીબીસી બંધ કરવાની માંગ કરે તે પ્રકારનું આ વર્તન છે : કતારના વિદેશ મંત્રી
હવે તો આપણા ડાયરેક્ટ ટુ હોમ ચેનલ પ્રસારણમાં 'અલ જઝીરા' ન્યુઝ ચેનલનું પ્રસારણ જોઈ શકાય છે. સીએએન, બીબીસી, સ્કાય અને ફોક્સ જેવી ચેનલો પણ 'અલ જઝીરા'ના હાઈ ડેફિનેશન પ્રોડકશન, સ્ટુડિયો, એન્કર અને વૈશ્વિક નેટવર્ક થકી રજૂ થતી ફાંકડી ન્યૂઝ સ્ટોરી સામે ઝાંખી પડતી જાય છે.
વિશ્વની ટોચની ન્યૂઝ ચેનલોના એડિટર્સ, રીપોર્ટર્સની મીટિંગ યોજાય ત્યારે માલિકો 'અલ જઝીરા'નું ઉદાહરણ આપીને સ્ટાફને ધમકાવતી હોય છે.
હદ તો ત્યારે થાય છે જ્યારે સીએનએન, બીબીસી, સહિતની યુરોપિયન, આફ્રિકન અને ખુદ આરબની સ્થાનિક હરિફ ચેનલોને 'અલ જઝીરા'ના એક્સ્ક્લુઝિવ રીપોર્ટિંગ અને ફૂટેજ બતાવવા પડતા હોય છે.
આપણે ભારતમાં બિન લાદેનના આતંકવાદી ધમકી આપતા વિડિયો જોતા 'અલ જઝીરા'ને વધુ જાણતા થયા હતા.
વિશ્વ રાજકારણમાં રસ લેનારા જાણે છે કે સાઉદી અરેબિયા, ધ યુનાઇટેડ આરબ અમીરાત, ઈજીપ્ત અને બાહરિને કતારને સાવ અળગુ પાડી દેતા તેની સાથેના તમામ સંબંધો કાપી નાંખ્યા છે. કતારને કહેવામાં આવ્યું છે કે તમે ઇરાન, ટર્કી, લેબેનોન જોડે સંબંધ કાપી નાંખો અને 'અલ જઝીરા' ન્યૂઝ ચેનલ બંધ કરી દો.
'અલ જઝીરા'નો અર્થ અરેબિકમાં 'દ્વીપ' થાય છે. કતારના દોહામાં હેડક્વાર્ટર ધરાવતી આ ન્યૂઝ ચેનલનું નામ 'અલ જઝીરા' અપાયું છે. આ ન્યૂઝ ચેનલ સરકારના ફંડથી ચાલે છે પણ વિશ્વની કોઈ ખાનગી ન્યૂઝ ચેનલ પણ આવા સેટ અપ અને નેટવર્કથી નથી ચાલતી. સામાન્ય રીતે સરકારની માલિકીની ચેનલો ખાનગી ન્યુઝ ચેનલોની તુલનામાં દર્શકો નથી ધરાવતી હોતી.
બ્રિટન કે અમેરિકન ચેનલોની તો હજુ વિશ્વની સત્તાનું કેન્દ્ર હોવાને લીધે નોંધ લેવાય તે સમજ્યા પણ કતારની સરકારી ચેનલ 'અલ જઝીરા'નું પ્રોડકશન, નેટવર્ક, રજૂઆત અને સ્ટોરી તમે જોજો. સીએનએન, બીબીસી તેની નકલ કરવા મજબૂર બન્યા છે. વિશ્વના ૮૦ દેશોમાં અલ જઝીરાના બ્યુરો છે.
અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા પછી 'અલ જઝીરા' જે રીતે અલ કાયદા અને આતંકવાદી સંગઠનોની સનસની ખેજ સ્ટોરી લાવતું હતું તે જોઈ ને ત્યારે તેઓના સોર્સથી અમેરિકન, યુરોપ આફ્રિકા અને આરબ દેશો ચોંકી ગયા હતા.
બિન લાદેન તેની વીડિયો ટેપ તેના અજ્ઞાાત સૂત્રોથી 'અલ જઝીરા'ને મોકલતો હોઈ અમેરીકાની જાસૂસી એજન્સી સીઆઈએને શંકા ગઇ હતી કે 'અલ જઝીરા' આતંકવાદી જુથોનું મીડિયા છે. તેઓના સંપર્કમાં અને તેઓના હેતુને સાથ આપે છે. અમેરિકાએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલાની ઘટના બાદ અફઘાનિસ્તાન સામે અઘોષિત યુધ્ધ જાહેર કર્યું ત્યારે એકમાત્ર 'અલ જઝીરા'ની ટીમ જ ત્યાં શરૃથી અંત સુધી હાજર રહી હતી.
'અલ જઝીરા' એવો દાવો કરે છે કે ભલે ચેનલ સરકારી માલિકીની હોય પણ અમે કોઇની પણ દરમ્યાનગીરી વગર સ્વતંત્ર રીતે કાર્યરત છીએ. જો કે 'અલ જઝીરા' જે કવરેજ આપે છે તેની સામે જ સાઉદી અરેબિયા, યુએઇ, બાહરિન, ઇજીપ્ત જેવા આરબ સમુદાયને વાંધો છે અને કતાર પર રાજકીય, વ્યાપારી, તમામ માર્ગીય પ્રતિબંધ મુકવાનું એક મહત્ત્વનું કારણ 'અલ જઝીરા' જૂથ ચેનલ છે.
'અલ જઝીરા' પર એવો આરોપ છે કે તેઓ મુસ્લિમ બ્રધરહુડના નામે વકરી ચૂકેલ ઇસ્લામિક આતંકવાદી જૂથો અને તેવા દેશોનું માઉથપીસ છે. 'અલ જઝીરા' સતત એવી લાઈન લઇને જ કવરેજ આપે છે કે મુસ્લિમ આતંકવાદ એ તેઓ પરના દમન અને અમાનવીય અવગણનાનું પરિણામ છે.
તેઓ સતત મુસ્લીમો પર ગુજારાતી યાતના તેમજ વિશ્વની અન્ય પ્રજા તમને નામશેષ કરવાનો ઇરાદો ધરાવે છે તેની સામે સંગઠીત થાય તેવા જ પેનલ ડિસ્કશન, અહેવાલો અને એકતરફી સ્ટોરી જ આપતું રહે છે.
તેના પરના પ્રતિબંધની માંગનું મહત્ત્વનું કારણ એ પણ છે કે સાઉદી અરેબિયા આણી મંડળી કે જેમાં ઇજીપ્ત પણ છે તેમના કટ્ટર ઇરાનના સમર્થનમાં જ કવરેજ આપે છે. અલ જઝીરા સુન્નીઓની તરફેણમાં જ રીપોર્ટિંગ કરે છે જ્યારે શિયાઓના દ્રષ્ટિકોણ તેમજ તેઓના પરના જુલમ પીડા કે અન્યાયને વાચા નથી આપતું. જો કે અલ જઝીરાના ડાયરેકટર જનરલ અબુ હિલાલા કહે છે કે અમે ઇઝરાયેલ, ઇરાન અને શિયા બિરાદરોને પણ ટીવી ચર્ચા અને ઘટનાઓના કવરેજમાં સમાન પ્લેટફોર્મ પુરુ પાડીએ છીએ.
અલ જઝીરા ન્યુઝ ચેનલનો પ્રારંભ ૧૯૯૬માં શરૃમાં અરેબિક ભાષામાં થયો. બીબીસીની સમગ્ર આરબ દેશોને જોવાય તે રીતની અરેબિક ચેનલ માત્ર દોઢ જ વર્ષના પ્રસારણ બાદ વિવાદો વચ્ચે બંધ થઇ તે પછી અલ જઝીરાનો ઉદય થયો. તે વખતે કતારના આમીર શેખ હમાદ બિન ખલિફાએ ન્યુઝ ચેનલના બોર્ડ ઓફ ડીરેકટર્સ નીમીને તેઓને ૧૩ કરોડ ડોલર્સ ફાળવ્યા હતા.
'અલ જઝીરા'નું કવરેજ એ હદે વૈશ્વિક સ્તરનું રહ્યું કે તે વખતે ચાલતી આરબ દેશોની તમામ ચેનલો ટુંકાગાળામાં જ હાંસિયામાં ધકેલાઈ ગઈ હતી. સાઉદી અરેબિયા, હોય કે દુબઈ કે પછી ઇજિપ્ત બધે જ તેઓની સ્થાનિક ચેનલો છે જ પણ જોવાય કતારના દોહામાં હેડક્વાર્ટર ધરાવતી 'અલ જઝીરા' !
આરબ દેશોમાં અલ જઝીરાની કેટલીયે ન્યૂઝ સ્ટોરી એવી સનસનીખેજ રહી કે જે તે દેશોએ અલ જઝીરાના બ્યુરોને બંધ કરવાનું દબાણ સર્જેલુ. એવું પણ બને છે કે કોઈ ખાસ ન્યુઝ સ્ટોરી વખતે તે આરબ કે આફ્રિકી દેશની સરકાર તેમના નાગરિકો પ્રસારણ ના જોઈ શકે તે માટે વીજળીનો પૂરવઠો કાપી નાંખે.
સાઉદી અરેબિયાને તો 'અલ જઝીરા' પ્રત્યે એ હદે નફરત છે કે તેઓ તેમનો આર્થિક અને રાજકીય પ્રભાવ જમાવીને કોર્પોરેટ જગત અને જાહેરખબરાકારોેને અલ જઝીરાને જાહેરાત નહીં આપવાની સૂચના સુધ્ધા આપતા રહે છે.
અમેરિકાએ ૧૯૯૮માં ઇરાક પર 'ઓપરેશન ડેઝર્ટ ફોક્સ' હેઠળ જે બોંબમારો કરેલો તેનું કવરેજ કરવા માટે વિશ્વમાંથી એકમાત્ર 'અલ જઝીરા'નો પત્રકાર જ ઘટના સ્થળે મોતની તૈયારી સાથે લેખિત આપીને હાજર રહ્યો હતો. 'અલ જઝીરા' તેના એક્સ્ક્લુઝિવ ફૂટેજ, વીડિયો, સ્ટોરી વિશ્વભરની અન્ય ન્યૂઝ ચેનલો, વેબસાઇટો અને એજન્સીઓને વેચીને પણ જંગી કમાણી કરે છે.
મીડલ ઇસ્ટ દેશોમાં ૭૦ જેટલી સેટેલાઇઝ ન્યૂઝ ચેનલો પ્રસારિત થાય છે પણ અલ જઝીરા અવ્વલ નંબરે છે.
હરિફ ચેનલો અને કતાર વિરોધી દેશો તેમની નિષ્ફળતાને ઢાંકવા એવો પ્રચાર કરતા રહે છે કે અલ જઝીરાને નરસંહાર કરતા સુન્ની જુથો, આતંકવાદીઓ જોડે સાંઠગાંઠ છે તેથી જ તેઓ વિશેષ ફૂટેજ અને વીડિયો મેળવી શકે છે. 'અલ જઝીરા'ના ઉચ્ચ હોદ્દેદારો વળતો એવો પ્રતિભાવ આપે છે કે અમારી ચેનલ સૌથી વધુ દર્શકો ધરાવતી હોઈ અમને આવો લાભ મળે છે.
બિન લાદેનની વિડિયો ફૂટેજથી અલ જઝીરાને એ હદે ડિમાન્ડ વધી કે સીએનએન ચેનલે ખૂબ મોટી રકમ આપીને તેને છ કલાક સુધી ટેલિકાસ્ટ કરવાના હક્કો મેળવ્યા હતા. અલ જઝિરા તેની ન્યૂઝ સ્ટોરી અમુક કલાકો માટે સરેરાશ અઢી લાખ ડોલરમાં કોઈ એક ચેનલને વેચે છે. તેમાં પણ તેની ચેનલનો લોગો તો રાખવો જ પડે તેવી શરત હોય છે.
૨૦૦૫થી અલ જઝીરાએ અંગ્રેજી ભાષામાં ચેનલ શરૃ કરી. અમેરિકા પર એવો આરોપ પણ છે કે ૨૦૦૩માં ઇરાક પરના જુદા જુદા બોમ્બમારામાં તેઓને અગાઉથી બગદાદ બ્યુરોના ઠેકાણાનો નકશો અલ જઝીરા દ્વારા આપવામાં આવ્યો હતો તો પણ અમેરિકાએ તે બ્યુરોની ઇમારતને ફૂંકી મારી હતી જેમાં એક પત્રકારનું મૃત્યુ થયું હતું.
બીબીસીનો ટોચનો એડિટોરિયલ સ્ટાફ અલ જઝીરાની અંગ્રેજી ભાષાની ચેનલમાં પ્રારંભે જોડાયા હતા. હવે તો વિશ્વની ટોચની ન્યુઝ ચેનલો અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો, કેમેરામેન અને અન્ય પ્રોડકસન સ્ટાફ અલ જઝીરામાં જોડાવવા ટાંપીને બેઠા છે. તેવી જ રીતે આરબની ચેનલોનો સ્ટાફ પણ વર્ષોત્તર તૂટતો જાય છે.
સીરીયામાં પણ અલ જઝીરા સુન્નીઓની તરફેણ કરીને તેમના દ્વારા થતા ક્રુર નરસંહાર, બળાત્કારના કવરેજની જગાએ તેઓની સામે જે લશ્કરી બળ વાપરવામાં આવે છે તેને વધુ ફોકસ કરે છે. તેવી જ રીતે પેલેસ્ટાઇનનો વિશ્વ અવાજ બની તેઓ પર ઇઝરાયેલ કઇ હદે અમાનુષી અત્યાચાર કરે છે તે કવરેજ થાય છે.
પેલેસ્ટાઇનમાં અલ જઝીરા ભારે લોકપ્રિય છે. પેલેસ્ટાઇનની પોતાની પેલેસ્ટાઇન ટીવી અને અલ અરબિયા સાવ ફ્લોપ પૂરવાર થઇ છે.
ટયુનિશેયામાં અને ઇજિપ્તમાં આરબ ક્રાંતિ તરીકે ઓળખતી ઘટના બની અને શાસકો ઉથલાવી દેવામાં આવ્યા તેમાં પણ સુન્નીઓનું વર્ચસ્વ વધ્યું. આ ક્રાંતિનું ચાલકબળ અલ જઝીરાના કવરેજને લીધે હતું. કતાર, ઇજીપ્ત, સીરીયા, સોમાલિયા, માલી, પેલેસ્ટાઇનમાં આપણે જેને આતંકવાદ કહીએ છીએ તેને પોષે છે.
કતાર પશ્ચિમ એશિયાના અરેબિયન દ્વીપ દેશ છે. શરિયા કાનુનને માને છે. તેની સરહદે સાઉદી અરેબિયા છે જે અમેરિકાનું દોસ્ત છે. દુબઈ, શારજાહ, અબુધાબીની જેમ કતારની આર્થિક તાકાતને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી વધુ કુદરતી ગેસ કતારમાંથી મળી આવે છે. ૨૬ લાખની વસ્તી ધરાવતુ કતાર માથાદીઠ આવકની (૧,૪૫,૮૯૪ ડોલર) રીતે વિશ્વમાં મોખરે છે.
યુનાઇટેડ નેશન્સની નજરે માનવ ગુણવત્તાની રીતે પણ તે નંબર વન છે. કતાર સુન્નીઓ, બળવાખોરોને ફંડ પુરુ પાડે છે અને અલ જઝીરા તેઓનું વૈશ્વિક મીડિયા બને છે તેવા આરોપ સામે કઇ રીતે ટકે છે તે જોવાનું રહેશે. બદલાતા વિશ્વમાં મીડિયા શું કરી શકે તેનું અલ જઝીરા ઉદાહરણ છે.
તેના પ્રતિબંધ માટે વૈશ્વિક દબાણ યોગ્ય છે ? મીડિયા પર નિયંત્રણ કે સ્વતંત્રતા કેટલી તે પ્રશ્ન વહેલા મોડા તમામ દેશોમાં સર્જાવવાનો જ છે. કતારના વિદેશ પ્રધાને વિવાદની એવી પ્રતિક્રિયા આપી છે કે 'ટ્રમ્પ બીબીસી પર પ્રતિબંધ મુકવાની માંગ કરે તેવી આ વાત છે.'
Post Comments
રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ માટે કોહલી, દ્રોણાચાર્ય એવોર્ડ માટે દ્રવિડનું નામ મોકલાયું
IPL-૧૧માં દિલ્હીના ફ્લોપ શો બાદ કેપ્ટન તરીકે ગંભીરનું રાજીનામું
ઇમરાન ખાનના ત્રીજા લગ્ન પણ 'હિટ વિકેટ' થવાની તૈયારી
યોકોવિચ પહેલી જ મેચમાં હાર્યો : નડાલનો વિજયી પ્રારંભ
આજે પંજાબ સામેની ટી-૨૦માં હૈદરાબાદને હારનો બદલો લેવાની તક
આઇપીએલના બીજા તબક્કામાં સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે
હરમીત દેસાઈ ટેબલ ટેનિસની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા સ્વિડન રવાના
બાઝાર ફિલ્મમાં ચિત્રાંગદા સિંઘનો ડાન્સ હશે
મારી કારકિર્દીનો આ સૌથી મુશ્કેલ રોલ છે
વરસે એકાદ બે ફિલ્મો હું કરતી રહીશ
સંજય દત્તની બાયો-ફિલ્મ ચીનમાં રજૂ થવાની છે ?
અક્ષય કુમારની ગોલ્ડ સમયસર રજૂ થશે
પરમાણુ મેની ૨૫મીએ રજૂ થશે
અર્જુન કપૂરે અર્જુન રેડ્ડી ફિલ્મ શી રીતે ગુમાવી ।
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News