Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવિધા - ભવેન કચ્છી

ફૂટબોલ ઇતિહાસની સૌથી ગોઝારી ઘટના

એન્ડ્રે એસ્કોબારનો સેલ્ફ ગોલ... અને તેની કમકમાટીભરી હત્યા
કોમેન્ટેટર છ વખત 'ગો...અ...લ.' બોલ્યા હતા એટલે હત્યારાએ એસ્કોબારને છ ગોળી ધરબી હતી.

પ્રત્યેક ગોળી વિંધતા અગાઉ 'ગો...અ...લ' તેમ ધીક્કારના હાવભાવ સાથે તે બૂમ પાડતો હતો

વતન મેડેલીનમાં એસ્કોબારની પ્રતિમા પણ મુકાઈ છે

અંતિમ યાત્રામાં ૧,૨૫,૦૦૦ નાગરિકો ઉમટી પડયા હતા

૧૯૯૪ના વર્લ્ડ કપમાં કોલોમ્બિયાની હાર થતા ડ્રગ કાર્ટેલ ગેંગે સટ્ટામાં જંગી રકમ ગુમાવતા એસ્કોબારની હત્યા કરેલી

૧૯૯૪ વર્લ્ડ કપ ફૂટબોલ, સ્થળ : યુએસએ
ગુ્રપ 'એ' ની ચાર ટીમો : સ્વિત્ઝર્લેન્ડ, રોમાનિયા,યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને કોલંબિયા
૧૮ જુન : રોમાનિયાએ કોલોમ્બિયાને હરાવ્યું ૩-૧થી

પ્રથમ મેચમાં જ રોમાનિયા જેવી તુલનાત્મક રીતે નબળી ટીમ સામે પરાજય થતા કોલોમ્બિયા કે જે તે વખતે વિશ્વનું ડ્રગ કાર્ટેલ અને જુદી જુદી ગેંગ વચ્ચે ફૂટબોલની મેચ પર જંગી સટ્ટાનું હેડ ક્વાર્ટર મનાતુ હતું ત્યાં ભારે તનાવ વ્યાપી ચૂક્યો હતો.

કોલોમ્બિયાનું ફોર્મ અને સ્ટાર ખેલાડીઓથી ભરપુર ટીમનું પ્રદર્શન એ હદે સંગીન હતું કે કોલોમ્બિયા વર્લ્ડ કપ અગાઉ ૨૫માંથી ૨૪ મેચો જીતીને ઉતર્યું હતું. કોલોમ્બિયા બીજા રાઉન્ડમાં પ્રવેશશે તેવી ૯૦ ટકા, સેમિફાઈનલમાં પહોંચશે તેવી ૮૦ ટકા અને ચેમ્પિયન બનશે તેવી ૬૫ ટકાને ધારણા હતી. અબજો ડોલર હોડમાં મૂકાયા હતા.

રોમાનિયા સામેની પ્રથમ મેચમાં જ હારતા હજારો સટોડિયાના છાતીના પાટિયા બેસી ગયા હતા.

જો હવે વિજયકૂચ આગળ નહીં બતાવો તો તમારા માતા-પિતા, સંતાનોનું અપહરણ થાય કે હત્યા થઇ જાય તો અમારી જવાબદારી નહીં તેવી ધમકીઓ ખેલાડીઓને મળી ચૂકી હતી. તે વખતના સ્ટાર ખેલાડીઓ વાલ્ડેરામા અને એસ્પ્રિલે સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે 'અમે બધા તો અમારા દેશમાં કઇ હદે ખુંખાર ગેંગ વોર ચાલે છે તે જાણતા હોઈ તે પછીની બીજી  મેચમાં જોશ અને આત્મવિશ્વાસ સાથે ઉતરવાની જગાએ ધૂ્રજવા માંડેલા. તેમાં પણ ગુ્રપ 'એ'માં અમારા સદનસીબે સાવ સામાન્ય ટીમો આવેલી. રોમાનિયા કે યુએસએ સામે કદી ફ્રેન્ડલી પણહારેલા નહીં છતા રોમાનિયા સામે પ્રથમ ગુ્રપ મેચ હારતા આત્મવિશ્વાસ પર કારમો ફટકો પહોંચેલો. તેમાં મોતની ધમકી ઉમેરાતા બધા તેમના કુટુંબીઓને સાંત્વના આપતા ઘરમાં જ સલામતિથી રહેવા સતત ફોન કરતા રહેતા હતા. આમ છતા અમે આગેકૂચ કરવા મનોબળ એકઠુ કર્યું હતું.'

૨૨ જુન : કોલોમ્બિયાને હવે યુએસએ સામે જીતવું જ પડે તેમ હતું. કોલોમ્બિયા આ અગાઉ યુએસએ સામે હાર્યું જ નહતું.

તેવામાં ફૂટબોલ લેજન્ડ પેલેએ આગાહી કરી કે કોલોમ્બિયા ભલે પ્રથમ મેચ હાર્યું પણ મને લાગે છે કે તે કમ સે કમ સેમિફાઈનલમાં તો પહોંચશે જ.

પેલેના શબ્દો એટલે ભગવાનની બ્રહ્મવાણી તેમ સમજી ફરી સટોડિયા અને ડ્રગ કાર્ટેલે હાર્યા જુગારી બમણું રમે તે ધારણે કોલોમ્બિયાની આગેકૂચ માટે જંગી રકમનો દાવ ખેલ્યો.

આ શું ? કોલોમ્બિયાના એન્ડ્રે એસ્કોબારનો સેલ્ફ ગોલ : ફૂટબોલ માટે ઝનૂની અને આંતરરાષ્ટ્રીય સટ્ટાના હેડક્વાર્ટર કોલોમ્બિયામાં  સટોડિયા અને તેના ચાહકો નિશ્ચિત વિજયની આશા સાથે તનાવગ્રસ્ત બની મેચ જોઈ રહ્યા હતા ત્યારે જ તેમની જ ટીમના એન્ડ્રે એસ્કોબારે ૨૩મી મિનિટમાં સેલ્ફ ગોલ કરી નાંખતા સટોડિયા વર્તુળમાં અને સમગ્ર કોલોમ્બિયામાં સોપો પડી ગયો.

એન્ડ્રે એસ્કોબારનો સેલ્ફ ગોલ જોતા જ તેના નવ વર્ષના ભાણેજે તેની મમ્મીને (એસ્કોબારની બહેનને) રડમશ થઇને કહ્યું હતું કે 'મમ્મી હવે આ લોકો એન્ડ્રે અંકલને મારી નાંખશે.'

આના પરથી વિચારો કે એક બાળક પણ તે વખતે કોલોમ્બિયાની ગેંગ વોર, ડ્રગ કાર્ટેલ અને સટ્ટાખોરીથી પરિચિત હતો.
જોગાનુજોગ તેની જ અટક ધરાવતા અને કોઈ જ સગો-સંબંધી નહીં એવો પાબ્લો એસ્કોબાર તે વખતે કોલોમ્બિયાનો ડ્રગ લોર્ડ હતો.

તેની સામે બીજી બાર-પંદર નાની મોટી ગેંગ સક્રિય હતી. પાબ્લો એસ્કોબાર લેખનો અલગ વિષય છે. અમેરિકા અને સાઉથ અમેરિકાના દેશોની સરકાર,  કોર્પોરેટ અને યુવા જગત તેના તાબે હતું. માનવ ઇતિહાસનો તે સૌથી ખતરનાક અને મહારથિ ડ્રગ લોર્ડ હતો.

તેણે અમલદારો, રાજકારણીઓ, જજો અને તેની સામે પડેલા એવા ૫૦૦થી વધુની હત્યા કરાવી હતી. તે વખતે અત્યારના મૂલ્ય પ્રમાણે તેની વય ૫૫ અબજ ડોલર હતી. એટલે કે વિશ્વના ટોચના પાંચ ધનિકોમાં તે સ્થાન પામી શકે.

કોલોમ્બિયાની ૧૯૯૪ની વર્લ્ડ કપ વખતે તે ભુગર્ભમાં હતો છતા તે સક્રિય હતો. અલબત્ત તે ક્લબ ફૂટબોલમાં જ સટ્ટો ખેલતો અને હવાલા પાડતો રહેતો. ખેલાડીઓની લે-વેચમાં આવો જ ગેંગસ્ટર ગાલોન ખેલાડીઓ, કોચ, રેફરી તેના પે રોલ હેઠળ રાખતો હોવાનું મનાતું હતું. હજુ આજે પણ આવું ચાલતુ જ હોય છે.

પાબ્લો એસ્કોબારની હરિફ ગાલોન ગેંગ હતી. તેઓ વચ્ચે વ્યૂહાત્મક સમજૂતી પણ રહેતી જ. આટલી ભૂમિકા પછી ફરી ફૂટબોલ ખેલાડી એન્ડ્રે એસ્કોબારની વીતક કથા પર આવીએ.

રોમાનિયા સામે હારી ગયા પછી જીતવી જ પડે તેવી મેચમાં પ્રમાણમાં ઘણી નબળી એવી યુનાઇટેડ સ્ટેટસ સામેની મેચમાં એન્ડ્રે એસ્કોબારે સેલ્ફ ગોલ કરીને યુએસએના નામે એક ગોલની સરસાઈ અર્પી દીધી.

કોલોમ્બિયાના ખેલાડીઓના પગ ઢીલા થઇ ગયા. તેઓના મનમાં એ ચાલતુ હતુ કે તેમના અને કુટુંબીઓના હવે કેવા હાલ થઇ શકે છે.

આ જ પરિસ્થિતિને પામી યુ.એસ.એ.ની ટીમે આક્રમકતા વધારી અને તેમના ખેલાડી સ્ટુઆર્ટે બાવનમી મિનિટમાં ગોલ ફટકારીને યુ.એસ.એ.ને ૨-૦ની સરસાઈ અપાવી.

કોલોમ્બિયાએ રમત પુરી થવાની વ્હીસલ વાગે તે અગાઉની ક્ષણોમાં ૯૦મી મિનિટમાં વેલેન્સિયાની કિક થકી એક માત્ર ગોલ નોંધાયો હતો.

કોલોમ્બયા ૨-૧થી હાર્યું હતું. જો એન્ડ્રે એસ્કોબારે સેલ્ફ ગોલ ના કર્યો હોત તો મેચ ડ્રો થઇ હોત અને કોલોમ્બિયા બીજા રાઉન્ડમાં આગેકૂચ કરી શક્યું હોત કેમ કે આખરી ગુ્રપ મેચમાં કોલોમ્બિયાએ સ્વિત્ઝર્લેન્ડને ૨-૦થી હરાવ્યુંહતું. હવે એન્ડ્રે એસ્કોબાર વિલન હતો.

કોલોમ્બિયા પ્રથમ રાઉન્ડમાં જ વર્લ્ડ કપમાંથી હારીને ફેંકાઈ ગયું હતું. એવું ચર્ચાયુ હતું કે ગોલન બ્રધર્સ ગેંગે લાખો ડોલર ગુમાવ્યા હતા.

કોડાર્બા, એન્ડ્રે એસ્કોબાર, કેપ્ટન વાલ્ડેરામા, હેરેરા, ગાવિરિયા, વેલેન્સિયા, અલ્વારેઝ અને એસ્પ્રિેલા જેવા સ્ટાર્સ ધરાવતી કોલોમ્બિયાની ટીમ ભારે સલામતિ વચ્ચે સ્વદેશ પરત આવી અને અઠવાડિયું ભુગર્ભમાં રહી, બીજી તરફ ખેલાડીઓ અને તેમના કુટુંબીઓ માટે ધીક્કારના મેસેજ, પોસ્ટર્સ ઠેર ઠેર જોઈ શકાતા હતા.

એન્ડ્રે એસ્કોબાર ત્યાંની એટલીટીકો ક્લબનો સ્ટાર અને ચાહીતો ફૂટબોલર હતો. મેડલીન શહેર તેના માટે ગૌરવ હતું. તેના વતનના ચાહકોએ સેલ્ફ ગોલ છતા તેને માફ કરી દીધો હતો.

પણ હજુ વર્લ્ડ કપ જારી જ હતો ત્યાં જ ફૂટબોલ ઇતિહાસની એક ગોઝારી ઘટના બની.

૨ જુલાઈ, ૧૯૯૪ના રોજ એન્ડ્રે એસ્કોબારની હત્યા :

૨૬ જૂન, ૧૯૯૪ના રોજ સ્વિત્ઝર્લેન્ડ સામેની આખરી ગુ્રપ મેચ જીતવા છતા કોલોમ્બિયા વર્લ્ડ કપમાંથી ફેંકાઈ જઇને બીજે જ દિવસે સ્વદેશ પરત ફર્યું. તમામ ખેલાડીઓ અને કુટુંબીઓ અજ્ઞાાત સ્થાને રહેતા હતા.

પોલીસને પણ સાબદી કરાઈ હતી. એન્ડ્રે એસ્કોબારે કોલોમ્બિયામાં પરત આવીને તરત જ ત્યાંના અખબાર પર રાષ્ટ્રજોગ એક પત્ર લખીને મોકલ્યો જે ફૂટબોલ વિશ્વમાં પ્રસિધ્ધ થયો. એન્ડ્રે ઓસ્કોબારે તેની ગંભીર ભૂલથી ચાહકોની લાગણી કઇ હદે ઘવાઈ છે તેની નોંધ લઇને માફી માંગી હતી.

પત્રમાં તેણે લખ્યું હતું કે જીવન થંભી જવા માટે નથી. થંભતું પણ નથી. મારે હજુ હેતુપૂર્ણ જીવવું છે. હું દેશને ગૌરવ અને સન્માન અપાવીશ.

જો કે ડ્રગ્સ કાર્ટેલને જંગી સટ્ટા ખોટ થઇ હોઈ એન્ડ્રે એસ્કોબાર પ્રત્યે તીવ્ર ધીક્કાર હજુ શમ્યો ન હતો તે પૂરવાર થયું.
હિંમત એકઠી કરીને એન્ડ્રે એસ્કોબાર સ્વદેશ પરત આવ્યાના પાંચમા દિવસે પહેલી વખત ૨૪ કલાક ખુલ્લા રહેતા પબમાં રાત્રે તેના મિત્ર સાથે પહોંચ્યો. તેના પર બાજ નજર હોય કે કોઇએ બાતમી આપી દીધી હોય તેમ તેના ટેબલ નજીક ચારેક શખ્સો બેસી ગયા.

'તું જ છે ને જેણે કોલોમ્બિયા જોડે રાષ્ટ્ર દગો કર્યો' તેમ કહીને પીધેલી હાલતમાં શોરબકોર કરવા માંડયા. એન્ડ્રે એસ્કોબારે તેઓને નમ્રતાથી સમજાવ્યા કે 'આ મારી ભૂલ હતી. તમે ટીવી રીપ્લે જોઈ શકો છો. મારા દેશ માટેના પ્રેમ અને ગૌરવ વિશે તમે પાયા વગરના આક્ષેપો મહેરબાની કરીને ના લગાવો.''

 


 પેલા શખ્સોનો બબડાટ જારી જ રહ્યો. વાતાવરણ તંગ બનતુ જતું હતું. મધરાત વીતી ચૂકી હતી અને પરોઢના ૩.૩૦ નજીકનો સમય હતો. તેના મિત્રો અને પબના માલિકે એન્ડ્રે એસ્કોબારને ઘેર પરત થઇ જવા સલાહ આપી. એન્ડ્રે એસ્કોબાર પાર્કિંગની જગા પર જઇ તેની કારમાં બેસવા જતો હતો ત્યાં જ ફરી પેલા ગુંડા દેખાયા. .૩૮ કાલિબેરની પિસ્તોલ કાઢતા જ હત્યારાએ ટોણો માર્યો કે તે સેલ્ફ ગોલ કર્યો ત્યારે 'ગો...અ...લ', 'ગો..અ..લ' એમ કોમેન્ટેટર છ વખત બરાડીને બોલ્યો હતો. જેના પડઘા હજુ પણ પરેશાન કરી રહ્યા છે તેથી 'આ લે છ ગોળી..' પ્રત્યેક ગોળી માટે ટ્રીગર દબાવતા નરાધમ 'ગો..અ...લ..' તેમ અટ્ટહાસ્ય કરતા બોલતા હતો. તેનો મિત્ર દોડી આવતા તેણે ભાગી છૂટેલા હત્યારાની ટ્રકનો નંબર નોંધી લીધો હતો.

 


એન્ડ્રે એસ્કોબારનું હોસ્પિટલમાં નિધન થયું. તમામ ગોળી તેને પીઠમાં અને ખભા પર વાગી હતી.

એન્ડ્રે એસ્કોબારની હત્યાના સમાચાર ફેલાતા રાષ્ટ્રીય શોક
કોલોમ્બિયામાં ફૂટબોલ એકમાત્ર લોકપ્રિય રમત છે. એન્ડ્રે એસ્કોબારની અગાઉ જણાવ્યું તેમ ત્યારે ચાહના હતી. આ રીતે તેની હત્યા થતા વિશ્વમાં અરેરાટી ફેલાઈ ગઇ. હજુ તો યુ.એસ.એ.માં વર્લ્ડ કપ પણ રમાઈ રહ્યો હતો.
એસ્કોબારના નિધનના પગલે કોલોમ્બિયામાં રાષ્ટ્રીય શોક જેવો માહોલ જોવા મળ્યો હતો. કોલોમ્બીયામાં કોઈ નેતા કે હસ્તીને ના મળ્યું હોય તેમ તેને માન મળ્યું હતું. ૧,૨૦,૦૦૦ નાગરિકો તેની અંતિમ ક્રિયામાં જોડાયા હતા. ઠેર ઠેર તેની તસ્વીરો સાથે શ્રધ્ધાંજલિના પોસ્ટર અને બેનરો સીવાય કોલોમ્બિયામાં કંઇ નજરે ન હતું ચઢતું.
આજે પણ કોલોમ્બિયા ફૂટબોલની સાથે આપોઆપ તેનું નામ અને ચહેરો નજર સામે તરવરવા માંડે છે. તે શોકના જુવાળ બાદ ભૂલાયો નથી. તેના મૃત્યુની આઠમી વર્ષી વખતે તેના વતન મેડેલીનમાં તેની પ્રતિમા મુકવામાં આવી હતી. જે આજે પણ આદર સાથે જળવાઈ છે.
ગાલોન બ્રધર્સ ગેંગનો હાથ
ટ્રકની નંબર પ્લેટના આધારે જ એન્ડ્રેસ એસ્કોબારની હત્યાના બીજા દિવસે જ તેના ચાલક હમ્બર્ટો મુઓઝની ધરપકડ કરવામાં આવી અને તેણે ભગ્ન ફૂટબોલ ચાહક તરીકે એન્ડ્રે એસ્કોબારનીહત્યા કરી હતી તેમ ગુનો કબુલી પણ લીધો. એવું પણ બહાર આવ્યું કે હમ્બર્ટો  ડ્રગ કાર્ટેલના બોસ ગાલોન બ્રધર્સ ગેંગના બોસનો ડ્રાઈવર છે પણ તે દિવસે ટ્રક લઇને પબ પર ગાલોનના ઇશારે જ એસ્કોબારની હત્યા કરવા આવ્યો હતો.
ગાલોન સટ્ટામાં ભારે તારાજી સાથે કોલોમ્બિયાની હારથી રકમ ગુમાવી ચૂક્યો હતો.
ગાલોન બ્રધર્સે ન્યાયતંત્ર અને સરકારને ખરીદી હોવાના આરોપ :
સરકાર અને પોલીસ તંત્ર પાસે ગાલોન પર હત્યાના આરોપ લગાવી શકાય તેવા પૂરાવા હતા છતા ગાલોનને આ કેસમાં સાંકળવામાંજ ન આવ્યો. કોર્ટે ગાલોનના ડ્રાઈવરને ૧૯૯૫માં ૪૩ વર્ષની સજા જાહેર કરી જે ૨૦૦૧માં ૨૬ વર્ષોમાં પરિવર્તિત થઇ ગઇ અને આગળ જતા ૨૦૦૬માં ડ્રાઈવર હમ્બોર્ટને જેલમાંથી મુક્તિ મળી ગઈ હતી.
મીડિયાએ ભારે હોબાળો મચાવ્યો પણ સરકાર, પોલીસ અને ન્યાયતંત્રને ડ્રગ કાર્ટેલ ખિસ્સામાં લઇને ફરતુ હતુ. ડ્રગ ડોન પાબ્લો એસ્કોબાર જો ભૂગર્ભની જગાએ સક્રિય હોત તો તે ગાલોન ગેંગને આવી હરકત ના કરવા દેત.પાબ્લો એસ્કોબારની નીતિ હતી કે ખેલાડીઓને નિશાન ના બનાવવા જોઇએ.
આજે પણ કોલોમ્બિયા ભયમુક્ત નથી
કોલોમ્બિયાની જગકુખ્યાત ડ્રગ ગેંગ હવે પ્રભાવ ગુમાવી ચૂકી છે આમ છતાં ડ્રગ સટ્ટો અને ગુનાખોરીના અડ્ડાઓ ધમધમે તો છે જ. આ વર્લ્ડ કપમાં પણ કોલોમ્બિયાના પેનલ્ટી શુટ આઉટ ચૂકેલા કે ગોલની આસાન તક ગુમાવનાર ખેલાડીઓને તેમજ તેના કુટુંબીજનોને મોતની ધમકી સોશ્યિલ મીડિયા પરથી મળી જ છે. અમુક ખેલાડીના કુટુંબીજનો રહસ્ય મૃત્યુ કે અપહરણના કિસ્સા પણ બનતા જ હોય છે.
તમામ રમતો હવે કરોડોના સટ્ટા માટે જ જાણે રમાતી હોય તેમ તેનું ગેંગ્સ નિયમન કરતી હોય તેમ લાગે છે. એસોસિએશનો, બોર્ડ, ક્લબો અને ખેલાડીઓની જાણે કાર્ટેલ રચાઈ હોય તેમ ચાહકોની શંકા પ્રબળ બની છે. એન્ડ્રે એસ્કબારની હત્યા થઇ ત્યારે તેની વય ૨૭ વર્ષની જ હતી. તે પાંચ વર્ષથી ડેન્ટિસ્ટ મિત્ર ડૉ.પામેલા કાસ્કાર્ડો જોડે સગાઈ બાદ રહેતો હતો. તેના લગ્નની તારીખના  પાંચ મહિના અગાઉ તેની હત્યા થઇ હતી. ડૉ.પામેલા કાસ્કાર્ટો એન્ડ્રે ઓસ્કોબારની સ્મૃતિમાં ચેરિટી પ્રોજેક્ટ ચલાવે છે. રમતના આત્માને અસામાજિક તત્ત્વો ક્યારેય હણી નહીં શકે.     

 

Post Comments