Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવિધા - ભવેન કચ્છી

દીપાવલિ કી સવારી આ રહી હૈ

ના કાર્ડસ, ના સફાઈ, ના કપડાની ટ્રાયલ, ના મહેમાન, ના રસોડામાં ધમધમાટ...

દિવાળીની ટપાલ  અને કાર્ડસ લઈને ટપાલી આવે એટલે 'રોયલ સેલ્યુટ' મળ્યાનો રોમાંચ અનુભવાતો

દિવાળી તો આવી પણ તેને આવકારવા માટેનું હવે કોઈ કામ જ ક્યાં છે ?

વાઘ બારસથી દિવાળીના તહેવારના તોરણ બંધાય તે રીતે જોઇએ તો હવે આપણે પાંચ પગલા જ છેટે છીએ. થોડા વર્ષો પહેલા અત્યારે તો દિવાળી અને નવા વર્ષનાં વધામણા કરવાનો ધમધમાટ ચાલતો.

હવે દિવાળી આંગણે દસ્તક લગાવી રહી છે છતા આપણને હૃદયમાં જીવંત ધબકારની પ્રતીતિ કરાવે તેવી દિવેટ જ નથી રહી ત્યારે તેને પ્રગટાવવાની તો વાત જ ક્યાં રહી. વડીલો કહે છે કે, અમારે અગાઉની જેમ જ દિવાળી પૂર્વેનું કામ કરવું છે પણ બદલાયેલા જમાનાએ નિષ્પ્રાણ નવરાધૂપ બનાવી દીધા છે.

ઘરમાં કોઇના લગ્ન હોય તે માટે કંકોત્રી આપવા દૂર દૂરના સંબંધી રહી ના જાય તેવી તકેદારી સાથે યાદી બનાવાતી હોય છે તેવા જ ઉમળકા સાથે નવા વર્ષની શુભેચ્છાના કાર્ડ કે ટપાલ કોને કોને લખવાની છે તેની યાદી બનાવવા દાદા-દાદી, પપ્પા-મમ્મી સાથે ઘરના ટેણીયા ગોઠવાઈ જતા. નજીવા સંબંધ કે ઓળખાણે પણ બાપુજીની ડાયરીમાં સરનામુ નોંધાઈ જતુ. કોઈ મોટો માણસ પણ તેમને ઓળખે છે તેવું બતાવવા બાપુજી ઘરના બધા સભ્યો સાંભળે તેમ આવી બેઠક દરમ્યાન ખોખારીને બોલતા કે 'તેને ઘેર ફોન પણ છે હો.'

જેમની નોકરી અન્ય ગામમાં બદલી થાય તેવી હતી તેઓ તેમની નોકરીના જે પણ ભૂતકાળના ગામ હોય તેના સહકર્મચારીઓ, પાડોશીઓ, ઉધારથી કરિયાણું કાયમ લેતા હતા તે વેપારીઓ, દરજી તમામના નામ-સરનામા ડાયરીમાં એટલા માટે રાખતા કે દિવાળીનું કાર્ડ મોકલી શકાય.

આજે આપણી પાસે ફેસબુકના ૫૦૦ કે ૫૦૦૦ ફ્રેન્ડસ હોય છે. વ્હોટ્સએપ પર એક-એક ગુ્રપના ૫૦ સભ્યો હોય તેવા આઠ-દસ ગુ્રપ આપણે ખિસ્સામાં રાખીને ફરીએ છીએ. પણ તે વખતે ૩૦-૩૫ નવા વર્ષની શુભેચ્ચાની ટપાલનો વૈભવ આખી જિંદગી એવી હૂંફ અને સાંત્વના સાથે જીવાડી શકતો કે 'આપણે એકલા નથી'.

અત્યારે ૫૦૦૦ ઓનલાઈન ફ્રેન્ડસના કે તેના આપ્તજનના નિધન વખતે બેસણામાં જેટલા મિત્રો નથી હોતા તેટલા તો તે વર્ષોમાં સામાજિક ઓળખ નહીં ધરાવતા સમાજના એક સામાન્ય નાગરિકની અંતિમ ક્રિયામાં હાજરી જોવાતી.

દુઃખદ પ્રસંગનું જ ઉદાહરણ શા માટે આપવું ? કોઈ મહત્ત્વની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય કે પ્રમોશન, સફળતા મેળવે તો સ્થાનિક સંબંધીઓ હરખ કરવા ઘેર આવે. કોઈ અપેક્ષા નહીં સરબતમાં શાહી સ્વાગત અને કઢેલા દૂધમાં તો જાણે તાજ પહેરાવ્યો તેમ મહેમાન મોજ અનુભવે. દૂરના સગા-સ્નેહી ટેલિગ્રામ કરે. ટેલિગ્રામ આપવા આવનાર ટપાલી ખુશીનો ખબરી બન્યો હોઈ રૃપિયા બે-પાંચની નોટમાં લાખ રૃપિયાના મનોમન આશીર્વાદ આપતો. તમે કયા લગ્ન યાદ રાખો છો પાર્ટી પ્લોટના સ્ટાર હોટલોના, થીમ બેઝ્ડ ? ડેસ્ટીનેશન ?

હવે લાગે છે કે, માત્ર સહજતા, સાદગી, વ્હોટ્સએપિયુ નહીં પણ અંગત આમંત્રણ, આત્મ સન્માન જળવાયાનો એહસાસ, ટેકા કે આધારની જરૃર ના હોય તેવા હંસી-મજાક-મસ્તી, પરંપરાગત ભોજનની વાનગી, ગાન, વાદન, શરણાઈ-નગારા, ઢોલ, તોરણ-ચંદરવો ના લગ્નને પરત લાવવા રહ્યા, આમ પણ 'બેક ટુ નેચર'ની ફેશન તનાવગ્રસ્ત બનતી જતી પેઢી ફરી લાવી જ રહી છે.

ફરી દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાના ટપાલ-કાર્ડસ કલ્ચર પર આવીએ. તમે માનશો તે વખતે 'શુભેચ્છા', 'બેસ્ટ વિશિશ', 'કોન્ગ્રેચ્યુલેશન્સ' જેવા શબ્દપ્રયોગ જ ન હતા. સાલમુબારક, નૂતન વર્ષાભિનંદન, દિવાળી મુબારકના સંદેશા ટપાલ પર લખાતા. દિવાળી પોસ્ટ કાર્ડમાં દેવ-દેવીઓના રંગીન ફોટા જોઇને જે રોમાંચ અનુભવાતો તે આજે સ્માર્ટ ફોનની ફોટો ક્રાંતિના નસીબમાં નથી. કાર્ડની પાછળ પ્રિન્ટેડ શુભેચ્છાનો જે મેસેજ કેમંત્ર રહેતો તે ધ્યાનથી વંચાતો તેમાં પણ પ્રત્યેક ખરીદનારની પોતપોતાની રસ-રુચિ રહેતી.

માત્ર ટપાલ કે કાર્ડના મેસેજની નીચે સહી કરીને પોસ્ટ કરવાની શરૃઆત થઇ તે સંવેદના જગતની સીડીના પગથિયા ઉતરવાની શરૃઆત હતી બાકી ટપાલ કે કાર્ડમાં પ્રત્યેક સ્નેહી કે સંબંધી એકલાનું જ નહીં પણ ઘરના નાના ભૂલકાઓ સુધીના તમામના નામો લખાતા હતા. તે વખતે બધા એ હદે સંવેદનાસભર હતા કે કુટુંબના મિત્રો કે વર્ષો જૂના પરિચિતોના ઘરના તમામ સભ્યોના નામ યાદ રખાતા.

ઘરના વડીલો ભગવાનના ફોટા વાળું કાર્ડ જ્યારે તે વખતની નવી પેઢી કવરમાં અંદર કાર્ડ મૂકીને મોંઘા કાર્ડ લેતી થયેલી. જેમાં ફૂલ, ફૂલદાની, પેઇન્ટિંગ, આર્ટવર્ક, મેસેજ ક્વોટ અને લખવા માટેનું એક કટ પાનું રહેતું. ખાસ સંબંધીને પ્રતીતિ કરાવવા કે 'અમે હવે પ્રગતિ કરી છે' તેવી છાપ પાડવા પણ આવા કાર્ડ પ્રચલિત થવા માંડયા. પોસ્ટ કાર્ડ ગ્રીટિંગ કાર્ડ બન્યા એટલે પણ આડંબર, માર્કેટિંગ અને કૃત્રિમતાનો પગરવ પથરાયો તેમ કહી શકાય.

દિવાળીના દિવસે કે બીજ-ત્રીજે ટપાલીનું આગમન 'રોયલ સેલ્યુટ' જેવું લાગતું. જેને ઘેર વધુ દિવાળી કાર્ડ આવે તે જાણી જોઇને મહેમાનોને કાર્ડસ દેખાય તેમ ટેબલ પર રાખતા. ટપાલ, કાર્ડની જેમ ભગવાનના ફોટા ધરાવતા પૂંઠાના કેલેન્ડર અને વર્ષના તારીખિયાંનો ડટ્ટો પ્રત્યેક ઘેર લવાતો ત્યારે દિવાળી જેવું લાગતું હતું. છોકરાઓ તારીખિયાંના પાના ફેરવીને આગામી મહિનાઓમાં રજા જોઈ લેતા હતા. હવે જેમને ઘેર દાદા છે તે તેના મંદિરના ખૂણામાં કે રૃમમાં આવા કેલેન્ડર લગાવે છે.

દાદા કહે છે કે ડટ્ટાના તારીખીયાનું એક તારીખનું પાનુ ફાડતા જિંદગીનો એક દિવસ પુરો થયો તેનો જે એહસાસ થાય છે તે સ્માર્ટફોન કે કાંડા ઘડિયાળમાં ઓટોમેટિક બદલાઈ જતી તારીખ નથી આપી શકતો. ફેન્સી કેલેન્ડર આજની તારીખ જોવા કરતા આયોજન કે કાર્યક્રમ ઘડતા ભવિષ્યની તારીખો અને વાર જોવા માટે જ હોય છે. આજમાં તો કોઈ હવે જીવતું જ નથી.

નવા વર્ષે તો કપડાની નવી જોડ, નવી સાડી કે નવો ડ્રેસ હોય, કપડાસિવડાવવાનું પ્રમાણ ઘટયું છે. ફેન્સી અને શ્રીમંતો ડિઝાઈનર રાખે છે બાકી બોસ... દિવાળી અગાઉ એક સમયે દરજીકામ કરનારાઓનો દબદબો રહેતો. દિવાળીના ત્રણેક અઠવાડિયા પહેલા કાપડની ખરીદી થાય. ગામના જાણીતા ટોપ દરજી પાસે જ સિવડાવવાનું. કપડાનું માપ લઇને દરજી ડિલીવરીની તારીખ સાથે બીલ ફાડે એટલે આપણે કહેવાનું કે 'ધનતેરસ સુધીમાં તો આપી દેશો ને.'

દરજીભાઈ ભાવ ખાતા ત્રણ જાડી બિલ બુક બતાવીને કહે કે 'તમે તો આજે દેખાયા આ  શ્રાવણ, ભાદરવાના તાકા ફાડુ છું. સારૃ ધનતેરસે યાદ કરાવજો. ચૌદસની રાત્રે દિવાળી ટ્રાયલ અને દિવાળીએ ફાઈનલ મળી જશે.' પછી તો એવું બનતું કે છેક બેસતા વર્ષની પરોઢે પહેરવાના કપડા મધરાતે પાંચેક કલાક પહેલા મળે.

હવે તમે નવા સિવડાવેલા કપડા ઘેર મુકીને તરત જ હેર કટિંગ સલૂનમાં દાઢી (શેવિંગ) ચકાચક કરવા જશો ત્યાં પણ ભીડ (વેઇટિંગ જેવો શબ્દ પ્રચલિત બન્યો જ નહોતો.) જોવા મળે. મોં પર ક્યારે ફુવારો, ફટકડી અને સ્નો ફરી વળે તેની તલબ અનુભવાતી. દાઢીને વાર હોય તો બૂટ પોલીસ માટે પણ લાઈન સંભાળતા રહેવાની. બેસતા વર્ષની આગલી રાતથી આ બધુ ધમધમે. હજૂ વતન જૂનાગઢમાં દિવાળી દિવાનગી કમ સે કમ યાદો તાજી થાય તેમ જળવાઈ રહી છે.

હા, શહેરોમાં દિવાળીની એ મજા... ઉમળકો વિસરાઈ ચૂકેલા સૂર સમાન છે.

દિવાળીની પરંપરાગત વાનગીઓથી ટીન એજરો કે યુવાનો મોં જ ફેરવી લે છે. બાકી દસેક દિવસ પહેલાથી રસોડા ધમધમતા. શેરી અને ફળિયા ફરસાણ અને મીઠાઈ બનતી હોય તે સોડમથી મઘમઘી ઉઠતા. જાણે ઘરની ભીંતોમાંથી પણ મઠીયા, ચેવડો, ઘારી, રાતડાં (ગળીપૂરી) જાડી અને ઝીણી સેવ, ઘૂઘરા, ટોપરા પાક, સુંવાળીની સુગંધ ફૂટી ના નીકળતી હોય. હવે તો દિવાળી ઉજવણીની તે તમામ પરંપરાઓ જ કોઇને સ્પર્શતી નથી.

વાનગીઓ પણ રેડીમેડ ખરીદાય છે પણ તેનો કોઈ મહેમાન લેવાલ નથી હોતો. પાસ્તા, સેવપૂરી, પાણીપુરી, ભેળ, ઇડલી, સંભાર, દહીંવડા, રગડા પેટિસ, કાજુ કતલી, ભાજી-પાઉં જે ઘેર ઘેર હોય તેનો પ્રચાર થઇ જાય છે. શહેરોમાં ખાણી-પીણીનો મહિમાં છે પણ ગામોમાં દિવાળીના પરંપરાગત નાસ્તા ખાસ મહેમાનને જ અપાય છે. બાકી ઘરના સભ્યોને ખાવા માટે બનાવાયા હોય છે.

નવા વર્ષમાં સગા-સ્નેહીઓને આવકારવા યજમાન ઘેર જ રહે. હવે વર્ષમાં માંડ એકાદ-બે વખત એકબીજાને ઘેર જવાનુ હોય છે. આવા તહેવારમાં પણ ઘરમાં તાળા લગાવીને ફરવા ઉપડી જનારો વર્ગ વધતો જાય છે.

અગાઉના વર્ષોમાં વાલીઓ, વડીલોને રુબરૃ મળીને કે ફોનથી જન્મદિન કે વાર તહેવારે આશીર્વાદ માંગવાના સંસ્કાર અપાતા હતા. આજે આધુનિક પપ્પા-મમ્મી સંતાનોની જિંદગી સુધારવા કરતા બગાડવાનો રોડ મેપ ઘડતી હોય છે. વાલીઓ તેમનાથી નાની વયનાને શુભેચ્છા પાઠવે છે ત્યારે પણ યુવા જગત ફોન  લાઈન પર નથી આવતું આવે વખતે કદાચ સ્માર્ટ ફોનનું 'ઇમોજી' રડતુ હશે.

હવે ઘરમાં માળિયાં, છાજલીઓ પણ નથી. આંગણા નથી તો લીલ ક્યાંથી જામે ? વાસણોની કલઈ કઢાતી હોય અને તે ધૂમાડા, વાસણ અંદરથી પાવડર નાંખી કપડુ ફેરવતા જ ચાંદીની જેમ ચમકી ઉઠે તે કૌવતભરી આંખો હવેની પેઢીને ક્યાંથી મળશે ? છરી ચપ્પાની ધાર નીકળતી હોય ત્યારે તણખા જોવા ઉભા રહી જતા તે બચપનની યાદો હવે ભીંજવે પણ છે અને ગુમાવવાના રંજથી દઝાડે પણ છે.

અડીમાં ચાંદલિયાની ટિકડી મુકી તેને પછાડીને જે અવાજ નીકળતો તે હવે કેટલા રૃપિયાનો ચેક ફાડીએ તો મળે ? સંતાનોને અડી એટલે શું તે કદાચ સૌરાષ્ટ્રમાં જેનું બાળપણ વીત્યુ હોય તે જ વડીલો સમજાવી શકે. પથ્થરથી ટીકડી ફોડવાની જગાએ પિસ્તોલે સ્થાન લીધુ તે પછી ક્રમશઃ ફટાકડા અવાજ વધુ અને મુગ્ધતા ઓછી બનતા ગયા.

આ કોઈ જનરેશન ગેપની વાત નથી. ઉજવણીની પધ્ધતિમાં બદલાવ થાય તેની સામે વાંધો નથી... ફાસ્ટફૂડ, ફેન્સી ફટાકડા, ચાઇનિસ કોડિયા, રંગોળી, મીઠાઈઓની રેન્જ, રેડીમેઇડ કપડા, જ્વેલરી, ઓનલાઈન શુભેચ્છા અને સંબંધોની દુનિયા ભલે વર્ચ્યુલ બનતી પણ દિવાળીને જે મૂળ હાર્દ અને આપણા પૂર્વજોએ તેને જે હેતુ માટે જન્મ આપ્યો છે તે હૃદયનો ઉમળકો, હકારાત્મકતા, સંસ્કારનું સિંચન, ઉદારતા, એકબીજાને આત્મસન્માન આપવાનો અવસર છે તે મૂલ્યો તો લુપ્ત ના જ થવા જોઇએ.

 

Post Comments