Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવિધા - ભવેન કચ્છી

અત્ર તત્ર સર્વત્ર સલમાન ખાન

ખરાં ભારતનો રાષ્ટ્રીય પ્રશ્ન તો આ હતો : સલમાનને જામીન મળશે કે નહીં ?

૨૦ વર્ષ કેસ ચાલી શકે અને બે દિવસમાં જામીન પણ મળી શકે....ભાઈ જો હૈ

હિન્દી અને અંગ્રેજી ન્યૂઝ ચેનલો પાસે બે-બે સેકંડના ચાર-પાંચ દ્રશ્યો હોય અને બે લાઈનની ન્યૂઝ આઇટમ હોય તો પણ સેંકડો વખત રીપિટ થાય અને 24 x 7 તેનું પ્રસારણ થાય

આપણી લઘુતાગ્રંથિથી સમાજને હાનિ પહોંચડતા રોલ મોડેલ પેદા થાય છે

જોધપુરની ગ્રામીણ કોર્ટના જજ દેવ કુમાર ખત્રીએ પાંચ વર્ષની જેલની સજા ફટકારતા સલમાનને શાળાના વર્ગના લંપટ છોકરાની જેમ ધમકાવી કાઢ્યો હતો કે ''તું રીઢો ગુનેગાર છે. દેશની યુવાપેઢી તારી પ્રેરણા (બેફામ, તુમાખી અને ઐય્યાશી) લઇને વર્તન કરતા હોય છે. તને તો કડકમાં કડક સજા થવી જોઇએ.''

જજ દેવ કુમાર ખત્રીની નિડરતા બદલ તેની પીઠ થાબડીને મીડિયાએ કવરેજ પણ આપ્યું હતું.

સલમાન ખાન ગત ગુરૃવારે જેલમાં ધકેલાયો ત્યાં જ મીડિયા એવા હેડિંગ ચમકાવવા માંડયું હતું કે ''સલમાન ખાનને એક રાત જેલમાં વીતાવવી પડશે.'' જોધપુરની સેશન્સ અને ડિસ્ટ્રીક્ટ કોર્ટે શુક્રવારે સુનાવણી અધુરી રાખતા ફરી મીડિયાએ હેડિંગ ચલાવ્યા કે ''સલમાન ખાનનો જેલવાસ વધુ એક રાત લંબાયો.'' બીજી તરફ સલમાન ખાનના ચાહકોએ પણ પણ સલમાનને પાંચ વર્ષની જેલ થતા આઘાત અનુભવ્યો. તેઓને ગળા સુધી ખાતરી હોય તેમ પ્રતિભાવ આપતા હતા કે ''ભાઇ છે એમ થોડો જેલમાં રહેશે.''

શા માટે મીડિયા અને ચાહકો દાવા સાથે આવી હેડલાઇન કે કોમેન્ટ કરી શકે તે ન્યાય તંત્ર માટે ચિંતાજનક બાબત છે. નાગરિકોમાં કેમ એવો અવિશ્વાસ અને હતાશા પ્રવર્તે છે કે અસાધારણ સત્તા, વગ, સેલિબ્રીટી સ્ટેટ અને સંપત્તિ ધરાવનારા કેસને દાયકાઓ સુધી ખેંચી શકે છે અને આમ છતાં પણ સજા થાય તો તરત જ જામીન મેળવી શકે છે.

સલમાન ખાનને હીટ એન્ડ રન કેસમાં સજા જાહેર થયાના બે કલાકમાં અને કાળિયારના શિકાર બાદ બે દિવસમાં જામીન મળ્યા છે. ભારતની જેલમાં ૪,૧૯,૬૨૩ કેદીઓ છે તેમાંથી ૧,૩૪,૧૬૮ જ દોષિત ઠર્યા બાદથી જેલની સજા કાપી રહ્યા છે જ્યારે ૨,૮૨,૦૭૬ અન્ડર ટ્રાયલ એટલે કે કેસ ચાલતો હોઇ કોર્ટ દ્વારા સજાનો કે નિર્દોષ હોવાનો ઈંતેજાર કરતા જેલમાં સબડી રહ્યા છે.

એટલે કે ૬૭ ટકા કેદીઓ અન્ડરટ્રાયલ છે. તેમાંથી ૮૬ ટકા ત્રણ મહિનાથી માંડી બે વર્ષથી જેલમાં છે આની સામે સલમાન ખાનના બે કલાક અને બે દિવસ બાદના જામીનને જોઇને આ અન્ડરટ્રાયલ કેદીઓ અને તેમના કુટુંબીઓની હતાશા પ્રત્યે આપણને સહાનુભૂતિ થાય જ. સલમાન ખાનનો કેસ ૨૦ વર્ષ સુધી ચાલે તેટલો લંબાવી પણ શકાય અને જેલ થાય તો બે દિવસમાં તેને બોર્ડ પર લાવી જામીન પણ મળી શકે છે.

ભારતનું ન્યાય માળખું પીરામીડ આકારનું છે જેની ઉપરની અણીયાળી ટોચે સુપ્રીમ કોર્ટ છે અને પાયામાં  છેક ગ્રામિણ કોર્ટ્સ છે.

સલમાન ખાનને પાંચ વર્ષની સજા ફટકારનાર જોધપુર રૃરલ કોર્ટના બાહોશ જજ  દેવ કુમાર ખત્રીની બઢતી જોધપુર સેશન્સ અને ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં થવાની છે. જો સલમાન ખાનનો જામીન અરજીનો કેસ તેની પાસે આવ્યો હોત તો તેને તે ખારીજ પણ કરી દેત. એનો અર્થ એમ કે અગાઉના જજના ચૂકાદા, પૂરાવાને અન્ય કોર્ટમાં કેસ જાય એટલે તે કોર્ટના જજનું પોતાનું અર્થઘટન જ નિર્ણાયક બને.

સલમાન ખાનના કેસમાં ગુરૃવારે સંગીન પૂરાવા સાથે સજા અને તે જ સજા કયા આધારે અપાઇ તે રેકોર્ડ મંગાવી ઉપલી કોર્ટના જજ અભ્યાસ બાદ કેસ ઢીલો થઇ શકે તેમ બે દિવસમાં જામીન આપી દે તેથી સોશિયલ મીડિયા પર તરેહતરેહની  કોમેન્ટ તો થઇ જ.

હવે આગામી ૬ મેના રોજ જોધપુર કોર્ટમાં ફરી કાર્યવાહી ચાલવાની છે ત્યારે તો સલમાનના વકીલ મહેશ બોરા આ કેસ જ કાયમ માટે પડતો મૂકી ફાઇલ કરી દેવાની દાદ માંગવાના છે.

સલમાન ખાન જેલમાંથી મુક્ત થાય તે સાથે જ તેના ફિલ્મ દુનિયાના સાથી કલાકાર-કસબીઓ તેને મહાદયાળુ, મહાશક્તિમાન, અગ્નિ પરીક્ષામાંથી પસાર થતો યોધ્ધો, સુપર હ્યુમન, ઈશ્વરનો લાડકો જેવા વિશેષણથી આવકારે, ઉજવણી કરે તે જરા વધુ પડતું લાગે. સલમાનના ચાહકો પણ ''ભાઇ તો ભાઇ છે'', 'ટાઈગર'ને તમે પાંજરામાં ના પૂરી શકો, 'સુલતાન'ની શાહી સવારી જેવા  સુત્રો સાથે  મીઠાઇ  વહેંચી  મોં મીઠું કરતા હતા.

જજ દેવ કુમાર ખત્રીની ટકોર એવો નિર્દેશ કરતી હતી કે લોકહૃદયમાં વસતા કલાકારોથી સાલસભર્યા વર્તન અને બોડી લેંગ્વેજની અપેક્ષા છે.

જોધપુર કોર્ટમાં બીજે દિવસે જેને પણ જેલ જવાનો ભય હતો તેવા સૈફ અલીને તેની કારની આજુબાજુ મીડિયાએ  પ્રશ્નો પૂછવા ઘેરી લીધો ત્યારે ડ્રાઈવરની બાજુની વિન્ડોનો ગ્લાસ ખુલ્લો હતો. સૈફની તુમાખી અને ઘમંડ હજુ પણ એવું જ જોવા મળ્યું.

તેણે ડ્રાઈવરને સભ્યતાથી વિન્ડો ગ્લાસ ઉપર ચઢાવવાનું કહેવાની જગાએ તેને ભારે કડકાઈ મિશ્રીત ટોનમાં આમ કરવાનું જણાવી ઉમેર્યું કે ગ્લાસ ઉપર કર બાકી ફટકારીશ. આવા સ્ટાર જો જાહેરમાં તેઓ આવું વર્તન કરતા હોય તો ખાનગીમાં તો કઈ હદે અસભ્ય, અમાનવીય અને જુલમી હશે.

આપણે પાર્ટી કે ફિલ્મ પ્રમોશન વખતે તો તેની 'સ્પિલ્ટ પર્સનાલિટી'ની એક ઉજળી પ્રસન્ન કૃત્રિમ બાજુ જ જોઈતા હોઈશું. દેશમાં ઘણા એવા યુવાનો છે જેઓ ૩૫ પછી ૧૮ વર્ષ જેવા પુખ્ત થાય છે. સંજય દત્ત અને સલમાન ખાનનું જોઈને યુવા જગતે એવો બોધપાઠ લેવાનો છે કે તમે ૨૫ થી ૩૫ વર્ષ સુધીની વયમાં ગુનાઇત માનસ ધરાવતા હો તો પણ એ હદે નાદાન, ભટકેલ અને કુશંગના રવાડે ચઢેલા હોઈ શકો કે તે પછીની જિંદગીમાં તમે પાકટ થયા હો, યશ-કિર્તિની ટોચ પર હો પણ ભૂતકાળની તે ભૂલોનો કલંકિત ધબ્બો તમને નહીં છોડે.

કાનુની દાવપેચ કેડો નહીં મુકે. સંજયદત્તે મુંબઈ બોંબ બ્લાસ્ટના આરોપીએ આપેલી એકે ૪૭ રાઈફલ તેના ઘેર રાખવા આપી ત્યારે તેની વય ૩૨ વર્ષની હતી. સલમાન ખાન કાળિયારના શિકાર કાંડમાં ફસાયો ત્યારે તેની વય પણ ૩૨ વર્ષની હતી. અત્યારે તે ૨૦ વર્ષથી ભરપેટે પસ્તાતો હશે. આવેગ, જોશ અને લંપટ મિત્રો, અને તેમાં પણ છકેલ છોકરીઓ સાથે હોઈએ ત્યારે આવી વ્યક્તિ વીરરસમાં ઝબોળાઇ જતી હોય છે.

આદિત્ય પંચોલીનો પુત્ર સુરજ તેની પ્રેમિકા જીયા ખાનની આત્મહત્યા કે હત્યા તેવા કેસમાં ફસાયો છે. શાઈની આહુજા જેવો ટેલેન્ટેડ અભિનેતા તેના ઘરની કામવાળી બાઈના બળાત્કારના આરોપમાં જેલ જઈ આવ્યો. શાહરૃખ ખાને વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ક્રિકેટ એસોસિએશનના કર્મચારીને લાફો મારી ઉદ્ધત વર્તન કર્યું હતું. સૈફ અલીએ રેસ્ટોરન્ટમાં તેની નજીકના ટેબલમાં બેસેલા જોડે ઝપાઝપી કરી હતી. કરન જોહર કંગના રનૌતનું અને બોલીવુડની મહિલાઓનું ગૌરવ હણાય તેવી કોમેન્ટ કરે છે.
    
સલમાન ખાનને સજા અને જામીન મળ્યાના દિવસે હિન્દી અને અંગ્રેજી ન્યૂઝ ચેનલોએ નિમ્ન સ્તરની માનસિકતા બતાવી. શ્રીદેવીના મૃત્યુ પછી સલમાનના નવજીવનને પણ ટ્વેન્ટી ફોર બાય સેવન કવરેજ મળ્યું. જાણે દેશ અને દુનિયા ઠપ્પ થઈ ગઈ હોય તેમ સલમાનને કોર્ટ, જેલ, જેલ મુક્તિથી માંડી ઘેર તો મૂકી આવ્યા જ પણ તેના એપાર્ટમેન્ટની ગેલેરીમાંથી દેશને માટે ગોલ્ડ મેડલ કે વર્લ્ડ કપ જીતી આવ્યો હોય તેમ તે તેના ચાહકોનું હાથ હલાવીને અભિવાદન કરતો હોય ત્યાં સુધીનું કવરેજ કર્યું. તે પછી સ્ટુડિયોમાં પેનલ ચર્ચાનો દોર જામ્યો. આ ન્યૂઝ ચેનલોને પરવાનગી મળે તો સલમાન રાત્રે ઉંઘતો હોય તો .....'ઔર  યે સલમાન ખાન દો દિન બગૈર નિંદ કી રાત કે બાદ ચૈન સે શો રહા હૈ' કે પછી એ 'સલમાન બાથરૃમ જાને કે લીએ દેર રાત ઉઠ રહા હૈ' પણ બતાવે.

૨૪ કલાકના આ કવરેજમાં રીયલ ટાઇમ દ્રશ્યો તો ૧૫ સેકંડના માંડ હતા. જ્યારે સમાચારની બાઇટ પાંચ મિનિટ કુલ ચાલે એટલી હતી. સલમાન જોધપુર કોર્ટમાં જવા તેના બોડીગાર્ડ શેરા સાથે કારમાથી ઉતરે છે તે અમે ગણી જોયું તો મિનિટમાં ૨૦-૨૫ વગર રીપીટ થાય. દિવસ દરમ્યાન તે હજારથી વધુ વખત ચેનલોએ બતાવ્યું હશે. તે પછી બીજી પાંચ સેંકડ તે કોર્ટમાંથી જેલમાં જવા નીકળે છે ત્યારે...તે પછી જેલમાં પહોંચે છે તેની બીજી ત્રણેક સેંકડનું દ્રશ્ય, જામીન પર જેલની બહાર નીકળી તેની કારમાં એરપોર્ટ જવા નીકળે છે તેનું પણ ત્રણ સેકંડનું દ્રશ્ય હજારેક વખત ચાલ્યું.

સમાચાર પણ એક-એક લીટીના. આમ છતાં નવા ડેવલપમેન્ટના ઇતેંજાર વચ્ચે કલાકો સુધી સલમાન ખાનના આ રીપીટ દ્રશ્યો, હેડલાઇન અને તેની નિરર્થક ભૂતકાળની કપરી ઘડીમાં તેની ચાહના વગેરેના કેપ્સ્યુલ બનાવીને ન્યૂઝ ચેનલોએ ચગાવે જ રાખ્યું. તમે સીએનએન, બીસીસી, અલ જઝિરા અને હવે તો ડિશ કેબલને લીધે સર્ફ કરશો તો જાપાન, જર્મની, ચીન, રશિયા, ફ્રાંસની ચેનલો પણ જોઈ શકો છો. જેમાં કઇ રીતે વિવિધ સમાચારોની સમતુલા જળવાય છે તેનો અભ્યાસ કરવા જેવો છે.

આપણી ન્યૂઝ ચેનલો એમ જણાવે કે આજના ટોપ પાંચ કે દસ મુખ્ય સમાચાર અને તે પછી તે કંઈક આ રીતે હોય (૧) સલમાન ખાનને જામીન મળે છે કે નહીં તેના પર દેશભરની નજર (૨) બંને પક્ષના વકીલો અને જજ કોર્ટમાં પહોંચ્યા. (૩) કોર્ટમાં સલમાનની બહેનો અલવિરા અને અર્પિતા હાજર (૪) સલમાન ખાનના ચહેરા પર માયુસી (૫) અડધા કલાકમાં આવી શકે છે ફેંસલો.

આપણને એમ કે આજના ટોપ પાંચ કે દસ સમાચારોની હેડલાઇનમાં દેશ-દુનિયાની ઘટનાઓની હેડલાઇન હશે પણ અહીં તો તમામ હેડલાઇન સલમાન ખાનના સમાચારના ૧૦ લીટીના ફકરાને તોડીને ૧૦ સમાચાર તરીકે બતાવી દેવાય છે.

આ વખતે કાશ્મીરમાં આતંકવાદીઓને ભારતીય સેના ઠાર કરે છે, પીએનબી, વીડીયોકોન-આઇસીઆઈસીઆઈ કૌભાંડ, દલિતોના આંદોલનની અસર-ભાવિ રાજકીય સ્થિતિ, સંસદની ચાર ટકા કામગીરીનું મૂલ્યાંકન, નાગરિકોની પાણીની હાલાકી, ઇરાકમાંથી ૩૮ મૃતદેહોની વાપસી, ભારતને કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ અપાવતા ઉત્તર-પૂર્વના ટ્રક ડ્રાઇવરના સંતાનની સિદ્ધિ, ભારતના યુવા એન્જિનિયરે વિકસાવેલું ઉપકરણ આવા બધા જ સમાચારો સદંતર દુર્લક્ષ્ય સેવાય છે.

અખબારોની મજા અને દાયિત્વ આવકાર્ય છે. અખબારમાં સલમાન ખાન હેડલાઇન અને તેના ચાર-છ હેડિંગોની આઇટમો હોય પણ શહેર, રાજ્ય, દેશ અને વિશ્વના સમાચારો, વિશ્લેષણ અને તસ્વીરોને પણ સ્થાન મળે છે.

સલમાન ખાન કંઈ રાષ્ટ્રીય મોડેલ કે પ્રાણપ્રશ્ન નથી. છેલ્લે કંઈ ના મળે એટલે સલમાન ખાન જાણે નોબલ પ્રાઇઝ મેળવી આવ્યો હોય તેમ તેના સ્વભાવ, ઉદારતા, ઝિંદાદિલીની પ્રસંશા કરતા ચાહકો અને ફિલ્મી પ્રતિભાવોના નિવેદનો લેવાય છે. એક જાણીતી હિન્દી ચેનલે તો હદ કરી નાંખતા એવી હેડલાઇન બનાવી હતી કે ''હિન્દુ માતા ઔર પિતા મુસલમાન ઇસમે સે જો બનતા હૈ વો હૈ સલમાન ખાન.''

પાકિસ્તાનના ક્રિકેટર શોએબ અખ્તરે તો એટલે સુધી ટ્વિટ કરી કે સલમાન જેવી મુક્તિનો આનંદ કાશ્મીર, પેલેસ્ટાઇન, યમન, અફગાન નાગરિકોને મળે તેવો દિવસ મારી જિંદગીમાં એક વખત મને જોવા મળે તેવી ઇચ્છા ધરાવું છું.

અખ્તર આ હદે કહી જાય અને બોલીવૂડનો એકપણ બંદો તેને જડબાતોડ પ્રત્યુત્તર ના પાઠવે તે આપણી કાયરતા છે. ન્યૂઝ ચેનલોએ ખરેખર તો આફ્રીદી અને અખ્તરની આવી ટ્વિટ સામે ક્રિકેટરો, ફિલ્મ સ્ટારોની કોમેન્ટનો મારો હોવો જોઈએ. ગૌતમ ગંભીર, કોહલી, રૈના અને ધવને આફ્રીદીનો ઉધડો લીધો પણ ભારતીય સેનાની માનદ્ ડિગ્રી અને યુનિફોર્મ પહેરીને પદ્મભૂષણ લેવા ગયેલ  મહેન્દ્રસિંઘ ઘોની કેમ આફ્રીદીની કોમેન્ટ અંગે મૌન છે ?

ભૂતપૂર્વ વીડીયો જોકી અને મોડેલ સોફિયા હયાત ગ્લેમર વર્લ્ડની એકમાત્ર નિડર નીકળી જેણે સોશિયલ મિડિયામાં મૂક્યું કે, ''સલમાન છેલ્લા ૨૦ વર્ષથી જે માનસિક યાતનામાંથી પસાર થઈ રહ્યો છે તે તેના કર્મનું ફળ છે. તેણે માનવો અને પ્રાણીની કેવી કેવી હાય લીધી છે. તે ના ભૂલવું જોઈએ.'' તે ઉમેરે છે કે ''ઘણા એવું માને છે કે બોલીવુડ તેના હાથમાં છે. પણ હું મારા અહમ્ને પોષવા નથી માંગતી. મારે તેની રહેમ નજરની જરૃર નથી એટલે હું તેના માટે નિડરતાથી કહી શકું છું. આજે ભારતમાં કમનસીબે એવી સ્થિતિ છે કે સામાન્ય વ્યક્તિ કોઈ વગદારની સામે પોલીસ કે કોર્ટમાં જતા ડરે છે.'' મેં પણ આ અનુભવેલું છે.

સોફિયા હયાતના આ વિચારોની સલમાનના ચાહકોએ ફિરકી ઉતારી હતી. તેની વાતને કોઇએ સમર્થન ના આપ્યું.

વ્યક્તિ પૂજા, લઘુતાગ્રંથિ અને હું પણ સેલિબ્રીટીને ઓળખું છું. તેને તો મેં વશ કર્યો છે તેવા ડંફાસથી દેશનું અંધપતન થઈ રહ્યું છે. ન્યૂઝ ચેનલ અને મીડિયા આવા રાષ્ટ્રીય હનન જેવા હવનમાં ઘી રેડતા રહી તેને પ્રજ્વલિત રાખે છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments